મારો પણ વિડિયો વાઇરલ થાય

24 Jul, 2017
12:01 AM

નિખિલ મહેતા

PC: amyvernon.net

કોઈ પણ ચીજ, કલાકૃતિ કે અન્ય ટેલેન્ટની લોકપ્રિયતાના માપદંડની વાત થાય ત્યારે એડ્વર્ટાઇઝમેન્ટ ક્ષેત્રના હોંશિયાર માણસો એ વાત કબૂલતા હોય છે કે માઉથ ટુ માઉથ પબ્લિસિટિ જેવો માપદંડ બીજો એક્કેય નહીં. જો વાતમાં દમ હોય તો લોકો પોતાની મેળે જ એની જાહેરાત બીજા પાસે કરવાના છે. અરે, તમે બજારમાં નવો આવેલો કોથમીર બ્રાન્ડ સાબુ વાપર્યો કે નહીં? જબરજસ્ત છે બાકી. એક વાર ટ્રાય કરજો. પેલા ભાઇ ટ્રાય કર્યા વિના પોતાની આગવી ફેકંફેક કરીને બીજા ચારને એની વાત કરે. વાપર્યા પછી બીજા દશને કહે. આ પંદરેય માણસોમાંનો એક એક નંગ બીજા પંદર પંદરને કહે. જોતજોતામાં કોથમીર બ્રાન્ડ સાબુ પ્રસિદ્ધ થઇ જાય. વાત જો સાબુની નહીં અને કોઇ વિડિયોની હોય તો એ વિડિયો વાઇરલ થઇ જાય.

અલબત્ત, સાબુ અને વિડિયોમાં ફરક એ છે કે સાબુ મફતમાં શેર નથી કરી શકાતો. ફકત એના વિશે વાત જ થઇ શકે છે, જ્યારે કોઇ મનગમતી વિડિયો સાવ ફ્રીમાં શેર કરી શકાય છે. એટલે કે એની ફક્ત મોઢેથી પ્રસંશા નથી કરવાની. એ વિડિયોની લિન્ક મોકલીને મિત્રને કહેવાનું છે કે આ જો. કેવી સરસ વિડિયો છે. સોશ્યલ મિડિયામાં આજકાલ વિડિયો શેર કરવા એ લોકોનો સૌથી મોટો ટાઇમપાસ બની ગયો છે. ફેસબૂક પરના મારા ઇનબોક્સમાં દરરોજ અનેક મિત્રો સારી ભાવનાથી મને નવી નવી વિડિયોની લિન્ક મોકલતા હોય છે. અને હું એટલી જ સારી ભાવનાથી એને ઇગ્નોર કરું છું. કારણ એ કે બધા વિડિયો જોવા બેસીએ તો દિવસના ચોવીસ કલાક ઓછા પડે. આથી સારામાં સારો નિયમ કે કોઇ જ વિડિયો ન જોવો.

અલબત્ત, બધા વિડિયો ઇગ્નોર કરવા જેવા નથી હોતા. કયા વિડિયો પર નજર કરવી અને કયા પર ન કરવી એ નક્કી કરવા માટે તમારે થોડી કોમન સેન્સ કામે લગાડવી પડે અને વિડિયોના અલગ અલગ પ્રકારોને પારખતા શીખવું પડે. આપણી સામે આવતા વિડિયોમાં એક પ્રકાર છે હમ આપ કે હૈ કૌન ટાઇપના પારીવારિક વિડિયોનો. આવા વિડિયોમાં પરિવારના કોઇ શુભ પ્રસંગના દશ્યો હોય છે. પરિવારના સભ્યો ઉલ્લાસથી એકબીજાને ભેટે, વાતો કરે, અંદરોઅંદર મસ્તી કરે, છૂપી અદેખાઇ અને દુશ્મનાવટને ભૂલીને દેરાણીઓ જેઠાણીઓ સાસુવહુબેટાઓ બધા જાણે સૂરજ બડજાત્યાની ફિલ્મના પાત્રો હોય એવા પ્રેમભાવથી કેમેરાની સામે જોઇને સ્મિત ફરકાવતા રહે. આમાં કંઇ ખોટું નથી. શુભ પ્રસંગે સંયુક્ત પરિવારના સભ્યો ભેગા થઇને આનંદ વ્યક્ત કરે એ બહુ જ સારી વાત છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે એમાં આપણા કેટલા ટકા? એ વિડિયો જોઇને આપણે શું કરવાનું? શા માટે એ વિડિયો જોવાનો? આવી વિડિયો હું ક્યારેય જોતો નથી અને ફેસબૂક પર હોય તો અચૂકપણે એને લાઇક કરી દઉં છું.

સંયુક્ત કુટુંબની વિડિયો પછીનો બીજો પ્રકાર છે વિભક્ત કુટુંબના વિડિયોનો. આમાં પતિપત્ની એકલા અથવા પોતાના એક કે બે બાળકો સાથે કોઇ હિલ સ્ટેશને ગયા હોય અને ત્યાં એમણે જે મજા કરી હોય એનો વિડિયો મૂકે. આવા વિડિયોમાં મોટે ભાગે તો ઇનમીનતીન સભ્યો દરિયાકિનારે એકબીજા પર પાણી ઉછાળતાં તથા ભવ્ય રેસ્ટોરાંમાં જમતાં દેખાય. આવા વિડિયો જોવાની અને માણવાની સહનશક્તિ હજુ સુધી આપણે કેળવી નથી. આથી એના પર પણ ચોકડી અને એક પ્રેમભરી લાઇક. 

આ ઉપરાંત બીજા સાજિક સમારંભો, એવોર્ડ વિતરણ કાર્યક્રમો વગેરેના અનેક ફાલતુ વિડિયો આપણી નજર સામે આવતા હોય છે, જેના પર અડદી નજર મારીને જ એને ઇગ્નોર કરી શકાય. આજકાલ રાજકીય માહોલ ગરમ છે એટલે પોલિટિકીકલ વિડિયોનો પ્રસાર બહુ વધ્યો છે. બધા રાજકીય પક્ષોના આઇટી સેલ પોતાના નેતાઓની પ્રસંશા કરતા અને વિરોધી નેતાઓની ટીકા કરતા વિડિયો તૈયાર કરીને પોતાના સમર્થકોને પહોંચાડતા હોય છે અને સમર્થકો એ શેર કરીને અન્યોને એ શેર કરવાનું કહેતા હોય છે. ક્યારેક સંજોગો અનુસાર જૂના વિડિયોને ફરીથી ચારે તરફ ફેલાવવામાં આવે છે. કાશ્મીરમાં જ્યારે જ્યારે ત્રાસવાદી હુમલા થાય કે લશ્કરી જવાનો શહીદ થાય ત્યારે સરકારના વિરોધીઓ નરેન્દ્ર મોદીનો પેલો જૂની વિડિયો ફરતો કરી દે જેમાં નરેન્દ્ર મોદીએ છપ્પન ઇંચની છાતી અને પાકિસ્તાનને એની જ ભાષમાં જવાબ આપવાની વાત કરી હતી. રાજકીય સનસનાટી ફેલાવવા માટે રાજકીય વિરોધીઓના કૌભાન્ડો અને કારનામાનો વિડિયો વહેતો કરવાની પ્રવૃત્તિ પણ ધૂમ ચાલે છે. જોકે આવા વિડિયો તૈયાર કરવામાં ઘણી વાર વિડિયો સાથે ટેમ્પરિંગ થાય છે, એમાં ભળતીસળતાં દશ્યો ઘુસાડી દેવામાં આવે છે એટલે એની કોઇ વિશ્વસનીયતા રહેતી નથી. આથી રાજકીય વિડિયો પર પણ ચોકડી.

ઘણી વાર વિદેશની અચરજભર્યો વિડિયો આપણને ઇમ્પ્રેસ કરતો હોય છે. કોઇ સ્ટન્ટ, મોટી આફત કે અકસ્માતમાં આબાદ બચી જવાની ઘટના, પ્રાણીઓના પ્રેમભાવનો વિડિયો વગેરેમાં નિર્ભેળ મનોરંજન હોય છે. પરંતુ હું આવા વિડિયો પણ જોતો નથી. દુનિયામાં આશ્ચર્યજનક તો ઘણું બને છે. તો શું બધુ જોતા રહેવાનું? અને આમેય આપણી આસપાસ ક્યાં ઓછા આશ્ચર્યો સર્જાતા હોય છે? 

યુટ્યુબ તથા એના જેવી કેટલીક સાઇટ્સ પર એજ્યુકેશનલ વિડિયો પણ જોવા મળે છે. આ ખરેખર એક સારો પ્રકાર છે. તમને જ્યારે પણ કોઇ વાત, મુદ્દો, ટેકનોલોજી કે ઘટના સમજાતી ન હોય તો તમે યુટ્યુબ પર એને લગતો વિડિયો જોઇને તમારું કામ આસાન કરી શકો છો. જેમ કે પોકિમોનની ચારે તરફ વાતો થતી હતી ત્યારે મને એના વિશે કંઇ જ ખબર નહોતી અને મારા મનમાં એના વિશે જાણવાની ઉત્સુકતા જાગી. મેં યુટ્યુબ પર પોકિમોન શું છે જણાવતા બેત્રણ વિડિયો જોયા તો મને એનું એટુઝેડ સમજાઇ ગયું. જોકે મારે કબૂલ કરવું પડશે કે આવી જ ઉત્સુકતાથી જીએસટીના લગભગ આઠદસ વિડિયો જોઇ નાંખ્યા છે છતાં જીએસટી મને સમજાયું નથી. એને અપવાદ ગણીએ તોય જાણકારી અને જ્ઞાન આપતા શૈક્ષણીક વિડિયોની વેલ્યુ મોટી છે. સ્કૂલ કે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓને આ પ્રકારના વિડિયો બહુ જ ઉપયોગી નીવડી શકે છે. આખું પુસ્તક વાંચીને જે શીખી શકાય એ પંદર મિનિટનો વિડિયો જોઇને શીખી શકાય.

ઉપર જણાવેલા પ્રકારોમાંની કોઇ વિડિયો વાઇરલ નથી હોતો. એટલે કે એની ઘેલછા પેદા નથી થતી. વાઇરલ વિડિયો એ છે કે જેને થોડા જ સમયમાં અસંખ્ય લોકો અવારનવાર જોવા લાગે, એ માટેની ઘેલછા ઊભી થાય. એક વાર યુટ્યુબ પર એ અપલોડ થાય એટલે ચારે તરફ લોકો એને શેર કરવા માંડે. દરેક ઠેકાણે એના વિશે વાતો થાય, ચર્ચા થાય. સોશ્યલ મિડિયા પર એની લિન્ક જોવા મળે. ન્યુઝ ચેનલો અને અખબારોમાં પણ એની નોંધ લેવાય. આ રીતે ટૂંક સમયમાં જેને લાખ્ખો, કરોડો વ્યુઝ મળી જાય એવો વિડિયો વાઇરલ થયો ગણાય.

કયો વિડિયો વાઇરલ થયો છે એ નક્કી કરવા માટે યુટ્યુબે કેટલાક માપદંડ નક્કી કર્યા છે. 2012માં ઇન્વિઝિબલ ચિલ્ડ્રન નામનો વિડિયો અપલોડ થયાના ત્રણ જ દિવસની અંદર 34 કરોડ લોકોએ એ વિડિયો જોયો. તાજેતરના ઇતિહાસમાં ગંગનમ સ્ટાઇલ વિડિયોને પાંચ મહીનાની અંદર એક અબજ વ્યુઝ મળ્યા. 2012નો આ સૌથી વધુ લોકપ્રિય વિડિયો છે. વિડિયો વાઇરલ થયો ગણાય કે નહી એ માટેનો સૌથી મોટો માપદંડ એને મળતાં વ્યુઝ છે. આ વિષયના એક્સપર્ટ કેવિન નેલ્ટી કહે છે થોડા સમય પહેલા કોઇ વિડિયોને દશ લાખ વ્યુઝ મળે તો એ વાઇરલ ગણાતો, પરંતુ હવે પચાસ લાખ વ્યુઝ મળે તો જ વિડિયો વાઇરલ ગણાય છે. આ ઉપરાંત, બીજા કેટલાક માપદંડને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે જે વિડિયોની વધુ ચર્ચા થાય અને જેને વધુ વાર શેર કરવામાં આવે એ પરીબળ મહત્ત્વનું છે. જોકે જે વિડિયોની વધુ ચર્ચા થાય એને નિશ્ચિતપણે વધુ વ્યુઝ મળવાના જ છે. આથી પાયાનો માપદંડ તો વ્યુઝની સંખ્યા જ છે. 

આપણે સામાન્ય રીતે વિડિયો વાઇરલને એના ટેકનિકલ અર્થમાં નથી સમજતાં. કોઇ વિડિયો બહુ ફેમસ થઇ જાય તો એને આપણે વિડિયો વાઇરલ કહી દેતા હોઇએ છીએ. જેમ કે તાજેતરમાં રેડીઓ જોકી માલિશ્કાએ મુંબઇ મહાનગર પાલિકાની ઠેકડી ઊડાડતો એક વિડિયો બનાવ્યો તો એ લોકપ્રિય બન્યો અને વિવાદસ્પદ પણ બન્યો. વિડિયો ફેમસ બની ગયો એટલે સૌ કહેવા લાગ્યા કે માલિશ્કાનો વિડિયો વાઇરલ બની ગયો. હકીકતમાં યુટ્યુબ પર આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર જેનો વિડિયો વાઇરલ બની જાય એની તકદીર ખુલી જાય, કારણ કે વાઇરલ વિડિયોમાં કમાણીનો પણ પુષ્કળ સ્કોપ હોય છે. યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતો વિડિયો એ એડવર્ટાઇઝિંગનું એક ઉત્તમ માધ્યમ છે અને યુટ્યુબ એનો પૂરેપૂરો લાભ ઊઠાવે છે. અપલોડ કરવામાં આવેલા વિડિયોને અમુક હજાર કે લાખ વ્યુઝ મળે ત્યારથી એના પર એડ્વર્ટાઇમેન્ટ શરૂ થઇ જાય છે, જેમાંનો મોટા ભાગનો હિસ્સો યુટ્યુબ પોતાની પાસે રાખે છે. બાકીનામાંથી વ્યુઝ વધતા જાય એમ વિડિયો અપલોડ કરનારને વધુ પૈસા મળતા જાય.

આજે વિડિયો બનાવવાનું સાવ આસાન બની ગયું છે અને યુટ્યુબ પર એને સાવ ફ્રીમાં અપલોડ કરી શકાય છે. જો કોઇ વ્યક્તિમાં ટેલેન્ટ હોય અને જો એ કોઇ અફલાતૂન વિડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરે તો એને લોટરી લાગવાની શક્યતા ઊભી થાય છે. જોકે ટેકનોલોજી આશીર્વાદ છે એની સાથોસાથ અભિશાપણ છે. ઢીંચક પૂજાનો જ દાખલો લઇ લો. એ છોકરીએ ક્રિન્જ રેપ પ્રકારનો ત્રાસવાદી વિડિયો અપલોડ કરીને પોતાના નામે ચર્ચા જગાવી, નેગેટિવ પબ્લિસિટિ મેળવી અને ઘણા બધા વ્યુઝ પણ મેળવ્યા. પૈસા પણ કમાઇ જ હશે.

બીજી તરફ આપણા કીંજલ દવેની વિડિયો 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતની વાત કરો. આ વિડિયોને યુટ્યુબ પર ચાર કરોડ વ્યુઝ મળી ચુક્યા છે. કીંજલ દવેને આ વિડિયોમાંથી કેટલી કમાણી થઇ એની તો ખબર નથી, પણ હમણાં તેઓ બારમા ધોરણની પરીક્ષામાં પાસ થયા એ ખબર છે.

દરેક માટે કિંજલ બનવાનું શક્ય નથી, પરંતુ પોતાની આગવી રીતે કોઇ ચકચાર જગાવી શકે છે, લોકપ્રિયતા મેળવી શકે છે. જે પ્રકારનો વિડિયો ખૂબ જોવાનું પસંદ કરે છે એના બે પરીબળો સામે આવ્યા છે. જો તમે આ બે પરીબળોનું સરસ મિશ્રણ કરીને વિડિયો તૈયાર કરો તો એને સફળતા મળવાની શક્યતા ઘણી વધુ છે. વાઇરલ વિડિયોના બે મુખ્ય લોકપ્રિય ઘટકો આ છેઃ એક હ્યુમર અને બીજું સંગીત. બહોળી લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે વિડિયોમાં મ્યુઝિકની મીઠાશ અને રમૂજની મસ્તી હોવી જરૂરી છે. જો કોમ્બિનેશન ક્લિક થઇ ગયું તો જલસા જ જલસા છે. બાકી તો નસીબ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.