ડુપ્લિકેટ અંડરડોગ્સને ઓળખો

29 Feb, 2016
12:00 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે મેં અભિપ્રાય બાંધવાની પ્રક્રિયા વિશે લખ્યું હતું અને એમાં અંડરડોગ્સની વાત કરી હતી. મેં લખ્યું હતું કે અંડરડોગ્સ એટલે કે નબળા લોકોનો પક્ષ લેવાની ન્યાય ભાવના આપણા સૌની અંદર પડેલી છે. આ વાંચીને કેટલાક મિત્રોએ મને કહ્યું કે આ વાત અમે વર્ષોથી જાણીએ છીએ. અમારી સમસ્યા તો ડુપ્લિકેટલ અંડરડોગ્સ છે. મને આશ્ચર્ય થયું તો એમણે કહ્યું કે નબળા માણસ પ્રત્યે લોકો સહાનુભૂતિ વ્યક્ત કરીને એના ગુના માફ કરી દેતા હોય છે અથવા એને વિશેષ લાભો આપતા હોય છે. આ વાતનો ગેરફાયદો ઊઠાવીને અનેક લેભાગુઓ પોતે અંડરડોગ્સ હોવાના નાટક કરતા હોય છે અને આવા ડુપ્લિકેટ અંડરડોગ્સ સમાજની એક મોટી સમસ્યા છે. મને વાતમાં દમ લાગ્યો. મને પોતાને પણ આવા ઘણા ડુપ્લિકેટ અંડરડોગ્સ મળ્યા છે. જોકે એમને ઓળખી કાઢવાનું બહુ મુશ્કેલ નથી. આ રહ્યા કેટલાક નમૂના.

રાજકારણીઃ

સામાન્ય સંજોગોમાં તો રાજકારણીઓ બાપ બનીને ફરતા હોય છે, પરંતુ પોતાના પર ભીંસ આવે ત્યારે કેવા અંડરડોગ્સ બની જાય છે એ આપણે જાણીએ છીએ. ચૂંટણીના સમયે નેતાઓ તમને હાથ જોડીને ફરતા જ દેખાશે. તમારી સામે નજર મળી જાય તો મોટું સ્મિત ફરકાવશે. મને તમારી સેવા કરવાનો મોકો આપો એવી વિનંતિ સાથે તમારી પાસે રીતસર વોટની ભીખ માગશે. એમના રાજકીય હરીફો એમને સતાવે છે એવી રોકકળ પણ તેઓ કરશે. સુષ્મા સ્વરાજ અને સ્મૃતિ ઈરાનીએ સંસદમાં ભાવનાત્મક ભાષણો આપીને આખા દેશની સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરી. એમની થિમ એક જ હતીઃ અમે અંડરડોગ્સ છીએ માટે અમને માફ કરી દો. રાજકારણીઓ ક્યારેય સહાનુભૂતિને લાયક નથી હોતા એટલું સમજી લો. એ લોકો મારા-તમારા કરતાં ઘણા વધુ હોશિયાર અને ખમતીધર હોય છે. વોટ તો જે લાયક હોય એને જ આપવો.

વેપારીઃ

કેટલાક વેપારીઓને હંમેશાં રડતા રહેવાની ટેવ હોય છે. તમે જેટલી વાર એમને પૂછો કે ધંધાપાણી કેવા ચાલે છે એટલી વાર તેઓ જવાબ આપશે 'ઠંડા'. છેલ્લા ત્રણ વર્ષમાં એ વેપારીએ ત્રીસ વાર આવું કહ્યું હશે અને છતાં એની લાઈફસ્ટાઇલમાં કોઇ ફરક નહીં આવ્યો હોય. ઊલટુ, એ તો વધુ મોજથી રહેતો હશે. ક્યારેક તમે એની સાથે થોડી વિગતવાર વાત કરશો તો એ કહેશે, માર્કેટમાં પૈસા જ નથી. પેમેન્ટ ક્રાઈસિસ ચાલે છે. આપણે રોકડા ચૂકવવા પડે છે અને આપણું પેમેન્ટ ડિલે થયા કરે છે. મને એ નથી સમજાતું કે આવા વેપારીઓ શા માટે હંમેશાં અંડરડોગ થઈને ફરતા હશે. હશે કદાચ કોઈક કારણ. દરેકને પોતાની રીતે ધંધો કરવાની આ દેશમાં સ્વતંત્રતા છે. પણ એક વાત નક્કી છે કે આવા રોતલ વેપારીઓ આપણો મૂડ ખરાબ કરી નાંખે અને ચીડ પણ ચડે કે ભાઈ તું જલસા કરે છે, છતાં શા માટે રડતો ફરે છે?

બિમારઃ

કેટલાક લોકો પોતાના શરીર સાથે શી દુશ્મની લઈને બેઠા હોય કે હંમેશાં એનું ખરાબ જ બોલ્યા કરે. તમે સાવ અમસ્તુ જ પૂછી લો કે કેમ છે તબિયતપાણી? મજામાં? તરત સાવ ઢીલાઢફ અવાજમાં તેઓ કહશે, 'નથી મજા.' પછી તો તમને આગળ કંઈ પૂછવાનું મન જ ન થાય, છતાં મોઢા પર સાબુ લગાવ્યો એટલે દાઢી કરાવવી જ પડે એમ તમારે પરાણે પૂછવું પડે કે કેમ, શું થયું? બસ, પછી તો આ ભાઈ એવી વાતો કરે જાણે વિશ્વની તમામ બિમારી એમને જ લાગુ પડી ગઈ હોય. ઊંઘ બરોબર નથી આવતી એવું કહીને શરૂઆત કરે અને પછી કહશે કે સાંધામાં બહુ કળતર છે. પગ બહુ દુઃખે છે. પીઠનો દુઃખાવો તો મટતો જ નથી. બીપીની ગોળી ચાલુ છે. ડાયાબિટીઝ ક્યારેક વધી જાય છે. એમની વાત સાંભળીને તમે ખરેખર પીગળી જાવ. તમારા મોઢામાંથી ઉદગાર નીકળી જાય કે ભાઈ, સંભાળજો. મારું કંઈ કામ પડે તો કહેજો. બસ, તમારી સહાનુભૂતિની જ એમને જરૂર હોય છે. તમારા બે શબ્દો સાંભળીને કોણ જાણે કેમ, એમને બહુ જ શાંતિ મળતી હોય છે.

નોકરિયાતઃ

જિંદગી આખી નોકરી કરવાનો નિર્ણય લીધા પછી પણ મોટા ભાગના નોકરિયાતોને નિષ્ઠાપૂર્વક નોકરી કરતા રહેવામાં સંતોષ નથી મળતો. તાતા અને અંબાણીના ઘરમાં જન્મ ન થયો એ વાતનો અફસોસ તેઓ જિંદગી આખી કરતા રહે છે અને વાતે વાતે રડ્યા કરે છે. મોટા ભાગના નોકરિયાતોની એક સ્ટાન્ડર્ડ ફરિયાદ હોય છે કે મારા પગારમાં તો વધારો જ નથી થતો. મને પ્રમોશન નથી મળતું. આ ઉપરાંત બીજી રાબેતા મુજબની ફરિયાદો આ હોય છેઃ બીજી ઓફિસમાં રજા હોય ત્યારે અમારે તો કામ ચાલુ જ હોય. અમારી ઓફિસની કેન્ટીનમાં ખાવાનું તો મળે છે, પણ સાવ ભંગાર. ઓફિસ એટલી દૂર છે કે બસ અને રિક્ષાના ભાડામાં જ અડધો પગાર જતો રહે છે. ઓફિસમાં ટાઈમ કરતાં વધુ કામ કરવું પડે છે, પણ ઓવરટાઈમ નથી મળતો. મજાની વાત એ છે કે આટલી બધી ફરિયાદો હોવા છતાં માણસો વીસ ત્રીસ વર્ષ એક જ ઓફિસમાં નોકરી કરતા રહે છે અને છેલ્લે તગડા પીએફ અને ગ્રેચ્યુએટી સાથે નિવૃત્ત થાય છે. એમના પ્રત્યે સહાનુભૂતિ કઈ રીતે પેદા થઈ શકે?

બોસઃ

ઘણી ઓફિસમાં બોસ પોતે અંડરડોગ હોવાનું નાટક કરતા હોય છે. માર્ચ મહિનો આવે એટલે કામનો બોજ વધે. ઓફિસમાં કામ કરતા માણસોને મસ્કા મારવા પડે. એની સામે નોકરિયાતોને ઈન્ક્રીમેન્ટ્સની અપેક્ષા પણ હોય. આ બધામાંથી છૂટવા બોસ અંડરડોગ બનવાનું નાટક શરૂ કરે. પોતાના સ્ટાફને સંબોધીને એ કહેશે કે કંપનીની સ્થિતિ બહુ ખરાબ છે. જો કંપની ડૂબશે તો આપણે સૌ ડૂબીશું. આપણે સૌએ વધુ કામ કરીને, વધુ મહેનત કરીને કંપનીને બચાવવાની છે. તમારા બધાની સાથે હું પોતે પણ બે કલાક વધુ કામ કરીશ. હાલ કોઈએ ઈન્ક્રીમેન્ટની આશા ન રાખવી એવો ગર્ભિત સંકેત આપતા બોસ કહેશે કે જપાનમાં તો આવું સંકટ આવે ત્યારે કંપનીના કર્મચારીઓ સામેથી કહે કે અમારા પગારમાં દશ ટકાનો ઘટાડો કરી નાંખો. હું એવું કંઈ કરવા નથી માગતો. પણ હું તમને ખાતરી આપું છું કે કંપનીની હાલત સુધરશે કે તરત હું તમારા સૌના પગારમાં વધારો કરીશ. આ મારું વચન છે. બોસ અંડરડોગ હોવાનું નાટક કરીને કર્મચારીઓને એવા ડરાવે કે તેઓ પગારવધારાની વાત જ ભૂલી જાય. નોકરી ટકી રહે તો ભયો ભયો એવું વિચારીને તેઓ ચૂપચાપ કામમાં લાગી પડે.

બાદશાહ ભિખારીઃ

મોટા ભાગના ભિખારીઓને ભીખ માગવાની જરૂર નથી હોતી, યા તો એમને ટેવ પડી ગઇ હોય છે યા એમને આ ધંધો એવો કસદાર લાગે છે કે એ છોડવાનું મન નથી થતું. મુંબઈના મહાલક્ષ્મી મંદિર કે હાજી અલી પાસે બેસતા કેટલાય ભિખારીઓ એવા સમૃદ્ધ છે કે સ્ટેટસ સિમ્બોલ તરીકે જે જે ચીજ બજારમાં આવે એની ખરીદી તેઓ સૌથી પહેલા કરે છે. આમ છતાં એમનો ધંધો જ એવો છે કે એ માટે એમણે અંડરડોગ બનવું પડે છે. ફાટેલા કપડાં પહેરવા, ગંદુ શરીર રાખવું, લઘરવઘર દેખાવું અને શરીરનું એકાદ અંગ નક્કામું બની ગયું હોવાનો અભિનય કરવો. આ બાદશાહી ભિખારીઓને અંડરડોગ બનવાનું મહત્તમ વળતર મળે છે. હવે તો ઘણાને ખબર પડી ગઇ છે કે આવા ભિખારીઓ ખરેખર અંડરડોગ્સ નથી હોતા, છતાં ભિખારીઓનો ધંધો ચાલ્યા કરે છે.

ઘૂસણખોર અંડરડોગ્સઃ

ડુપ્લિકેટ અંડરડોગ્સનો આ પ્રકાર સૌથી ઘૃણાસ્પદ છે. પોતાની લાયકાત ન હોય એવી જગ્યાએ ઘુસવા માટે આવા લોકો અંડરડોગ્સ હોવાનું નાટક કરીને બીજાની સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. હું બહુ તકલીફમાં છું, મારી માતા બિમાર છે, મારા પિતાજી બેભાન થઈ ગયાં છે, મેં મારા ફ્રેન્ડને મદદરૂપ થવા માટે પૈસા ઉધાર આપ્યા હતા અને હવે એ પાછા જ નથી આપતો. આ અને એવી બીજી અનેક વાર્તાઓ એમના મોઢે થઇ ગઇ હોય છે. એમનો કહેવાનો મતલબ એ જ હોય છે કે કૂદરતે મારી સાથે અન્યાય કર્યો છે તો એનું કોમ્પેન્સેશન તમે મને આપો. મને નોકરી આપો, પૈસા આપો, મારી બેબીને સ્કૂલમાં એડમિશન આપો વગેરે.

કામચલાઉ ધોરણે અંડરડોગ્સ બનેલા લોકોની એક ખાસિયત એ હોય કે પોતાનું કામ પતી જાય પછી તરત પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે.

અંડરડોગ્સ માટે સહાનુભૂતિ થાય એ સ્વાભાવિક છે, પણ સાચા અને ડુપ્લિકેટ અંડરડોગ્સને શોધવાનું કામ આપણું છે. કોઈના માટે હ્રદયમાં સીધેસીધી સહાનુભૂતિ પ્રગટે એ પહેલા મગજને થોડી તસદી આપવી જરૂરી છે. સામો માણસ નાટક તો નથી કરતો ને? જો આવી બાબતમાં તમે બેદરકાર રહ્યા તો અમુક લોકો અવારનવાર તમારી સામે અંડરડોગ્સ બનવાનું નાટક કરતા રહેશે અને તમને ઉલ્લુ બનાવતા રહેશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.