ફેસબુક અને સ્ત્રીમિત્રોઃ સબ સલામત હૈ

20 Feb, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: mamamia.com.au

છેલ્લા કેટલાક સમયથી ફેસબુકમાં નાનાં મોટા સ્કેન્ડલો બહાર આવતા રહે છે. આમાં મુખ્ય તો કોઇ પુરુષમિત્રે કોઇ સ્ત્રીમિત્રના ઇનબોક્સમાં જઇને પ્રેમભરી, ઘેલી વાતો કરી હોય, એને પટાવવાની કોશિષ કરી હોય અને સ્ત્રીમિત્રે એ વાતચીતનો સ્ક્રીન શોટ લઇને એ જાહેર કરી દીધો હોય એવું વધુ બને છે. આમાંય પુરુષમિત્ર જો મોટી ઉંમરના હોય તો એ વધુ બદનામ થાય છે. હવે તો ફેસબુકના સ્કેન્ડલ છાપે પણ ચગે છે એટલે બદનામીને ચાર કાળા ચાંદ લાગી જાય. આ પ્રકારની ઘટના લગભગ એક જ ઘરેડમાં બને છે અને એમાં જાણે પુરુષ એકતરફી લટ્ટુ હોય એવી છાપ ઉપસે છે. શું ખરેખર ફેસબુકમાં પુરુષો મવાલીગીરી અને રોમિયોગીરી કરતા હોય છે? શું ફેસબુકમાં સ્ત્રીઓ અસલામત છે?

સૌથી પહેલા તો તમે ફેસબુકમાં એકાઉન્ટ શરૂ કરો ત્યારે તમને સ્પષ્ટપણે પૂછવામાં આવે છે કે તમને કોનામાં રસ છે? સ્ત્રીઓમાં? પુરુઓમાં? કે બંનેમાં? મેં કેટલાક કિસ્સા ચેક કર્યા તો જાણકારી મળી કે ફેસબુક પરના મોટા ભાગના એકાઉન્ટ હોલ્ડર્સ સ્ત્રી અને પુરુષ બંનેમાં રસ ધરાવતા હોવાનો વિકલ્પ પસંદ કરે છે. આમ ફક્ત પુરુષો જ સ્ત્રીમાં રસ ધરાવતા હોય છે એવું નથી. સ્ત્રીઓ પણ પુરુષમિત્રોમાં, એમની સાથે કમ્યુનિકેટ કરવામાં રસ ધરાવતી હોય છે. કોઇને એસએનડીટીમાં ભણવું નથી. જોકે એનો અર્થ એ જરાય નથી કે સ્ત્રીઓને બધા પુરુષમિત્રો સાથે ગાઢ દોસ્તી કરવામાં કે અફેર કરવામાં રસ હોય છે. આ તો હજુ શરૂઆત છે.

સ્ત્રીમિત્રો ફેસબુકમાં પ્રવેશે ત્યારે એલિસ ઇન ધ વન્ડરલેન્ડમાં પ્રવેશતી હોય એવો રોમાંચ અનુભવે છે. અહીં એને એક સલામત પ્લેટફોર્મ મળે છે, જ્યાં એ પુરુષો સાથે ઇચ્છે એટલી ઔપચારિકતા કે ઘનિષ્ટતા રાખી શકે છે. બધુ જ એના કન્ટ્રોલમાં હોય છે. સ્ત્રીઓ રિયલ લાઇફમાં પુરુષોની દુનિયા વિશે જે કૌતુક અનુભવતી હોય છે અને જેમાં આગળ વધવાની હિંમત નથી કરી શકતી એ હિંમત એને ફેસબુકના સલામત માહોલમાં મળી જાય છે. પહેલાની ઘણી ફિલ્મોમાં એક દૃશ્ય બહુ કોમન હતું. લગ્નનો પ્રસંગ હોય અને જાન આવે ત્યારે કન્યાપક્ષની કુંવારી છોકરીઓ ખીલખીલ હસીને બારીમાંથી જાનમાં આવેલા યુવાનોને છૂપાઇને જોઇ લેતી હોય. એમના વિશે અંદરોઅંદર વાતો કરતી હોય અને પછી ફરી ખીલખીલ હસવા લાગે. યુવાનો બહાર ખુલ્લામાં હોય અને છોકરીઓ રૂમની અંદર સલામત હોય. ફેસબુક પણ સ્ત્રીઓને આવી જ એક બારી પૂરી પાડે છે. જેટલું જોવું હોય એટલું જોવાનું, ગમતું હોય એ ગમાડવાનું અને મનોમન ખુશ થવું હોય તો ખુશ પણ થવાનું.

ફૂસબુકમાં પ્રવેશ્યા પછી મોટા ભાગની સ્ત્રી શરૂઆતમાં નિષ્ક્રિય રહીને ફેસબુકના કમ્યુનિકેશનને માણતી હોય છે. કોણ કેવી પોસ્ટ મૂકે છે, એના પર કોણ લાઇક કરે છે, કોણ કેવી કમેન્ટ કરે છે એ બધુ ચૂપચાપ ઓબ્ઝર્વ કરતી રહે છે. પછી એને ક્યારેક લાઇક કે કમેન્ટ કરીને ભાગી જવાનું મન થાય છે. એને લાગે છે કે મેં તો બહુ હિંમતનું કામ કર્યું, ધીમે ધીમે એને સલામતી વધુ મજબૂત હોવાનો અહેસાસ થાય છે એટલે એ વધુ એક્ટિવ બને છે. લાઇક અને કમેન્ટનું પ્રમાણ વધે છે. અલબત્ત, આ બધુ જાહેરમાં બનતું હોય છે એટલે કોઇ અનિચ્છનીય કે અજુગતી ઘટના આ તબક્કે બનતી નથી.

આ પ્રોસેસ દરમિયાન સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓની ફેસબુક એક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપતી રહે છે. નવાં નવાં ડિસ્પ્લે પિક એટલે કે ડિપી મૂકવા અને એ બદલવાની રંગત અન્ય સ્ત્રીમિત્રો સાથેની કોમ્પિટિશનને કારણે વધુ તેજ બને છે. કેટલીક સ્ત્રીઓ તો પોતાને તથા અન્ય સ્ત્રીમિત્રોના ડિપીને મળતી લાઇકની ગણતરી રાખતી હોય છે. પુરુષમિત્રો તો બિચારા આવા ડિપીને લાઇક કરવાની પ્રક્રિયાને મતદાન જેટલી પવિત્ર સમજતા હોય છે. આ ઉપરાંત, વધુ ઉદારદિલો 'નાઇસ ક્લિક', 'બ્યુટિફુલ', અને 'વેરી નાઇસ' વગેરે જેવા વિશેષણોની વર્ષા પણ કરતા રહે છે. સ્ત્રીમિત્રોને આ બધુ ગમતું હોય છે. બહુ ગમતું હોય છે.

સ્ત્રીમિત્રોના ડિપીને લાઇક કરીને ઘણા પુરુષમિત્રો ગિલ્ટ અનુભવવા લાગે છે. આવા પુરુષમિત્રોને પોતાનું ગિલ્ટ ધોવાનો મોકો પણ મળતો હોય છે, કારણ કે જે સ્ત્રીમિત્રને રોજબરોજ પ્રેમભરી લાઇક આપી હોય અને જેમનું ધ્યાન પોતાના તરફ દોરવાના નમ્રપ્રયાસરૂપે 'નાઇક ક્લિક' જેવી કમેન્ટ કરી હોય એ સ્ત્રીમિત્ર અચાકન, કોઇક કારણસર પોતાના પતિ સાથેનું પિક્ચર મૂકી દેતી હોય છે. મનમગતી સ્ત્રીમિત્રનું એના પતિ સાથેનું ડિપી જોઇને જે આઘાત લાગે એ જીરવવાનું મોટાભાગના પુરુષમિત્રો માટે મુશ્કેલ હોય છે, પરંતુ આવી કપરી સ્થિતિમાં પુરુષમિત્રો પોતાની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરીને એ આઘાત ખમી લે છે. પછી તરત જ હસતે મોઢે સ્ત્રીમિત્રના એના પતિ સાથેના જોઇન્ટ ડિપીને બમણા ઉત્સાહથી લાઇક કરે છે અને એમાં અતિ ઉષ્માભરી કમેન્ટ કરે છે. ફેસબુકનો રેકોર્ડ છે કે જ્યારે જ્યારે સ્ત્રીમિત્ર પોતાના પતિ સાથેનું જોઇન્ટ ડિપી મૂકે છે ત્યારે એના સિંગલ ડિસપીને મળતી લાઇક્સ કરતાં અનેકગણી વધુ લાઇક્સ એમના ડબલ ડિપીને મળે છે. શક્ય છે કે પુરુષમિત્રો પોતાની નિર્દોષતા દર્શાવવા માગતા હોય, શક્ય છે કે તેઓ એ વાત હાઇલાઇટ કરવા માગતા હોય કે અમારી વચ્ચે બધુ ફ્રેન્ડલી જ છે, શક્ય છે કે પોતાના મનમાં કોઇ પાપ નથી એવો ખુલાસો કરવા માગતા હોય. આવા સમયે સ્ત્રીમિત્રનો પતિ બિચારો કંટાળી જાય છે અને આ મામલાથી દૂર રહે છે. સ્ત્રીમિત્રો એફબી પર પોતાના પતિ સાથેનું ડિપી ક્યારે અને શા માટે મૂકતી હોય છે એની પાછળનું કારણ વિજ્ઞાનીઓ હજુ સુધી શોધી શક્યા નથી. શક્ય છે કે આ સ્ત્રીમિત્રો પણ પોતાનું ગિલ્ટ ધોવા માગતી હોય અને પતિના મનમાં એવું ઠસાવવા માગતી હોય કે ફેસબુક પરની મારી પ્રવૃત્તિ સાવ નિર્દોષ છે. શક્ય છે કે પતિદેવને કંટાળો આપીને એ ફરી ક્યારેય પોતાના એફબી એકાઉન્ટમાં માથું ન મારે એવી ગોઠવણ કરતી હોય. પતિદેવ સાથેના ડિપીનું તોફાન આવીને ચાલ્યું જાય છે અને ફરી પાછા કાયમી પુરુષમિત્રો તથા સ્ત્રીમિત્રો રાબેતા મુજબ લાઇક અને કમેન્ટનો વહેવાર શરૂ કરી દે છે.

ફેસબુકથી સ્ત્રી જેમ પરિચિત થતી જાય છે એમ અન્ય મિત્રો, ખાસ તો પુરુષમિત્રો સાથેનો એનો વહેવાર વધતો જાય છે. કમેન્ટનું પ્રમાણ વધે છે. કમ્યુનિકેશનમાં થોડી ઘનિષ્ટતા કેળવાય છે અને પછી પ્રવેશે છે ઇનબોક્સનો રોમાંચ.

રિયલ લાઇફમાં સ્ત્રી માટે કોઇ અજાણ્યા પુરુષ સાથે વાત કરવાનું કામ ખૂબ ખૂબ અઘરું હોય છે, પરંતુ ફેસબુક પર થોડોઘણો પરિચય થયા પછી એની સાથે દૂર રહીને, સલામતીપૂર્વક વાતચીત કરવાની સુવિધા ઇનબોક્સ પૂરી પાડે છે. અલબત્ત, ભૂલમાં મિત્ર બની ગયેલા કેટલાક મવાલી જેવા યુવાનો અકારણ ઇનબોક્સમાં આવીને કેમ છો? આઇ લવ યુ વગેરે જેવી હરકતો કરી જતાં હોય છે, પરંતુ એનાથી કોઇ ખાસ નુકસાન થી થતું. ફેસબુકનો ખરો રોમાંચ તો પરિચિત વિજાતીય પાત્ર સાથે વાતચીત કરવામાં કરવામાં છે. અનેક સ્ત્રીઓને આ રીતે વાતો કરવાનું પસંદ હોય છે. અલબત્ત, એનો અર્થ એ નથી કે એમને અફેર કરવામાં રસ હોય છે. નો. મોટા ભાગની સ્ત્રીઓને પુરુષો સાથે ફક્ત કમ્યુનિકેટ કરવામાં રસ હોય છે. વિવિધ બાબતો વિશે વાતચીત કરવામાં રસ હોય છે. થોડીઘણી પર્સનલ જાણકારી મેળવવામાં અને આપવામાં રસ હોય છે. અમુક કિસ્સામાં રિયલ લાઇફ અફેરના વિકલ્પ તરીકે ઇનબોક્સ એક માઇલ્ડ ફ્લર્ટિંગ માટેનો માર્ગ ખુલ્લો કરતું હોય છે.

ફેસબુકના ઇનબોક્સમાં જે કંઇ બને છે એ સ્ત્રીની મરજીથી બને છે, જે વાતચીત થાય એના પર સ્ત્રીનો સંપૂર્ણ કન્ટ્રોલ હોય છે. ઇનબોક્સમાં કોઇ જરરસ્તી નથી થઇ શકતી. વિજ્ઞાન દ્વારા પૂરવાર થયું છે કે ઇનબોક્સમાં પુરુષે લખેલી કમેન્ટથી હજુ સુધી કોઇ સ્ત્રી પ્રેગ્નન્ટ નથી થઇ. આમ છતાં કોઇ પુરુષમિત્ર સ્ત્રીનું સ્વમાન ઘવાય એવી કમેન્ટ કરે કે અસભ્ય ભાષામાં લખે તો સ્ત્રીમિત્ર પાસે એને અનફ્રેન્ડ કરવાનો કે બ્લોક કરવાનો વિકલ્પ છે. આવા મિત્રને બ્લોક કરવામાં આવે કે તરત એ ભાઇ એવા ગૂમ થઇ જાય કે લગ્નની કંકોત્રી આપવી હોય તો પણ એમનો અત્તોપત્તો ન મળે. આનાથી વધુ સલામતી બીજી કેવીક હોઇ શકે?

આમ છતાં ફેસબુકના ઇનબોક્સને કારણે અનેક સ્કેન્ડલો બહાર આવી રહ્યા છે અને એનું મૂળ છે ઇનબોક્સના સ્ક્રીન શોટ્સ. ઇનબોક્સ ખરેખર તો બે મિત્રો વચ્ચે અંગત વાચતીત કરવાની વ્યવસ્થા છે. તમે જાહેરમાં વાત નથી કરવા માગતા એટલે જ તમે ઇનબોક્સનો સહારો લો છો અને પછી તમારે વાંકુ પડે એટલે એ અંગત વાતચીત જાહેર કરવાની ધમકી આપો અથવા એવું કરો એ વિશ્વાસઘાત છે. કોઇ પુરુષ સ્ત્રીના ઇનબોક્સમાં આવીને અસભ્ય રીતે એકોક્તિ કરી જાય એ જરૂર વાંધાનજક છે, પરંતુ જે સ્કેન્ડલો બહાર આવે છે એમાં બંને વચ્ચે થયેલું કમ્યુનિકેશન હોય છે. આવી વાતચીત સ્ત્રી કે પુરુષ કોઇએ જાહેર ન કરવી જોઇએ. આ એક મૂળભૂત નૈતિકતાની વાત છે.

હકીકતમાં સ્ત્રીઓ માટે ફેસબુક એટલું બધુ સલામત છે કે એ ધારે એટલી જ છૂટ અન્ય મિત્રો લઇ શકે છે. સ્ક્રીન શોટ્સના સ્કેન્ડલોને કારણે વિના કારણ ફેસબુક પરના સંબંધો બદનામ થાય છે. ફેસબુક પર અનેક સ્ત્રીપુરુષો પોતાની મરજી મુજબ અને સલામતીપૂર્વક માઇલ્ડ ફ્લર્ટિંગનો રોમાંચ લેતા હોય છે. રિયલ લાઇફના જોખમી અફેર કરતાં આ માઇલ્ડ ફ્લર્ટિંગ વધુ રોમાંચક છે, વધુ સલામત છે. તો કોઇ વ્યક્તિને બદનામ કરવા માટે ફેસબુકના રોમાંચને નુકસાન ન પહોંચાડો. જસ્ટ ચિલ એન્ડ એન્જોય.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.