શ્રાવણનો મહિનો અને તીન પત્તીનો મહિમા

24 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

દરેક દિવસનું કોઈને કોઈ મહત્ત્વ હોય છે. ન હોય તો એને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ કે ફ્રેન્ડશીપ ડે, ફોટોગ્રાફી ડે, વિમેન્સ ડે વગેરે. આવું એક લિસ્ટ મેં ચેક કર્યું તો એમાં ક્યાંય ઈન્ટરનેશનલ ગેમ્બલિંગ ડે દેખાયો નહીં. આ તો જુગારીઓને બહુ મોટો અન્યાય થયો ગણાય. આ બાબતે ક્યાં ફરિયાદ કરવી એ વિશે હું વિચારી રહ્યો હતો ત્યારે જ એક મિત્રે મને કહ્યું કે, ગેમ્બલિંગનો ડે ન હોય, એનો તો આખો મહિનો હોય. શ્રાવણ મહિનો!

વાત સાચી છે. શ્રાવણ મહિનામાં હિન્દુઓના અનેક ધાર્મિક તહેવારો આવે છે અને ચહેરા તપાસો તો લોકો પણ ઘણા ધાર્મિક જણાતા હોય છે. શ્રાવણ મહિનાના સોમવારે તમે જેમને મળો એમાંના પોણા ભાગના લોકોના ઉપવાસ હોય. સોમવારે તેઓ દારુ પણ નથી પીતા એટલે મુંબઈના પરમીટ રૂમ્સમાં સોમવારે ચિલ્લ્મચિલ્લી ઓછી જણાય. જોકે આ લોકો પાછા શનિ-રવિએ એનું સાટું વાળી લેતા હોય છે.

જોકે શ્રાવણ મહિનાનો ખરો મહિમા સમજનાર લોકો એ નથી, જે ઉપવાસ અને પૂજાપાઠ કરે છે. ખરા શ્રાવણીયા એ છે, જે આખો મહિનો જુગાર રમે છે. આખો મહિનો ન રમી શકાય તો કમ સે કમ શનિ-રવિ તો પાળે જ છે. જુગાર વિના શ્રાવણ મહિનો અધૂરો છે.

શ્રાવણ મહિનામાં ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો શા માટે જુગાર રમે છે એની પાછળનું કારણ મને ખબર નથી. પણ, જે લોકો રમે છે એ પૂરી શ્રદ્ધાથી રમે છે. આ લોકો કહે છે કે, શ્રદ્ધાના વિષયમાં આશંકાઓ ન હોય એટલે આ મુદ્દે વધુ પૂછપરછ નહીં કરવાની.

શ્રાવણ મહિનાના નામે લોકો બીજા પ્રકારના જુગાર પણ રમી લેતા હશે. પરંતુ પરંપરાની દૃષ્ટિએ તીન પત્તીનું મહત્ત્વ સૌથી વધુ છે. ખરા શ્રાવણીયા અંગ્રેજીમાં જેને ફ્લેશ કહે છે એ તીન પત્તી જ રમે છે. ગુજરાતી બચ્ચાને જેમ પૈસા કમાવાનું શીખવવું નથી પડતું એમ તેમને તીન પત્તી રમવાનું પણ શીખવવું નથી પડતું. એમાં પણ સૌરાષ્ટ્ર તરફના બાળકો તો તીન પત્તીના ડિગ્રી કોર્સ કર્યા પછી જ ધરતી પર જન્મ લે છે!

આવા જુગારીયાઓનો શનિ-રવિનો બે દિવસ અને બે રાતનો સળંગ કાર્યક્રમ કોઈ હિલ સ્ટેશન પરની પેકેજ ટુર કરતાં પણ વધુ રોમાંચક હોય છે. એમાં સૌથી પહેલા તો રમવા માટેનું સ્થળ નક્કી થાય છે. આ માટે એવું ઘર પસંદગી પામે છે, જેના પરિવારના મોટાભાગના સભ્યો તીન પત્તીના શોખીન હોય. અથવા તો એવી વ્યક્તિના ઘર પર પસંદગીનો કળશ ઢોળાય, જે એકલી રહેતી હોય. કાર્યક્રમ શરૂ થાય એ પહેલા ચ્હા-પાણી, નાસ્તા, સિગારેટ, માવા વગેરે બધાનો ઈંતજામ કરી લેવામાં આવે છે. જેને તીન પત્તી રમવાનો શોખ ન હોય, પણ આવા માહોલમાં રહેવાનું પસંદ હોય એમને ચ્હાપાણી બનાવવાનું તથા અન્ય નાનાંમોટા કામો સોંપવામાં આવે છે. પેલો ભાઈ પણ પ્રાઉડલી આ જવાબદારી ઉઠાવે છે અને પવિત્ર શ્રાવણ મહિનામાં પોતે ભલે તીન પત્તી નહીં રમી શક્યો, પરંતુ તીન પત્તીના અન્ય શ્રદ્ધાળુઓને મદદ કરી શક્યો તેનો સંતોષ મેળવતો હોય છે.

એક વાત નક્કી છે કે, શ્રાવણ મહિનામાં જે તીન પત્તી રમાય છે એમાં પૈસાની લેવડદેવડ જરૂર થાય છે. પણ જુગાર રમનારનો ઈરાદો પૈસા કમાવાનો નથી હોતો. એ ખરું કે ક્યાંક બહુ મોટા પાયે જુગાર રમાય છે અને હજારો રૂપિયાના દાવ ખેલાય છે. પણ એ પ્રમાણ ઓછું હોય છે. મોટા ભાગના તો મિડિયમ લેવલના હોય છે, જેમાં ગૃહિણીઓ અને દાદા-દાદીઓ પણ રમવા બેસી જતા હોય છે. મોટા ભાગના જુગારીઓ ફક્ત રોમાંચ ખાતર રમતા હોય છે. બાકી આખી આખી રાતના ઉજાગરા કરવા અને પગ ઝલાઈ જાય એ રીતે કલાકો સુધી એકધારું બેસી રહેવાનું આસાન નથી. બહુ મજા આવતી હોય તો જ કોઈ આવામાં પડે.

તીન પત્તીની રમત દરમિયાન તમને જાત જાતના વ્યક્તિત્વ ધરાવતા માણસો જોવા મળે. એકાદ જુગારી પોતે બહુ મોટો ખેલાડી હોય એવો દેખાવ કરતો રહે છે. એ સૌથી પહેલા પૂછી લે કે, ‘કોઈ લિમિટ નથી ને?’ પછી બધા લિમિટનો આગ્રહ રાખે ત્યારે એને મજા આવે. આ ખેલાડી શરૂઆતમાં મોટા મોટા બ્લાઈન્ડ કરીને પ્રભાવ પાડવાની કોશિશ કરે. પછી પોતાની પૈસા ખલાસ થઈ જાય એટલે મોબાઈલ પર કોઈકની સાથે વાત કરીને ગૂલ થઈ જાય.

આનાથી વિરુદ્ધના કેટલાક ચિંગૂસ જુગારીઓ છે. આ લોકો દશમાંથી નવ ગેમ પેક કરી દે. કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા માગતા આ ચિંગૂસોને ચાલ ચાલવા માટે મિનિમમ કલરની ગેમ જોઈએ. એ પણ એક વાર સામે કોઈ ચાલ ચાલે ત્યારે પેક થઈ જાય. મોટે ભાગે આવા ચિંગૂસો કમાતા હોય છે, પરંતુ ક્યારેક એમની પાકી રોનની સામે કોઈનો ટ્રાયો નીકળે ત્યારે એમના મોઢાં જોવા જેવા થઈ જતા હોય છે.

આજકાલ સ્ત્રીઓને પણ તીન પત્તીનો સારો શોખ લાગ્યો છે. પણ સ્ત્રીઓનો પ્રોબ્લેમ એ છે કે તેમને ટેબલના નક્કી કરેલા પૈસા ભરવાનું ગમતું નથી હોતું. આથી પૈસાની બાબતમાં તેમની અંચઈ ચાલુ જ હોય છે. કોઈ જોવાવાળું ન હોય તો વીસ રૂપિયાના ડબ્બા માટે પચાસની નોટ નાંખીને સિત્તેર રૂપિયા પાછા લઈ લેવાની એમનામાં આવડત હોય છે. ગેમમાં ચાલ ચાલતી વખતે પૈસા રોકડા નાંખવાને બદલે પત્તું મૂકવું અને પછી એ પૈસા ભૂલી જવા વગેરે જેવી સ્ત્રી ખેલાડીઓની મૂળભૂત ખાસિયતો સામે મોટે ભાગે કોઈ વાંધો નથી ઊઠાવતું, કારણ કે આ રમત મજા માટે છે એ સૌ જાણે છે.

તીન પત્તીમાં કાયદાકાનૂનનું બહુ મહત્ત્વ છે. એક્કો-દૂરી-તીરી મોટી રોન ગણાય કે એક્કો-રાજા-રાણી એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આ ઉપરાંત કોઈને રોકડો ટ્રાયો નીકળે તો બધાએ એને પૈસા ચૂકવવા કે નહીં અથવા કેટલા ચૂકવવા એ પણ સ્થાનિક સ્તરે નક્કી થતું હોય છે.

હારવું કોઈને ગમતું નથી. આથી જ થોડા થોડા સમયે પત્તાની કેટ બદલવી કે બધાની બેસવાની જગ્યા બદલવા માટેની કચકચ સતત ચાલુ જ રહે છે. કેટલાક તો વળી જાતજાતની ફેન્સી ગેમ રમાડવાની માગણી કરવા માંડે છે. સ્વાભાવિક છે કે, જે જીતતા હોય એ આવા પરિવર્તનનો વિરોધ કરે. આ બધી ધમાચકડીમાં ક્યારેક નાની તકરારો થાય, પણ એકંદરે મજા જ મજા હોય. બે રાત અને બે દિવસ ક્યાં પસાર થઈ જાય એની ખબર જ ન પડે.

હવે શ્રાવણ મહિનાની આ પવિત્રતા અને પરંપરાને આપણા દેશ પૂરતી જ મર્યાદિત રાખવાનું યોગ્ય નથી. આને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળવી જોઇએ. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ યોગ ડે ઉજવીને યોગને આંતરરાષ્ટ્રીય કસરત બનાવી દીધી. આ જ રીતે તેમણે શ્રાવણ મહિનાને આંતરરાષ્ટ્રીય જુગાર મહિનો જાહેર કરવા માટે પણ પ્રયાસ કરવા જોઇએ.

જરા વિચાર કરો. આખો મહિનો દેશ-વિદેશમાં જુગારને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિઓ થાય, સામુહિક તીન પત્તી કાર્યક્રમોનું આયોજન થાય અને એ સાથે ભારતીય પરંપરાને ફેલાવો થાય તો આપણી પ્રતિષ્ઠામાં કેટલો મોટો વધારો થાય. લાસ વેગાસના કેસિનોમાં શ્રાવણ મહિના દરમિયાન ખાસ ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવે તો ગુજરાતી પર્યટકો માટે ચોક્કસ એક આકર્ષણ ઊભું થાય. પેકેજ ટુરવાળા તો ખાસ શ્રાવણની લાસ વેગાસની યાત્રાનું આયોજન પણ કરી શકે.

શ્રાવણ મહિનાનો પ્રભાવ એટલો મોટો છે કે મહિનો પૂરો થઈ જાય એ પછી પણ અનેક લોકો એની આસ્થામાંથી બહાર નથી આવતા. ભાદરવા મહિનાના શનિ-રવિએ પણ જુગારના કાર્યક્રમો થતા રહે છે. કેટલાક શ્રદ્ધાળુઓ તો છેક આવતા શ્રાવણ સુધી રમવાનું ચાલુ રાખે છે. એમાં ખોટું પણ શું છે. જિંદગી એક જુગાર જ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.