પત્રકારોની ઇમેજ બગડી રહી છે

19 Jun, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: msecnd.net

 

ન્યૂઝ ચેનલોના શોરબકોર અને સોશિયલ મીડિયાની વધી રહેલી લોકપ્રિયતાને કારણે દેશના પત્રકારોની ઇમેજ નબળી પડી રહી છે. મોટા ભાગની ન્યૂઝ ચેનલોની પોકળતા ખુલ્લી પડી રહી છે. સતત ખુલ્લાં થતાં પક્ષપાતી વલણ, ચર્ચામાં નકરો ઘોંઘાટ અને સાવ વાહિયાત સમાચારોને વારંવાર દોહરાવતા રહેવાની કુટેવોને લીધે ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોને દર્શકો લગભગ ધિક્કારતા થઇ ગયા છે. બીજી તરફ અખબારો રાબેતા મુજબ ઘરે આવતા હોય છે, પરંતુ પહેલા એ જેટલા પ્રમાણમાં વંચાતા હતા એના કરતાં ઓછા વંચાય છે. લોકો પાસે હવે આખું અખબાર ખંખોળવાનો સમય નથી. ન્યૂઝ મીડિયા કદાચ એના સૌથી કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે.

એક સમસ્યા એ છે કે સામાન્ય પ્રજા ન્યૂઝ મીડિયાની દરેક ચેનોલો અને બધા જ પત્રકારોને એકસરખા ગણે છે અને સમાન તિરસ્કાર ભાવથી એમને જુએ છે. એનું કારણ એ છે કે સામાન્ય લોકો પાસે અખબારની, ન્યૂઝ ચેનલની કે પત્રકારોની કામગીરી વિશે પૂરી જાણકારી નથી હોતી. આના કારણે મિત્ર વર્તુળમાં ચાય પે ચર્ચા થતી હોય ત્યારે જો કોઇ પત્રકાર કંઇક બોલવા જાય તો બીજા મિત્રો એને એમ કહીને ચૂપ કરી દે કે તું તો બિક ગયા હૈ.

સાચી વાત એ છે કે બધા જ પત્રકારો એક સરખા નથી હોતા, એમની કામગીરી એકસરખી નથી હોતી. મોટા ભાગના પત્રકારો માટે આ એક વ્યવસાય છે અને તેઓ કોઇ રાજકીય વિચારધારા માટે નિશ્ચિત મત પણ ન ધરાવતા હોય એવું પણ બને. આમ છતાં અખબારી જગત સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકોના હાથ પર જાણે કોઇકે લખી દીધું છે કે 'મૈં ભાંડ મિડિયા હૂં.' આ ગેરસમજણ દૂર કરવા માટે સૌથી પહેલા તો લોકોએ અખબારની અને પત્રકારની કામગીરી સમજવાની જરૂર છે. ચાલો, આજે અખબારની કામગીરીને સમજવાનો પ્રયત્ન કરીએ.

અખબારમાં બે મુખ્ય વિભાગો હોય છે. એક ન્યૂઝ અને બીજો ફીચર્સ. ફીચર્સ વિભાગ એટલે પૂર્તિઓનો વિભાગ. પૂર્તિ વિભાગના કર્માચારીઓ મોટે ભાગે નાઇન ટુ ફાઇવ પ્રકારની નોકરી કરતાં હોય છે. એમને મોટે ભાગે નાઇટ ડ્યુટી કરવાની નથી હોતી અને એમની કામગીરીમાં કોઇ ટેન્શન નથી હોતું. એનો અર્થ એ નથી કે એમની કામગીરી સાવ સરળ હોય છે. કોઇ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠતા દાખવવાનો અવકાશ હંમેશાં હોય જ છે. ફીચર્સ વિભાગમાં કામ કરતા અમુક કર્મચારીઓ લેખો લખતાં હોય છે, જ્યારે બાકીના લેખો બહારના કોન્ટ્રીબ્યુટર્સ પાસે લખાવવામાં આવે છે. આ વિભાગના વડા આસિસ્ટન્ટ એડિટરની કક્ષાના હોય છે.

ન્યૂઝ વિભાગ અખબારનું હાર્દ છે. આમ તો ન્યૂઝમાં પણ બે પેટા વિભાગ હોય છે. એક પ્યોર ન્યૂઝ અને બીજો વિભાગ વ્યૂઝનો. વ્યૂઝમાં કરન્ટ ટોપિક્સ પરના લેખો, વિશ્લેષણો તથા તંત્રીલેખોનો સમાવેશ થતો હોય છે. આ કામ આસિસ્ટન્ટ એડિટરના લેવલના પત્રકારો સંભાળતા હોય છે. અખબારમાં તેઓ પોતે પણ લખતા હોય છે અને અન્ય કોન્ટ્રીબ્યુટર્સ પાસે પણ લખાવતાં હોય છે. મોટે ભાગે આ વિભાગના પત્રકારો તંત્રીલેખનું પાનું તથા ક્યારેક એની સામેનું એટલે કે ઓપેડ પેજ સંભાળતા હોય છે. પૂર્તિઓમાં રાજકીય લેખની પ્રથા હોય તો એમાં આ વિભાગના પત્રકારો કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે.

અખબારનો મુખ્ય વિભાગ એટલે પ્યોર ન્યૂઝનો. આ પ્યોર ન્યૂઝના પાછા બે પેટા વિભાગ હોય છે. રિપોર્ટિંગ અને ડેસ્ક. રિપોર્ટિંગમાં કામ કરતા રિપોર્ટરો ઘટના સ્થળે જઇને રિપોર્ટ્સ લખવાનું કામ કરે છે. મંત્રાયલ, નગરપાલિકા, પોલીસ ચોકી, કોર્ટ વગેરે જેવી કેટલીક કાયમી બીટ હોય છે, જે માટેના રિપોર્ટરો નિશ્ચિત હોય છે. દરેક બીટ માટે અલગ અલગ રિપોર્ટરોને નોકરીએ રાખવા કે નહીં એ અખબારની સદ્ધરતાના આધારે નક્કી થતું હોય છે. કોઇ નાનાં અખબારમાં જો ફક્ત ચારપાંચ જ રિપોર્ટરો જ હોય તો એક જ રિપોર્ટરને બેચાર બીટનું સહિયારું કામ સોંપી દેવામાં આવે છે, જ્યારે મોટા અખબારમાં તો એરપોર્ટ માટે પણ અલગ રિપોર્ટરને રાખવામાં આવે છે. એક વાત નિશ્ચિત છે કે અખબારમાં વધુ રિપોર્ટરો હોય તો એનો લાંબા ગાળે લાભ મળતો જ હોય છે. 

રિપોર્ટિંગ ટીમના વડા ચીફ રિપોર્ટર કહેવાય છે. આજના દિવસ દરમિયાન કઇ ઘટનાઓ બનવાની છે એની તથા દિવસના કાર્યક્રમો અને પ્રસંગોની પૂરી જાણકારી ચીફ રિપોર્ટરની પાસે હોય છે. આથી ઓફિસ ટાઇમ શરૂ થતાં જ તેઓ વિવિધ રિપોર્ટરોને અલગ અલગ કામગીરી સોંપીને એમને ફરતાં કરી દે છે. આ ઉપરાંત આકસ્મિક કોઇ ઘટના બને તો ત્યાં કોને મોકલવા એની વ્યવસ્થા પણ ચીફ રિપોર્ટર કરે છે. રિપોર્ટિંગના બહોળા અનુભવ પછી જ કોઇ વ્યક્તિ ચીફ રિપોર્ટર તરીકેની જવાબદારી સંભાળી શકતી હોય છે.

દિવસના અંતે રિપોર્ટરો પોતપોતાના રિપોર્ટસ લખીને સબમિટ કરે છે. ચીફ રિપોર્ટર એ ચેક કરે છે, માહિતી અધૂરી હોય તો એનો ઉમેરો કરાવે છે અને ભૂલો સુધારવામાં આવે છે. મોટા ભાગના અખબારોમાં શહેરના સમાચાર માટેનું અલગ પાનું હોય છે અને એનો ચાર્જ ચીફ રિપોર્ટર સંભાળતા હોય છે. શહેરના બધા જ રિપોર્ટ્સ આ પેજ પર છાપવામાં આવે છે અને શહેરની કોઇ ઘટના વધુ મહત્ત્વની હોય, જેમ કે શહેરના કોઇ મોટી ગુનાખોરીની ઘટના બની કે ઉદ્યોગપતિનું કોઇ કૌભાંડ બહાર આવ્યું તો એ સમાચાર પહેલા પાને છાપવા માટે ન્યૂઝ એડિટરને મોકલવામાં આવે છે. એ સમાચાર પહેલા પાને છાપવાં કે નહીં એ ન્યૂઝ એડિટર નક્કી કરે છે. 

પ્યોર ન્યૂઝ વિભાગમાં રિપોર્ટિંગ સિવાયનું બધુ જ કામકાજ ડેસ્ક પરના પત્રકારો કરે છે. ડેસ્ક પરની મોટા ભાગની કામગીરી સબ એડિટરો કરતા હોય છે. સબ એડિટરો મુખ્ય તો ભાષાંતરનું કામ કરતા હોય છે. દેશ અને દુનિયામાં બનેલી વિવિધ ઘટનાઓના સમાચાર મોટે ભાગે અંગ્રેજીમાં આવતા હોય છે. સબ એડિટરો એ સમાચારોને એના મહત્ત્વ પ્રમાણે સંક્ષિપ્ત કરીને એનું ભાષાંતર કરે છે, એને હેડિંગ આપે છે. જેમ રિપોર્ટિંગની ટીમના વડા ચીફ રિપોર્ટર હોય છે એમ સબ એડિટરોની ટીમના વડા ચીફ સબ એડિટર હોય છે. ચીફ સબ એડિટરનું કામ વિવિધ સબ એડિટરો પાસેથી કામ લેવાનું હોય છે. શહેરના સમાચારનું પેજ, એડિટ પેજ અને ક્યારેક ઓપેડ પેજ સિવાયના બાકીના બધા જ પાનાં બનાવવાની જવાબદારી ચીફ સબએડિટરોની હોય છે. પેજ બનાવવા એટલે અખબારના પાનાં પર ક્યાં, કઇ મેટર લેવી અને ક્યા ફોટા લેવા એ નક્કી કરવું. આ કામ પ્રમાણમાં ઘણું વધુ અને મોટું હોવાથી દરેક અખબારમાં બે કે ત્રણ ચીફ સબ એડિટરો રાખવામાં આવે છે અને તેઓ પોતાની ટીમ સાથે બે શિફ્ટમાં કામ કરે છે. મોટે ભાગે આંતરરાષ્ટ્રીય સમાચાર, ગ્રામીણ વિસ્તારોના સમાચાર, કમર્સ, રમતગમત અને ઓછા મહત્ત્વના પાનાં બનાવવાનું કામ દિવસની શિફ્ટમાં થાય છે, જ્યારે પહેલાં પાનાં સહિતના બીજા કેટલાક ન્યૂઝના પાનાં રાતની શિફ્ટમાં બને છે. 

ન્યૂઝના સમગ્ર વિભાગના વડા ન્યૂઝ એડિટર હોય છે, જે રાતની શિફ્ટના ચીફ સબ એડિટરને પહેલાં પાનાં પરના ન્યૂઝ નક્કી કરવામાં માર્ગદર્શન આપે છે અને ક્યારેક મુખ્ય સમાચારોના હેડિંગો આપે છે. ન્યૂઝ એડિટરના મનમાં જ્યારે કોઇ બાબતે અવઢવ પેદા થાય કે અખબારની પોલીસીને લગતી કોઇ દ્વિધા થાય ત્યારે એ સીધા ચીફ એડિટરની સલાહ લે છે. ચીફ એડિટર એકંદરે બધા વિભાગનું સંકલન કરતાં હોય છે અને એમની જવાબદારી મેનેજમેન્ટ સાથે ડીલ કરવાની તેમ જ વહીવટી કામકાજ સંભાળવાની પણ હોય છે.

આ છે એક અખબારની અંદરની કામગીરીની આછી રૂપરેખા. આથી જ જ્યારે સામાન્ય લોકો અખબારમાં કામ કરતાં કોઇ પણ પત્રકારને એક ટિપિકલ ન્યૂઝ મિડિયા ધારીને એની પર વરસી પડે ત્યારે અનર્થ થઇ જતો હોય છે. જેમ કે ફીચર્સ વિભાગમાં કામ કરતાં કોઇ સબ એડિટરને અચાનક કોઇ ગાળો આપીને કહેવા માંડે કે તમારા છાપાંમાં તો સાવ વાહિયાત સમાચાર આવે છે. સબ એડિટર ત્યારે તો એની વાત સાંભળી લે, પણ ઓફિસે જઇને એણે પોતાનાં છાપાંની ફાઇલો ચેક કરવી પડે છે. એ જ રીતે કોઇ રિપોર્ટરને અખબારના સરકારતરફી કે સરકારવિરોધી વલણ વિશે સંભળાવવામાં આવે ત્યારે પણ રમૂજ પેદા થાય છે, કારણ કે મોટા ભાગના રિપોર્ટરો પોતાની બીટમાં મસ્ત રહેતા હોય છે. તેઓ પોતાના અખબારમાં ઓછા ઇન્વોલ્વ હોય છે. પોતાની બીટના અન્ય અખબારોના રિપોર્ટરો સાથેના ગપ્પાગોષ્ટિમાં એમનો વધુ સમય પસાર થતો હોય છે. રિપોર્ટરોની સિન્ડિકેટ એમની જીવાદોરી હોય છે.

આથી જ બધા પત્રકારોને એકસરખા ગણવા એ મોટી ભૂલ છે. સામાન્ય પ્રજાએ મિડિયા વિશે જનરલાઇઝ કરવાનું ટાળવું જોઇએ. શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિગત પત્રકારની અથવા ખાસ ન્યૂઝ ચેનલનું નામ લઇને એની જ વાત કરવી જોઇએ. મીડિયાને સમજવાની સાચી ચાવી એ જ છે.

બીજી તરફ પત્રકારોએ પણ પોતાની તથા પોતાના વ્યવસાયની બગડી રહેલી છબી બાબતે સજાગ બનવાની જરૂર છે. પોતાના ક્ષેત્રમાં પ્રવર્તતા બેજવાબદાર વલણ તથા ભ્રષ્ટાચાર બાબતે ચિંતિત થઇને એ દૂર કરવા સજ્જ બનવાની જરૂર છે.

હવે સમય બદલાયો છે. એક સમયે અખબારોનું અને પત્રકારત્વના ક્ષેત્રનું એક ગ્લેમર હતું, હવે સોશિયલ મીડિયાને લીધે અખબારોની મોનોપોલી તૂટી છે. પોતાનો મત વ્યક્ત કરવા માટે હવે સામાન્ય લોકોને અખબારી માધ્યમની જરૂર નથી પડતી. સોશિયલ મીડિયાને કારણે સામાન્યમાં સામાન્ય માણસ પણ દેશની કોઇ સમસ્યા વિશે પોતાનો અભિપ્રાય જાહેરમાં વ્યક્ત કરી શકે છે. આથી જ્યારે ન્યૂઝ ચેનલ કે અખબારનો અભિપ્રાય જ્યારે કોઇ કોમનમેનને અયોગ્ય લાગે ત્યારે એનો વિરોધ કરવા માટે કે પોતાનો મત વ્યક્ત કરવા માટે એણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતું ચર્ચાપત્ર લઇને અખબારી કચેરીમાં આંટાફેરા નથી મારવા પડતા. ફેસબુક કે ટ્વિટર પર એ નિર્ભયપણે અને કોઇ જ ખર્ચ વિના પોતાનો અભિપ્રાય જાહેર કરી શકે છે. એ રીતે કહી શકાય કે ન્યૂઝ તથા વ્યૂઝ જાહેર કરવાની અખબારી માધ્યમોની મોનોપોલી હવે તૂટી ગઇ છે. આથી જ પત્રકારો માટે હવામાં ઊડવાનું બંધ કરીને વાસ્તવિકતાનો સામનો કરવાનો સમય આવી ગયો છે.

ફેસબુક,ટ્વિટર અને વ્હોટ્સ એપ તો લોકપ્રિય સોશિયલ મીડિયા છે, પરંતુ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે બીજા અને નવા માધ્યમો પણ આવ્યા છે. ન્યૂઝ પોર્ટલો અને ન્યૂઝ વેબસાઇટ્સ પણ લોકપ્રિય બની ગઇ છે. કેટલાક લોકોના બ્લોગ્સ પણ લોકપ્રિય બન્યા છે. આ રીતે ન્યૂઝ મીડિયા પર દરેક રીતે દબાણ વધ્યું છે. 

અલબત્ત, વ્યાવસાયિક અભિગમ અને તાલીમબદ્ધ કામગીરીની બાબતે ન્યૂઝ ચેનલો અને અખાબારોની સ્પર્ધા કોઇ કરી શકે એમ નથી એટલે ન્યૂઝ મીડિયાનું મહત્ત્વ હજુ સુધી ટકી રહ્યું છે અને એ ટકી રહેશે, પરંતુ 

એ સમજવાનું જરૂરી છે કે સામાન્ય લોકો ન્યૂઝ મીડિયાનું ઝિણવટભરી રીતે નિરીક્ષણ કરી શકે છે, એનું મૂલ્યાંકન કરી શકે છે અને એની ટીકા કરી શકે છે. આથી જ પત્રકારો અને ન્યૂઝ મીડિયા સામે મોટો પડકાર ઊભો થયો છે. હવે કોઇના ભેદભરમ છૂપા રહી શકશે નહીં, હવે જે થશે એ ખુલ્લંખુલ્લા થશે. પત્રકારોની બગડી રહેલી ઇમેજ સુધારવા કોઇક કંઇક તો કરવું પડશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.