તમારું સિક્રેટ હું જાણું છું
વીસેક વર્ષ પહેલા એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, જેનું ટાઇટલ હતું 'આઇ નો વૉટ યુ ડીડ લાસ્ટ સમર' આના જેટલું ઇન્ટરેસ્ટિંગ અને કેચી ટાઇટલ ભાગ્યે જ કોઈ ફિલ્મનું જોવા મળ્યું છે. ચાર તરૂણો ભૂલમાં એક હીટ એન્ડ રનની ઘટનાને છુપાવી રાખે છે અને એક વર્ષ પછી કોઈ રહસ્યમય માણસ એમને ફોન કરીને કહે છે કે આઇ નો વૉટ યુ ડીડ લાસ્ટ સમર. આમાં વાત છે એક સિક્રેટની. એવું સિક્રેટ, જે ખુલ્લું થાય તો મોટી મુસીબત આવી પડે એમ છે.
આપણા સૌના જીવનમાં અનેક રહસ્યો જોડાયેલા હોય છે, જે ક્યારેક ખુલ્લા ન થાય એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. આ સિક્રેટ ખુલ્લું પડે એવી સ્થિતિ ઊભી થાય કે તરત ટેન્શનમાં આવી જતાં હોઈએ છીએ. મજાની વાત એ છે કે આપણા સિક્રેટ ખુલ્લા ન પડે એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ, પરંતુ અન્યના સિક્રેટ જાણવાની આપણને ભારે ઉત્સુકતા હોય છે. કોઈ ઓળખીતાં કે સગાવ્હાલાને બિઝનેસમાં અથવા અંગત જીવનમાં મોટો લોચો થઈ ગયો છે એવી સહેજ વાત ક્યાંક વહેતી થવી જોઈએ. બધા લોકો એ વિશેની જાણકારી મેળવવા તત્પર બની જશે. લોકો જેમતેમ કરીને જાણકારી તો મેળવશે, પરંતુ પત્રકારની ભૂમિકામાં આવીને એ જાણકારી બીજાને પણ આપી દેશે. વાત જેટલી છૂપી રાખવા જેવી હશે એટલી જ ઝડપથી એ પ્રસરતી રહેશે. આપણું સિક્રેટ થોડું છે? આ તો બીજાનું સિક્રેટ છે. ગોસિપના મૂળમાં જ આ સિક્રેટ છે.
જોકે બધા જ સિક્રેટ ઇન્ટરેસ્ટિંગ નથી હોતા. ક્યારેક કોઈના એવા સિક્રેટ આપણી જાણમાં આવી જાય છે કે એ આપણા પર બોજ બની જાય. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે વાતવાતમાં તેઓ આપણને નજીકની વ્યક્તિ, કૉમન ફ્રેન્ડ કે પછી એમના જ કોઈ સ્વજન વિશેનું કોઈ મોટું સિક્રેટ કહી દે. અને પછી તરત રિક્વેસ્ટ કરે કે જો જો હો , કોઈને કહેતા નહીં. આવી સ્થિતિમાં તમે બરાબરના ધર્મસંકટમાં મૂકાઈ જાવ. ક્યારેક એવી હાલત હોય કે તમે જે સિક્રેટ જાણતા હોવ એ કહેવાનું નૈતિક રીતે જરૂરી બની જાય, છતાં એ સિક્રેટ જાહેર કરવું કે નહીં એ નક્કી કરવાનું તમારા માટે મુશ્કેલ બની જાય. દા.ત. તમારા કોઈ મિત્ર પોતાના ભાઈ વિશેનું એવું સિક્રેટ તમને જણાવે કે એને જુગારની લત લાગી ગઈ છે અને પછી એ જ ભાઇનું સગપણ તમારા કોઈ નજીકના સગાની દીકરી સાથે કરવાની વાતચીત શરૂ થાય ત્યારે તમે શું કરો? મિત્રને આપેલું વચન પાળીને સિક્રેટ છૂપું જ રાખો કે તમારી નૈતિક ફરજ સમજીને દીકરીના ઘરવાળાને સાચી વાતથી વાકેફ કરો? ક્યારેક એવું પણ બને કે સિક્રેટ તમને કહેવામાં ન આવે, પણ તમે અનાયાસે જ કોઈ મોટા સિક્રેટના સાક્ષી બની જાવ. દા.ત. તમે ક્યાંક ફરવા ગયા હોવ ને ત્યાં તમે મિત્રની પત્નીને બીજા કોઈ પુરુષ સાથે છાનગપતિયા કરતી જોઇ જાવ. આવી સ્થિતિમાં તમે શું કરો ? મિત્રને સાચી વાત કહેવાની તમારી ફરજ છે, પરંતુ એ સિક્રેટ જાહેર કરવાથી મિત્રનું લગ્નજીવન છિન્નભિન્ન થઈ જવાની દહેશત પણ ઊભી થાય.
આ બધી તો બીજાના સિક્રેટની વાત થઈ. આપણા પોતાના સિક્રેટનું શું? દરેક માણસ પોતાની અંદર કેટલાયે સિક્રેટ ધરબાવીને બેઠો હોય છે. પોતાના વિશેની આ એવી સિક્રેટ વાતો છે, જેનાથી માણસ ખૂબ ડર અને શરમ અનુભવતો હોય છે. આથી જ એ ઇચ્છતો હોય છે કે આ સિક્રેટ ક્યારેય જાહેર ન થાય. આમ છતાં પોતાના સિક્રેટ્સને છુપાવી રાખવાનું સરળ નથી હોતું. તરૂણ વયની અનેક છોકરીઓ પોતાના સિક્રેટ બહાર ન આવી જાય એ માટે બ્લેક મેઇલિંગનો ભોગ બનતી હોય છે. આપણે પણ ઘણી વાર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ બ્લેક મેઇલિંગનો ભોગ બનતા જ હોઈએ છીએ. આપણી છૂપી વાત કોઈ જાણતું હોય અને એ વ્યક્તિ ભલે બ્લેક મેઇલિંગ ન કરે, પણ આપણે એમને ખુશ રાખવાના પ્રયત્ન કરતાં જ હોઈએ છીએ. આ જ રીતે આપણે કોઈ વ્યક્તિની સિક્રેટ વાત જાણતા હોઈએ ત્યારે વિના કારણ એ વ્યક્તિની ઉપર આપણો હાથ હોય એવો રુઆબ અનુભવતા હોઈએ છીએ. આવી વ્યક્તિ આપણી સાથે જરાક ખોટું કરે તો આપણે વધુ પડતા નારાજ અને ગુસ્સે થઈ જતાં હોઈએ છીએ. આપણા મોઢામાં એવા શબ્દો લગભગ આવી જ જાય કે તું ચૂપ બેસ, નહીંતર તારી પોલ બધાની સામે ખોલીશ તો તારી હાલત ખરાબ થઈ જશે.
આપણા સિક્રેટ માટે કોઈ આપણને બ્લેક મેઇલ કરે એ સમસ્યાનો તો ઉકેલ લાવી શકાય. સિક્રેટ ખુલ્લું થાય અને એકવાર જેટલું નુકશાન થવું હોય એ થઈ જાય એવો અભિગમ બ્લેક મેઇલથી છુટકારો મેળવવાનો સારામાં સારો માર્ગ છે.
જોકે સૌથી વધુ તકલીફદાયક સમસ્યા તો પોતાના સિક્રેટના બોજથી મનોમન રિબાયા કરવાની છે. માણસથી ઘણી વાર ભૂલમાં અથવા લાલચમાં આવીને અથવા અજાણતાં કોઈ બહુ ખોટું કામ જાય અને એની જાણ કોઈને ન થાય. મામલો ત્યારે પતી જાય, પરંતુ એ ખોટું કામ કર્યાનું ગિલ્ટ, બોજ એના મન પર સતત રહે. ખરેખર તો આવું સિક્રેટ ક્યારેય બહાર આવે એવી શક્યતા નથી હોતી, છતાં માણસને પોતાને જ સિક્રેટ કોઈને કહેવાની ઇચ્છા થતી હોય છે.
ઘણા લેખકો કે અન્ય મહાનુભાવો પોતાની આત્મકથા લખી આવા અંગત સિક્રેટના ભારથી હળવા થવાનો પ્રયાસ કરતાં હોય છે. અમુક મહાનુભાવોએ આત્મકથા લખ્યા વિના, એમ જ જીવનના અંતિમ તબક્કામાં પોતાના જીવનના છુપા રહસ્યો જાહેર કરી હોવાની ઘટનાઓ પણ બની છે. અલબત્ત, આવા સિક્રેટ્સ જાહેર કર્યા પછી પણ તેઓ અમુક વાતો તો છૂપી જ રાખતા હોય છે એવી એક માન્યતા છે.
ખરેખર તો પોતાના સિક્રેટ્સ જાહેર કરવાનું બહુ જ અઘરું છે. ગુનો કર્યા પછી બચાવ માટે લોકો વકીલને રોકતા હોય છે, પરંતુ વકીલ સમક્ષ પોતે આચરેલા ગુનાની પૂરી માહિતી વકીલને આપતાં અચકાતા હોય છે. વકીલ સમક્ષ પોતે સાચું બોલશે વકીલને બચાવ કરવામાં સરળતા રહેશે એ જાણતા હોવા છતાં તેઓ એમ કરી શકતા નથી.
આવું જ વર્તન લોકો ડૉક્ટર સમક્ષ કરતાં હોય છે. ડૉક્ટરને મોંઘીદાટ ફી ચૂકવ્યા પછી પણ તેઓ બિમારી વિશે તેમ જ ડૉક્ટરે આપેલી પરહેજ પાળવાની સૂચનાનો અમલ કરવા બાબતે ડૉક્ટર સમક્ષ ખોટું બોલતાં હોય છે. વકીલો અને ડૉક્ટરો તો ગમે તેમ કરીને બાજી સંભાળી લેતા હોય છે, પરંતુ માનસ ચિકિત્સકો તથા થેરપીસ્ટનું કામ ઘણું વિકટ બની જતું હોય છે. કોઈ પણ માનસિક બિમારીની સારવાર કરવા માટે પેશન્ટનો હિસ્ટ્રી જાણવાનું ચિકિત્સક માટે બહુ જ જરૂરી હોય છે, પરંતુ પેશન્ટો પોતાના સિક્રેટ્સ જાહેર કરવા અચકાતા હોય છે.
આ વિષયમાં થયેલા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જે અંગત રહસ્યો છુપા રાખવાથી વ્યક્તિને વ્યથા થતી હોય એવા સિક્રેટ્સ જો એ જાહેર ન કરે તો એને શારીરિક બિમારી થઈ શકે છે. ઘણા લોકો પોતાના સિક્રેટ્સ કોઈને કહેવા માટે તરસતા હોય છે, પરંતુ એમને વિશ્વાસ કરી શકાય એવું કોઈ પાત્ર નથી મળતું. પોતાના જીવનના રહસ્યો બાબતે તંદુરસ્ત અભિગમ રાખવાનું ખૂબ જરૂરી છે અને એ માટે પીડા આપતાં સિક્રેટ્સને સમજવાનું આવશ્યક છે. જીવનની રમતને વધુ પડતી ગંભીરતાથી ન લઈએ તો પણ આવી માનસિક વ્યથાઓથી બચી શકાય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર