રાહુલની નિષ્ફળતાઃ પ્રોબ્લેમ ક્યાં છે?
![](https://khabarchhe.com/uploads/i_path/1489748418rahul-gandhi.jpg)
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં યોજાતી દરેક ચૂંટણી રાહુલ ગાંધી માટે આફત પૂરવાર થઇ રહી છે. ચૂંટણીનું પરિણામ ગમે તે આવે રાહુલ ગાંધીની ટીકા જાણે મતપેટીમાં જ લખાઇને આવે છે. છાણાં થાપવા માટે રાહુલ ગાંધીનું માથું શ્રેષ્ઠ છે. દરેક ચૂંટણી પછી ત્રણ વાત અવશ્યપણે બને છે. રાહુલ ગાંધીને કારણે કોંગ્રેસને નિષ્ફળતા મળી એ ટીકા થાય અને એ સાથોસાથ કોંગ્રેસનું ભાવિ હવે ધૂંધળું છે એવી વાતો થાય. બીજું, બીજેપીવાળા રાહુલ ગાંધીની મજાક ઊડાવે અને કોંગ્રેસની હાર માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવીને નેહરુ પરિવારની વિશેષ ટીકા કરે. ત્રીજી વધુ મહત્ત્વની વાત એ બને કે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ પરોક્ષ રીતે એવી વાતો વહેતી કરે કે પક્ષમાં ટોચના સ્તરે નેતાગીરી બદલાવી જોઇએ. આ આખો ઘટનાક્રમ ખૂબ જ કંટાળાજનક બની ગયો છે અને એમાં કોઇ નવીનતા નથી રહી. થોડા જ સમય પછી બધુ રાબેતા મુજબ બધુ ચાલવા માંડે છે. કોંગ્રેસની નેતાગીરીમાં ક્યારેય કોઇ ફેરફાર થતો નથી અને થવાનો નથી. શા માટે? લેટ્સ અસ સી.
ચૂંટણીના પરિણામો પછી આપણે ત્યાં જીત માટેનો જશ આપવાની અને હાર માટેની જવાબદારી સ્વીકારવાની એક પ્રથા છે. બીજેપીની જીત માટે નરેન્દ્ર મોદીને જશ આપવામાં આવે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે અને એમાં કોઇ વિવાદ નથી. કોંગ્રેસની હાર માટે દર વખતે રાહુલ ગાંધીને અપજશ આપવાની વાતમાં સહેજ ગરબડ છે. ચૂંટણીમાં કોંગ્રેસની હાર અને રાહુલ ગાંધીનું માથું જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. આથી જ પંજાબમાં કોંગ્રેસની જીત થાય કે મણિપુર તથા ગોવામાં કોંગ્રેસ સારો દેખાવ કરે તો એ વાતની કોઇ નોંધ નથી લેતું. બીજી તરફ આમ આદમી પાર્ટી પંજાબ અને ગોવામાં નબળો દેખાવ કરે તો એ માટે કોઇ અરવિંદ કેજરીવાલને જવાબદારી ઠેરવીને એમનું રાજીનામું માંગવાનું પસંદ નથી કરતું. શા માટે આવું બને છે?
એક હકીકત છે કે રાજકારણમાં રાહુલ ગાંધી ખોટા સમયે, ખોટા સંજોગોમાં અને ખોટી રીતે પ્રવેશ્યા છે. રાહુલ ગાંધીએ એવા સમયે કોંગ્રેસમાં સક્રિય બન્યા જ્યારે કોંગ્રેસની પડતીની શરૂઆત થઇ ચૂકી હતી. યુપીએ શાસનની પહેલી ટર્મ ખાસ પ્રભાવશાળી નહોતી અને બીજી ટર્મમાં કોંગ્રેસની પડતી બુલેટ ટ્રેનની ઝડપે થઇ. કોંગ્રેસ મૂળ તો લઘુમતીની આળપંપાળ અને ભ્રષ્ટાચાર જેવા બે મુખ્ય દુષણોને કારણે ખતમ થઇ ગઇ. આ બેમાંથી કોઇ માટે રાહુલ ગાંધી જવાબદાર નહોતા.
લઘુમતીની આળપંપાળ અને એના કારણે બહુમતી પ્રજામાં વ્યાપેલા રોષને કોંગ્રેસ ક્યારેય પારખી ન શકી. ઇન્દિરા ગાંધીના સમયથી શરૂ થયેલી આ પ્રણાલી પછી તો સાવ જ બિભત્સ સ્તરે ચાલતી રહી. રાજીવ ગાંધીનું શાહબાનુ કેસ સાથેનું કનેક્શન અને સોનિયા ગાંધીની ચૂંટણીની આગલી સાંજે દિલ્હીની જામા મસ્જિદના ઇમામ સાથેની રાજકીય મુલાકાત એ કોંગ્રેસની અપ્રામાણિક નીતિના પ્રતિક જેવા હતા. આ પ્રકારની ઘટનાને કારણે પક્ષ પ્રજા સાથેનો સંપર્ક ગુમાવી રહી હતી એનું ભાન પક્ષના કોઇ નેતાને ન રહ્યું. બીજી તરફ ભ્રષ્ટાચાર એ દરેક રાજકીય પક્ષની સમસ્યા છે અને કોંગ્રેસ વધુ સમયથી સત્તા પર હતી એટલે એની સંડોવણી આમાં વધુ હોય એ સ્વાભાવિક છે. આમ છતાં જ્યારથી કોંગ્રેસે અન્ય પક્ષો સાથેના સહકારથી સરકાર બનાવવાનું શરૂ કર્યું ત્યારથી ભ્રષ્ટાચાર પર એનો કોઇ જ અંકુશ ન રહ્યો. યુપીએ વનમાં ડાબેરીઓ હતા, પરંતુ તેઓ બીજી કોઇ રીતે હેરાન નહોતા કરતા. ડાબેરીઓએ ફક્ત પોતાના સિદ્ધાંત ખાતર કોંગ્રેસનો સાથ છોડ્યો, જ્યારે કોંગ્રેસના અન્ય સાથી પક્ષોએ દેશને લૂંટવાની પૂર્વશરતો રાખીને જાણે કોંગ્રેસને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. આનો અર્થ એવો નથી કે કોંગ્રેસના નેતાઓ એકદમ પ્રામાણિક હતા. ભ્રષ્ટાચારમાં કોંગ્રેસીઓ પણ સંડોવાયેલા હતા જ. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા માટે રાહુલ ગાંધી કોઇ રીતે જવાબદાર નહોતા.
આમ તો શિક્ષકો અને વડીલો બાળકોને હંમેશાં એવો બોધ છે આપે કે તું તારાથી બનતા પ્રયાસો કર, ફળ તો નસીબમાં જે હશે એ જ મળશે. ચૂંટણીના પરિણામોને નજર સમક્ષ રાખ્યા વિના તમે રાહુલ ગાંધીના પ્રયાસોને કેટલા માર્ક્સ આપશો? કોઇ તરત જ દલીલ કરશે કે જો પ્રયાસો કર્યા હોય તો એ પરિણામમાં કેમ દેખાતા નથી. બસ, અહીં જ એક બહુ પાતળી અને ગૂંચવણભરી ભેદરેખા છે. એક તરફ કોંગ્રેસની ખરાબ છાપ અને પરાજયની હારમાળાના કારણે પક્ષના કાર્યકરોમાં વ્યાપેલી હતાશા છે. બીજી તરફ નરેન્દ્ર મોદી તથા બીજેપીની જોરદાર માર્કેટિંગ મશિનરી તેમ જ સમર્થકોના ઉત્સાહનું જોશ છે. આ સંજોગોમાં કોંગ્રેસ નબળો દેખાવ કરે એ નિશ્ચિત હોય છે. જ્યાં સુધી રાહુલ ગાંધીનો પ્રશ્ન છે, એમની મહેનત, એમના પ્રયાસો ક્યારેય ઊણા ઉતર્યા નથી, પરંતુ નસીબ અથવા સંજોગોને કારણે એમને મહેતનું ફળ નથી મળતું. નેવું ટકા માર્ક્સ લાવતો વિદ્યાર્થી પોતાના ક્લાસમાં સતત નબર વન પર રહી શકે, પરંતુ પંચાણું અને છન્નુ ટકા માર્ક્સ લાવતા વિદ્યાર્થીઓવાળા ક્લાસમાં તમે જો એને મૂકો તો એ તેજસ્વી વિદ્યાર્થી ત્રીજા ક્રમે જ આવશે. એ જરૂરી નથી કે ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ ખૂબ પૈસા કમાય અને ખૂબ પૈસા કમાનાર વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી હોય. હા, ખૂબ પૈસા કમાનાર વ્યક્તિની પ્રસંશા કરતી વખતે લોકો એને બુદ્ધિશાળી ગણાવે છે, પરંતુ સૌ મનમાં જાણતા હોય છે કે આ બધો સંજોગોનો ખેલ છે. રાહુલ ગાંધી માટે પણ સંજોગો અવળા છે. બીજું ખાસ કંઇ નથી.
એક રાજકીય નેતામાં નેતાગીરીના ગુણ કેવા અને કેટલા છે એનું પણ સાચું મૂલ્યાંકન થવું જોઇએ. રાહુલ ગાંધી દેશના સરેરાશ રાજકારણીઓ કરતાં ઉંમરમાં નાના છે એ કોઇ મોટી ગેરલાયકાત નથી. દેશમાં અનેક યુવા નેતાઓ છે. આમ છતાં રાહુલ ગાંધી જે સ્થાન પર છે, એના કારણે એમની પાસેની અપેક્ષાઓ વધી ગઇ છે. તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે અને પક્ષના પ્રમુખ બનવાની તૈયારીમાં છે. આ ઉપરાંત નેહરુ-ગાંધી પરિવારના સંતાન હોવાને કારણે પણ એમને વિશેષ ચોખઠામાં બેસાડવામાં આવે છે. સોનિયા ગાંધી પાસે વર્ષોથી પૂરી સત્તા હોવા છતાં રાહુલે ક્યારેય કોઇ પ્રધાનપદ સ્વીકાર્યું નથી એ વાતે ભાગ્યે જ રાહુલની કોઇએ પ્રસંશા કરી છે. રાહુલે ફક્ત પક્ષનું માળખાકીય કામ કરવાનું જ પસંદ કર્યું છે એને નિશ્ચિતપણે એક મોટો ગુણ માનવો જોઇએ.
રાહુલ ગાંધીની સૌથી મોટી નબળાઇ કદાચ એ છે કે હાલના રાજકારણમાં તેઓ ફિટ નથી અને તેઓ પોતાની કોઇ આગવી શૈલી વિકસાવી નથી શક્યા. આ કારણસર તેઓ રાજકારણની જૂની ઢબે જ ચાલતા રહે છે. કોંગ્રેસના મૂળભૂત સિદ્ધાંત સારા જ છે, પરંતુ એ સિદ્ધાંતોની હવે કોઇ વિશ્વસનિયતા નથી રહી. બીજું રાહુલમાં આક્રમકતા નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો ત્યારે રાહુલે એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસે પણ 'આપ'ની સફળતામાંથી કંઇક શીખવું જોઇએ. આ નિવેદનમાં એક પ્રામાણિકતા હતી, છતાં એક રાજકીય નેતા તરીકે એમાં નાદાનીયત હતી. નરેન્દ્ર મોદી જેવા મોટા નેતાની સામે રાહુલ આક્રમક બનવાની કોશિશ કરે છે, પરંતુ એમાં પૂરતા જોશનો અભાવ હોય છે. આથી બાજી હંમેશાં બગડતી રહે છે. રાહુલ ગાંધીની એક સમસ્યા એ પણ છે કે તેઓ શાલીનતા છોડી શકતા નથી અને આજના રાજકારણમાં એ વિના ચાલી શકે એમ નથી. રાહુલ પાસે તેજસ્વી યુવા નેતાઓની ટીમ છે, પરંતુ એમની પ્રતિભા બહાર આવી શકે એવા સંજોગો સર્જાતા નથી.
રાહુલ ગાંધીના બધા જ ગુણો અને અવગુણો સાથે છેવટે તો પક્ષે એમને નેતા તરીકે સ્વીકારવા જ પડશે. પક્ષના જૂના જોગીઓ ભલે થોડો કકળાટ કરતા રહે, પરંતુ કોંગ્રેસ માટે રાહુલનો કોઇ પર્યાય નથી. કોંગ્રેસ જ નહીં, કોઇ પણ રાજકીય પક્ષનું ભાવિ એના મુખ્ય નેતા પર જ નિર્ભર રહેતું હોય છે. કોંગ્રેસમાં એવો કોઇ નેતા નથી, જેને દેશભરના કાર્યકરોમાં સ્વીકૃતિ મળે. કોંગ્રેસના કોઇ સિનિયર નેતામાં એવી લાયકાત નથી, જે બીજા રાજ્યમાં જઇને સફળતાપૂર્વક ચૂંટણીપ્રયાર કરી શકે. સિનિયર નેતાઓમાં પણ કોઇ એવો નેતા નથી, જેને અન્ય નેતાઓ સ્વીકારે. આ બધા કારણોસર રાહુલ ગાંધીનું સ્થાન કોંગ્રેસમાં કોઇ લઇ શકવાનું નથી.
રાહુલ ગાંધી માટે કદાચ એક જ આશા બચી છે. કોંગ્રેસ પોતાના જ અવગુણો તથા નબળાઇઓને કારણે ખતમ થઇ એમ ભારતીય જનતા પક્ષ તથા એના નેતાઓ પણ કોઇ મોટી ભૂલો કરે, કરતા રહે ત્યાં સુધી કદાચ રાહુલે રાહ જોવી પડશે. શક્ય છે કે કોંગ્રેસની જેમ બીજેપી પણ પોતાની નબળાઇઓને કારણે જ નબળી પડે. ભારતના રાજકારણમાં મોટે ભાગે ચૂંટણીઓ બાય ડિફોલ્ટ જીતાય છે. અત્યાર સુધી ઇનક્યુબન્સી એ રાજકીય પક્ષોની હારનું સૌથી મોટું કારણ રહ્યું છે. બીજેપી ભૂલ કરે એની રાહ ન જોવી હોય, રાહુલ ગાંધીએ જો પોતાના દમ પર કોંગ્રેસને જીતાડવી હોય તો એમણે ઘણું ઘણું કરવું પડશે. પ્રો એક્ટિવ બનીને બહુ મોટા ફેરફારો કરવા પડશે, શિસ્તના નવા માપદંડ અપનાવવા પડશે અને એકદમ બોલ્ડ બનતા શીખવું પડશે. અત્યારે તો આ બધુ મુશ્કેલ લાગી રહ્યું છે, પરંતુ રાહુલ ગાંધી પાસે સમય ઘણો છે. એમની ઉંમર નાની છે. કોંગ્રેસ પ્રત્યેની લોકોની નારાજગી અને અણગમો વહી જાય ત્યાર પછી એક નવી સવાર પડી શકે છે. એક વાત તો નિશ્ચિત છે કે રાહુલમુક્ત કોંગ્રેસનું સપનું ક્યારેય પૂરું થવાનું નથી સિવાય કે રાહુલ પોતે સ્વૈચ્છીક રીતે રાજકારણ છોડી દે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર