વિરોધ અને તરફેણની વિચારધારા: માનવ સંબંધોમાં ઉભો કર્યો છે તનાવ

13 Nov, 2017
11:01 AM

નિખિલ મહેતા

PC: newsmobile.in

ગયા અઠવાડિયે એક નાની પર્સનલ દુર્ઘટના બની ગઈ. મારા એક મિત્રના મિત્રના ઘરે એક નાનું ફંક્શન હતું અને એમાં મને પણ ઇન્વિટેશન હતું. ફંક્શન પછી બિલ્ડિંગની ટૅરેસમાં પાર્ટી હતી એટલે કે ડ્રિન્ક્સ. અમે દસ બાર જણા એકબીજાને જોઈ શકીએ એ રીતે ખુરશીઓ પર બેઠાં હતા. ડ્રિન્ક્સ બનાવવા માટે સેલ્ફ સર્વિસ હતી. મારા માટે ત્યાં બધા અજાણ્યા હતા. ફક્ત મારો મિત્ર અને જેના ઘરે પાર્ટી હતી એને હું ઓળખતો હતો. ડ્રિન્ક્સ લેતી વખતે થાય એવી હળવી વાતો અને ગૉસિપ શરૂ થઈ. પછી કંઈક લોકલ ટ્રેનની વાત થઈ અને એમાંથી બુલેટ ટ્રેનની વાત નીકળી. એક અતિજાડા ભાઈ અચાનક ઉત્સાહમાં આવી ગયા અને એમણે ફેકંફેક શરૂ કરી. નરેન્દ્ર મોદીના ગુણગાન શરૂ થયા. બુલેટ ટ્રેનના ફાયદા વિશે એમણે પ્રવચન શરૂ કર્યું એટલે એક દાઢીવાળાએ વાંધો ઊઠાવીને પ્રશ્ન કર્યો કે બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે જ શા માટે? બીજા કોઈ રૂટ પર કેમ નહીં? બંને વચ્ચે થોડી દલીલો થઈ એ જ સમયે મારા મિત્રને કુબુદ્ધિ સૂઝી. એક લેખક પત્રકાર તરીકે મારી ઓળખાણ આપીને એણે મને ચર્ચામાં ભાગ લેવાનું ઇજન આપ્યું. મેં મારી યથાશક્તિ પ્રમાણે અભિપ્રાય આપ્યો અને દલીલો કરી, પરંતુ પેલાં અતિજાડા ભાઈને એ જરાય માફક ન આવ્યું. આલ્કોહોલ અને નરેન્દ્ર મોદીનો નશો એમને બરાબરનો ચડી ગયો હતો. તેઓ ઉશ્કેરાઈ ગયા. મેં સ્વસ્થતા જાળવી રાખવાની કોશિશ કરી. એમણે વિના કારણ રવીશ કુમારને ગાળો આપી, સમગ્ર મીડિયા સમાજને પ્રકાર પ્રકારના વિશેષણોથી નવાજ્યો. ટીકા કરી. મેં દલીલો ચાલુ રાખી. આખરે એમણે ખુરશી પરથી ઊભા થઈને મારા તરફ પ્રયાણ કર્યું. અન્ય મિત્રો વચ્ચે પડ્યા અને વાત આગળ વધતા અટકી. પાર્ટી કસમયે પૂરી થઈ ગઈ. પછી અમને ખબર પડી કે પેલાં અતિજાડા ભાઈ એક સ્થાનિક કોર્પોરેટરના ભાઈ હતા. જેના ઘરે ફંક્શન હતું એણે મારા મિત્રને કહી દીધું કે આ આઈટમને (એટલે કે હું) કોઈ દિવસ મારા ઘરે નહીં લાવતો. મારા મિત્રે પણ મને ઠપકો આપતાં કહ્યું કે મોટા માણસો સાથે વાત કરવામાં જરા ભાન રાખવું જોઈએ.

દુર્ઘટના તો બની ગઈ, પરંતુ એની લાંબી અસર મારા મન પર રહી ગઈ. ફેસબુક પર પણ મારે ઘણીવાર મિત્રો સાથે રાજકીય બાબતો પર ચર્ચા અને ઉગ્ર દલીલો થાય છે. માથાભારે હોય એવા અનેકને અનફ્રેન્ડ તથા બ્લૉક કર્યા છે. આવું છેલ્લા ઘણા સમયથી બની રહ્યું છે. ખરેખર તો આ બધામાં કંઈ મજા નથી. છતાં એ ચાલતું જ રહે છે. વાત ફક્ત મારી જ નથી. મોટાભાગના લોકો જાણે અચાનક રાજકારણમાં રસ લેવા માંડ્યા છે. સૌ કોઈ પોતનો રાજકીય અભિપ્રાય ધરાવતું થઈ ગયું છે.

આ નવી સામાજિક ચિનગારી ક્યાં અને ક્યારે પહેલી વાર ભડકી એની ખબર નથી, પરંતુ ભારત અને અમેરિકા બંનેમાં લગભગ એકસાથે જ આ પ્રકારની ઘટનાઓ બનવાની શરૂ થઈ છે. રાષ્ટ્રના વડા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો ઉદય લગભગ એકસાથે જ થયો છે. બંને નેતાઓ એક ચોક્કસ વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે. બંનેના એજંડા અલગ અલગ છે, પરંતુ બંનેની વિચારસરણીનો ટોન એક જ છે. બંનેએ દેશોમાં પ્રવર્તી રહેલા ઉદારમતવાદ સામે જાણે વિરોધનો વંટોળ જગાવ્યો છે. અમેરિકનોના એક મોટા વર્ગને લાગે છે કે વસાહતીઓનું તુષ્ટીકરણ થયું, ભારતના એક મોટા વર્ગને લાગે છે કે લઘુમતીનું બહુ તુષ્ટીકરણ થયું. આ સિવાયના પણ કેટલાક મુદ્દા છે, જે બંને નેતાઓના સમર્થકોમાં સામાન્ય છે.

મહત્ત્વની વાત એ છે કે નવા ઉદ્ભવેલા અનુયાયીઓ બહુ જ આક્રમક અને બોલકા છે. પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરવામાં તેઓ ગર્વ અનુભવે છે, એટલું જ નહી, એ વિષય પર લડી લેવા તેઓ સજ્જ બની જાય છે અને જરૂર પડે તો સંબંધો તોડી નાંખતા પણ અચકાતા નથી. આના પ્રતિસાદમાં એમનાથી વિરુદ્ધ મત ધરાવતા લોકો પણ આક્રમક બને છે, જેના પરીણામે માનવ સંબંધોમાં વિના કારણની તકરારો શરૂ થાય છે. કેટલીક વાર વાત શાંતિથી પતી જાય છે તો કેટલીક વાર સંબંધો તૂટી જાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના અનુયાયીઓની બીજી ખાસિયત એ છે કે સરકાર દ્વારા લેવાતા પગલાં અથવા એમના નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જે ટીકા થાય એનો જવાબ આ અનુયાયીઓ આપવા માંડે છે. આ રીતે સોશિયલ મીડિયામાં તેમ જ રીયલ લાઇફમાં સંઘર્ષ ચાલતો જ રહે છે.

એનબીસી ન્યૂઝ અને વોલસ્ટ્રીટ જર્નલ દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ સોશિયલ મીડિયામાં 17 ટકા લોકોએ રાજકીય કારણોસર અન્ય લોકોને અનફ્રેન્ડ અથવા બ્લૉક કર્યા હતાં. રીયલ લાઇફમાં પણ પરિવારજનો, મિત્રો, પડોશીઓ કે સહ કર્મચારીઓ વચ્ચે રાજકીય માન્યતાઓ તથા દલીલોને કારણે તંગદિલી પેદા થઈ છે.

નવી હવા બાબતે ભારતમાં જેટલું આશ્ચર્ય અનુભવાય છે એના કરતાં અમેરિકામાં વધુ અનુભવાય છે, કારણ કે પશ્ચિમના દેશોએ ઉદારમતવાદને સજ્જડ રીતે સ્વીકારી લીધો છે અને એ ત્યાંની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આથી જ રાષ્ટ્ર પ્રમુખ માટેની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે રૂઢિવાદી નિવેદનો કર્યા હતા એનાથી ત્યાંના બુદ્ધિજીવીઓને ભારે આઘાત લાગ્યો હતો. ટ્રમ્પ જીત્યા એ વાત પણ તેઓ સ્વીકારી જ નહોતા શક્યા. આ માણસ અમારો પ્રૅસિડેન્ટ ન હોઈ શકે એવા બેનરો સાથેના દેખાવો કેટલાય દિવસો સુધી થતાં રહ્યાં.

હવે જોકે અમેરિકન પ્રજાને કળ વળી રહી છે. ટ્રમ્પના સમર્થકોની આક્રમકતા એવી જ છે, પરંતુ એમની તાર્કિક કે તર્કહીન માનસિકતાને સ્વીકારવાની પરિપક્વતા બાકીના લોકો દેખાડી રહ્યા છે. સંબંધોમાં પેદા થયેલો તનાવ દૂર કરવા તેઓ માનસશાસ્ત્રીઓની સલાહ લઈ રહ્યા છે. મોટા ભાગના માનસશાસ્ત્રીઓ એવી સલાહ આપે છે કે ભિન્ન મત ધરાવનારની લાગણી સમજો. એના અનુભવના આધાર પર એણે જે માન્યતાઓ ઘડી હોય એને વાચા આપનાર કોઈ નેતા આગળ આવે તો એ નેતાને તે સમર્થન કરવાનો જ છે. તમે એને અલગ રીતે વિચારવાનું ન કહી શકો.

આવી પરિપક્વતા દાખવવાનું બધા માટે શક્ય નથી હોતું. આપણને એમ થાય કે કોઈ ગૌરક્ષકની માનસિકતા સમજવાની આપણને શી જરૂર છે? રવીશ કુમાર કઈ રીતે રાક્ષસ છે એ આપણે કોઈ કોર્પોરેટરના ભાઈ પાસેથી સમજવાની શી જરૂર છે? આના કરતાં રાજકીય ચર્ચા કરવાના અભળખા ઓછા કરી નાંખવાનું સારું પડે.

હવે હું આ બાબતે સજાગ બની ગયો છું અને વિચારી રહ્યો છું કે રાજકીય બાબતો વિશેના અભિપ્રાયો જાહેરમાં વ્યક્ત કરવા કે નહીં. વન ટુ વન ચર્ચામાં પણ બહુ જ સાવધ રહેવું. સામી વ્યક્તિના હાવભાવ તથા એની પ્રતિક્રિયા જાણીને ચેતી જવાનું. બોટમ લાઈન એ છે કે આપણી રાજકીય માન્યતા સાચી પુરવાર થાય અથવા તો આપણા પ્રભાવમાં આવીને બે પાંચ જણા આપણી રીતે વિચારતા થઈ જાય તો પણ એના માટે આપણને કોઈ એવૉર્ડ નથી મળવાનો. એની સામે, રાજકીય મતભેદ તથા એ વિશેની ઉગ્ર ચર્ચા કરવાથી જો જૂના સંબંધો બગડી જાય તો એ ન પરવડે. અરે, આવી ક્ષુલ્લક બાબતને કારણે કોઈ નારાજ થાય એ પણ ન ચાલે. તો પછી મૂકોને આ બધી લપ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.