શું કોઇ કોઇને મદદ કરે છે આ જગતમાં?
માણસના સૌથી મોટા દુર્ગુણોની યાદી બનાવવી હોય તો એમાં થેન્કલેસનેસ એટલે કે કૃતઘ્નતાને એકદમ ઉપરના ક્રમમાં મૂકવી પડે. આપણે કોઇના માટે સારી ભાવનાથી કંઇક કામ કર્યું હોય અને એ માણસને એની કદર જ ન હોય તો આપણને બહુ દુઃખ થાય. ગુસ્સો પણ ચડે. આવા માણસને બીજી વાર મદદ કરવાનું મન ન થાય. એને તો શું, બીજા કોઇને મદદ કરવાનું મન પણ ન થાય.
હવે મૂળભૂત પ્રશ્ન એ જાગે કે આપણે ખરેખર સારી ભાવનાથી કોઇને મદદ કરી હોય, કોઇએ ખરેખર સારી ભાવનાથી આપણને મદદ કરી હોય એવા કિસ્સા આજકાલ કેટલા બને છે? તમારી સાથે આવું છેલ્લે ક્યારેય બન્યું હતું? વધુ વિચારશો તો એવું લાગશે કે સાલું આવું તો પહેલાના જમાનામાં બનતું હતું. આજકાલ તો કોઇ કોઇને મદદ કરે એવું બનતું જ નથી. આમ છતાં જો તમે ભોળા હોવ અને તમને લાગતું હોય કે ના ના, ફલાણાભાઇ તો આપણને બહુ હેલ્પફૂલ થયા હતા તો તમે એક બહુ મોટી ગેરસમજણ વિકસાવી રહ્યા છો. આ વિશે સાચી વાત જાણી લેવાની ખાસ જરૂર છે.
આપણે આપણા વિશે જ વિચારીએ કે આપણે ક્યારે કોઇને મદદ કરતા હોઇએ છીએ તો ચિત્ર વધુ સ્પષ્ટ થઇ જાય છે. મદદરૂપ મૂળભૂત રીતે ત્રણ પ્રકારે થવાતું હોય છે.
- નિસ્વાર્થ મદદઃ ઘણી વાર કોઇની સ્થિતિ જોઇને આપણા મનમાં કરુણા ઉપજતી હોય છે અને એને મદદરૂપ થવાનું મન થઇ જાય છે. જેમ કે કોઇ નાનાં બાળકને ભીખ માગતું જોઇને અથવા મજૂરી કરતું જોઇને મનમાં કરુણા ઉપજે. તકલીફમાં આવી પડેલા મિત્ર કે સંબંધીની દયા આવે. પડોશીની નાની બેબી ખોવાઇ ગઇ હોય વગેરે. આવા કિસ્સામાં મદદ કરતાં પહેલા મનમાં સૌથી પહેલો વિચાર એ આવે કે આપણે આમાં કેટલું ઘસાવાનું છે? મનમાં ગમે એટલી દયા ઉપજે તો પણ મદદ કરવા માટેની દરેકની એક સિલિંગ બાંધેલી હોય છે અને આ મર્યાદામાં રહીને મદદ કરવાનું જ આપણને કમ્ફર્ટેબલ લાગતું હોય છે. એટલે કે જે મદદ કરવાનથી આપણને ખાસ તકલીફ ન પડે એવી મદદ કરવામાં આપણે ઝડપથી તૈયાર થઇ જતા હોઇએ છીએ. જેમ કે ભીખ માગી રહેલા બાળકને વડુંપાઉં કે સેન્ડવિચ ખવરાવવામાં આપણને વાંધો ન હોય, પણ જો એ કહે કે મારા ઘર માટે ફેમિલી પેક અપાવો તો આપણે મદદ કરવાનું માંડી વાળીએ. પડોસીને મદદ કરવામાં આપણને વાંધો ન હોય, પોલીસનું લફડું થવાની કોઇ શક્યતા હોય તો આપણે ઘરે તાળું મારીને બહાર ફરવા જતા રહીએ અને એ રીતે મન મનાવી લઇએ કે એમની બેબી મળી જ જશે. ક્યાં જવાની છે? આમ નિસ્વાર્થપણે મદદ કરવામાં એક અદૃશ્ય લિમિટ બંધાયેલી હોય છે અને સૌ કોઇ એ મર્યાદામાં રહીને જ મદદ કરતા હોય છે. જોકે મદદનો આ શ્રેષ્ઠ પ્રકાર છે. ભલે થોડી તો થોડી, પણ નિસ્વાર્થભાવે મદદ કરવી એ બહુ જ સારો ગુણ છે.
- બીજાને મદદ કરવાને બહાને પોતાને મદદઃ મૂળભૂત રીતે કોઇને મદદ કરવાનું ગમતું નથી હોતું. સ્ટાન્ડર્ડ બહાનું એ હોય છે કે હું પોતે જ તકલીફમાં હોઉં છું ત્યારે તને શું મદદ કરું. એક કામ કર, તું મને મદદ કર. આમ છતાં ક્યારેક એવી સ્થિતિ સર્જાતી હોય છે, જેમાં કંઇ જ કર્યા વિના, કોઇ જ ભોગ આપ્યા વિના તમે કોઇને મદદરૂપ થઇ શકો એમ હોય છે. જોકે મોટા ભાગનાની મેન્ટાલિટી એવી હોય છે કે કોઇ પણ પ્રકારનો ભોગ આપ્યા વિના મદદરૂપ થઇ શકાય એમ હોય તો પણ ના પાડી દે. કારણ કે એ જો મદદ કરે તો આપણી સમસ્યાનો ઉકેલ આવી જાય અને આપણી સમસ્યા ઉકેલાઇ જાય તો એના જીવનમાં કોઇ મજા જ ન રહે. તમે રસ્તા પર કોઇને એડ્રેસ પૂછો અને તમારી સામે જોવાની જ ના પાડી દે અને તમારા ગયા પછી તમારી પીઠ તરફ પાંચ મિનિટ સુધી જોતાં રહેનારા લોકોનો આ ક્લાસમાં સમાવેશ થાય છે. બીજા લોકો કેટલાક સ્માર્ટ હોય છે. જરા પણ ઘસાયા વિના મદદરૂપ થઇ શકાતું હોય તો એ તક તેઓ ઝડપી લે છે. તેઓ જાણતા હોય છે આ ભાઇને અત્યારે જો અત્યારે હું એડ્રેસ બતાવીશ તો ભવિષ્યમાં એને હું કોઇક એડ્રેસ પૂછી શકીશ. આ ઉપરાંત બે-ચાર માણસો પાસે એવી શેખી પણ કરી શકાશે કે આ ભાઇને મેં એડ્રેસ બતાવ્યું નહીંતર એ હજુ રસ્તામાં ભટકતો હોત. આવા લોકો મદદ કરતા કરતા પોતાને કેવો અને કેટલો લાભ મળે છે એની પાકી ગણતરી રાખતા હોય છે. તમારું એસી ખરાબ થઇ ગયું હોય અને તમે કોઇ સંબંધીનો પૂછો કે એસી રિપેરિંગનો કોઇ જાણકાર તમારા ધ્યાનમાં છે? એ તરત જ કહેશે અરે, આપણા ઘરનો જ છે. એકદમ વિશ્વાસુ. તમને ખોટો ખર્ચો નહીં કરાવે. તમે ખુશ થઇ જાવ. એસી રિપેર થયા પહેલા જ આ સંબંધીનો આભાર માનવા લાગો. તમારી હાજરીમાં એ એસી રિપેરવાળા ભાઇને ફોન કરે અને કહે કે અમારા ખાસ સંબંધી છે. એકદમ વાજબી ભાવમાં કામ કરી આપવાનું છે. મારું જ કામ છે એમ સમજજે. આવા મદદરૂપ સંબંધીને પગે પડવાનું તમને મન થઇ જાય, પરંતુ તમે એમનાથી દૂર જાવ પછી એ જે કામ કરે એની જો તમને જાણ હોય તો એને લાત મારવાનું તમને મન થાય. કારણ કે તમારા ગયા પછી એ પેલા એસી રિપેરરને ફરી ફોન લગાવશે અને કહેશે કે મારો આ સગો બહુ લપિયો અને કંજૂસ છે. બરોબર કસજે. તારો ચાર્જ ડબલ જ કહેજે, માંડ તને અડધા આપશે. હવે આ સ્માર્ટ સંબંધીએ બંને બાજુ સરસ મજાની ઢોલકી વગાડી દીધી. તમને એમ લાગે કે મારું કામ કરી આપ્યું. એસી રિપેરરને એમ થાય કે મને સારો ગ્રાહક આપ્યો. હવે પેલા એસી રિપેરરના ચાર્જમાં એમનો કટ હોય કે ન હોય એ અલગ વાત છે, પરંતુ એમણે બંને તરફ હાથ તો ઉપર રાખી જ દીધો. ભવિષ્યમાં એને આ કામ આવવાનું જ છે. એના બદલામાં એ તમારી પાસે બીજા ચાર કામ કરાવી લેશે. તમે હજુ એવા ભ્રમમાં હોવ કે એમણે મારું એસી રિપેરીંગનું કામ કરાવી આપ્યું હતું અને પેલા એસી રિપેરિંગવાળાને એમ થાય કે એમના થકી મને કામ મળ્યું, પૈસા મળ્યા. આ જગતમાં મોટા ભાગના મદદકર્તાઓ આવા જ પ્રકારના હોય છે. ખિસ્સામાંથી એક પણ પૈસો આપ્યા વિના કે જાતે બિલકુલ ઘસાયા વિના મદદરૂપ થાય અને બંને પાર્ટીઓ પર હાથ ઉપર રાખે અથવા દલાલી લગાવે.
- મદદનું નેટવિર્કિંગઃ અમારા એક મિત્ર છે. એમને મળીએ ત્યારે તેઓ અચૂકપણે મોબાઇલ પર વાત કરતા હોય. દશેક મિનિટ પછી તમારા માટે એ ફ્રી થાય એટલે પૂછે કે બોલો શું પ્રોબ્લેમ છે? યોગાનુયોગ તમે ખરેખર એ સમયે કોઇક તકલીફનો સામનો કરી રહ્યા હોવ અને તમે એ વિશે બોલવાનું શરૂ કરો કે તરત તમારો પહેલો જ શબ્દ પકડીને પોતાનો મોબાઇલ ઊપાડે. હમણાં મ્યુનિસાપાલિટિમાં ફોન કરું, આપણે ઓળખાણ છે, હમણા ડીસીપીને ફોન કરું, આપણા જ માણસ છે, અત્યારે જ ફલાણા વકીલને ફોન કરું... અને ખરેખર સાહેબ, એ માણસનું નેટવર્ક એટલું પાવરફૂલ છે. તમારું કોઇ પણ કામ હોય, કોઇ પણ સમસ્યા હોય, એ માણસ યોગ્ય જગ્યાએ છેડો અડાડી જ દે. આમાં કોઇ ટીકા કરવાની વાત નથી, પરંતુ આ નેટવર્કિંગ સમજવા જેવી ચીજ છે. બધા માણસો આવું નેટવર્ક ઊભું કરી નથી શકતા. અમુક ખાસ લોકો એવા હોય છે, જેમને દરેક સ્થળે ઓળખાણો હોય છે, દરેક સ્થળે એમને સંબંધો હોય છે. આવા લોકો પણ પોતે બિલકુલ ઘસાતા નથી. પોતાના ખિસ્સાનો એક રૂપિયો પણ કાઢતાં નથી, છતાં એકનું કામ બીજાને, બીજાનું કામ ત્રીજાને અને ત્રીજાનું કામ ચોથાને સોંપીને ગજબનું ગાડું ગબડાવતા જ રહે છે. એમના નેટવર્કિંગમાં આવેલો દરેક માણસ એમના ઉપકારના ભાર તળે દબાયેલો રહે છે એટલે એણે પણ બીજાનું કામ કરી આપવા તૈયાર રહેવું પડતું હોય છે. આ બધામાં સૌથી ઉપર એટલે આપણા નેટવર્ક કિંગ અને બાકીના બધા નાના પ્યાદાં. હવે તમે જ્યારે આ સાહેબની મહેરબાની લો એટલે તમે પણ પ્યાદાં બની ગયા. પછી તમને અડધી રાત્રે પણ જો કોઇ કામ સોંપવામાં આવે તો તમારે કરવું પડે. આમાં કોઇ મોટું જોખમ કે મોટી સમસ્યા નથી, પરંતુ તમે નેટવર્કિંગના પ્યાદાં બન્યા છો એ વાત તમારે સમજી લેવી જોઇએ. નેટવર્કિંગની આખી સિસ્ટમને પણ સમજવી જોઇએ. સૌથી મોટી વાત તો એ કે આ નેટવર્ક કિંગ તમારા માટે ભગવાન છે એવી ગેરસમજણ કે એવા ડરમાંથી બહાર આવી જવું જોઇએ.
તો આ જગતમાં કોણ, કોને, ક્યારે અને શા માટે મદદ કરે છે એ સાચા અર્થમાં સમજવાનું અગત્યનું છે. એમ કરવાથી તમે કોઇના ઉપકારતળે દબાઇ જવાની ગભરામણ નહીં અનુભવો. કોઇના માટે ખોટો અહોભાવ જાગ્યો હોય તો એ દૂર કરી શકશો. સૌથી વધુ મહત્ત્વનું તો તમને મદદ કરવાના બહાને કોઇ તમારો ઉપયોગ કરતું હોય તો એ વાત બરાબર સમજી શકશો. મારી તો એક પોલીસી છે. કોઇની મદદની જરૂર પડે તો એ સીધી રીતે માગુ. પણ જો કોઇ માગ્યા વિના સામેથી મને મદદ કરવાની ઓફર કરે તો એને ચોખ્ખી ના પાડી દઉં. દશમાંથી નવ વાર એવું બને છે કે થોડા સમય પછી એ ભાઇ ફરીથી એ જ ઓફર કરે, પણ વિનંતી સાથે. મદદ કરવાના દાવા સાથે નહીં, મદદ લેવા માટે. આ કામ તમે કરશો? આમાં આપણને બંનેને ફાયદો છે. ધેટ્સ ઇટ. પારસ્પરિક હીતનું કામ કરવાનું હોય તો એમાં કોઇનો હાથ ઉપર રહે એ ન ચાલે. એક ઊંડો શ્વાસ લઇને મુક્તિ અનુભવો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર