ચમચાગીરીના પત્રકારત્વની વધતી બોલબાલા

04 Jul, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

ગયા સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ્સ નાઉ’ ચેનલના વડા અર્નબ ગોસ્વામીને ઇન્ટરવ્યૂ આપ્યો એની મીડિયામાં ઘણી ચર્ચા થઇ છે. ચર્ચા એટલે સમજોને કે અર્નબ ગોસ્વામીની ઘણી ટીકા થઇ છે. ટીકાના બે કારણો છે. એક તો વડા પ્રધાન કે અન્ય કોઇ પણ નેતાનો ઇન્ટરવ્યૂ કરવાનો હોય ત્યારે દર્શકોને એવી અપેક્ષા રહે કે પ્રજાના મનમાં જે પ્રશ્નો છે એ વડા પ્રધાનને પૂછવામાં આવે અને એના જવાબ માગવામાં આવે. મોંઘવારી, કાળું નાણું, વિદેશ નીતિ, પાકિસ્તાન તથા ચીન સાથેના સંબંધો વગેરે જેવા અનેક મુદ્દે લોકોના મનમાં પ્રશ્નો છે. આ પ્રશ્નોના જવાબ વડા પ્રધાન પાસે માગવામાં ન આવે તો એવા ઇન્ટરવ્યૂનો કોઇ મતલબ નથી. બીજું, ઇન્ટરવ્યૂ લેનાર પત્રકાર જ્યારે સણસણતા પ્રશ્નોની મિસાઇલ ફેંકવા માટે જાણીતા હોય ત્યારે દર્શકોની અપેક્ષા ઓર વધી જાય. એ વાત અલગ છે કે છેલ્લા કેટલાક સમયથી અર્નબ ગોસ્વામી જે પ્રકારનું પત્રકારત્ત્વ કરી રહ્યા છે એ જોતાં વડા પ્રધાનના ઇન્ટરવ્યૂમાં જે બન્યું એ અપેક્ષિત હતું.

મજાની વાત એ છે કે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ને દેશના વડા પ્રધાનો સાથે કંઇક વિશેષ સંબંધ હોય એવું લાગે છે. ટાઇમ્સના ભૂતપૂર્વ તંત્રી ગિરિલાલ જૈન પણ ઇન્દિરા ગાંધીના ભારે સમર્થક હતા. એવું કહેવાતું કે મહત્ત્વની બાબતોમાં ઇન્દિરા ગાંધી ગિરિલાલ જૈનની સલાહ પણ લેતા હતા. જોકે વડા પ્રધાનપદે બેસેલી વ્યક્તિ માટેના ગિરિલાલ જૈનના સમર્થન અને અર્નબ ગોસ્વામીના સમર્થનમાં જમીન આસમાનનો ફરક છે. અર્નબ ગોસ્વામી જે કંઇ કરી રહ્યા છે એને બોલચાલની ભાષામાં ભક્તિ કહી શકાય. અર્નબ ગોસ્વામી અન્ય કોઇનો ઇન્ટરવ્યૂ લે ત્યારે એને એવા પ્રશ્નો પૂછે છે, જેના જવાબ આપવાનું ભારે પડી જાય. ઇન્ટરવ્યૂ આપનાર મહાનુભાવ જવાબ આપવા જાય એ પહેલા અર્નબ એને તોડી પાડે અને બીજો પ્રશ્ન પૂછે. અર્નબે પોતાની આ મૌલિક સ્ટાઇલ નરેન્દ્ર મોદીના ચરણોમાં સમર્પિત કરી એટલું જ નહીં, સાહેબને માફક આવે એવા પ્રશ્નો પૂછ્યા અને કેટલાક જવાબો અને સર્ટિફિકેટ્સ તો પોતે જ આપી દીધા. આથી જ કેટલાક લોકો આ ઇન્ટરવ્યૂને નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' સાથે સરખાવે છે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી પોતે જ બોલે છે, પરંતુ ઇન્ટરવ્યૂવાળા કાર્યક્રમમાં એક વિશેષ ઉમેરો હતો. કાર્યક્રમમાં અર્નબે એક રેડિયો જોકીની ભૂમિકા પણ ભજવી. પણ આખરે મજા ન આવી.

બીજેપીની સરકાર સત્તા પર આવી ત્યારથી અર્નબ ગોસ્વામી તથા બીજા કેટલાક પત્રકારોએ રીતસરનું ચમચાગીરીનું જર્નાલિઝમ શરૂ કર્યું છે. વિશેષ વાત એ છે કે આ કામ તેઓ આક્રમકતાથી કરી રહ્યા છે. પહેલા તો નાનાં મોટા લાભ માટે કોઇ પત્રકાર ચમચાગીરીનું જર્નાલિઝમ કરતો તો એ બાબતનો સંકોચ અનુવતો, પણ હવે આ મોદી જનરેશનના ચમચા પત્રકારો ભારે બેશરમ અને આક્રમક છે. ન્યૂઝ ચેનલો પરની ચર્ચા તમે જોતા હશો તો ખ્યાલ આવી જશે કે આવા પત્રકારો એક મિશન સાથે જર્નાલિઝમ કરતા હોય છે અને એમનું મિશન હોય છે સરકારને બચાવવાનું. ક્યારેક તો એવું લાગે કે બીજેપીના પ્રવક્તાઓ અને ચમચાગીરીનું જર્નાલિઝમ કરતા પત્રકારો વચ્ચે ખાસ કોઇ ફરક નથી. અપહ્યત વિમાનના બાનને બચાવવા માટે કમાન્ડોની ટુકડી જે રીતે આક્રમણ કરે એમ સરકારને બચાવવા માટે પણ આવા ચમચા પત્રકારો તથા પ્રવક્તાઓની કમાન્ડો ટુકડી ન્યૂઝ ચેનલો પર સક્રિય બની જતી હોય એમ લાગે.

ચમચાગીરીનું જર્નાલિઝમ કોઇ નવી વાત નથી. વર્ષોથી અમુક પત્રકારો સરકાર તથા સત્તાધારીઓની નજીક રહીને એમને પસંદ આવે એ પ્રકારનું રિપોર્ટિંગ કરતા રહ્યા છે અને એના બદલામાં એમને લાભો પણ મળ્યા છે. અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે આવા પત્રકારોનું પ્રમાણ ઓછું હતું અને એમને સૌ બરોબર ઓળખતા હતા. એમના પ્રત્યે રીતસરની એક સૂગ પ્રવર્તતી અને ચમચા પત્રકારો એનાથી ટેવાયેલા રહેતા.

હવેનું ચમચાગીરીનું જર્નાલિઝમ અલગ છે. હવેના ચમચા પત્રકારો પોતાના વલણ તથા કાર્યને જસ્ટિફાય કરી રહ્યા છે. પોતે જે કરી રહ્યા છે એ સાચું કરી રહ્યા છે એવું તેઓ જોર શોરથી કહેતા ફરે છે. અર્નબ ગોસ્વામીનો જ દાખલો લો. પોતે જે પ્રકારનું પત્રકારત્વ કરી રહ્યા છે એનો બચાવ કરતા અર્નબ કહે છે કે પત્રકારો તટસ્થ રહીને સેફ રમે છે. તટસ્થતા જેવું કશું હોવું જ ન જોઇએ. પત્રકારત્વ ફક્ત માહિતિ આપવા માટે નથી, એક અસર ઊભી કરવા માટે છે. વગદાર વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરો તો એને એવો પ્રશ્ન પૂછો કે એ ફરીવાર તમને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર ન થાય. અર્નબ કહે છે કે હું જે કરું છે એ ડિસરપ્ટિવ જર્નાલિઝમ છે, નવા ભારતનું જર્નાલિઝમ છે.

દલીલ કરવામાં તો આવી વાતો ચાલી જાય અને અમુક લોકોને પ્રભાવિત પણ કરી જાય, પરંતુ અર્નબની દરેક વાત વાહિયાત છે. મૂળ વાત એ છે કે પોતાની કરિયરના શરૂઆતના દસ વર્ષ સુધી નિષ્ફળ ગયેલા અર્નબે હવે સફળતા માટે લોકોની લાગણી ભડકાવીને એને વટાવી ખાવાનું જર્નાલિઝમ શરૂ કર્યું છે. એક તકવાદી નેતા અને અર્નબ ગોસ્વામીમાં કોઇ ફરક નથી. આમ છતાં અર્નબ વાતોને ગંભીરતાથી લઇએ તો પણ એના કોઇ મુદ્દામાં દમ નથી.

અર્નબ કહે છે કે પત્રકારે તટસ્થ ન રહેવું જોઇએ. આ એક મર્યાદિત સમજ સાથેની દલીલ છે. રિપોર્ટર જ્યારે કોઇ ઘટનાનું રિપોર્ટિંગ કરે ત્યારે એનામાં તટસ્થતા સૌથી પહેલા હોવી જોઇએ. પત્રકારને પોતાના વિચારો હોઇ શકે, અભિગમ હોઇ શકે અને કોઇ નેતા કે વિચારસરણી માટેનો ઝોક પણ હોઇ શકે. આમ છતાં જ્યારે એ રિપોર્ટિંગ કરે ત્યારે કોઇ ભેળસેળ ન થવી જોઇએ. શાસક પક્ષના રાજકારણીઓ સરકારનો બચાવ કરવાના અને વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કરવાના. ફક્ત પત્રકારે તટસ્થ રહેવાનું હોય છે. જો એ તટસ્થ નહીં રહે તો પ્રજાને સચ્ચાઇનો અંદાજ કેવી રીતે આવશે?

અર્નબ કહે છે એમ પત્રકારે કોઇ અસર પાડવા માટે આક્રમક સ્ટેન્ડ લેવું જોઇએ, પરંતુ આના જેટલી જોખમી વાત બીજી કોઇ નથી. પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે તટસ્થ ન રહેવાનું હોય એ સમજી શકાય, પરંતુ દેશમાં બનતી અનેક ઘટનાઓ સાથે ગૂંચવણભર્યા મુદ્દા સંકળાયેલા હોય છે. અનેક વગદાર નેતાઓ વાતને દબાવી દેવાની કોશિશ કરતા હોય છે. અનેક લેભાગુઓ વાતને ઊંધે પાટે ચડાવી દેવા મચી પડ્યા હોય છે. કેટલાય તકવાદીઓ સોદાબાજીની તજવીજ માટે સક્રિય બન્યા હોય છે. આવા સમયે એક પત્રકાર જો નીડર બનીને તટસ્થ રહે તો જ સચ્ચાઇની નજીક પહોંચી શકે. પત્રકારનું સૌથી પહેલું કામ તો સત્યને જાણવાનું છે, એ વિશે સ્ટેન્ડ લેવાની વાત તો પછી આવે. કંઇ જ જોયા જાણ્યા વિના પ્રશાસનના બચાવમાં મંડી પડવું જોખમી હોય છે.

એવી પણ એક દલીલ થાય છે કે દર વખતે પત્રકારે સરકારની વિરુદ્ધમાં જ ન લખવાનું હોય. પત્રકારત્વનો અર્થ એ નથી કે તમે ચોવીસે કલાક ફક્ત સરકારની ટીકા કરતા રહો, સરકારના સારા કામોને પણ પત્રકારે હાઇલાઇટ કરવા જોઇએ. હા, એ ખરું કે દરેક વાતે સરકારની ટીકા કરવાનું જરૂરી નથી, પરંતુ સરકારની સિદ્ધિઓને હાઇલાઇટ કરવાનું કામ પત્રકારનું નથી. એ કામ સરકારી એજન્સીઓ કરતી જ હોય છે અને આ સરકાર તો એ માટે કરોડો રૂપિયા ફાળવે છે. હા, સરકાર સામે કોઇ મુદ્દે ખોટી ઝૂંબેશ ચલાવી રહ્યું હોય અને એના કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થઇ રહી હોય તો પત્રકારની ફરજ છે કે સચ્ચાઇને લોકોની સમક્ષ રાખે, ભલે એ માટે સરકારનો બચાવ કરવો પડે.

ચમચાગીરી કરી રહેલા પત્રકારો ભલે એને સાચું ઠેરવવાની કોશિશ કરતા રહે, પરંતુ એ લાંબુ ટકી શકે નહીં. દુનિયાભરમાં લોકો તટસ્થ પત્રકારત્વને પસંદ કરતા આવ્યા છે, કારણ કે સાચા પત્રકારત્વને લીધે અનેક કૌભાંડો ખૂલ્લાં પડ્યા છે અને સત્તાપલટા પણ થયા છે. અત્યારે અર્નબ ગોસ્વામી રાડો પાડી પાડીને સરકારની ચમચાગીરી કરી રહ્યા છે અને એની ચેનલની ટીઆરપી ઉપર છે, પરંતુ ધીરે ધીરે એની વિશ્વસનિયતા ઘટી રહી છે. થોડા જ સમયમાં લોકો એનાથી કંટાળશે અને એની અસર ચેનલની ટીઆરપી પર પણ થશે. ખોટા કામ માટેનું કોઇ જસ્ટિફિકેશન ન સાચું હોઇ શકે. અર્નબ ગોસ્વામી માટે નરેન્દ્ર મોદીનો આ ઇન્ટરવ્યૂ યાદગાર બની રહશે. ભવિષ્યમાં ચમચાગીરીનું જર્નાલિઝમ ન કરવા યુવાનોને સલાહ આપતી વખતે અર્નબ ગોસ્વામીના દાખલા આપવામાં આવશે અને ચમચાગીરીના શ્રેષ્ઠ નમૂના તરીકે વડા પ્રધાનનો આ ઇન્ટરવ્યૂ બતાવવામાં આવશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.