લડાઈ-ઝઘડા કરવાની અવનવી તરકીબો
ભારતીય જનતા પક્ષની નારાજગી કોંગ્રેસ સાથે છે. નારાજગી એટલી બધી છે કે એ હંમેશાં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો રહે છે. આ સપનું તો સાકાર થતું લાગતું નથી એટલે ભાજપના નેતાઓ કોંગ્રેસની ટીકા કરતાં રહે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ઝઘડો સતત ચાલતો રહે છે અને ચાલતો રહેવાનો છે. મજાની વાત એ છે કે ઝઘડો એ જ છે, પરંતુ એના સ્વરૂપ બદલાતા રહે છે. અવારનવાર આ ઝઘડામાં નવાં ઇનોવેશન્સ આવતા રહે છે. આજે સાંઠ વર્ષ પહેલાની વાતનો ઉલ્લેખ કરીને જો અને તોના તર્ક પર ટીકા કરવી એ ઝઘડાનું બહુ ક્રિયેટિવ સ્વરૂપ ગણાય. કોંગ્રેસ પર પ્રહાર કરવાનો હોય ત્યારે ભાજપના નેતાઓની ક્રિયેટિવિટી બહુ જ ખીલી ઊઠતી હોય છે. કોંગ્રેસ પણ વિરોધ પક્ષ તરીકે ભાજપની તથા કેન્દ્ર સરકારની ટીકા કરતી રહે છે, પરંતુ એની ઝઘડા કરવાની સ્ટાઈલ પરંપરાગત છે અને પ્રમાણમાં હળવી છે. જો કોઈ મણિશંકર મર્યાદા ઓળંગીને બોલે તો રાહુલ ગાંધી એમને ચૂપ કરી દે છે.
ઝઘડા કરવામાં નવી નવી તરકીબો અજમાવવાનો ઈજારો ફક્ત રાજકારણીઓનો જ નથી, સામાન્ય લોકો પણ પોતપોતાની રીતે ઝઘડાના નવા નવા સ્વરૂપો વિકસાવતા રહે છે. પહેલાના સમયમાં તો ફક્ત બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ફક્ત દ્વંદ યુદ્ધ થતાં. એટલે કે બે જ જણા બાથંબાથ લડીને કોઈ વધુ શક્તિશાળી છે એનો ફેંસલો કરી લેતા. ત્યાર પછી મોટા પાયે સામુહિક લડાઈઓ શરૂ થઈ. યુદ્ધ શરૂ થયા. યુદ્ધમાં કેટલાક નીતિનિયમો પાળવામાં આવતા. સાંજ પછી યુદ્ધ બંધ થઈ જતું. નિશસ્ત્ર દુશ્મન પર શસ્ત્ર ન ઊગામવું એવી પણ નીતિ સૌએ સ્વીકારી હતી. આવા શિસ્તબદ્ધ લડાઈ-ઝઘડાનો સમય તો ક્યારનો પૂરો થયો. હવે આધુનિક જમાનામાં તો લોકો અવનવી તરકીબો અજમાવીને લડતા રહે છે. કેટલીક તરકીબો અને એના તરકટ સમજવા જેવા છે.
લડાઈ-ઝઘડાનો પહેલો પ્રકાર છે હૂલબાજીનો.
પહેલાના સમયમાં યુદ્ધ થાય ત્યારે કોઈ થર્ડ પાર્ટી વચ્ચે દરમિયાનગીરી કરીને છોડાવવા નહોતી આવતી. બે સૈનિક સામસામે લડે એટલે બેમાંથી એકે મરવાનું નિશ્ચિત હોય. હવેના સમયમાં લડી રહેલી બે પાર્ટીને છોડાવનારી એક પ્રજાતિ પેદા થઈ છે, કારણ ફક્ત એ કે લડાઈ-ઝઘડાને સારી વાત નથી ગણવામાં આવતી એટલે થર્ડ પાર્ટી વચ્ચે પડીને ઝઘડી રહેલી બે પાર્ટીને છૂટી પાડે, એમને સમજાવે અને એમને વધુ ઝઘડતા અટકાવે. પ્રોબ્લેમ એ છે કે બે વ્યક્તિ ઝઘડી રહી હોય તો એ જોઈને બધાને તકલીફ નથી થતી. ફક્ત અમુક દોઢ ડાહ્યા લોકો જ એમને છૂટા પડાવવાની કોશિશ કરે છે. બાકીનાને તો મફતનો તમાશો જોવાની મજા આવતી હોય છે. છોડાવનારી થર્ડ પાર્ટીની હાજરીને કારણે ઝઘડી રહેલી પાર્ટીઓની માનસિકતા પણ ઘણી બદલાઈ જતી હોય છે. સામાન્ય સંજોગોમાં નબળી વ્યક્તિ સામેથી હાર સ્વીકારીને હરીફના હાથે વધુ માર ન ખાવો પડે એટલે શરણે આવી જતી હોય છે, પરંતુ છોડાવનારી થર્ડ પાર્ટીની હાજરી એમનામાં હિંમત ભરી દે છે. તેઓ એમ વિચારે છે કે ચાલો થોડી હિંમત કરીને ગાળાગાળી કરી લઈએ, અસલી મારામારી થશે ત્યારે છોડાવનારા તો વચ્ચે આવવાના જ છે. આ રીતે એક કાલ્પનિક લડાઈની પહેલા એકબીજાને પડકારો ફેંકવા, ધમકીઓ આપવી, ગાળાગાળી કરવી વગેરે જેવા ઝઘડા માટેના ફોરપ્લેનો તબક્કો આવે છે. ફોરપ્લેના નામ અનુસાર એમાં ઘણો આનંદ છે. લડી રહેલી બે પાર્ટીઓને શૂરાતન ચડે છે અને કોઈ જોખમ વિના તેઓ બહાદૂરી દાખવ્યાનો આનંદ મેળવે છે. આસપાસ જમા થયેલા પ્રેક્ષકો કોઈ ખતરનાક જંગ ખેલાવાની અપેક્ષાએ થ્રિલ અને આનંદ અનુભવે છે. આ પ્રકારની મોટા ભાગની ફેક ફાઈટિંગમાં છોડાવનારા વચ્ચે પડીને મામલો થાળે પાડે છે અને જો કોઈ વચ્ચે ન આવે તો લડી રહેલી બંને પાર્ટી સમજીને પોતાની મેળે જ ઠંડી પડી જાય છે.
લડાઈ ઝઘડા કરવાનો બીજો પ્રકાર છે આક્રમણનો.
અહીં લડાઈ કરનાર વ્યક્તિ પોતાના હરીફ સામે દરેક પ્રકારના આક્રમણનો ઉપયોગ કરે છે. હરીફની કોઈ નાની ભૂલ થઈ જાય કે પોતાને અનુકૂળ ન આવે એવી કોઈ ઘટના બને ત્યારે લડનારી પાર્ટી હરીફ પર સીધુ આક્રમણ કરે છે. દરેક વાતમાં એનો જ વાંક છે એ પ્રકારની દલીલો શરૂ કરે છે, ઊંચા અવાજે બોલવા માંડે છે. જરૂર લાગે ત્યાં અસભ્ય શબ્દોનો પ્રયોગ કરે છે અને હરીફે મોટો ગુનો કર્યો હોય એવો માહોલ ઊભો કરે છે. લગ્નના અમુક વર્ષો પછી પત્નીઓમાં આ પ્રકારના જંગની કાબિલેયત વિશેષરૂપે ખીલતી હોય છે, જેનો ભોગ એના પતિદેવો બનતા હોય છે. લડાઈ-ઝઘડા માટે આક્રમણ શસ્ત્રનો ઉપયોગ કરનારનો ક્યારેય પરાજય નથી થતો, કારણ કે આક્રમણમાં ક્યારેય હાર સ્વીકારવાની નથી હોતી.
આક્રમણ જેવી જ એક તરકીબ છે બચાવ કરવાની.
લડાઈ-ઝઘડાની આ પદ્ધતિમાં મૂળ તો આક્રમણ જ કરવાનું હોય છે, પરંતુ એનો જાહેરમાં સ્વીકાર નથી કરવાનો હતો. સતત આક્રમણ કરતાં રહીને પછી જાહેરમાં એનો બચાવ કરતા રહેવાનું હોય છે. દા. ત. તમારો કોઈ મિત્ર અન્ય લોકોની સામે તમારી ખૂબ નીંદા કરે, તમને નુકસાન થાય એવી હરકતો કરે. તમને જ્યારે ખબર પડે અને તમે એને ધમકાવો ત્યારે એ ફક્ત એટલું જ બોલે કે મેં નથી કર્યું. હું એવું બોલ્યો જ નથી. જો તમે પૂરાવા સાથે એને પકડી પાડો તો એ એવો બચાવ કરે કે મેં એમ કહ્યું હતું, પરંતુ મારો ઈરાદો એવો નહોતો. પોતે જે વાત કરી હતી એને મારીમચડીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે એવો બચાવ પણ કરવામાં આવે. મિત્રો અને સગાવહાલા તો આ કળામાં પારંગત હોય જ છે, રાજકારણીઓ પણ આમાં અવ્વલ નંબરે આવતા હોય છે. બેફામ નિવેદનો કરીને પછી રાજકારણીઓ કહેતા જ હોય છે કે મીડિયાએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.
રિસામણા અને અસહકાર એ લડાઈ-ઝઘડાની બહુ જૂની પદ્ધતિ છે.
ખાસ તો બાળકો અને સ્ત્રીઓને આ તરકીબ વધુ ફાવતી હોય છે. બાળકોને કંઈક જોઈતું હોય ત્યારે બૂમબરાડા પાડીને એની ડિમાન્ડ કરે ત્યારે એ ચીજ એને મળશે જ એની કોઈ ગેરન્ટી નથી હોતી, પરંતુ પછી તેઓ પોતાનું અલ્ટિમેટ વેપન વાપરે ત્યારે એનું કામ લગભગ થઈ જતું હોય છે. બાળકો જમવાનું બંધ કરે અથવા પેરન્ટ્સ સાથે બોલવાનું જ બંધ કરી દે ત્યારે ભલભલા માબાપ પીગળી જતા હોય છે. જો આ છેલ્લીવાર અપાવું છું એમ કહીને એ બાળકની જિદ પૂરી કરવા તૈયાર થઈ જાય છે. લગ્ન પછી સ્ત્રીઓને તો નિયમિતપણે અને સમયાંતરે રિસાવાની ટેવ પડી જતી હોય છે. ઓફિસેથી આવીને પતિને પત્ની સાથે લટુડાપટુડા કરવાનું મન થતું હોય અને એમાં જો પત્નીની કોઈ ડિમાન્ડ પેન્ડીંગ હોય તો પ્રેમાચાર પર પ્રતિબંધ આવી જાય. લાગણીના મીઠાં શરબતમાં પલાળી પલાળીને પતિ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે પત્નીનો જવાબ ફક્ત હા કે ના માં મળે ત્યારે પતિની જિંદગી હરામ થઈ જાય. રિસામણાના જંગ સામે કોઈ પતિ ક્યારેય જીતી શક્યો નથી.
યુદ્ધના નિયમોને તોડીને યુદ્ધ કરવું એટલે ગોરીલા વોર કરવું.
આમાં કાયદેસર સીઝફાયર ચાલતી હોય. એટલે કે બંને પાર્ટી અમુક સમયે કે અમુક સ્થળે યુદ્ધ ન કરવા માટે સહમત થઈ હોય છતાં, એક પાર્ટી ઓચિંતો જ હુમલો કરીને પછી છૂપાઈ જાય ત્યારે એણે ગોરીલા વોરની ટેકનિક અપનાવી ગણાય. આપણી આસપાસ એવા ઘણા સંબંધીઓ અને પરીચીતો હોય છે, જેઓ આપણી હાજરીમાં એવા પ્રેમાળ હોય, એવા લાગણીશીલ બનીને વાત કરે કે આપણને લાગે એમની સાથે થોડા સમય પહેલા થયેલી ગેરસમજણો દૂર થઈ ગઈ છે. હવે બંને વચ્ચે કોઈ ઝઘડનો નથી, પરંતુ થોડા જ સમયમાં તમને ખબર પડે કે એમણે તો અચાનક હુમલો કર્યો. તમે ઊંઘતા ઝડપાઈ જાવ અને ચત્તાપાટ પડી જાવ. આવા ગોરીલા વોરથી બચવાનો કોઈ ઉપાય નથી. આવા માણસોથી તમારે સતત ચેતતા રહેવું પડે અથવા કોઈના પર વિશ્વાસ ન મૂકવો.
છેલ્લા કેટલાક સમયથી ઝઘડાની એક નવી ટેકનિક જોવા મળી છે. દુશ્મનને માત કરવા માટે એની ઈમેજ બગાડી નાંખો.
દુશ્મનની ઇમેજ એવી ખરાબ કરી નાંખો કે એના સંપર્કમાં આવનારા સૌ એને ધિક્કારવા માટે અને તેઓ જ દુશ્મનને અધમૂઓ કરી નાંખે. દા. ત. તમારા કોઈ મિત્ર પ્રત્યે તમને નફરત છે અને તમે એનું ખરાબ ઇચ્છો છો તો તમારા બંને સાથે સંકળાયેલા કોમન લોકોમાં એ મિત્રના ચારિત્ર્યથી માંડીને એની ક્ષમતા તથા માનસિકતા વિશે એવી વાત ફેલાવો કે કોઈ એને નજીક ન આવવા દે. એટલું જ નહીં, એને ખતમ કરવાની કોશિશ કરે. લડાઈની આ તરકીબ કદાચ ઘણી હીન કક્ષાની છે એટલે સામાન્ય લોકો એનો ઉપયોગ ઓછો કરે છે, પરંતુ રાજકારણીઓમાં એનો ઉપયોગ વધ્યો છે. આ લોકો આપણી સંસ્કૃતિના વિરોધી છે, આ લોકો આતંકવાદીઓને સપોર્ટ કરે છે, આ લોકો દેશના ટુકડેટુકડા કરી નાંખશે, આ લોકો દેશદ્રોહી છે. બસ, આવી વાતો લોકોના મનમાં ઘુસાડી દો, પછી તમારે એમની સામે લડવાની જરૂર નહીં પડે. ગેરમાર્ગે દોરાયેલા લોકો જ એમની સાથે લડી લેશે.
પહેલાના સમયમાં જંગ કરનારા મોટા ભાગના લોકો બહાદૂર હતા. લડાઈમાં પોતાનો જાન જાય એની તેઓ ચિંતા નહોતા કરતા. હવેના લોકો કાયર બની ગયા છે. એમને લડવું છે, પરંતુ કંઈ ગુમાવવાની તૈયારી નથી. કોઈ જોખમ નથી લેવું. આવી માનસિકતાને કારણે લડાઈ-ઝઘડાનો એક નવો પ્રકાર વિકસ્યો છેઃ બીજાના ખભા પર બંદુક રાખીને લડાઈ લડવાનો. આ તરકીબમાં માણસ પોતાના દુશ્મન સાથે સીધો જંગ નથી કરતો. એ પોતાના માટે કોઈ યુદ્ધ કરે એવી થર્ડ પાર્ટીને શોધે છે અને પછી એને દુશ્મન સાથે લડવા માટે ઉશ્કેરે છે. ટૂંકમાં એ પોતાના દુશ્મનને બીજા કોઈ સાથે ઝઘડાવી મારે છે. જોકે લડાઈ-ઝઘડાની આ પદ્ધતિ સરળ નથી. એમાં સતત દિમાગ લડાવતા રહેવું પડે. ક્યારેક તો ઈતિહાસનો પણ અભ્યાસ કરવો પડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા નેહરુની ટીકા કરતી વખતે સરદાર વલ્લભભાઇ પટેલને એમની સામે મૂકી દીધા. એમણે કહ્યું કે જો સરદાર દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો કાશ્મીરની સમસ્યા ઊભી થઈ ન હોત. આ રીતે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી. ન તેઓ સરદારની ટીકા કરી શકે કે ન નેહરુનો બચાવ કરી શકે. કોંગ્રેસીઓને આ વખતે સદબુદ્ધિ સૂઝી અને તેઓ જાળમાં ફસાયા નહીં, નહીંતર એકાદ મણિશંકર ઐયરે જો સરદારની ટીકા કરી નાંખી હોત તો વડા પ્રધાનનું કામ થઈ જાત. પછી તો સરદારના ચાહકો અને કોંગ્રેસ વચ્ચે જંગ શરૂ થઈ જાત.
આપણા અંગત જીવનમાં પણ આવા ઘણા નમૂના મળી જાય છે, જેઓ કોઈને કોઈ રીતે આપણને સતત ઉશ્કેરતા રહે છે. કોઈ વાતે આપણી સાથે ખોટું થયું છે, આપણી સાથે અન્યાય થયો છે એ વાત આપણને સતત યાદ અપાવતા રહે, આપણા માટે સહાનુભૂતિ વ્યક્ત કરતાં રહે અને પરોક્ષ રીતે આપણને એ વ્યક્તિ કે સંસ્થા સામે જંગ છેડવા માટે ઉશ્કેરતા રહે. જો આપણે એની જાળમાં ફસાઈએ તો એને પોતાનો લડાઈ-ઝઘડો સાવ મફતમાં પડે. કંઈ જ ગુમાવવાના જોખમ વિના પોતાના દુશ્મન સાથે જંગ લડવાનો એને મોકો મળે.
આથી જ આધુનિક જમાનાના લડવૈયા તરીકે આપણે લડાઈ-ઝઘડની દરેક તરકીબોથી વાકેફ રહેવું જોઈએ, જેથી આપણે કોઈ ખોટી વ્યક્તિ સાથે, ખોટા સમયે અને ખોટા કારણસર ઝઘડી ન બેસીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર