કોંગ્રેસમુક્ત ભારતઃ સપનું જરા ધૂંધળું છે

23 May, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

તાજેતરની પાંચ રાજ્યોની ચૂંટણીઓના પરિણામો પછી અનેક રાજકીય પંડિતો અને બીજેપીના ભક્તો એવા તારણ કાઢવા માંડ્યા કે હવે કોંગ્રેસનો વીંટો વળી જાય એ દિવસો દૂર નથી. બીજેપીના પ્રમુખ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસમુક્ત ભારતની દિશામાં બે કદમની આગેકૂચ થઇ છે. પણ શું ખરેખર કોંગ્રેસમુક્ત ભારત શક્ય છે? વેલ, યેસ યેસ, નો નો નો.

સૌથી પહેલા તો એ જણાવી દઉં કે હું કોંગ્રેસ પક્ષનો સભ્ય નથી. હું સોનિયા કે રાહુલ ગાંધીનો ભક્ત પણ નથી. નરેન્દ્ર મોદી તથા બીજેપીની કેટલીક વાતો પસંદ નથી અને જે પસંદ છે એ વિશે લખતો હોઉં છું. ફક્ત ટીકાખોરી કે ફક્ત ભક્તિમાં મને રસ નથી. મને જરા અલગ રીતે વિચારવાની ટેવ છે એટલે મારી રીતે વિચારીને કેટલાક મુદ્દા ચર્ચવા માગું છું.

પહેલી વાત તો, કોંગ્રેસ શું છે એ સમજીએ. આઝાદીની લડતમાં કોંગ્રેસે આપેલા યોગદાનને ભૂલી જાવ. એ વાત બહુ જૂની થઇ ગઇ. સ્વતંત્ર ભારતમાં કોંગ્રેસને પ્રજાએ સત્તા પર બેસાડી અને ત્યાર પછી પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ જે આધુનિક ભારતનો પાયો નાંખ્યો એના સારા ફળ આપણે ભોગવી રહ્યા છીએ એ વાત કોંગ્રેસના વિરોધીઓ સરળતાથી નથી સ્વીકારી શકતા, પરંતુ એ હકીકતને નકારી શકાય એમ નથી. જો દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ ન બન્યા હોત તો દેશનું શું થયું હોત એવા હાઇપોથેટિકલ પ્રશ્નનો જવાબ ન મળી શકે, પરંતુ એની કલ્પના થઇ શકે.

આ પ્રશ્નનો જવાબ બીજી એક રીતે મળી શકે છે અને એને તો કોઇ નકારી શકે એમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીઓના પ્રચાર દરમિયાન કરેલા ભાષણોથી માંડીને એમના છેલ્લામાં છેલ્લા ભાષણમાં જે વાતો કહી છે એમાં એક મુદ્દે જબરજસ્ત વિરોધાભાસ જોવા મળે છે અને એમાં જ કોંગ્રેસ શું છે એ વ્યક્ત થઇ જાય છે. નરેન્દ્ર મોદીના ભાષણોમાં બે મુદ્દા કાયમ રહ્યા છે. એક તો એ કે આપણો દેશ કેટલો આધુનિક છે, કેટલો મહાન છે, કેવી કેવી શક્યતાઓથી ભરેલો છે અને વિશ્વભરમાં આપણે કેવા ગૌરવભર્યા સ્થાને પહોંચી ગયા છીએ. મંગળયાન લોંચ કરતી વખતના એમના ભાષણને યાદ કરો. નરેન્દ્ર મોદીના ભાષણોનો બીજો મુદ્દો એ હોય છે કે કોંગ્રેસના છેલ્લા 60 વર્ષના શાસનમાં દેશ પાયમાલ થઇ ગયો. હવે આ બંને કઇ રીતે શક્ય છે? જો દેશ ગૌરવભર્યા સ્થાને પહોંચ્યો છે તો કામ કોણે કર્યું? 60 વર્ષમાં જો વિકાસ નથી થયો તો પછી આપણી હાલત સોમાલિયા જેવી કેમ નથી? આ વિરોધાભાસ અરુણ જેટલી અને સુબ્રમણિયન સ્વામીના બે વિરોધાભાસી દાવા જેવી જ છે. જેટલી કહે છે કે ઉદ્યોગો ધમધોકાર ચાલે છે અને અર્થતંત્ર તંદુરસ્ત છે, જ્યારે સ્વામી કહે છે કે ઉદ્યોગો પડી ભાંગ્યા છે. કઇ વાત સાચી? નરેન્દ્ર મોદીની પણ કઇ વાત સાચી માનવી?

મૂળ વાત એ છે કે જો ફક્ત વિકાસની વાત કરીએ તો કોંગ્રેસનાં 60 વર્ષના શાસન દરમિયાન જે કંઇ વિકાસ થયો છે એ સામે બહુ મોટી ફરિયાદ કરવા જેવું નથી. એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસે કોઇ ભૂલો નથી કરી અને હંમેશાં સુશાસન જ કર્યું છે. કોંગ્રેસે ઘણી ભૂલો કરી છે. છેલ્લા વીસ વર્ષમાં તો ડગલે ને પગલે ભૂલો કરી છે, ગુના કહી શકાય એવી ભૂલો કરી છે. પરંતુ એ દરેકને અલગ અલગ રીતે મૂલવવાની જરૂર છે.

ભ્રષ્ટાચારની વાત કરીએ તો એ કંઇ ભારતીય રાજકારણમાં બહુ મોટો મુદ્દો નથી રહ્યો. તામીલનાડુમાં ડીએમકે અને એઆઇડીએમકે બંને ભ્રષ્ટાચારમાં ખદબદતા પક્ષો છે, છતાં પ્રજા દાયકાઓથી એ બે પક્ષોને જ વારાફરતી સત્તા પર બેસાડતી આવી છે. પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા વગેરે જેવા કેટલાય રાજ્યોમાં ભ્રષ્ટ નેતાઓને પ્રજાએ ક્યારેય બહુ મોટી સજા નથી કરી. હા, દિલ્હીમાં ભ્રષ્ટાચારવિરોધી વિકલ્પ મળ્યો તો એને તક આપી, છતાં કોંગ્રેસની પડતીનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર નથી.

વારસાગત રાજકારણના મુદ્દે ગાંધી પરિવારની ટીકા થાય છે, પરંતુ આ ટીકા ફક્ત રાજકારણીઓ કરે છે અને એમાંય અનેક રાજકારણીઓ પાછા આ જ પ્રથાને વરેલા છે. પ્રજાને ગાંધી પરિવાર સામે એવી કોઇ સૂગ હોય એવું નથી લાગતું. બ્રિટનના રાજવી પરિવારના સભ્યો જેવો કરિશ્મા આપણા ગાંધી પરિવારના સભ્યો આજે પણ ધરાવે છે. આથી આ મુદ્દો પણ કોંગ્રેસની વિરુદ્ધમાં નથી.

વિવિધ રાજ્યોમાં સ્થાનિક નેતાગીરી નબળી પડી છે એવું કહી શકાય, પરંતુ કોંગ્રેસનું સંચાલન દિલ્હીથી વધુ થાય છે એટલે એ મુદ્દો પણ બહુ મોટો નથી. બીજા કેટલાક નાના મુદ્દાની ચર્ચા કરવાની જરૂર નથી.

કોંગ્રેસની સૌથી મોટી ભૂલ, સૌથી મોટો ગુનો એની વોટબેન્કના રાજકારણની નીતિને લગતો છે. આ સમસ્યા કંઈ છેલ્લા બેચાર વર્ષની નથી. દાયકાઓથી આ પરંપરાને કોંગ્રેસે પંપાળી છે અને જાળવી રાખી છે. આના લીધે કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે એના વિશે ક્યારેય કોંગ્રેસે આત્મમંથન નથી કર્યું. સમસ્યા વધતી ગઇ અને બાજી બગડતી ગઇ. શું છે આ વોટબેન્કનું રાજકારણ?

એકદમ સરળ રીતે સમજવાની કોશિશ કરીએ તો લોકશાહીમાં બહુમત મેળવવા માટે રાજકીય પક્ષો જે વ્યૂહ કરતા હોય છે એમાંનો એક વ્યૂહ આ વોટબેન્કનું પોલિટિક્સ છે. દાખલા તરીકે એક ચૂંટણીનો વિચાર કરીએ. મતદાનક્ષેત્રમાં સમજો કે દશ મતદારો છે, જેમાંના છ મત બહુમતીના છે અને ચાર મત મુસ્લીમોના કે બીજી કોઇ લઘુમતીના છે. હવે બહુમતીના છ મતદારો થોડા ઉદાસીન છે અને એમાના ચાર જ મતદાન કરે છે. આમાંના બે કે ત્રણ કોંગ્રેસને મત આપવાના છે, જ્યારે લઘુમતીના ચારમાંથી ત્રણેક મતદાર મતદાન કરશે. આમ ચૂંટણીમાં બહુમત મેળવવા માટે કુલ પાંચ મતોની આવશ્યકતા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે એક તબક્કે એમ વિચાર્યું કે બહુમતીના બે કે ત્રણ મત તો આપણને મળવાના જ છે, પણ લઘુમતીના ચારેય મત મળે તો જીત એકદમ સુરક્ષિત બની જાય. આથી કોંગ્રેસે લઘુમતીના ચારેય મત મળે એ માટેના પ્રયાસો કર્યા. એમને ખુશ કરવાની કોશિશ કરી, એમની આળપંપાળ શરૂ કરી. એમની ગેરવાજબી માગણીઓ માન્ય રાખી. આ રીતે લઘુમતીના ચારેય મતદારો મતદાન કરે, પોતાની તરફેણમાં મતદાન કરે એવા પ્રયાસો કર્યા. આ ગણિત સફળ થયું અને સારો એવો સમય ચાલ્યું, પરંતુ પછી એ વ્યૂહ ખુલ્લો પડી ગયો. એની પાછળની પોલંપોલ બહાર આવી ગઇ. હવે એવું બને છે કે બહુમતી અને લઘુમતીનો માંડ એકાદ મત કોંગ્રેસને મળે છે.

કોંગ્રેસે એ સમજવાની જરૂર છે કે વોટબેન્કના રાજકારણને પરિણામે બે અનિવાર્ય ઘટનાઓ બની હતી.

એક, વોટબેન્કના રાજકારણની સામે ધ્રુવીકરણનું રાજકારણ શરૂ થયું. જે બહુમતી ઉદાસિન રહેતી હતી એને જમણેરીઓએ ઉશ્કેરી. લઘુમતીઓની ખોટી રીતે થઇ રહેલી આળપંપાળ વિશેનો પ્રચાર શરૂ થયો, જેમાં ઘણું તથ્ય હતું. જે બહુમતીએ ક્યારેય જમણેરી તત્ત્વો પર વિશ્વાસ નહોતો કર્યો એમને મનાવવામાં આ ધ્રુવીકરણની પ્રક્રીયા સફળ થઇ. બહુમતીનો એક મોટો વર્ગ કોંગ્રેસથી નારાજ થવા માંડ્યો.

બીજી તરફ કોંગ્રેસ જેની આળપંપાળ કરતી હતી એ લઘુમતીને પણ આ વોટબેન્કનું રાજકારણ સમજાયું અને એને લાગ્યું કે આપણો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. લઘુમતીની સમસ્યાઓ હલ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી. એમને સુરક્ષા આપવાની બાહેંધરી બોદી પૂરવાર થઇ. બાબરીધ્વંશ જેવી ઘટનાઓ બની. લઘુમતી ખોટા ભ્રમમાંથી બહાર આવી ગઇ. ચૂંટણીની આગલી સંધ્યાએ સોનિયા ગાંધી જામા મસ્જિદના ઇમામ બુખારીને મળવા જાય એ ઘટનાથી કોંગ્રેસને જેટલું નુકસાન થયું એટલું નુકસાન કદાચ બીજી કોઇ એક ઘટનાથી નહીં થયું હોય. આવી ઘટનાથી બહુમતી જ નહીં, લઘુમતી કોમના પ્રગતિવાદી સભ્યો પણ નારાજ થઇ ગયા. એક ઝાટકે તમે બધા જ વર્ગોને નારાજ કરી નાંખો એ વળી કયો વ્યૂહ?

પાંચ રાજ્યોની ચૂંટણીઓના જાહેર થયેલા પરીણામોમાં સૌથી મહત્ત્વનું, સૌથી ઐતિહાસિક પરિણામ કદાચ આસામનું છે. આસામે કોંગ્રેસે સામે અરીસો ધર્યો છે. વોટબેન્કના રાજકરણને તિલાંજલી આપવા માટેની છેલ્લી વોર્નિંગ આપી છે. બંગલાદેશી શરણાર્થીઓ બાબતે સ્થાનિક પ્રજામાં કેટલો રોષ હતો એનો અંદાજ કોંગ્રેસને ક્યારેય ન આવ્યો. હકીકતમાં કોંગ્રેસના વોટબેન્કના રાજકારણની નિષ્ફળતાની આ પરાકાષ્ટા છે. કોંગ્રેસના વોટબેન્કના રાજકારણને કારણે પેદા થયેલા બીજેપીના ધ્રુવીકરણના રાજકારણને મળેલી સફળતાનો આ ઉત્તમ નમૂનો છે.

કોંગ્રેસ માટે હજુ ગેમ ઓવર નથી થઇ. જરૂર છે ફક્ત સાચા આત્મમંથનની. બીજેપી પણ એક સમયે લોકસભામાં ફક્ત બે બેઠકોના સ્તરે પહોંચી ગઇ હતી. કોંગ્રેસે પણ ઘણા ઊતાર ચઢાવ જોયા છે. બીજું, 2014ની લોકસભાની ચૂંટણીઓ તથા એના થોડા સમય સુધી નરેન્દ્ર મોદીનો જે કરિશ્મા છવાયેલો હતો એ હવે ઝાંખો પડતો જાય છે. જો ખરેખર એ કરિશ્મા ટકી રહ્યો હોત તો દિલ્હી અને બિહારમાં હાર ન થઇ હોત, પશ્ચિમ બંગાળમાં આટલા ધમપછાડા પછી ઘણો વધુ સારો દેખાવ કર્યો હોત. વડા પ્રધાન આટલા કરિશ્માવાળા હોય તો કેરળમાં એમના પક્ષની હાલત આટલી ખરાબ ઈઇ રીતે થઇ શકે? પાંચ રાજ્યોની ચૂંટણીઓના પરિણામો કોઇ પણ એંગલથી નરેન્દ્ર મોદી કે બીજેપીની લોકપ્રિયતા નથી દર્શાવતા.

કોંગ્રેસ માટે હજુ પણ સ્કોપ છે. પણ એ માટે દેશના તમામ વર્ગોને સ્વીકાર્ય હોય એવા રાષ્ટ્રીય પક્ષ તરીકેની વિશ્વસનીયતા ફરી પ્રાપ્ત કરવી પડે. પારદર્શિતા અને ઇમાનદારી દાખવવી પડે. જો કોંગ્રેસ વોટબેન્કના રાજકારણ પર પૂર્ણવિરામ મૂકી દે તો બીજેપીને ધ્રુવીકરણના રાજકારણમાં લાંબા ગાળે સફળતા નહીં મળે. પછી જંગ થશે ફક્ત વિકાસના મુદ્દે. અને વિકાસના મુદ્દે કોંગ્રેસ બીજેપીને જરૂર પછડાટ આપી શકશે, કારણ બીજેપી પાસે ખરેખર બાહોશ કહી શકાય એવા વહીવટકર્તા રાજકારણી બેચાર છે, જ્યારે કોંગ્રેસ પાસે એનો તોટો નથી. કોંગ્રેસ માટે મંજિલ ઘણી દૂર છે, પરંતુ બીજેપીનું કોંગ્રેસમુક્ત ભારતનું સપનું જરા ધૂંધળુ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.