હું જીવીશ

22 Jan, 2017
12:00 AM

PC: favim.com

(પ્રસ્તુત કૃતિ રાજકોટના તરવરિયા યુવાનો શિવાંગી માંડવિયા અને પૂજન ખખ્ખરે 'કાફે khabarchhe' માટે મોકલી છે. khabarchhe.com માટે કૃતિ મોકલવા માટે એમનો દિલથી આભાર...)

આજે છ મહિના પછી તારી સામે ઊભી છું. માફ કરજે! ઊભી નથી બેઠી છું. આ વ્હીલ ચેર પર બેસીને તે આપેલી જિંદગીને માણવાનો પ્રયત્ન કરું છું. કોઈ ફરિયાદ નથી કે આજે કંઈ પણ માગવાનું નથી પણ તે જે આપ્યું છે એનો આભાર માનવા આવી છું. જિંદગીમાં અત્યાર સુધી જે પણ દેખાડ્યું છે એનો આભાર માનવા આવી છું. બદલાયેલી લાગુ છુંને પ્રભુ તને હું? તું પણ વિચારતો હશેને કે આટલું બધું પરિવર્તન મારામાં ક્યાંથી આવ્યું? દરરોજ અહીં તારા મંદિરે આવીને તારી પાસે કંઈક ને કંઈક માગવાવાળી છોકરી, તારી સામે નાની નાની મુસીબતો કે દુ:ખની ફરિયાદના પોટલા ખોલવા વાળી છોકરી, પોતાના નસીબ માટે તને દોષી ગણનારી છોકરી, આજે તારી સામે આવીને તારો અભાર માને છે! નવાઈ લાગે છેને તને? લાગવી જ જોઈએ! પહેલા મારે મેં કરેલી બધી જ ભૂલો માટે તારી માફી માગવી છે. માફ કરજે તે આપેલી અણમોલ જિંદગીને મેં ફરિયાદ કરી કરીને અત્યાર સુધી વેડફી છે. હવે મારે જીવવું છે અને હું એ જીવીને પણ બતાવીશ. અને મારી નવી જિંદગીથી મને મેળાપ કરવા માટે ફરીથી તારો આભાર માનું છું. સ્વાહા વ્હિલચેરમાં કપાયેલા પગે કમરથી ઊપરના ભાગ વડે પોતાના ઈશ્વરને નમવા ઝૂકી ને આખો પોતાનો ભવ્ય ભૂતકાળ તેની બંધ આંખમાં જાણે નજર સામે જ સડસડાટ વહી ગયો.

નાનપણમાં એક કાર અકસ્માતમાં પોતાના મા-બાપને ગુમાવી બેઠેલી સ્વાહા તેના મામા મામી સાથે રહેતી હતી. એમના સિવાય તેની જિંદગીમાં બીજુ કોઈ નહોતું જેને તે પોતાના કહી શકે. ડગલે ને પગલે જિંદગીએ તેની કસોટી જ કરી હતી. તેના મામા-મામીને પણ એક સંતાન હતું. મામી હંમેશાં સ્વાહા અને શીતલ વચ્ચે તફાવત રાખતા. બાળપણથી જ સ્વાહાને એકલા રહેવાની ટેવ પડી ગઈ હતી. તે કંઈ ધારે તો પણ શું કરી શકે? કોઈ તેની સાથે ના હતું. તો વળી, તેના મામી પોતાની પોલ ખુલ્લી ના પડે એટલે તેને બહાર પણ નહોતા કાઢતા. સ્વાહા દેખાવે નમણી ને શરમાળ હતી. પોતાની દીકરી કરતા દેખાવડી સ્વાહાની તરફેણમાં મામી ક્યારેક જ આવતા. બંને બહેનોને સારું ભળતું હતું. મામીની રોક-ટોક ને કામનો મારો હંમેશાં સ્વાહા પર રહેતો. સ્વાહા કોઈપણ વાતમાં ઉત્સાહ કે ઉલ્લાસ બતાવે તો મામી ‘બહુ દોઢ ડાહ્યી કે વેવલી થામાં… એક ઓછી હતી કે તું આવી…?’ આવા અનેક ટોણાં મારી દેતા.

સ્વાહાને તેની મમ્મી-પપ્પાની રાખેલી રકમની અડધી જ રકમ મળતી એ તો તેને બહુ પછી ખબર પડી હતી. બાકીની રકમ 'તારા ખાવાનો ને કપડાંનો ખર્ચ' એમ કહીને મામીએ પોતાની પાસે રાખી હતી. સ્વાહા પોતાનું મનપસંદ કંઈ જ કરી શકતી ના હતી. તેને મામીની પરવાનગી વગર શીતલના રમકડાંને અડકવાની પણ મનાઈ હતી. આમ છતાં તે મોઢા પર થોડા સ્મિતનું માસ્ક લગાવીને જીવ્યે રાખતી હતી. ઉંમરની સમજણ અને ટેકનોલોજીના સહારે જીવવાની ટેવએ સ્વાહાને ભણતર માટે બહાર મૂકી. મામાએ મામીને હિસાબે ‘ફી તો નહીં જ આપું...' એવું કહી દીધેલું ત્યારે 'સ્કોલરશિપથી ભણવા જઈશ' એવું સ્વાહાએ પણ મનોમન નક્કી કરી લીધું. જુવાનીના જોશે આ કરી બતાવ્યું. અને અંતે તે સ્કોલરશિપ મેળવીને બહાર ભણવા ગઈ. સૌને અજબ લાગતું હતુ, પણ એની સામે સ્વાહાને અહીંથી છૂટવું હતું. તેને જીવન પોતાની મરજીથી જીવવું હતું.

****

‘તું મારી સાથે રહીશ ને?’

‘હું અત્યાર સુધી એકલી રહી છું, તન્મય! મને સહારાની જ જરૂર છે."

આમ કહીને બંનેએ ગાઢ આલિંગન કર્યુ. એકમેક માટે મરી જવાની તમન્ના આ યુવાન જોડીમાં હતી. કૉલેજના મધ્યકાળમાં વિકસેલો આ પ્રેમ એક તરફી નહોતો. બંનેનો હક એકબીજા પર પૂરતો હતો. કૉલેજમાં જ્યારે આ વાતની ખબર પડી ત્યારે બધા ચોંકી ગયા હતા. બહુ જ ઓછું બોલનારી સ્વાહા  ને સૌથી અમીર તન્મય બંનેની જોડી અકલ્પનીય હતી. તો વળી, હજુ ઘણી છોકરીઓ તન્મયના એકતરફી પ્રેમમાં હતી. તન્મય કોઈની સાથે બોલવા સુદ્ધાંનું પણ ટાળતો. કેમકે, અહીં સ્વાહા સાથે 'મેડ ફૉર ઈચ અધર' નો વાયદો થઈ ગયો હતો. કોલેજ પૂરી થતા તન્મય વધુ અભ્યાસ માટે લંડન જવા ઈચ્છતો હતો. સ્વાહાએ પણ તેને પૂરતો સાથ આપ્યો હતો અને તન્મયએ પણ સ્વાહાને વચન આપ્યું હતું કે તે એક વાર તે ત્યાં સેટલ થઇ જાય પછી તે અહીં આવીને સ્વાહા સાથે લગ્ન કરીને એને પણ પોતાની સાથે લઈ જશે. સ્વાહા આ વચનથી એકદમ જ ખુશ હતી. તેનો તન્મય પ્રત્યેનો વિશ્વાસ વધી ગયો હતો.

અચાનક જ વિશ્વાસે સ્વાહાને પકડી લીધી. સ્વાહા ભૂતકાળમાંથી ફરી વળી… પરંતુ હજુ તેની સફર બાકી હતી. તેને ખબર જ ના રહી કે પોતાની પાસે પગ નથી ને હવે તે ચરણસ્પર્શ નહીં કરી શકે. પોતાને વિકટ પરિસ્થિતિમાં સંભાળનાર વિશ્વાસને બાજુમાં જોઈને એક સંતોષનો ભાવ તેના ચહેરા પર પ્રકટ થયો.

ખબર છે કે નહીં ચલાય હમણાં, તો પણ શું કામ તારી જાતને તકલીફ આપે છે? થોડી નારાજગી વ્યક્ત કરતા વિશ્વાસે સ્વાહાને બેસાડતા કહ્યું. વિશ્વાસે એકમાત્ર સ્વાહાનો નાનપણનો સ્કૂલનો મિત્ર હતો. કૉલેજ પછી તે સોશિયલ મીડિયાના સહારે ફરી સ્વાહાને મળ્યો હતો.

હિંમતે મર્દા તો મદદે ખુદા, અને મને વિશ્વાસ હતો કે એક વ્યક્તિ મારી પાસે છે, જે મને ક્યારેય પડવા નહીં દે અને જો ક્યારેક હું પડી પણ જઈશ તો એ મને ઊભી કરી દેશે અને ફરીથી દોડતી કરી દેશે.’’

વિશ્વાસ સ્વાહાની આંખમાં એક અનોખો વિશ્વાસ જોતો હતો. આંખોની એ અનોખી ચમક કહેતી હતી જાણે સ્વાહા કોઈ નવી જ વ્યક્તિ હતી. થોડી વાર બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા હતા.

અરે, સ્વાહા તું અહીં? મેં તો સાંભળ્યું હતું કે… અને કવિતા અટકી ગઈ.

એના અધૂરા વાક્યને સ્વાહા પૂરું કરતા બોલી, કે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એમ ને? મેં અગાસીએથી ઠેકડો માર્યો હતો. હિંમતથી સ્વાહા બોલી તો ગઈ પણ સ્ત્રી સહજ સ્વભાવ તેને ફરી એ સફરમાં જતાં રોકી ના શક્યો. એક એવી સફર જે તેના રોમરોમમાં જીવીત હતી. એક એવી વ્યક્તિ જેને પોતાનું સર્વસ્વ સોંપવાનું નક્કી કર્યું હતું.

*****

‘હેય... આઈ ઍમ સેટલ્ડ હીયર… આઈ હેવ માય બેટરહાફ ઓલ્સો…’ અચાનક એક રાત્રે સ્વાહાના મોબાઈલમાં મેસેજ આવ્યો. તન્મયના નવા નંબરમાંથી આવેલા આ મેસેજને સ્વાહા ફરી ને ફરી વાંચતી રહી. છેલ્લા એકાદ મહિનાથી પોતે નવા પ્રોજેક્ટ પર હોવાથી મેસેજ નહીં કરી શકે એમ કહેનારો તન્મય, આજે પોતાના જીવનમાં સ્વાહાથી વિશેષ કોઈને લાવી ચૂક્યો હતો. દરિયાના મોજાંની જેમ ઊછળતો આ સંબંધ અચાનક જ તળાવના પાણીની જેમ એક સીમામાં બંધાઈ ગયો. દરરોજ તન્મય સાથેના જીવન વીતાવવાના સપનાં જોતી સ્વાહા આ વાતને સહન ના કરી શકી. આ ઉપરાંત જન્મથી જ મળેલા અસ્વીકારને કારણે તે આ વાત કોઈપણ હિસાબે સ્વીકારી શકી નહોતી. માણસને જ્યારે સતત તરછોડવામાં આવે ત્યારે એની એક હદ આવી જાય છે. આવી જ હદથી થાકી ગયેલી ને હારેલી, તો વળી સાવ એકલી રહેતી સ્વાહા આત્મહત્યા કરવા મજબૂર થયેલી. પોતાના આલીશાન એપાર્ટમેન્ટમાં રહેતી સ્વાહાને અગાશી પરથી ઠેકડો માર્યા સિવાય બીજું કશું જ ના સૂઝ્યું.

વિશ્વાસ સ્વાહાના ચહેરાને સમજી ચૂક્યો હતો. કવિતાના આ પ્રશ્ને તેને અતીતમાં ગરકાવ કરવા મજબૂર કરી એ તે બરાબર સમજતો હતો. એણે સમય ન વેડફતા કહ્યું.

આપણે નીકળીએ થોડું મોડું થાય છે.

હવે હું મારા ભૂતકાળને યાદ કરીને ક્યારેય દુ:ખી નહીં થાઉં, તું મારી ચિંતા રહેવા દે. બધાનો એક ભૂતકાળ હોય છે અને તેને ભૂલવાનો જ હોય છે. હું પણ એ જ કરીશ. હું મારા વર્તમાનને કે મારા ભવિષ્યને હવે કોઇપણ ભોગે બરબાદ કરવા નથી માગતી. હું 'જીવીશ.. તારી સાથે… તારા માટે ને મારા ખૂદ માટે પણ…’

કવિતા કઈ બોલી શકી નહીં. તેને સ્વાહાની આંખમાં ઘણા પ્રશ્નો દેખાતા હતા. કવિતાને પણ ક્યાંક કોઈ ખૂણે કશુંક ખૂંચતું હતું. વિશ્વાસ સમજતો હતો. પોતાની જિંદગીમાંથી કવિતાનો થયેલું પ્રયાણ ને એનું કારણ વિશ્વાસની ઓછી આવક હતી. તો અહીં તન્મય ને સ્વાહાના પ્રયાણનું કારણ અમીરી હતી. વિરોધાભાસથી સર્જાતા આ પ્રસંગો તેમજ તેનો મેળાપ! આ બધુ વિશ્વાસ ખમી ગયો હતો. પોતાની આવકને હિસાબે કવિતાએ વિશ્વાસને તરછોડ્યો હતો. સ્વાહાની જેમ વિશ્વાસના પણ ઝખમો હતા. તેને ક્યારેય સ્વાહાને કહ્યા નહોતા. આથી વિશ્વાસને સ્વાહાની ખબર પડતા જ તે તેની પાસે દોડી આવ્યો હતો. સંબંધોમાં આવેલી ત્સુનામીને સહન કરવાની ક્ષમતા બંનેમાં હવે આવી ચૂકી હતી.

સ્વાહા બે હાથ જોડી અને મૂર્તિની આંખમાં આંખ મેળવી અંત:કરણથી પ્રાર્થના કરતી હતી. તે આજે ખુશ હતી. ભલે તેના પગમાં ચાલી શકવાની તાકાત નહોતી પણ આજે તેના મનમાં ઊડી શકવાની શક્તિ હતી. તેની આંખમાં હવે જિંદગીનો થાક નહીં પણ જીવનનું જોમ હતું. મોતને સાવ નજીકથી જોઈ આવેલી સ્વાહાને મન વિશ્વાસ એક ભગવાન સ્વરૂપ હતો. તો વળી, સંબંધમાં આવકને હિસાબે ઓટ આવવાથી સ્વાહાએ વિશ્વાસની મૂડી હતી. વિશ્વાસના ચહેરા પણ એક નવી શરૂઆતની ઝંખના હતી. સ્વાહા ને વિશ્વાસ બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. આમ, બંને ભગવાનને પ્રાર્થના કરી પોતાનો નવો સંસાર માંડવા ચાલી નીકળ્યા હતા.

તો પણ મનની ગહેરાયમાં એક પ્રશ્ન તો હતો જ જે તેને વિશ્વાસને પૂછ્યો,

વિશ્વાસ, કોઈ કઈ કારણ વગર કોઈને કઈ રીતે છોડી શકે? વર્ષોના સંબંધો શું એક ક્ષણમાં તૂટી જાય?

વિશ્વાસે સ્વાહાના હોઠ પર આંગળી રાખી ને પોતાના હોઠને સ્વાહાના હોઠ સાથે સીવી દિધા..પછી તેને નજીક લઈને કાનમાં હળવા સ્વરે કહ્યુ.."આવકને હિસાબે!"

લંડન ને એની આવક! તો વિશ્વાસ પાસે રાખેલું કવિતાના મનમાં અમીરીનું સ્વપ્ન! બધુ સાથે ચાલીને બંને મિત્રો નીકળી ગયા હતા..એક નવી સફરમાં.. હા, મિત્રોથી વિશેષ થવાની સફર!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.