ખુશામતખોરીનુ પણ એક વિજ્ઞાન છે
પ્રસંશા તો ઇશ્વરને પણ પ્યારી છે એવું જ્યારે પહેલી વાર કહેવાયું હશે ત્યારે ઇશ્વરને ઘણું ખરાબ લાગ્યું હશે, કારણ કે પ્રસંશા સૌને ગમતી હોય છે, પરંતુ એ કબૂલ કરવાનું કોઇને નથી ગમતું. ઇશ્વરને પણ નહીં જ ગમ્યું હોય. કોઇ આપણી પ્રસંશા કરે તો આપણને એમાં કોઇ બટશટ પસંદ નથી હોતા. બસ, આપણા વખાણ થાય એટલે આપણે ખુશ. કોઇએ શા માટે આપણી પ્રસંશા કરી અને એની પ્રસંશામાં કોઇ દમ હતો કે નહીં એ વિચારવાનું આપણને ન ગમે. આથી તો મુશાયરામાં વાહ વાહ કરીને દાદ આપવાની પ્રથા છે. કવિતા ગમે એવી હોય, ગઝલ ગમે એવી હોય, વાહ વાહ કરવાની જ હોય. આથી નબળાસબળા બંને પ્રકારના કવિઓનો ઉત્સાહ જળવાઇ રહે.
પ્રસંશા સૌને ગમતી હોય છે એથી તો સૌ પ્રસંશાનું મહત્ત્વ સમજે છે. આજે સમાજના દરેક મુકામ પર, નોકરી ધંધામાં કે અન્ય પ્રકારના સામાજિક સંબંધોમાં પ્રસંશાની બોલબાલા છે. પ્રસંશા તો સારો શબ્દ છે, પરંતુ એનો અતિરેક થાય ત્યારે એ ચમચાગીરી અને ખુશામતખોરી બની જતી હોય છે. મજાની વાત એ છે કે ચમચાગીરીમાં વ્યક્તિની અવાસ્તવિક રીતે પ્રસંશા કરવામાં આવતી હોવા છતાં વ્યક્તિને એ સાંભળવાનું ગમતું હોય છે. પોતે કોઇની ખોટી પ્રસંશા કરવા માટે જે શબ્દ વાપર્યા હોય એ જ શબ્દો વાપરીને અન્ય કોઇ એ વ્યક્તિની પ્રસંશા કરે ત્યારે પણ એને એ સાંભળવાનું ગમતું હોય છે. એ વ્યક્તિ એમ નથી વિચારતી કે આ ભાઇ પણ મારી જેમ મસકાબાજી કરી રહ્યા છે. પ્રસંશા ચીજ જ એવી છે.
માણસના સ્વભાવની એક વક્રતા જૂઓ. નોર્મલ સંજોગોમાં માણસને બીજા કોઇ માણસની કોઇ જ ચીજ સારી નથી લાગતી. તમારો મિત્ર નવી કાર ખરીદે કે પડોશી નવુ ટીવી ખરીદે એ તમને જરાય ન ગમે. તમારો બોસ મોંઘોદાટ સૂટ પહેરે તો એમાં એ તમને જોકર જેવો જ દેખાવાનો અને તમારો સાઢુભાઇ નવું મકાન ખરીદે તો તમારું પહેલું રિએક્શન એ જ હશે કે આવા વિસ્તારમાં ઘર ન લેવાય.
આમ છતાં સામેની વ્યક્તિ પાસેથી જો તમારે કોઇ ફેવર લેવાની હોય, એની પાસેથી કોઇ કામ કઢાવવાનું હોય તો તમારા અભિપ્રાય રાતોરાત બદલાઇ જાય. પ્રસંશા અને ખુશામતખોરી વચ્ચે આ ફરક છે. અને અહીં જ ખુશામતખોરીની ઉપોયગીતા છૂપાયેલી છે. આ જગતમાં તમારે ડગલેને પગલે અન્ય લોકોની ફેવર લેવાની જરૂર પડતી હોય છે પડોસી કે પરીચિતો પાસે કામ કઢાવવાના હોય, નોકરીમાં તરક્કી મેળવવાની હોય, ધંધામાં વધુ માલ વેચીને ઝડપથી પેમેન્ટ મેળવવાની ઇચ્છા હોય. આ બધુ રાબેતા મુજબ થઇ શકે, પરંતુ એમાં જો ખુશામતખોરીનું મિશ્રણ છાંટવામાં આવે તો તમારું કામ વધુ ઝડપથી અથવા વધુ સરળતાથી થાય. અથવા તો લોકોની એવી માન્યતા છે. તમે કોઇને ખુશ કરો એ એને ગમે એટલે એની સામે એ તમને ફેવર કરે એવું મોટે ભાગે બનતું હોય છે, પરંતુ ખુશામતખોરીની આ રમત આપણે ધારીએ છીએ એટલી સરળ નથી હોતી. જો તમે ખોટી પ્રસંશા કરતાં પકડાઇ ગયા તો ગયા કામથી. તમે ઓફિસમાં જઇને બોસને સીધુ એમ ન કહી શકો કે બોસ, યુ આર ગ્રેટેસ્ટ મેન ઓન ધીસ અર્થ. આવી અતિશયોક્તિભરી અને વાહિયાત પ્રસંશા કરો એટલે બોસ સમજી જ જાય કે તમને કોઇ ફેવર જોઇએ છે અને એ માટે તમે એની ખોટી પ્રસંશા કરી રહ્યા છે. આ રીતે બોસને એમ લાગે કે તમે એને મૂર્ખ બનાવી રહ્યા છો. એક વાત સમજી લો કે ગમે એવા ઉલ્લુના પઠ્ઠાને પણ એ વાત જરાય પસંદ નથી આવતી કે કોઇ એને ઉલ્લુ બનાવે.
લોકો જોકે હવે સ્માર્ટ થઇ ગયા છે. ખુશામતખોરીને વાસ્તવિક પ્રસંશાના વાઘા પહેરાવીને સામી વ્યક્તિને ખુશ કરવાની કળા લોકો શીખી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રે સારી એવી પ્રગતિ થઇ છે. આ લાઇનના કળાકારોએ ખુશામતખોરીની જે મુખ્ય છ ટેકનિકો વિકસાવી છે એ જોઇએઃ
- સલાહ માંગો. કોઇ પણ બાબતમાં તમારા બોસની લાયકાત ભલે ઝીરો હોય, પરંતુ જો તમે એની પાસે તમારી કોઇ સમસ્યાનો ઉકેલ માંગશો, એની સલાહ માંગશો તો એને એ ગમશે. પ્રસંશાનો આ એક વિશેષ પ્રકાર છે. તમારી વાત ધ્યાનથી સાંભળીને પછી પોતાના ખિસ્સામાં હાથ નાંખીને ગંભીરતાપૂર્વક એ તમને કોઇક સલાહ આપશે, જેના પર તમારે ખાસ ધ્યાન આપવાનું નથી હોતું, પરંતુ બીજા દિવસે તમે રજા માટેનું જે ફોર્મ એની કેબિનમાં મૂકશો એના પર બોસ ફટાફટ સહી કરી આપે એવી પૂરી શક્યતા છે.
- ના ના કરીને વખાણ કરવા. ક્યારેક કોઇની ખોટી પ્રસંશા કરવી હોય, પ્રસંશા ખોટી છે એની તમને અને એ વ્યક્તિને બંનેને ખબર હોય છતાં છાતી ઠોકીને પ્રસંશા કરવાની. હું તમારા મોઢે તમારા વખાણ કરવા નથી માંગતો પણ તમે જિનિયસ છો. તમને કદાચ મારી આ વાત નહીં ગમે, પણ તમે બહુ જ કુમળા હ્રદયના છો. આજની દુનિયામાં આવી કોમળતા ન ચાલે. આ વાતની સામા માણસ પર એટલી બધી અસર થઇ જશે કે એ કુમળા બનીને તમારું ગમે એવું કામ કરી આપશે.
- તમે જેને ખુશ કરવા માંગતા હોવ એ વ્યક્તિ અમુક બાબતોમાં કેવો અભિપ્રાય ધરાવે છે એ જાણી લો અને પછી એ વ્યક્તિને તમે મળો ત્યારે એવો જ અભિપ્રાય તમે પણ વ્યક્ત કરો. દા. ત. તમારા બોસે અગાઉ તમારા કોઇ કલીગ સાથેની વાચતીતમાં એવો મત વ્યક્ત કર્યો હોય કે કંપનીએ માર્કેટિંગ અને પ્રોમોશન પાછળ થતો ખર્ચ ઓછો કરવાની જરૂર છે તો બોસ સાથેની આગામી બેઠકમાં તમે એવો મત વ્યક્ત કરી શકો કે આજકાલ સોશ્યલ મિડિયામાં સાવ મફતના ભાવમાં પ્રમોશન થઇ શકે છે તો કંપનીએ એડ્વર્ટાઇઝિંગ પાછળ શા માટે આટલા પૈસા ખર્ચવા જોઇએ. બોસ ખુશ થઇને કદાચ ત્યાં ને ત્યાં તમને પ્રમોશન આપી દેશે અથવા કોઇ નવાં પ્રોજ્કટનો ચાર્જ તમને આપી દેશે.
- જે વ્યક્તિની ફેવર જોઇતી હોય એના વખાણ એની સામે નહીં, પરંતુ એના કોઇ ખાસ સંબંધી કે મિત્રની સમક્ષ કરો. આ જરા અટપટી તરકીબ છે, છતાં બહુ અસરકારક છે. જ્યારે એ વ્યક્તિ બીજાના મોઢે તમે કરેલી એની પ્રસંશા વિશે સાંભળશે ત્યારે એની અસર બમણી થશે. તમારું કામ થઇ ગયું સમજો.
- જે વ્યક્તિની ફેવર જોઇતી હોય એ જે મૂલ્યોમાં માનતી હોય એની ગાડીમાં તમેય બેસી જાવ. જો તમારા બોસ કૌટુંબિક માણસ હોય અને એને સંસ્કાર તથા શિસ્ત વગેરેના આગ્રહી હોય તો તમે એવા વિષયની ચર્ચા એમની સાથે શરૂ કરો. તમે તમારા દીકરા કે દીકરીનો ખોટો દાખલો આપીને પણ સંસ્કારી ફેકંફેક કરી શકો. તમારા બોસને લાગવું જોઇએ કે તમે પણ ફેમિલી મેન છો, પછી ભલેને તમને દરરોજ એક ક્વાર્ટર વિના ઉંઘ ન આવતી હોય. વેલ્યુઝની વાત એવી છે કે માણસ તમારા પર આંધળો વિશ્વાસ મૂકી દે અને ઓફિસની મહત્ત્વની જવાબદારી તમને જ સોંપે.
- સામાજિક, રાજકીય ઝોક. આમ તો આ નંબર પાંચ જેવી જ તરકીબ છે, પરંતુ આમાં તમારી ઇન્વોલ્વમેન્ટ જરા મોટે પાયે હોય અને તમારે થોડા વધુ સક્રીય બનવાનું હોય. માનો કે તમારા બોસ નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક છે તો તમારે પણ એ જ લાઇન પર ચાલીને સરકારના પ્રખર સમર્થક બની જવાનું. એ પ્રકારની સંસ્થાઓ સાથે કોઇક રીતે સંકળાઇ જવાનું. ક્યારેક એ વિષય પર પ્રવચનો આપવાના. બોસ નવરા બેઠા હોય ત્યારે એમને એમ પણ કહી શકાય કે બીજા લોકોની મને ખબર નથી, પણ આગામી 25 વર્ષ સુધી મારા વડા પ્રધાન તો નરેન્દ્ર મોદી જ રહેશે. સમાન રાજકીય વિચારધારાની સામે સંસારની સામાન્ય બાબતો ક્યારેક તુચ્છ બની જતી હોય છે ને તમારા માટે તુચ્છ ચીજો બહુ મહત્વની હોય.
આ સિવાયની પણ અનેક તરકીબો લોકો અજમાવતા રહેતા હોય છે અને એમાં મોટે ભાગે એમને સફળતા મળતી હોય છે. અલબત્ત, ખુશામતખોરી એ કોઇ સાચી મહેનત અને ટેલેન્ટનો પર્યાય નથી, પરંતુ એનાથી મહેનત અને ટેલેન્ટમાં વેલ્યુ એડિશન જરૂર થાય છે. ઘણા એવા બોસ હોય છે, જેમનો અભિગમ નો નોન્સેન્સ પ્રકારનો હોય છે, પરંતુ ખુશામતખોરીની કોઇને કોઇ ઊંડી તરકીબમાં તેઓ પણ ક્યારેક ફસાઇ જ જતાં હોય છે. અલબત્ત, આવી તરકીબો અજમાવવાનું બધા માટે સહેલું નથી હોતું. એ માટે પણ વિશેષ ટેલેન્ટની જરૂર પડતી હોય છે. આ વિશે થયેલા એક સર્વે મુજબ એન્જીનીઅરો અને એકાઉન્ટ્સ તથા ફાઇનેન્સ ક્ષેત્રના લોકો આવી તરકીબ આસાનીથી અજમાવી શકતા નથી. એ લોકો ખુશામતખોરી કરે તોય એકદમ દેખીતી બની જાય એ રીતે કરે છે. બીજી તરફ સેલ્સના માણસો વકીલો અને રાજકારણીઓ આ વિદ્યામાં પારંગત બની શકે એમ છે. અને અલબત્ત, આ કળાના સૌથી મોટા મહારથીઓ તો સાહિત્યના ક્ષેત્રમાં પેદા થતા રહે છે. ગુજરાતીમાં જ નહીં અને ભારતમાં જ નહીં, દુનિયાભરમાં સાહિત્યના ક્ષેત્રે જે ખુશમતખોરી થાય છે એવી ભાગ્યે જ બીજા કોઇ ક્ષેત્રમાં થતી હોવાની એક સર્વસ્વીકૃત માન્યતા પ્રવર્તે છે. બાય ધ વે, લેખ કેવો લાગ્યો? પ્રસંશા સિવાયનું કંઇ જ આવકાર્ય નથી.
(અંગ્રેજી લખાણો પર આધારીત)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર