તમારી દલીલ જ વાહિયાત છે
ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આજકાલ એવો ચળકતો સિતારો ચાલી રહ્યો છે કે એના અસલી સ્વરૂપની કલ્પના કરવાનું મુશ્કેલ છે. એક અંદાજ મુજબ દરરોજ પાંચ એક્સાબાઇટ્સ જેટલા નવા ડેટા ઉત્પન્ન થાય છે. હવે આ એક્સાઇબાઇટ એ સામાન્ય ભેજાની અંદર સરળતાથી ન ઊતરી શકે એવું માપ છે. પાંચ એક્સાબાઇટ એટલે છાપેલા કાગળ ભરેલી પાંચ અબજ ટ્રકમાં સમાય એટલો ડેટા દરરોજ દુનિયાભરમાં ઉત્પન્ન થાય છે. હવે આમાં સાચું શું અને ખોટું શું એ કેવી રીતે પારખવું? કઇ ઇન્ફોર્મેનશન ઉપયોગી છે, કઇ વાહિયાત છે અને કઇ તમને ગેરમાર્ગે દોરી શકે એનો ભેદ કેમ સમજવો?
જો સોશ્યલ મિડિયા ન હોત કો કદાચ ઇન્ફોર્મેશનનો વિસ્ફોટ આટલો અસરકાર ન બન્યો હોત, પરંતુ ફેસબૂક અને ટ્વીટર જેવા વ્યાપક રીતે ફેલાયેલા સોશ્યલ મિડિયાએ રોજ રોજ પેદા થતી નવી માહિતિની સમસ્યા ઘણી જ વધારી દીધી છે. આમ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોશ્યલ મિડિયા બહુ ઉપયોગી ચીજ છે, પરંતુ એનો જ્યારે દૂરોપયોગ થાય ત્યારે ભારે મુશ્કેલી સર્જાય છે. મનોરંજન, શિક્ષણ, નેટવર્કિંગ વગેરે જેવી બાબતોમાં સોશ્યલ મિડિયા નિશ્ચિતપણે ઉપયોગી નીવડે છે, પરંતુ જ્યારે કોઇ વિચારો, આઇડિયોલોજીને પ્રમોટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ગેરસમજણો જ નહીં, મુશ્કેલી પણ પેદા થતી હોય છે.
ફેસબૂકે આજકાલ ફેક ન્યુઝ એટલે કે બનાવટી ન્યુઝ બાબતે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યુ છે. ખોટા સમાચાર કઇ રીતે ફેલાવવામાં આવે છે એની વિગતવાર માહિતિ ફેસબૂક યુઝર્સને આપવામાં આવે છે અને એ રીતે એમને સાવધ રહેવાનું જણાવવામાં આવે છે. બનાવટી સમાચારોનું તો સમજ્યા કે એની અસર લાંબો સમય નથી ટકતી. સાચી હકીકત આખરે બહાર આવી જ જાય છે. મુખ્ય સમસ્યા ગંભીર વિષયો પરની ચર્ચા અને એમાં થતી દલીલોની છે. મોટા ભાગની દલીલોમાં ખોટી વાતને સાચી ઠેરવવા માટેની એવી એવી ટ્રીક્સ અપનાવવામાં આવે છે કે જો આપણે સભાન ન રહીએ તો એ વાત આપણા ગળે ઊતરી જ જાય.
મને યાદ છે કોલેજના સમયમાં મારા અમુક સિનિયર મિત્રોની વાતોથી હું બહુ પ્રભાવિત થઇ જતો હતો, કારણ કે એ સમયે સાચી ખોટી દલીલોનું મહત્ત્વ સમજાયું નહોતું. દેશની આઝાદીની વાતો કરતી વખતે તેઓ કહેતા કે ગાંધીજીએ તો કંઇ નથી કર્યું, આઝાદી તો આપણા ક્રાન્તિકારીઓને લીધે મળી છે. ક્રાન્તિકારીઓથી ડરીને અંગ્રેજો દેશ છોડીને ભાગી ગયા. મને ત્યારે એ વાતો સાંભળીને બહુ આનંદ આવ્યો હતો અને એ વાત મારા મનમાં બરોબર ઊતરી ગઇ હતી કે દેશને આઝાદી અપાવવામાં ગાંધીજીનો કોઇ ખાસ ફાળો નહોતો. વર્ષો પછી બીજું વાંચન કર્યું અને સ્વતંત્ર રીતે વિચારવાની આવડત કેળવી એ પછી ગાંધીજીનું સાચું મૂલ્યાંકન કરી શક્યો.
કહેવાનું તાત્પર્ય એ છે કે દલીલો આપણી સમક્ષ વિવિધ સ્વરૂપમાં આવતી હોય છે. એમાં સાચી કઇ અને ખોટી કઇ એ નક્કી કરવા માટે આપણે રીતસરની લાયકાત કેળવવી પડે. ક્રિટિકલ થિન્કિંગ વિકસાવવું પડે. સોશ્યલ મિડિયામાં આજકાલ રાજકીય વિષયો પર ભારે ચર્ચા થતી હોય છે. ભારતની જ વાત નથી, અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો થતી હોય છે. નક્કી આપણે કરવાનું છે કે કઇ દલીલ સાચી હોઇ શકે અને કઇ બોગસ છે. પોતાની વાત ઠસાવી દેવા માટે લોકો કેવી કેવી તરકીબો અજમાવતા હોય છે એની એક માર્ગદર્શિક હું અહીં રજૂ કરી રહ્યો છું. તમારે ફક્ત એલર્ટ રહીને એ નક્કી કરવાનું છે કે મારી સમક્ષ જે દલીલ થઇ રહી છે એ આવી અતાર્કિક દલીલ તો નથી ને?
1. વ્યક્તિગત હુમલોઃ ક્યારેક કોઇ વ્યક્તિ કોઇ સાચી વાત રજૂ કરે તો પણ એને તોડી પાડવા માટે એના ભૂતકાળને વચ્ચે લાવીને એવી દલીલ કરીને કહેવામાં આવે કે આ ભાઇ તો આવા છે. એની વાત પર ભરોસો કઇ રીતે કરી શકાય? દા. ત. નોટબંધીનો અમલ થઇ રહ્યો હતો ત્યારે મનમોહન સિંહે કહ્યું હતુ કે આના લીધે જીડીપી બે ટકા ઘટશે. એ સમયે સરકારના સમર્થકોએ એવી દલીલો કરી હતી કે મનમોહન સિંહના સમયમાં તો મોટા મોટા કૌભાન્ડો થયા હતા. એમની વાત કઇ રીતે સાચી માની શકાય? કેવી વાહિયાત દલીલ હતી એ પછીથી પૂરવાર થઇ ગયું.
2. અંગત અનુભવઃ ઘણા લોકો પોતાની વાત સાચી ઠેરવવા માટે અંગત અનુભવનું વર્ણન કરતાં હોય છે, પરંતુ દલીલનો આ પ્રકાર કોઇ વિશ્વસનીયતા ધરાવતો નથી, કારણ કે એકલદોકલ અનુભવના આધારે કોઇ મોટી વાતને જનરલાઇઝ ન કરી શકાય. દા. ત. કોઇ હિન્દુ સજ્જનને કોઇ મુસ્લીમ યુવાન સાથેના અનુભવમાં એની આક્રમકતા અને હીંસાનો અનુભવ થયો હોય તો એના આધારે એવું ન માની શકાય કે સમગ્ર મુસ્લીમ કોમ આક્રમક અને હીંસક છે.
3. નિષ્ણાતનો મત: દલીલોમાં જ્યારે કોઇ નિષ્ણાતના મતનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એની વિશ્વસનીયતા વધી જતી હોય છે, પરંતુ આમાંય ઘણી ખામીઓ જોવા મળી શકે. કેટલીક વાર એક ક્ષેત્રના નિષ્ણાત બીજા ક્ષેત્રની બાબતે મત આપે તોય એને ગંભીરતાથી લેવામાં આવે છે. જેમ કે રમતગમત ક્ષેત્રની કોઇ સેલિબ્રિટી પોતાના અંગત કારણસર સરકારની નીતિ વિશે પોતાનો મત આપે તો એનું મૂલ્ય ઝીરો ગણાય. એ ફક્ત એનો વ્યક્તિગત મત ગણાય. એને ઓથોરિટીનું સમર્થન જરાય ન ગણાય. નોટબંધી વખતે આપણે આવા નક્કામા નિષ્ણાતો ઘણા જોયા હતા. આ ઉપરાંત સંબંધીત ક્ષેત્રના નિષ્ણાતો પણ ઘણી વાર પૂરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં વિભિન્ન મત ધરાવતા હોય છે. આથી કોઇ એક નિષ્ણાતનો મત આખરી ન ગણી શકાય.
4. લાગણીને છંછેડોઃ ઘણી વાર દલીલના ભાગરૂપે એવી વાતો અથવા ઘટનાઓ વર્ણવવામાં આવ છે, જેના લીધે આપણે લાગણીશીલ બની જઇએ અને એ વાત માનવા તત્પર થઇ જઇએ. બળાત્કાર કે અત્યાચારની ઘટના બને ત્યારે ન્યુઝ ચેનલવાળા ક્યારેક મુખ્ય વાતને બાજુ પર મૂકીને ભોગ બનનારના પરિવારોના મોઢે દુઃખદ ઘટનાના વર્ણનો કરાવે, એમની બીજી તકલીફો હાઇલાઇટ કરે, એમની લાચારી, નિર્બળતા વગેરેનો એટલો વધુ પડતો ડોઝ આપે કે મૂળ ન્યુઝ કે એની પાછળના કારણોનું મહત્ત્વ ઓછું થઇ જાય.
5. ગાડરિયો પ્રવાહઃ અનેક બાબતોમાં લોકો એવી દલીલ કરતા હોય છે કે આખું ગામ કહે તો એ વાત સાચી જ હશે. બધા કહે છે વિકાસ ગાંડો છે તો વિકાસ ગાંડો જ હશે ને. કેટલાકને ખબરેય નથી હોતી કે કયા વિકાસની વાત થઇ રહી છે. આવો જ ગાડરિયો પ્રવાહ સર્જિકલ સ્ટ્રાઇક વખતે આપણે જોયો હતો. પાકિસ્તાનની તો હાલત ખરાબ કરી નાંખી આપણે. અંદર ઘુસીને આપણે એમને માર્યા. હવે ત્રાસવાદ ખતમ થઇ જશે. બસ. એક જણે કહ્યું એટલે બધા એ જ કહેવા માંડ્યા. ચારે તરફ એક જ વાત હતી. વાહ માસ્ટરટ્રોક. પણ પછી શું થયું. ત્રાસવાદ ત્યાંનો ત્યાં જ છે. આ પ્રકારના ગાડરિયા પ્રવાહમાં તણાયેલી દલીલોની વિશ્વસનીયતા બહુ ઓછી હોય છે.
6. પાયાવિનાનો પ્રશ્ન પૂછવોઃ ઘણી વાર સાવ ખોટી, મનગમતી વાત ધારી લઇને એના આધારે પ્રશ્ન પૂછીને અતાર્કિક દલીલ કરવામાં આવે છે. જેમ કે રાહુલ ગાંધી વિદેશના પ્રવાસેથી પાછા ફરે ત્યારે એમના વિશે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ વખતે કુંવર કોની સાથે મજા કરીને આવ્યા? આમાં એવું ખોટી રીતે ધારી લેવામાં આવ્યું હોય છે કે રાહુલ ગાંધી મોજમજા કરવા માટે વિદેશ ગયા હતા. હકીકતમાં તેઓ બીજા કોઇ કારણસર વિદેશ ગયા હોય એ પણ બની શકે.
7. ના નથી એટલે હા છેઃ ઘણી વાર કોઇ દાવાની વિરુદ્ધની વાત પૂરવાર નથી થતી એટલે એ દાવો સાચો હોવાની દલીલ થતી હોય છે. દા. ત. મહારાષ્ટ્રની કોઇ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને વિજય થાય તો એનો અર્થ એ નથી કે પ્રજા સરકારની વિરુદ્ધમાં નથી. એ જ રીતે તો ગુજરાતની કોઇ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો જીતે તો એનો અર્થ એવો નથી થતો કે હવે ભાજપની લોકપ્રિયતા ઘટી ગઇ છે. આમ છતાં એવા દાવા કરવામાં આવતા હોય છે કે ભાજપની લહેર ચાલુ છે અને કોન્ગ્રેસ આવે છે.
8. પુરાવાનો અભાવ: ક્યારેક કોઇ દાવાને એવી દલીલ કરીને સાચો ઠેરવવાનો પ્રયાસ થાય છે કે એનાથી વિરુદ્ધનું કંઇ પૂરવાર નથી થયું એ માટે આ દાવો સાચો છે. કોઇ રાજનેતાની ઇમેજ એકદમ ચોખ્ખી હોય અને એની સામે જ્યારે કોઇ શંકાના વાદળો ઘેરાય ત્યારે મોટે ભાગે એના બચાવમાં એમ કહેવાતું હોય છે કે એમની સામેનો કોઇ કેસ હજુ સુધી પૂરવાર નથી થયો માટે તેઓ નિર્દોષ છે. રોબર્ટ વાડરા સામે જ્યારે આક્ષેપો થાય ત્યારે બચાવમાં એવી દલીલ કરવામાં આવે છે કે તો પછી તેઓ જેલમાં કેમ નથી?
9. પારસ્પરિક કનેક્શનઃ બે બાબતો જ્યારે એકબીજા સાથે સજ્જડ રીતે જોડાઇ ગયેલી હોય ત્યારે એનો આધાર લઇને ખોટા તારણો કાઢવામાં આવે છે અને એ રીતે ખોટી દલીલ કરવામાં આવતી હોય છે. જેમ કે કોન્ગ્રેસીઓ નરેન્દ્ર મોદીના ટીકાકાર છે. આથી એવું ધારી લેવામાં આવે કે નરેન્દ્ર મોદીનો દરેક ટીકાકાર કોન્ગ્રેસી છે. અને આ રીતે નરેન્દ્ર મોદીની ટીકા કરનારને કોન્ગ્રેસી ઠેરવીને એની વિશ્વસનીયતા પર શક કરવામાં આવે. દલીલનો આ અતાર્કિક પ્રકાર છે.
10. તટસ્થ અભિગમની સમસ્યાઃ ક્યારેક તટસ્થ અભિગમ પણ અતાર્કિક બની જતો હોય છે. જ્યારે પણ બે મિત્રો કે સંબંધીઓ વચ્ચે ઝઘડા થાય ત્યારે વચ્ચેના લોકો બંનેની વાતો સાંભળે છે અને પછી એવું નક્કી કરે છે કે આમાં બંનેનો થોડો થોડો વાંક હશે. સામાજિક પ્રશ્નો અને રાજકીય બાબતોમાં પણ આવો અભિગમ મહદ અંશે અપનાવવામાં આવતો હોય છે. હકીકતમાં દરેક બાબતમાં એવું નથી હોતું. અનેક કિસ્સામાં વાત દીવા જેવી સાફ હોય છે, છતાં તટસ્થ અભિગમને લીધે વાત ઢીલમાં મૂકાય છે અથવા અવળે પાટે ચડી જાય છે.
અતાર્કીક રીતે દલીલો કરવાની આવી તો ઘણી રીતભાત અને ટેકનિકો છે, જે સોશ્યલ મિડિયામાં છૂટથી વપરાય છે. આ બાબતે સતર્ક રહેવાની વ્યક્તિની પોતાની જ ફરજ છે, પરંતુ જો વ્યક્તિ પરીણીત હોય તો એણે ઉપરની તમામ વાતો ભૂલી જવી અને એ વાત યાદ રાખવી કે પત્ની સામેની એની કોઇ પણ દલીલમાં તર્ક કે વજૂદ હોતા નથી. પત્ની સામેની કોઇ જ દલીલમાં સાચા પડવાની શક્યતા ક્યારેય હોતી નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર