ગુજરાતી મિડિયમ કે અંગ્રેજી મિડિયમ?
અંગ્રેજી મિડિયમ સાથે આપણો બહુ પૂરાણો સંબંધ નથી. જ્યારથી અંગ્રેજી ભાષાનું આર્થિક મહત્ત્વ સમજાયું છે ત્યારથી આપણે એને વધુ અપનાવતા થયા છીએ. ખાસ તો ગુજરાતમાં અંગ્રેજીને હંમેશાં ઓછું મહત્ત્વ અપાયું છે. પહેલા તો અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ ઓછી હતી, હવે વધી છે. આથી જ અંગ્રેજી ભાષાની બાબતમાં ગુજરાતીઓ થોડા પાછળ રહી ગયા છે.
આજે ગુજરાતના સાવ નવી પેઢીના છોકરા છોકરીઓનું અંગ્રેજી સારું છે, પરંતુ એ પહેલાની પેઢીના મોટા ભાગનાને અંગ્રેજીમાં મોટા વાંધા છે. એ જ પેઢીના મુંબઇમાં રહેતા ગુજરાતીઓનું અંગ્રેજી પ્રમાણમાં વધુ સારું છે. કારણ ફક્ત એ જ કે મુંબઇમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલો વહેલી શરૂ થઇ અને કોલેજનું શિક્ષણ તો અંગ્રેજીમાં જ થયું હોય. આથી ગુજરાતમાં ગ્રેજ્યુએટ થયેલા અને મુંબઇમાં ગ્રેજ્યુએટ થયેલા (આગળની પેઢીઓ) ગુજરાતીના અંગ્રેજીમાં જમીન આસમાનનો ફરક હોય છે.
બ્રિટિશરોએ આપણી સ્કૂલો અને કોલેજોમાં અંગ્રેજી ભાષા દાખલ કરી. અને પછી એવી વાત હતી કે આઝાદીના અમુક વર્ષો પછી અંગ્રેજીનું મહત્ત્વ સાવ ઘટી જશે. આપણી કોન્સ્ટીટ્યુનલ એસેમ્બલીમાં પણ એ નિર્ણય લેવાયો હતો કે આગામી પંદર વર્ષની અંદર દેશની મુખ્ય ભાષા હિન્દી બની જશે. આમ છતાં આપણા દેશમાં વિવિધ કલ્ચર અને ભાષાનો સંગમ છે. દક્ષિણના અમુક રાજ્યોએ હિન્દીને પ્રાથમિક ભાષા તરીક સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. છેવટે આપણે અંગ્રેજીને સેકન્ડ લેંગવેજ તરીકે સ્વીકારવી પડી.
ગુજરાતીઓનો અંગ્રેજી સાથેનો સંબંધ જરા અજીબ અને લવ-હેટ પ્રકારનો છે. ગુજરાતમાં આજેય અંગ્રેજી ભાષા પ્રત્યે આકર્ષણ છે, પરંતુ એના માટે એક પ્રકારનો તિરસ્કાર પણ જોવા મળે છે. વાતચીતમાં કોઇ અંગ્રેજીમાં બોલે અથવા તમારી સાથેની બે વ્યક્તિઓ અંગ્રેજીમાં વાત કરે તો તરત કોઇ બોલી ઊઠે અંગ્રેજીમાં શું ફાડો છો? સમજાય એવી ભાષામાં બોલો ને. એટલે અંગ્રેજીમાં જે કંઇ બોલાય એ ફાડવા માટે બોલાતું હોય એવી એક માન્યતા પ્રવર્તે છે. હા એ ખરું કે પાંચછ જણાના ગૃપમાં કોઇ એકને અંગ્રેજી સારું આવડતુ હોય તો એ થોડું ગૌરવ અનુભવે અને થોડો રૂઆબ છાંટવાની કોશિષ પણ કરે, પરંતુ બહુમતીમાં જો અંગ્રેજી ન જાણનારા હોય તો એનું આવી બને. એને અંગ્રેજી આવડે છે એટલે એ કાર્ટુન છે એવો અહેસાસ એને દેવડાવવા માટે સૌ મંડી પડે. અંગ્રેજી ન જાણનારા લોકો અંગ્રેજી જાણનાર સોફિસ્ટિકેટેડ માણસ માટે પાછા અંગ્રેજીમાં જ એવો પણ ટોણે મારે કે 'આ ભાઇ પોતાના મનમાં એમ સમજે છે કે આઇ એમ સમથિંગ'.
અંગ્રેજી પ્રત્યે અણગમો રાખનારમાં બે ખાસિયતો હંમેશાં જોવા મળે છે. પહેલું એ કે દારૂ પીતી વખતે જેટલું પણ અંગ્રેજી આવડતું હોય એ બોલી નાંખવાના અભરખા રાખશે. અને બીજું, પોતાના બાળકોને એ નિશ્ચિતપણે અંગ્રેજી મિડિયમમાં ભણાવવાનો આગ્રહ રાખશે. બાળકોને અંગ્રેજીમાં મિડિયમમાં ભણાવવાના અભરખાંને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'હિન્દી મિડિયમ' માં સારી રીતે દર્શાવવામાં આવ્યા હતા. આજે ફક્ત ગુજરાતમાં જ નહીં, કોઇ પણ રાજ્યમાં અંગ્રેજી મિડિયમની સ્કૂલો ફૂલીફાલી છે. બાળકોને અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું હવે જાણે અનિવાર્ય બની ગયું છે. આની પાછળનું કારણ ફક્ત એ જ છે કે બાળકો અંગ્રેજીમાં ભણે તો એમનું ભવિષ્ય ઉજ્વળ બને એવી દઢ માન્યતા છે.
આપણા માટે અને બાળકો માટે ખરેખર કેટલું અંગ્રેજી જરૂરી છે? શું બાળકોને અંગ્રેજી મિડિયમમાં ભણાવવાનું જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા ભાષાને લગતી કેટલીક મૂળભૂત વાતો સમજી લઇએ. આપણા માટે આપણી માતૃભાષા એકદમ કૂદરતી, સહજ અને ખૂબ જ ઝડપથી સમજી શકાય એવી તેમ જ કમ્યુનિકેટ કરી શકાય એવી હોય છે. માતૃભાષામાં આપણે કોઇ વાત જેટલી ઝડપથી અને સરળતાથી સમજી શકીએ એટલું બીજી કોઇ ભાષામાં ન સમજી શકીએ. માતૃભાષાનું સ્થાન બીજી કોઇ જ ભાષા ન લઇ શકે. આમ છતાં આપણે બીજી ભાષાઓ શીખતા હોઇએ છીએ. ખાસ તો અંગ્રેજીની વાત કરીએ.
બીજી કોઇ પણ ભાષા ચાર પ્રકારે શીખવાની હોય છે. બોલવા, સમજવા, વાંચવા અને લખવા માટે. બોલવા અને સમજવાનો તબક્કો પ્રાથિમક છે એટલે કે એમાં થોડી ઓછી તકલીફ પડે છે. મુંબઇમાં રહીને અનેક ગુજરાતીઓ થોડું ઘણું મરાઠી બોલતાં સમજતાં શીખી જતાં હોય છે. એમાં તમારે ભાષાને ઊંડી રીતે શીખવાની નથી હોતી, ફક્ત અમુક, ઓપરેટિંગ શબ્દો અને વાક્યરચનાઓ શીખવાની હોય છે. વધુ વપરાશમાં આવતા કેટલાક શબ્દો યાદ રાખવાના હોય છે. ધેટ્સ ઓલ. દક્ષિણ ભારતની ભાષાઓ આપણને સૌથી અઘરી લાગતી હોય છે, પરંતુ ત્યાં રહેતા ગુજરાતીઓ પણ થોડા મહાવરા પછી એ ભાષાઓ બોલતા સમજતા શીખી જાય છે.
વાંચવા તથા એમાં લખવા માટે બીજી ભાષાની લિપિ શીખવી પડે. ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાની લિપિમાં ખાસ વધુ ફરક નથી એટલે સરળતાથી લખી-વાંચી શકાય છે, પણ અંગ્રેજી તથા દક્ષિણની ભાષાઓની લિપિ અલગ છે. બીજી ભાષામાં લખવાનું કામ સૌથી વધુ અઘરું છે, કારણ કે એમાં તમારે એક લાંબી પ્રક્રીયા કરવી પડે છે. સૌથી પહેલા પોતાની ભાષામાં વિચારવું પડે, ત્યાર પછી એનું નવી ભાષામાં મનોમન રૂપાંતર કરવું પડે. ભણવાના મિડિયમની સમસ્યાને આ સંદર્ભમાં જ સમજવી પડે. બાળક જ્યારે બીજી ભાષાના મિડિયમથી ભણે ત્યારે સૌથી પહેલા તો એણે નવી ભાષા શીખવાની પ્રક્રીયામાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી જે ભણવાનું છે એ મગજમાં ઊતારવાનું છે. આ ખરેખર એક અઘરી અને ત્રાસદાયક પ્રક્રીયા છે. ખાસ તો નવી ભાષાના મિડિયમના પ્રાથિમક વર્ષોમાં વિદ્યાર્થી ખરેખર બહુ ત્રાસ અનુભવે છે. આગળના ધોરણમાં ગયા પછી નવી ભાષા પર હથોટી આવે છે અને પછી એ ભણતરના મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.
પ્રશ્ન એ છે કે શું બાળકને ભણવા માટે આવી અઘરી અને આકરી પ્રક્રીયામાંથી પસાર કરાવાવનું યોગ્ય ગણાય? બાળકના પોતાની માતૃભાષા સિવાયના માધ્યમથી શ્રેષ્ઠ રીતે ભણી શકતું નથી એ એક હકીકત છે. તો શું બાળકને અંગ્રજી માધ્યમમાં ન ભણાવવું જોઇએ? એને ગુજરાતી માધ્યમમાં ભણાવવું જોઇએ? બસ, અહીં એક મોટી સમસ્યા છે. ગુજરાતી માધ્યમમાં બાળકોને શ્રેષ્ઠ રીતે ભણાવી શકાય એવા સાધનો, પુસ્તકો, માહિતિસામગ્રી તથા શિક્ષકોની કદાચ કમી છે. અમુક વિસ્તારોમાં આ પ્રકારની અફલાતૂન વ્યવસ્થા છે અને શ્રેષ્ઠ શિક્ષકોય છે, છતાં આખા રાજ્યની સરેરાશ જોઇએ તો આવા સાધનોનો મોટો અભાવ છે. બીજી ટ્રેજડી એ શરૂ થઇ છે કે સારા શિક્ષકોથી માંડીને અન્ય સુવિધાઓનું ગુજરાતી મિડિયમમાંથી અંગ્રેજી મિડિયમ તરફ સ્થળાંતર થઇ રહ્યું છે.
મુખ્ય સમસ્યા પેરન્ટ્સની માનસિકતા તથા એમની મનઃસ્થિતિની છે. અમુક માબાપો પોતાના બાળકોને અંગ્રેજી મિડિયમમાં ભણાવવાને એક સ્ટેટસ ગણે છે તો અમુક માબાપ ખરેખર એ વાતે ચિંતત છે કે જો બાળકોને અંગ્રેજી માધ્યમથી નહીં ભણાવીએ તો જીવનમાં તેઓ પાછળ રહી જશે. કેટલાક લોકો એમ માને છે કે દેશ અને દુનિયામાં બધો વહેવાર અંગ્રેજીમાં થાય છે, દરેક પ્રકારનું કમ્યુનિકેશન અંગ્રેજીમાં થાય છે. સારી નોકરી પણ અંગ્રેજી જાણતા હોય એવાને મળે છે. તો પછી અંગ્રેજીને સંપૂર્ણ રીતે શા માટે અપનાવી લેવામાં ન આવે?
વાત ઘણી ગુંચવણભરી છે અને એની સાથે સંકળાયેલા પ્રશ્નો પણ અનેક છે. છતાં કેટલીક હકીકતો સમજી લેવા જેવી છે. બાળકોની ગ્રહણશક્તિ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણી વધુ હોય છે. બાળક પોતાની માતૃભાષામાં ભણે તોય સાથોસાથ અંગ્રેજી ભાષા શીખી શકે છે અને બહુ સારી રીતે શીખી શકે છે. એ માટે એણે બધુ જ ભણતર અંગ્રેજી ભાષામાં લેવાની જરૂર નથી.
સૌથી અગત્યની વાત એ સમજવાની જરૂર છે કે આપણા બાળકોને જીવનમાં જેટલા પ્રમાણમાં અંગ્રેજી ભાષાની જરૂર પડવાની છે એ પ્રમાણમાં ઘણું ઓછું છે. અંગ્રેજી પુસ્તકો કે અખબારો વાંચવા, ઓફિસમાં, કંપનીમાં અંગ્રેજીમાં વાત કરવી, ક્લાયન્ટ્સ સાથે કે બિઝનેસ કોન્ફરન્સમાં અંગ્રેજીમાં બોલવું, ફ્રેન્ડ્સ સાથે અંગ્રેજીમાં વાતચીત કરવી, બિઝનેસને લગતો કોઇ વહેવાર અંગ્રેજીમાં કરવો... આ બધુ જ કરી શકાય છે, ફક્ત થોડુઘણું અંગ્રેજી શીખવાથી. એ માટે તમારે આખી ડિક્શનરી મોઢે કરવાની જરૂર નથી અને અંગ્રેજી સાહિત્યની ક્લાસિક કૃતિઓ વાંચવાની જરૂર નથી. તમારે કંઇ અંગ્રેજી ભાષામાં પુસ્તકો અને રિસર્ચ પેપર્સ નથી લખવાના. અંગ્રેજી ભાષા શીકવાનું જરૂરી છે, પણ એમાં માસ્ટરી મેળવવાનું જરૂરી નથી.
જીવનમાં ખપ પૂરતું અંગ્રેજી શીખી લેવું એ એક કળા છે. અંગ્રેજી માટે થઇને ક્યાંય પાછા ન પડો એવી વ્યવસ્થા સરળતાથી થઇ શકે છે. તમારા બાળકને જો તમે આઠમાથી દશમા ધોરણ દરમિયાન બે વર્ષ સુધી અંગ્રેજી ભાષા વિશેષરૂપે શીખવો તો એને એટલું અંગ્રેજી જરૂર આવડી જાય, જે જીવનભરના વહેવારો માટે પૂરતું હોય. એ માટે પૂરું ભણતર અંગ્રેજી માધ્યમમાં લેવાની જરૂર નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર