એક ગોડફાધરની તલાશ છે
ગોડફાધર મૂળ તો ખ્રિસ્તી ધર્મનો શબ્દ છે, પછી હોલીવૂડની ક્લાસિક ફિલ્મને પગલે એ શબ્દ માફીયા ગેંગના વડા તરીકે પ્રચલિત થયો. આખરે ગોડફાધર શબ્દ એવી વ્યક્તિ માટે વપરાવા લાગ્યો, જેના આશીર્વાદથી, જેની કૃપાદૃષ્ટિથી નાનો માણસ આગળ આવી જાય. આ અર્થઘટન પાછળના મૂળમાં બોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. બોલીવૂડનો ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ સૌથી પહેલા એ વાત કરશે કે આ ઇન્ડસ્ટ્રીમાં ગોડફાધર વિના તમે આગળ ન આવી શકો. બોલીવૂડના ગોડફાધર એટલે મુખ્ય તો નિર્માતા. ફિલ્મના નિર્માતા કોઈ પણ વ્યક્તિને એક્ટર તરીકે, ગાયક તરીકે, સંગીતકાર તરીકે અથવા બીજી કોઈ પણ રીતે બ્રેક આપીને એના માટે મોટી સફળતાનો દરવાજો ખોલી આપવાની ક્ષમતા ધરાવતા હોય એટલે એ ગોડફાધર. નિર્માતા પછી ઊતરતા ક્રમે દિગ્દર્શક, મેલ ફિલ્મસ્ટાર, સંગીતકાર, ડિસ્ટ્રીબ્યુટર વગેરે જેવા અનેક પદાધિકારીઓ કોઈને બ્રેક અપાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. આથી આવા લોકો પણ નવાંગતુકોના ગોડફાધર બની શકતા હોય છે.
બોલીવૂડને પગલે પછી તો અન્ય ક્ષેત્રોમાં પણ આ શબ્દ વપરાવા લાગ્યો. જે વ્યક્તિની કૃપાદૃષ્ટિથી, માથાં પર જેનો હાથ ફરવાથી ધંધાપાણી કે કરિયર ચગવા માંડે એ વ્યક્તિ ગોડફાધર. લોકોના મનમાં ગોડફાધરનો આ કૉન્સેપ્ટ એકદમ ક્લિયર છે, પરંતુ ગોડફાધર પોતે કોણ છે? એ પોતાના વિશે તથા અન્ય વિશે શું માનતો હોય છે? ગોડફાધરના કૉન્સેપ્ટને આપણે જરા વધુ જનરલાઈઝ કરીએ તો ગોડફાધર એવી વ્યક્તિ છે, જેની પાસે ખૂબ પૈસા છે અને વગ છે. પૈસા અને વગ તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ દરેક પૈસાદાર અને વગદાર વ્યક્તિ ગોડફાધર બનતી નથી હોતી. જેની પાસે સૌથી વધુ પૈસા અને વગ હોય એ વ્યક્તિ પોતાના ક્ષેત્રની ગોડફાધર બની જાય એવું પણ નથી. ગોડફાધર એવી જ વ્યક્તિ બને છે, જે બીજાને કંઈક આપે છે, જે બીજાને મદદરૂપ થાય છે અને જે કોઈની કરિયર અથવા જિંદગી બદલી નાંખે છે. બોલીવૂડના નિર્માતા કે મોટા ફિલ્મસ્ટાર્સની વાત કરીએ તો તેઓ કોઈ નવા એક્ટર કે એક્ટ્રેસને પોતાની ફિલ્મમાં બ્રેક આપે અને એ રીતે નવાગંતુકની ફિલ્મ કરિયર શરૂ થાય છે. પહેલી ફિલ્મ સફળ થાય તો એ સ્ટાર બની જાય છે અને એની આખી લાઇફ બદલાઈ જાય છે. અન્ય ક્ષેત્રોમાં પણ જેની પાસે પૈસા અને વગ છે તેઓ આ રીતે ગોડફાધરની ભૂમિકા ભજવતા હોય છે.
ગોડફાધરની આવી એક ભવ્ય ઇમેજને કારણે સમાજમાં પૈસાદાર અને વગદાર લોકોની ખુશામત કરવાનું એક કલ્ચર વિકસ્યું છે. મોટા માણસને સલામ કરવી એ જાણે દરેક ધંધા કે નોકરીની મૂળભૂત રસમ બની ગઈ છે. જે લોકો મહત્ત્વાકાંક્ષી છે, જેમને જીવનમાં ઝડપથી આગળ આવવાની તમન્ના છે તેઓ હંમેશાં કોઈ ગોડફાધરની તલાશ કરતા રહેતા હોય છે અને પોતાની આસપાસના આવા પૈસાદાર કે વગદાર માણસને ખુશ કરવાના પ્રયાસ કરતા રહે છે. આ પ્રકારની ખુશામત પછી ક્યારેક ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. એ લોકોના મનમાં એ વાત ઠસી ગઈ હોય છે કે આપણો ઉદ્ધાર કરી શકે એવા આ ગોડફાધરની ખૂબ સેવા કરો, એમને ખુશ રાખો. ક્યારેક તો એમની કૃપાદૃષ્ટિ આપણા પર થશે જ. હકીકતમાં બહુ ઓછા કિસ્સામાં ગોડફાધરો નાના માણસો પર કૃપા વરસાવતા હોય છે. બાકી તો લોકો ભ્રમમાં રહીને આજીવન સેવા કરતા રહે છે અને જ્યારે ભ્રમ ભાંગે ત્યારે ગોડફાધરને ગાળો આપવા માંડે છે.
એક વાત સમજી લેવી જોઈએ કે ગોડફાધર એ કોઈ ગોડ નથી, ભગવાન નથી. એ પણ સામાન્ય માણસ જેવો લાલચુ અને ગણતરીબાજ માણસ છે. તમે એને દયાળુ માયાળુ સમજી લો તો એ તમારો પ્રૉબ્લેમ છે. પોતાના ખિસ્સામાંથી કોઈને કંઈ આપી દેવાનું કોઈને ગમતું નથી હોતું. પોતાના લાભ વિના કોઈ કોઈનું કામ નથી કરતું. એમને કોઈ લાભ ન થતો હોય છતાં એ તમને મદદ કરે એ વાત લગભગ અશક્ય છે. ફિલ્મોના ગોડફાધરો કાસ્ટિંગ કાઉચ પર નવી હીરોઇનોને મદદ કરવા માટે કુખ્યાત છે. ભવિષ્યમાં જેનો લાભ મળી શકે એવા ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારના કુલદીપકને એક્ટર તરીકે બ્રેક આપવાનું તેઓ વધુ પસંદ કરશે. દરેક ક્ષેત્રમાં આ પ્રથા છે. ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરવા માટે પ્રોફેસરો વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓને તક આપવાનું વધુ પસંદ કરતા હોવાનું મનાય છે.
મજાની વાત એ છે કે ગોડફાધરની ઇમેજ દયાળુ માયાળુ અને એક દાનેશ્વરી કર્ણ જેવી હોય છે, પરંતુ હકીકતમાં આવા ગોડફાધરો જ્યારે અન્ય પર મહેરબાની કરે ત્યારે પોતાના ખિસ્સામાંથી કંઈ જ નથી કાઢતા. એમણે તો એ જ વહેંચવાનું છે, જેનો એમને કોઈ ખપ નથી. આમ છતાં એની પૂરી કિંમત તેઓ વસૂલ કરે છે. દા.ત. નિર્માતા જ્યારે નવા કલાકારોને લઈને ફિલ્મ લોંચ કરવાનું નક્કી કરે ત્યારે એણે કોઈકને તો બ્રેક આપવાનો જ હોય છે. નિર્માતા પોતે હીરો નથી બનવાનો હોતો. અન્ય ક્ષેત્રોમાં પણ ગોડફાધરો જ્યારે અન્યને મદદ કરે ત્યારે પોતાનો એક રૂપિયો નથી ખર્ચતા. કોઈને ફક્ત સગવડો કરી આપતા હોય છે.
ખરેખર તો આ પૈસાદાર અને વગદાર માણસો પાસેથી કંઈક કઢાવવાનું વધુ મુશ્કેલ હોય છે. કારણ કદાચ એ પણ છે કે આવા લોકો પૈસાની કિંમત બરોબર જાણતા હોય છે. પૈસાથી ન ખરીદી શકાય એવી ચીજો પણ ખરીદી લેવાનો એમને અનુભવ હોય છે. આથી જ કોઈને કંઈ, ખાસ તો પૈસા આપતાં પહેલા તેઓ પૂરી ગણતરી કરી લે છે અને પછી સોદાબાજી માંડે છે. મૂળભૂત રીતે પોતાની ચીજ અન્યને આપવાનું માણસની પ્રકૃતિમાં જ નથી. જોકે સાવ એવું નથી કે અન્ય માટે કોઈ કંઈ જ નથી કરતું. મુશ્કેલીના સમયમાં અન્યને મદદરૂપ થવાની અનેક ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. લોકો લાખ્ખો અને કરોડો રૂપિયાના દાન કરતા હોય છે, ચેરિટી કરતા હોય છે.
મૂળભૂત રીતે તો માણસ સ્વાર્થી છે છતાં શા માટે એ અન્ય માણસને મદદ કરતો હોય એ માટેના કેટલાક નિશ્ચિત કારણો છેઃ
1. કરુણા: સાચી દયા અથવા કરુણા જેવું કોઈક કેમિકલ હશે, જેના થકી માણસ અન્ય માણસની તકલીફ જોઇને દુઃખ અનુભવે છે. દા.ત. રસ્તા પર બેસેલા ભિખારીને પૈસા આપવા કે ન આપવા અલગ વાત છે, પરંતુ એની તકલીફ જોઇને જો તમને ખરેખર દુઃખનો અનુભવ થતો હોય તો તમારામાં એ કેમિકલ સારા એવા પ્રમાણમાં છે એમ માની શકાય. આવું કેમિકલ અમુક લોકોમાં હોય અથવા અમુકમાં ન હોય. અમુકમાં ઓછું હોય અથવા અમુકમાં વધુ હોય. જોકે મારો અનુભવ કહે છે કે કુલ ફક્ત બે પાંચ ટકા માણસોમાં જ આવું કેમિકલ હોય છે. આવું કુદરતી કેમિકલ ધરાવતી વ્યક્તિ અન્યને મદદરૂપ થવાના પ્રયાસ કરતી રહેતી હોય છે.
2. સોદાબાજી: અન્યને મદદ કરવાની પ્રક્રિયા મોટે ભાગે પારસ્પરિક સમજૂતિનો, એક સોદાબાજીનો હિસ્સો હોય છે. મદદ કરવાના નેવું ટકા કિસ્સામાં ‘એક હાથે લો, બીજા હાથે દો’ નો જ વહેવાર હોય છે. અલબત્ત, ગિવ એન્ડ ટેકનું પ્રમાણ એકસરખું ન હોય એવું બને અને મેળવવાની ચીજ ક્યારેક નક્કર સ્વરૂપની ન હોય એવું પણ બને. દા. ત. ગોવા જવા માટે તમે ઉપરી પાસે રજા મંજૂર કરાવવા જાવ ત્યારે એ પહેલા ના પાડશે, પછી તમે બહુ વિનવણી કરશો ત્યારે એ માંડ હા પાડશે, પરંતુ છેલ્લે તમને કહી દેશે કે મારા માટે ફેણી અને કાજુ લાવવાનું ભૂલતા નહીં.
3. પ્રસિદ્ધિઃ ઘણા શ્રીમંત લોકો પોતાની કંપનીમાં કામ કરતાં લોકોના પગાર વધારાની બાબતમાં એકદમ ચિંગુસ હોય, પરંતુ કોઈ આશ્રમ કે હોસ્પિટલમાં મોટી રકમનું દાન આપતા અચકાતા નથી. કારણ ફક્ત એ કે તેઓ જે રકમ દાનમાં આપવાના છે એની સામે આશ્રમમાં એમના પિતાશ્રીનું નામ કેટલા મોટા અક્ષરે લખાશે એની સ્પષ્ટતા પહેલેથી થઈ ગઈ હોય છે. આવા લોકો પૈસા આપીને બગીચાના બાંકડા પર પણ પોતાના નામ લખાવતા હોય છે.
4. ઇન્વેસ્ટમેન્ટઃ કેટલાક લોકો અન્યને એવી આશાએ કંઈક આપવા કંઈક મદદ કરવા તૈયાર થઈ જતાં હોય છે કે ભવિષ્યમાં એ કામ લાગશે. દા. ત. ઉદ્યોગપતિઓ જ્યારે કોઈ રાજકીય પક્ષને ડોનેશન આપે ત્યારે એવું જ વિચારતા હોય છે કે ભવિષ્યમાં એમનો કોઈક ઉપયોગ થઈ શકશે.
5. ન્યુસન્સ વેલ્યૂ હટાવવી: ક્યારેક કોઈ વધુ પડતું માથું ખાતું હોય અને એ સહન ન થાય ત્યારે પણ લોકો પરાણે મદદ કરી નાંખતા હોય છે. અનેક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, ગુંડા અને કેટલાક પત્રકારો આવી ન્યુસન્સ વેલ્યૂ ધરાવતા હોય છે, જેનાથી બચવા લોકો કચવાતા મને પોતાનું ખિસ્સું હળવું કરી નાંખતા હોય છે.
6. સમાજને પાછું આપવું: મદદ કરવાનો આ શ્રેષ્ઠ પ્રકાર છે. ઘણા સફળ લોકો એવા હોય છે, જેમના હ્રદયમાં કદાચ કરુણા કે દયા નથી હોતી, પરંતુ એમનામાં એક એવી સમજણ હોય છે કે જિંદગીભર આપણે સમાજ પાસેથી લીધું તો એમાંથી થોડું સમાજને પાછું આપવાની આપણી ફરજ છે. આ રીતે તેઓ પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ એક પરિપક્વ વિચારના આધારે ચેરિટી કરતા હોય છે. બિલ ગેટ્સ અને અઝીઝ પ્રેમજી આના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અલબત્ત, અન્ય ઉદ્યોગપતિઓ પણ આવા આશયથી ચેરિટી કરતા જ હોય છે.
ફરી પાછાં આપણા ગોડફાધરો પર આવીએ તો એ વાત ભૂલાય નહીં કે આવા પૈસાદાર અને વગદાર લોકો કોઈ દયાની મૂર્તિ કે દાનેશ્વર કર્ણ નથી હોતા. હા, તેઓ અન્યને મદદરૂપ થતાં હોય છે, જેના માથાં પર એમનો હાથ ફરે એની લાઇફ બની જાય એ પણ શક્ય છે, પરંતુ અન્યને મદદરૂપ થવાના એમના ધારાધોરણ અલગ છે. જો એમાં તમે ફિટ થાવ તો જ તમારું કામ થાય, બાકી જેમને તમારી કોઈ જ જરૂરત નથી અને ભવિષ્યમાં પણ તમે એમને મદદરૂપ થાવ એવી કોઈ શક્યતા નથી એવા ગોડફાધરોની તમે ગમે એટલી સેવા કે ભક્તિ કરશો તોય હાથમાં કંઈ નહીં આવે. છેવટે તમને એમ લાગશે કે આના કરતાં સાચા ગોડની ભક્તિ કરી હોત તો એણે પણ પ્રસન્ન થઈને કોઈક ફળ આપ્યું હોત.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર