શુભેચ્છા નહીં પ્લીઝ, ગિફ્ટ આપો
આપણામાં હંમેશાં દિવાળી અને બેસતા વર્ષની શુભેચ્છાના ડબલ ધમાકા હોય છે. ખરેખર તો દિવાળીનો સમય તહેવારોનું ઝૂમખું હોય છે. ધન તેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ, ભાઇ બીજ બધા તહેવારો એક સાથે. આટઆટલા તહેવારો એકસાથે હોય પછી શુભેચ્છાઓ આપવામાં કમી શેની રહે? અલબત્ત, ધનતેરસ કે કાળી ચૌદસ માટે એકબીજાને શુભેચ્છા આપવાનો રિવાજ નથી, પરંતુ દિવાળી અને બેસતાં વર્ષની કોમ્બો શુભેચ્છાની પ્રથા આપણે બરોબર અપનાવી લીધી છે.
એકબીજાને શુભેચ્છા આપવાનું ખરેખર તો બહુ કૃત્રિમ કામ છે. મને ઘણી વાર એવો વિચાર આવે કે દિવાળી અને બેસતા વર્ષના દિવસો તો બિચારા નિર્દોષપણે આવે છે અને જાય છે, આપણે શા માટે એમને પકડી રાખીએ છીએ? પકડી રાખીએ એટલે આપણે એ દિવસોએ વધુ પડતા એક્ટિવ બનીને, સાજ શણગાર કરીએ, મીઠાઇ ખાઇએ અને સૌથી અગત્યનું તો એકબીજાને શુભેચ્છા આપીએ. હવે આ શુભેચ્છા આપવાનો શો મતલબ છે? શું આપણી શુભેચ્છાથી કોઇની દિવાળી સુધરી શકે? કે પછી કોઇનું આખું નવું વર્ષ સમૃદ્ધ અને સુખમય બની શકે? મને તો કોઇ એવી શુભેચ્છા આપે કે નવા વર્ષમાં તમે સમૃદ્ધિના ઊંચા સોપાન સર કરો ત્યારે મને બગાસું આવે. એના બદલામાં એ શુભેચ્છા રોકડામાં જ માગી લેવાનું મન થાય. જે આપે એ સ્વીકારી લઉં. પાંચ લાખ રૂપિયાની શુભેચ્છા કરતાં પાંચસો રૂપિયા રોકડા લેવાથી મારી સમૃદ્ધિમાં ખરો વધારો થશે એવી સ્પષ્ટતા હૂંફાળા શુભેચ્છક સમક્ષ કરવાનું મન થાય.
જે વાત સગાંવહાલા, મિત્રો અને સ્વજનો નથી સમજી શકતા એ વાત વેપારીઓ અને બિઝનેસમેન સારી રીતે સમજી શકે છે. આથી જ પોતાના ક્લાયન્ટ્સ, કર્મચારીઓ, અન્ય વેપારીઓ, સરકારી અધિકારીઓ વગેરેને તેઓ ફક્ત શુભેચ્છાના કાર્ડ્સ નથી મોકલાવતા. એની સાથે કોઇ નક્કર ગિફ્ટ મોકલે છે. ખરેખર તો આ ગિફ્ટ જ સાચી શુભેચ્છાની નિશાની હોય છે. શુભેચ્છાનું મૂલ્ય પણ ગિફ્ટની કિંમત દ્વારા જ નક્કી થાય છે. કોઇ કાજુકતરી જેવી મોટી શુભેચ્છા આપે તો કોઇ ટપરવેરના ડબ્બા જેવી મિડિયમ શુભેચ્છા આપે. કોઇ વળી બોલપેન જેવી સાવ મામુલી શુભેચ્છા આપે. જોકે એ શુભેચ્છા પણ લોકોને ભારેખમ શબ્દોવાળી ઠાલી શુભેચ્છા કરતા વધુ પસંદ આવે. શાણો માણસ ક્યારેય શુભેચ્છાનાં મોંઘા કાર્ડ્સ પાછળ પૈસા નથી ખર્ચતો, કારણ કે એ કાર્ડ્સમાંનું લખાણ કોઇ વાંચતું જ નથી.
ઘણા વેપારીઓ અને કંપનીઓએ દર દિવાળીએ અનેક લોકોને ગિફ્ટ આપવાની હોય છે એટલે તેઓ ગિફ્ટ માટેની સામૂહિક ખરીદી કરતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી આ સામૂહિક ગિફ્ટ વેચવાનો વિશેષ ધંધો બહુ ખીલ્યો છે. કોઇ પણ પ્રોડક્ટ એની ઉપયોગીતાના કારણસર બનતી હોય છે અને એમાં કસ્ટમરની જરૂરીયાતને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. હવે કેટલાક લોકો તો આખું વર્ષ ખાસ દિવાળીની ગિફ્ટ માટેની પ્રોડ્કટ્સ બનાવતા રહે છે. આ દિવાળીની ગિફ્ટ વેચવામાં જબરું કમિશન અને છેતરપિંડીનું ચક્કર ચાલતું હોય છે. ઓપરેશન વખતે ઘણા ડૉક્ટરો પેશન્ટને પૂછતા હોય છે કે તમારો મેડિક્લેઇમ છે કે? જો પેશન્ટ હા પાડે તો ડોક્ટર દોઢગણો ચાર્જ લગાવે. પેશન્ટ કારણ પૂછે તો કહે તમારે ક્યાં આપવાના છે? આવું જ દિવાળીની ગિફ્ટની બાબતમાં બનતું હોય છે. પરચેઝ મેનેજર કોઇ આઇટમ પસંદ કરે, પોતાના શેઠને બતાવે અને પછી સામૂહિક ધોરણે ખરીદી થાય. પરચેઝ મેનેજર વેપારીને કહે કે અમને ટોપ ક્વોલિટી જ આપજો. લુચ્ચો વેપારી હા તો પાડે, પણ એ સમજતો હોય છે કે આ ગિફ્ટ કંઇ પરચેઝ મેનેજર કે એના શેઠે નથી વાપરવાની. આમાં મજાની વાત એ છે કે ગિફ્ટની ક્વોલિટી નબળી હોય તો કોઇ ફરિયાદ કરવા નથી આવતું. જરા કલ્પના કરો. તમને કોઇએ સરસ મજાનું વોલેટ ગિફ્ટમાં આપ્યું હોય અને એમાં સિલાઇ સહેજ ઉખડેલી દેખાય તો શું તમે ગિફ્ટ આપનારને એ પાછું આપવા જશો? શું એને એમ કહેશો કે આ પીસ ડિફેક્ટિવ છે? મોટા ભાગના લોકોની માનસિકતા એવી હોય કે ગિફ્ટમાં જે મળ્યું છે એ મફતનું જ છે. રાખોને, કામ આવશે. ન ગમે તો બારોબાર બીજા કોઇને આપી દો. ટૂંકમાં, નક્કર, ભૌતિક ગિફ્ટ આપનારની શુભેચ્છા ગિફ્ટ લેનારના ચોપડામાં લખાઇ જાય છે.
જે લોકો ભૌતિક ગિફ્ટ નથી આપતા અને ફક્ત શબ્દો દ્વારા જ પ્રહાર કરે છે એમની સામે પણ ખાસ ફરિયાદ કરવા જેવું નથી. તમારે સમજી જવું જોઇએ કે એમની સાથે તમારો એવો સંબંધ જ નથી. નવા વર્ષ દરમિયાન જો તમે સામી વ્યક્તિને કોઇક રીતે ઉપોયગી નીવડવાના હોવ તો જ તમને નક્કર, ભૌતિક ગિફ્ટ મળે. બાકી ફક્ત શબ્દોની મગજમારી. અમુક લોકો તો મફતમાં ગળે પણ મળશે અને ભેટશે. મીઠું હસશે. બધુ કરશે, પણ ખિસ્સામાંથી એક રૂપિયો નહીં કાઢે. શા માટે કાઢે? તમે પણ ન કાઢો. અન્ય લોકો માટેનું તમારું પોતાનું વલણ પણ એવું જ હોય છે.
દિવાળી સમયે પૂરતી ગિફ્ટ્સ ન મળે ત્યારે અમુક લોકો એવો કકળાટ કરતા હોય છે કે જમાનો બદલાઇ ગયો છે. માણસો બદલાઇ ગયા છે. હવે પહેલા જેવો સમય નથી રહ્યો. હવે લોકો સ્વાર્થી બની ગયા છે વગેરે. આવી ફરિયાદ કરવાનું નિરર્થક છે, કારણ કે જે પરિવર્તન આવ્યું છે અને આવી રહ્યું છે એ અનિવાર્ય છે. દિવાળીની ઉજવણી પહેલા પણ થતી હતી અને આજે પણ થાય છે. છતાં ઘણું બધું બદલાઇ ગયું છે. શું બદલાયું?
સૌથી પહેલું તો પહેલા દિવાળી સમયે બધા એકદમ ફ્રી રહેતા. ધંધાપાણી સાવ બંધ. હવે અનેક લોકો દિવાળીના સમયે પણ પોતાના વ્યવસાય કે નોકરી સંબંધીત કામમાં વ્યસ્ત રહે છે. કેટલાકનો તો ધંધો જ દિવાળી અને બેસતાં વર્ષની ઉજવણી સંબંધીત હોય છે. આવા લોકોને તહેવાર જેવું કંઇ લાગતું નથી એટલે અન્યોને શુભેચ્છા આપવામાં પણ તેઓ મોડા પડે છે અથવા એ સાવ ભૂલી જાય છે. બીજા કેટલાક પરિવારો એવા હોય છે, જેમને પોતાના ઘરમાં કોણ જાણે, કંટાળો જ આવતો હોય છે. આથી શનિરવિની રજામાં એકાદ શુક્રવાર કે સોમવારની જાહેર રજાનો ઉમેરો થઇ જાય તો તરત તેઓ મિની વેકેશન માટે હિલ સ્ટેશને ઉપડી જાય છે. દરેક ચૂંટણી વખતે તેઓ મિની વેકેશન પર જ હોય છે. આવા પરિવારો દિવાળી અને બેસતું વર્ષ પણ રિસોર્ટ્સમાં ઉજવવાનું પસંદ કરે છે. આવા લોકોની માનસિકતા પામીને હિલ સ્ટેશન પરની હોટલવાળા અને રિસોર્ટ્સવાળા પણ હવે પોતાને ત્યાં દિવાળીની ઉજવણીની વ્યવસ્થા કરી આપે છે. ઘણું વિચિત્ર કહેવાય, છતાં આવું બનતું હોય છે.
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે પહેલા તો લોકો નવાં કપડાં પહેરીને, તૈયાર થઇને પોતાના સગાંવ્હાલા, મિત્રો વગેરેના ઘરે જવા નીકળી પડતા. હવે ખાસ શુભેચ્છા આપવા માટે કોઇ કોઇના ઘરે જતું નથી. મોબાઇલ અને એસએમએસના કારણે વાત સરળ બની છે એ તો ખરું જ પણ કોઇનામાં હવે એવો ઉમળકો નથી રહ્યો. મોટા ભાગના પરિવારો તો સિનેમા, મોલ અને ડિનર માટે સાંજે બહાર નીકળી પડે છે. ત્યાં વળી કોઇ સગાં કે મિત્રો મળી જાય તો રૂબરૂ હેપી દિવાળી અને સાલ મુબારક થઇ જાય. બાકી પોતે ભલા અને પોતાનો પરિવાર ભલો.
બસ, આ એક મોટો ફરક પડ્યો છે. આપણા સમાજમાં આ પરિવર્તન આવ્યું છે. શક્ય છે કે પહેલાના સમયમાં ટેન્શન ઓછું રહેતું. દુઃખી માણસો પણ તહેવારોના દિવસોમાં ખુશી અનુભવતા. લોકોનાં દિલોમાં હરખ સમાતો નહોતો એટલે કદાચ તેઓ અન્યોથી સાથે ખુશી શેર કરવા નીકળી પડતા. સાચ્ચા દિલથી ગળે મળતા અને એકબીજાને હ્રદયપૂર્વકની શુભેચ્છા આપતા. એકબીજા માટેની શુભચ્છા આપોઆપ મોઢામાંથી નીકળી પડતી. પણ હવે ઘણું બદલાયું છે. કહેવા માટે તો જગત ગ્લોબલ વિલેજ બન્યું છે, પરંતુ હકીકતમાં માણસની સોચ સંકુચિત બની ગઇ છે.
હવે સુખ અને ખુશી અંગત બનતાં જાય છે. પોતાનું સુખ એ ફક્ત પોતાના પરિવારનું સુખ છે. આથી અન્યો સાથે એ શેર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો અને કોઇને ખરા દિલની શુભેચ્છા આપવાનો ઉમળકો પણ નથી થતો. થોડા સમય પછી સુખ અને ખુશી કદાચ વધુ અંગત બનશે અને માણસ પોતાના પરિવાર સાથે પણ એ શેર નહીં કરે. પારસ્પરિક શુભેચ્છાનો સમય હવે વીતી ગયો છે. હવેનો સમય છે એકબીજા સાથે ફક્ત સ્પર્ધા કરવાનો.
ચાલો આપણે એમાંથી બહાર નીકળવાની થોડી મથામણ કરીએ.
સાલ મુબારક.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર