હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ
ગુજરાતી ભાષામાં લખાતી ગઝલો, કવિતાઓ અને શાયરીઓ વાંચીને ક્યારેક ભયંકર ચિંતન કરવાનું મન થઈ જાય છે. આવી કવિતા અને શાયરીઓમાં બે કે ત્રણ મુખ્ય થિમ્સ હોય છે. આમાંની એક થિમ છે દોસ્તીમાં થયેલા દગાની. કવિ કે ગઝલકાર હંમેશાં એક ભલો, ભોળો અને સજ્જન હોય છે, પરંતુ એને એક દોસ્ત એવો મળી ગયો કે, એના નાજુક હ્રદયને ચોટ પહોંચી અને એણે કવિતા કે ગઝલ ઘસડી નાંખી!
આવું શા માટે બનતું હશે એવો વિચાર પહેલા મને બહુ આવતો. પહેલા તો થયું કે કવિ કે ગઝલકારોને ગમે એ થાય, આપણે શું? પણ પછી તો નોર્મલ માણસોની વાતચીતમાં પણ અવારનવાર આ થિમ સાંભળવા મળી. આનો અર્થ એ થયો કે મોટા ભાગના માણસોને દગો મળતો હોય છે. સરેરાશ પકડીએ તો દર ત્રીજો માણસ પોતાની સાથે દગો થયાની ફરિયાદ કરતો હોય છે. તો પછી દગો કરે છે કોણ? આ સમજવા માટે વાતને જરા ઊલટી કરી નાંખવી પડે. એટલે એમ વિચારવું પડે કે દર ત્રીજો માણસ અન્ય કોઈ સાથે દગો કરે છે. યસ, આમાં તમારો અને મારો પણ સમાવેશ થઈ ગયો. આપણે જ્યારે કોઈ નિર્ણય લેતી વખતે એમ વિચારીએ કે ક્યાં સુધી સહન કર્યાં કરવાનું? મારે મારી લાઈફ વિશે પણ વિચારવું જોઈએ, જેવા સાથે તેવા, બહુ જતું કર્યું હવે નહીં, આપણી પાસે કંઈ ધનના ભંડારો નથી પડ્યા વગેરે... આ દરેક જસ્ટિફિકેશન કંઈક ખોટું કર્યાની ચાડી ફૂંકે છે. આવા જસ્ટિફિકેશન સાથેનો આપણો નિર્ણય સામી વ્યક્તિને દગો લાગે છે. સિમ્પલ. તો શું ખરેખર આપણે સૌ દગાખોર છીએ?
કેટલાક પ્રોબ્લેમ્સ આપણે જાણીજોઈને ઊભા કરીએ છીએ. અન્ય લોકો દગો કરે તો વધુ દુઃખ નથી લાગતું, પણ દોસ્તો જ્યારે દગો કરે ત્યારે વધુ પડતું લાગી આવે છે અને એ વિશે કવિતા કે ગઝલ લખવાનું પણ મન થઈ જાય છે. શા માટે આવું બને છે? આનું કારણ છે દોસ્તી વિશે પ્રવર્તતી કેટલીક ગેરસમજણો. આમ તો દોસ્તીનું ફલક બહુ મોટું છે, પણ હું એના કેટલાક પાસાં અને પ્રકારમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને જરા અલગ રીતે સમજવાની ટ્રાય કરીશ.
આર્ટ ફિલ્મોના ભલે આપણે ગમે એવા મોટા ચાહક હોઇએ, પણ યુવાવયમાં જોયેલી કમર્શિયલ ફિલ્મોને લીધે મનમાં કેટલાક ખોટાં મૂલ્યો હંમેશાં ઘૂસી જાય છે. હિન્દી ફિલ્મોના જબરદસ્ત પ્રભાવમાંથી આપણા પિતાશ્રી પણ છટકી નહોતા શક્યા અને આપણે પણ નથી બચી શક્યા. હિન્દી ફિલ્મોની આદર્શ દોસ્તી રિયલ લાઈફમાં ક્યાંય દેખાતી નથી. હિન્દી ફિલ્મોમાં ક્યારેક દોસ્તીનું હાસ્યાસ્પદ ચિત્રાંકન થતું હોય છે. ફિલ્મોના બે મિત્રો ક્યારેક એવી શારિરીક ચેષ્ટા કરતા હોય છે કે બંને ગે હોય એવું લાગે. ફિલ્મી દોસ્ત સગા ભાઈ કરતાં પણ વધુ લાગણીશીલ હોય એવું આપણા મનમાં ઠસાવવામાં આવે છે, પરંતુ રિયલ લાઈફમાં ભાગ્યે જ એવા દોસ્તો મળતા હોય છે.
'શોલે' ફિલ્મના જય અને વીરુની દોસ્તી દંતકથા બની ગઈ છે, પણ રિયલ લાઈફમાં આવી દોસ્તી શક્ય નથી. આનું મુખ્ય કારણ એ કે બંને એક જ વ્યવસાયમાં છે. બે ગુંડાઓ વચ્ચે દોસ્તી સંભવ નથી. એમ તો બે પત્રકારો કે બે લેખકો વચ્ચે પણ દોસ્તી સંભવ નથી. બંને વચ્ચે સાંઠગાંઠ અને વ્યાવસાયિક સમજૂતિ હોઈ શકે, પણ દોસ્તી સંભવ નથી. એક જ વ્યવસાયમાં ક્યારેય કોઈ સાચી કે સારી દોસ્તીની અપેક્ષા ન રાખવી. એક જ વ્યવસાયમાં તમારે કોઈની સાથે ગમે એવી પાકી દોસ્તી થાય તો પણ ક્યારેક તો એકબીજાના હિતો ટકરાવાના જ છે. હિતો ન ટકરાય તો પણ એક જ વ્યવસાયમાં ઈર્ષ્યાનો ભોગ તો સૌએ બનવાનું જ છે.
યાદ કરો કોઈક સફળતા મેળવ્યા પછી તમારા વ્યવસાયના કયા દોસ્તની આંખમાં તમે ખરેખરી ખુશી જોઈ? જો તમે એવી ખુશી જોઇ હશે તો તમારો એ દોસ્ત સારો એક્ટર હશે. અરે ફેસબુક પર પણ તમારા વ્યવસાયનો ખાસ દોસ્ત છૂપી રીતે તમારી ટાઈમલાઈન પર આવીને તમારી પોસ્ટને કેટલી લાઇક્સ મળી છે એ ચેક કરીને જતો રહેશે, પણ તમને લાઈક નહીં કરે.
હા, અગાઉ કહ્યું એમ એક જ વ્યવસાયમાં સમાન હિતોને સાચવી લેવાની સાંઠગાંઠ કે સમજૂતી હોઈ શકે. બંનેએ ભેગાં થઈને કોઈ ત્રીજાનો ઢાળી દેવાનો હોય કે એનો લાભ લેવાનો હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બે ડોક્ટરો કે બે વકીલો વચ્ચે આવા અનૈતિક સાંઠગાંઠના સંબંધ હોઈ શકે, પારસ્પરિક સમજૂતી હોઇ શકે, પણ દોસ્તી? ભૂલી જાવ. એક જ વ્યવસાયમાં થયેલી દોસ્તીનો ભ્રમ જેટલી વધુ વાર ભાંગે છે એટલો બીજા પ્રકારની દોસ્તીમાં નથી ભાંગતો. એક જ ધંધામાં કે વ્યવસાયમાં થયેલી દગાખોરીની અઢળક દાસ્તાનો તમને ગમે ત્યારે સાંભળવા મળશે.
વિજાતીય પાત્રો વચ્ચેની દોસ્તી પણ એક મોટો કોયડો છે. બે વિજાતીય પાત્રો વચ્ચે દોસ્તી સંભવ નથી એવું કહો તો તમે પછાત લાગો. પણ હકીકત એ છે કે બે વિજાતીય પાત્રો વચ્ચેની દોસ્તીમાં વિજાતીય આકર્ષણનો અંડરકરન્ટ હંમેશાં રહેવાનો જ. આપણે ત્યાં પ્રોફેસર અને પીએચડીની સ્ટુડન્ટ વચ્ચેના સંબંધ બહુ ફેમસ છે. એવું નથી હોતું કે વિજાતીય પાત્રો વચ્ચેના બધા સંબંધોમાં ગરબડ હોય છે, પરંતુ સત્ય એ છે કે આવા સંબંધો આખરે તો એના લોજિકલ એન્ડ તરફ જ એટલે કે સેક્સ તરફ જ ગતિ કરતા રહે છે. બાકી સૌમ્યતાપૂર્વક જેટલું ચાલે એટલું ચાલે.
આમાં જોકે કેટલાક અપવાદ હોય છે. કોલેજમાં તમારું જે ગ્રુપ હોય અને એમાં જે છોકરા છોકરીઓનો શંભુમેળો હોય એમાં બધુ લગભગ નીટ એન્ડ ક્લીન હોય છે. આવા ગ્રુપના છોકરા-છોકરીઓ એકલદોકલ મળતા નથી, લગભગ બધાની સાથે જ મળતા હોય છે. ગ્રુપની કોમન એક્ટિવિટી મોજમજા કરવાની હોય છે અને કોઈ એકબીજાની અંગત વાતોમાં વધુ ચંચુપાત નથી કરતું હોતું. ફક્ત આવા ગ્રુપમાં જાતીયતાનો ભેદ ભૂલાઈ જતો હોય છે. બાકી તો માનેલી બહેનો, ભાભીઓ તથા ‘કેરીંગ સર’નું સાયન્સ અલગ છે.
દોસ્તીનું એક પરમ સત્ય એ છે કે એમાં ક્લાસ સુપ્રીમ છે. એટલે કે અમીર અને ગરીબ વચ્ચે ખરી દોસ્તી સંભવ નથી અને થાય તો એ લાંબો સમય ટકી નથી શકતી. હા, ક્યારેક કોઈ અમીર યુવાનને કોઈ ગરીબ યુવાનની કોઇ બાબતોથી ઈમ્પ્રેશ થઇ જાય અને બંને વચ્ચે દોસ્તી જેવો સંબંધ બંધાય, પણ એમાં દોસ્તી જેવું કંઈ હોતું નથી. આ સંબંધો બહુ જ ઉપરછલ્લા હોય છે અને ડગલે ને પગલે એની ઔપચારિકતા સંબંધને ગૂંગળાવી નાંખે છે.
વર્ષો જૂના દોસ્તોમાં પણ જો એક દોસ્ત પાસે અચાનક વધુ પૈસા આવી જાય તો વહેલો મોડો એ અમીરોની સાથે ઊઠબેસ કરતો થઈ જશે. જૂના દોસ્તોને એ સાવ નહીં ભૂલે, પણ એમને એ સાઈડમાં રાખી દેશે. અગાઉ જે દોસ્તી હતી એ તો રહેશે જ નહીં. જો અમીર બની ગયેલો દોસ્ત જૂના દોસ્તોથી દૂર નહીં જાય તો જૂના દોસ્તો દૂર ભાગી જશે, કારણ કે એ અમીર દોસ્તમાં એમને પોતાની નિષ્ફળતાનું પ્રતિબિંબ દેખાશે. કૃષ્ણ અને સુદામાની દોસ્તી ફક્ત વન ટાઈમ હેલ્પની હતી.
અમીર અને ગરીબ વચ્ચેની દોસ્તી જો વધુ સમય ટકે તોતો વધુ મોટી કરુણા સર્જાય છે, કારણ કે જે ક્લાસ ડિફરન્સ છે એનો પ્રભાવ તો રહેવાનો જ છે. દોસ્તની વાણીમાં એ કદાચ ન પ્રગટે અને વર્તનમાં પણ કદાચ એ જણાય, છતાં પારસ્પરિક સમજણમાં એ વાત ઊંડે ઊંડે એવી ઠસી જાય છે કે કોનું સ્થાન ક્યાં છે. મેં આવા અનેક દોસ્તો જોયા છે. એક ગરીબ અને એક અમીર. બંને જણા પાકા દોસ્તો હોય એ રીતે જ વાતો કરે. ગરીબ દોસ્ત અમીર દોસ્તને તુંકારે પણ બોલાવતો હોય અને ક્યારેક એની મજાક પણ કરી લેતો હોય, છતાં વહેવારમાં બંને વચ્ચેનો સંબંધ રીતસર શેઠ અને નોકર વચ્ચેનો હોય એવો હોય. ગરીબ દોસ્ત અમીર દોસ્તના નાનાં મોટાં કામ કરતો હોય, એના પરિવારના સભ્યોને માનપૂર્વક બોલાવતો હોય, પણ સામે પક્ષે અમીર દોસ્ત ફક્ત અમીરની જેમ જ વર્તતો હોય. મને આ પ્રકારની દોસ્તી બહુ જ દયનીય લાગે છે અને આવા સંબંધો જોઉં ત્યારે આંખ ભીની થઈ જાય છે. હું મનોમન ઈચ્છું કે આવી દોસ્તી નિભાવવી પડે એવા સંજોગો જિંદગીમાં ક્યારેય ન આવે. અમીર દોસ્ત તરીકે કે ગરીબ દોસ્ત તરીકે.
તો શું સાચી દોસ્તી શક્ય જ નથી? શું દોસ્તી હંમેશાં માટે ટકી જ ન શકે? સાચા પ્રેમની જેમ દોસ્તી પણ અનેક કસોટીઓમાંથી પસાર થાય એ પછી જ પરિપક્વ અને દૃઢ બને છે. દોસ્તીની સારામાં સારી અવસ્થા કઈ? બચપણના કે કોલેજકાળના દોસ્તો લગ્ન પછી પણ દોસ્તી ટકાવી રાખે, એકબીજાના પરિવાર હળીમળી જાય, પત્નીઓ અને બાળકો વચ્ચે સંબંધ વિકસે તો એ દોસ્તી જિંદગીભર સલામત રહેવાની ગેરન્ટી છે.
બાકી તો ફ્રેન્ડશીપ ડે આવે ત્યારે જાણીતા ચહેરાના હાથ પર રિબન બાંધવામાં કોઈ નુકસાન નથી હોતું. ગૂડલક.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર