મોદી સમર્થકોના સમર્થનમાં

28 Nov, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: intoday.in

એક વાત સ્વીકારવી પડશે કે નરેન્દ્ર મોદી ઘણા જ કરિશ્મેટિક નેતા છે. ઇન્દિરા ગાંધી પછી આ પહેલા નેતા એવા છે, જેમના વ્યક્તિત્વના કારણે એમના પક્ષની ઓળખાણ છે. અટલ બિહારી વાજપેયીના લીધે ભારતીય જનતા પક્ષને એક સ્વીકૃતિ અને આદર મળ્યા હતા. વાજપેયીજી પોતે પણ પ્રજામાં આદર ધરાવતા હતા, પરંતુ એમનો કોઇ વિશેષ ચાહક વર્ગ નહોતો કે ન કોઇ એમની પાછળ ઘેલું થતું. નરેન્દ્ર મોદીના સમર્થકો કોઇ ફિલ્મ સ્ટારના ફેન હોય એવા ઉત્કટ અને ઘેલછાવાળા છે. અલબત્ત, નરેન્દ્ર મોદીના વિરોધીઓ આવા સમર્થકોને ભક્તો કહીને ઊતારી પાડતા હોય છે, પરંતુ એનાથી વાસ્તવિકતામાં કોઇ ફરક નથી પડતો. નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોનું અસલી બંધારણ કેવું છે? તેઓ હકીકતમાં કેવા છે અને શા માટે એવા છે?

સૌથી પહેલા તો નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોના વિવિધ પ્રકાર વિશે જાણી લેવું જોઇએ. સૌથી પહેલા તો પક્ષના નેતાઓ અને કાર્યકરોની વાત કરીએ. આમ તો કોઇ પણ પક્ષના કાર્યકરો પોતાના સર્વોચ્ચ નેતાના સમર્થક જ રહેવાના, પરંતુ નરેન્દ્ર મોદીની વાત અલગ છે. બીજેપીના નેતાઓ તથા સામાન્ય કાર્યકરો માટે નરેન્દ્ર મોદી એક એવા નેતા છે, જેમના કારણે એમનો પક્ષ સત્તામાં આવ્યો છે અને એ માટેનું ગૌરવ તેઓ પોતે અનુભવી રહ્યા છે. નેતાઓ માટે નરેન્દ્ર મોદી એક પ્રકારના તારણહાર અને મસીહા છે, કારણ કે પોતાની કોઇ પ્રતિભા ન હોય તો પણ નરેન્દ્ર મોદીના નામ પર તેઓ ચૂંટણી જીતી શકે છે એવી એમને આશા છે. જેમ ઇન્દિરા ગાંધીના સમયે સત્તાનો લાભ લેવા માટે કોંગ્રેસના નેતાઓ એમની ચમચાગીરી કરતા હતા એમ બીજેપીના ઓર્ડિનરી નેતાઓ નરેન્દ્ર મોદીની આરતી એ માટે ઊતારતા રહે છે, જેથી એમના નામ પર તેઓ સત્તાની નજીક રહી શકે. રાજકારણીઓ ક્યારેય ભરોસાપાત્ર હોતા નથી એટલે બીજેપીના નેતાઓ તથા કાર્યકરોની નરેન્દ્ર મોદી માટેની ભક્તિને બહુ ગંભીરતાથી ન લઇ શકાય. આવતી કાલે જો બીજેપીની હાર થાય તો નરેન્દ્ર મોદીથી દૂર ભાગતા આ લોકોને વધુ સમય ન લાગે. આ નકલી ભક્તો છે.

નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોનો બીજો એક પ્રકાર છે બૌદ્ધિકોનો. આમાં લેખકો, પત્રકારો તથા મિડિયા સાથે સંકળાયેલા અન્ય પ્રોફેશનલોનો સમાવેશ થાય છે. મિત્ર અંકિત દેસાઇએ જેમના માટે 'પદ્મશ્રી બ્રિગેડ' જેવો નવો શબ્દ શોધી કાઢ્યો છે એ બ્રિગેડના સભ્યો સરકાર તરફથી કોઇ ચોક્કસ લાભ મેળવવાની ગણતરી સાથે નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરતા રહે છે એટલું જ નહીં, દરેક વાતે એમનો બચાવ કરવામાં પણ ઝંપલાવી દેતા હોય છે. કોઇને પદ્મશ્રી કે પદ્મભુષણ જેવા એવોર્ડની ખેવના છે તો કોઇને સરકારી હોદ્દા પર ગોઠવાઇ જવાની ખ્વાહિશ છે. કોઇનું નિશાન એવા સરકારી લાભો પર છે, જેની વિશેષ જાણકારી ફક્ત એમની પાસે છે. આ બૌદ્ધિકોને તર્ક સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો અને પોતાની દલીલો કેટલી વાહિયાત છે એ પણ તેઓ જાણતા હોય છે. આમ છતાં એમનો હેતુ તર્કબદ્ધ દલીલ કરવાનો ક્યારેય નથી હોતો. એમનો હેતુ પોતાની ભક્તિ રજિસ્ટર કરાવવાનો હોય છે. તેઓ જાણે છે કે સરકારી લાભ મેળવવા માટે ફક્ત મોદીવિરોધીઓ સામે જાહેરમાં બાખડવાનું જરૂરી છે. દલીલોની ગુણવત્તા મહત્ત્વની નથી. અમુક તો એવું માનતા હોય છે કે દલીલ જેટલી વાહિયાત એટલી વધુ ભક્તિ રજિસ્ટર થાય. આ સાવ જ નકલી ભક્તો છે.

નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોનો ત્રીજો પ્રકાર દૂધ અને દહીં બન્નેમાં પગ રાખતા ડબલ ઢોલકી પ્રકારના લોકોનો છે. મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો આમાં સમાવેશ થાય છે. આ લોકો સમજી ચૂક્યા છે કે સત્તા આગળ શાણપણ નક્કામું. આથી તેઓ નરેન્દ્ર મોદી કે સરકારની ટીકા કરવાનું ટાળતા રહે છે અને જરૂરી લાગે ત્યારે એમની પ્રસંશા પણ કરી લે છે. જાહેરમાં જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આ લોકો નરેન્દ્ર મોદીની દરેક નીતિને સમર્થન આપે છે. સમૃદ્ધ પ્રોફેશનલો અને સરકારી અધિકારીઓનો પણ આમાં સમાવેશ થઇ જાય છે. સત્તા બદલાય ત્યારે આ લોકો નવા શાસકોની પ્રસંશા શરૂ કરી દે છે. સિમ્પલ. આ ભક્તો પણ નકલી છે.

નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકોનો ચોથો અને આખરી પ્રકાર છે એમના સાચા સમર્થકોનો અને એમના માટે મને માન છે. મોદીવિરોધીઓ જેમને ભક્ત કહે છે એવા આ અસલી ભક્તો છે અને અહીં હું આ શબ્દ માનવાચક શબ્દ તરીકે વાપરું છું. મૂળ કારણ તો એ કે આ મોદીના આ કટ્ટર સમર્થકો કોઇ સ્વાર્થ કે લાભ વિના નરેન્દ્ર મોદીના સમર્થક બન્યા છે. નરેન્દ્ર મોદી માટે તેઓ ખરેખર આદર ધરાવે છે અને નરેન્દ્ર મોદી દેશનો ઉદ્ધાર કરશે એવી અતૂટ શ્રદ્ધા તેઓ ધરાવે છે. નરેન્દ્ર મોદીના દરેક પગલાંને તેઓ પોઝિટિવ એક્શન માને છે અને એનાથી દેશનું ભલું જ થશે એવી તેઓ આશા રાખે છે. ખરેખર તો આવા સમર્થકોની સંખ્યા દેશમાં બહુ મોટી છે. હવે એ જોઇએ કે આ સાચા મોદી સમર્થકો ક્યાંથી ઊદભવ્યા?

બીજેપીના નેતાઓ તથા સમર્થકોના મોઢે આપણે 'કોંગ્રેસના 60 વર્ષના કુશાસન' વિશે વારંવાર સાંભળીએ છીએ. બહુ જ કડવાશથી એ લોકો કોંગ્રેસના શાસનની ટીકા કરતા હોય છે. એમની દલીલો અને આ ઉભરા પાછળ એક છૂપો ગુસ્સો અને છૂપો રોષ છે. શા માટે તેઓ આટલા નારાજ થયા છે? કોન્ગ્રેસે 60 વર્ષ સુધી શાસન કર્યું એ જ બતાવે છે કે આ જ લોકોએ કોંગ્રેસને આટલા વર્ષો સુધી સમર્થન આપ્યું હતું. પહેલા તો એમનામાં ક્યારેય આવો ગુસ્સો નહોતો. હવે અચાનક શું થઇ ગયું? 

ખરેખર તો કશું અચાનક નથી બન્યું. કોંગ્રેસના શાસનમાં પ્રગતિ થઇ છે એનો ઇનકાર ન થઇ શકે. દેશ આર્થિક રીતે પણ પ્રમાણમાં સદ્ધર બન્યો. વચ્ચે અર્થતંત્ર બગડ્યું હતું, પરંતુ નરસિંહ રાવ અને મનમોહન સિંહે એને સંભાળી લીધું. વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રે દેશે વિકાસ સાધ્યો. આમ છતાં, કેટલીક બહુ જ મહત્ત્વની બાબતોમાં કોંગ્રેસ બેદરકાર રહી ગઇ અને એની બહુ મોટી અસરો જનમાનસ પર થવા માંડી.

કોંગ્રેસની એક સૌથી મોટી ભૂલ હતી વોટબેન્કના પોલિટિક્સને ઉત્તેજન આપવાની. કટ્ટર જમણેરીઓ દાયકાઓ સુધી પ્રજામાં ધ્રુવીકરણ કરવા મથતાં રહ્યા, પણ એમને સફળતા ન મળી, કારણ કે દેશની પ્રજા સેક્યુલર હતી અને છે. આમ છતાં, કોંગ્રેસના કેટલાક નેતાઓએ સત્તા ટકાવી રાખવા વિવિધ પ્રકારના વોટબેન્ક પોલિટિક્સના ગંદા ખેલ શરૂ કર્યા. આ રીતે એમણે એક સેક્યુલર પ્રજાને ધ્રુવીકરણ તરફ ધકેલી. કોંગ્રેસની આવી નીતિને લીધે જ જમણેરીઓને પોતાની રમત રમવામાં સરળતા પડી. લઘુમતીને નાનો ભાઇ માનીને એમના માટે પોતાનો હક જતો કરવાની ગરિમા ધરાવતા એક હિન્દુને એવું લાગવા માંડ્યું કે લઘુમતીની ખોટી રીતે આળપંપાળ થઈ રહી છે. લોકોની અંદર ધીમે ધીમે રોષ વધતો ગયો અને કોંગ્રેસે ક્યારેય પોતાની ભૂલ સુધારવાની કોશિશ ન કરી. શાહબાનુ કેસ અને ચૂંટણીની આગલી સંધ્યાએ સોનિયા ગાંધીની ઇમામ બુખારીની મુલાકાત જેવી ઘટનાએ સમતોલ વિચાર ધરાવતા હિન્દુઓને હચમચાવી નાંખ્યાં. આ બધુ એક ભારેલા અગ્નિ તરીકે એકત્રિત થઇ રહ્યું હતું. 

કોંગ્રેસની બીજી ભૂલ બેફામ ભ્રષ્ટાચારને ઉત્તજન આપવાની તથા એને રક્ષણ આપવાની. યુપીએ ટુ સરકારના ઉત્તરાર્ધમાં જે ભ્રષ્ટાચાર થયો એ અભૂતપૂર્વ હતો. કોઇ પણ ભારતીયનું માથું શરમથી ઝૂકી જાય એ કક્ષાના આ ભ્રષ્ટાચાર હતા. કોંગ્રેસ ભલે એવું કહીને છટકી ગઇ કે અમારા સાથી પક્ષોએ આ ભ્રષ્ટાચાર કર્યા છે, પરંતુ સરકારની આબરૂ એનાથી બચી ન શકી. માહોલ એટલો બગડી ગયો હતો કે દેશભરમાં ભ્રષ્ટાચારવિરોધી જુવાળ ફાટ્યો. અન્ના હઝારેની આગેવાની હેઠળ દેશવ્યાપી આંદોલન થયું અને સરકારના મૃત્યુઘંટના ભણકારા વાગવા માંડ્યા.

વોટબેન્ક પોલિટિક્સ અને ભ્રષ્ટાચારને કારણે ભારતનો સરેરાશ નાગરિક ગુસ્સે તો થયો જ, એક ભારતીય હોવા બદલ એ શરમ અનુભવવા લાગ્યો. એને આમાંથી બહાર નીકળવું હતું. એ જાણતો હતો કે મારો દેશ બહુ ઉચ્ચ પરંપરા ધરાવે છે. એને ખાતરી હતી કે જે કંઇ બની રહ્યું છે એ મારા દેશની અસલી ઓળખ નથી. આ રીતે દેશના સરેરાશ નાગરિકમાં એક દેશાભિમાન જાગ્યું. એ પોતાની અસલી ઓળખ માટે ઝૂરવા લાગ્યો. એને કોઇક એવો તારણહાર, એવો નેતા જોઇતો હતો, જે એને પોતાના દેશ માટેનું ગૌરવ પાછું અપાવે.

બસ એ જ સમય હતો લોકસભાની ચૂંટણીઓનો. લોકોને જે જોઇતું હતું એ જ નરેન્દ્ર મોદીએ ઓફર કર્યું. ચૂંટણીઓમાં સૌપ્રથમવાર માર્કેટિંગનો અસરકારક ઉપયોગ થયો. દેશને જેની તલાશ હતી એ જ નેતા નરેન્દ્ર મોદી છે એ વાત પ્રસ્થાપિત થતી ગઇ. અને ચૂંટણીઓમાં બીજેપી તથા એના સાથી પક્ષોને અભૂતપૂર્વ સફળતા મળી. જે પ્રમાણમાં બીજેપીને મત મળ્યા એના પરથી એ સ્પષ્ટ થઇ ગયું કે લગભગ આખા દેશે આ પક્ષ તથા નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું. લોકોને લાગ્યું કે હવે આપણી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે.

એનડીએની સરકાર સત્તા પર આવી એ પછી લોકોએ જે ધાર્યું હતું એમ ન બન્યું. લોકો આશા રાખીને બેઠા હતા અને સરકારની કામગીરી કોઇ અસરકારક પરિણામ ન લાવી શકી. મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ વગેરે જેવા અનેક પ્રશ્નો વણઉકેલાયા રહ્યા. આને લીધે બીજેપીને મત અને સમર્થન આપનારા લોકોના એક વર્ગનો ભ્રમ ભાંગી ગયો. એ વર્ગ ધીમે ધીમે બીજેપી તથા વર્તમાન સરકારથી દૂર જવા લાગ્યો, એમને લાગ્યું કે અગાઉની સરકારો અને આ સરકારમાં કોઇ ફરક નથી. આમ છતાં પ્રજાના એક મોટા વર્ગે પોતાની આશા ન છોડી. વ્યાપમ કાંડ, લલિત મોદી, વસુંધરા રાજે, પઠાણ કોટ વગેરે જેવી અનેક ઘટનાઓ બનવા છતાં આ વર્ગ નરેન્દ્ર મોદીની સાથે જ રહ્યો, એ જ આશાએ કે સૌ સારા વાના થશે. બીજી એક મહત્ત્વની વાત એ બની કે નરેન્દ્ર મોદીના પ્રભાવથી મુક્ત થઇ ગયેલા વર્ગે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું. આ સમયે જે વર્ગે આશા નહોતી છોડી એ વર્ગ આક્રમક બન્યો, કારણ કે પોતાનો અહંકાર એમણે નરેન્દ્ર મોદી તથા સરકારની કામગીરી સાથે જોડી દીધો હતો. એમને એમ લાગ્યું કે સરકારની નિષ્ફળતા એ પોતાની નિષ્ફળતા સાબિત થશે. ગમતું રમકડું તૂટી જાય તો પણ એ ફેંકી દેવાનું બાળકને ન ગમે. આ રીતે દેશમાં પ્રથમવાર એવું બન્યું કે સરકારની નિષ્ફળતાનો બચાવ પ્રજાનો જ એક વર્ગ કરવા માંડી. જે વર્ગ સતત નરેન્દ્ર મોદીની સાથી રહ્યો, અને હજુ પણ છે એ છે નરેન્દ્ર મોદીના સાચા ભક્તો. આ વર્ગને હું જરાય નીચા નથી ગણતો, કારણ કે એમના મનમાં ખરાબ ભાવના નથી. એમની આકાંક્ષાઓ ફળી નથી એ એક ટ્રેજડી છે. તેઓ તટસ્થ રહીને વિચારવા નથી માગતા એ બીજી ટ્રેજડી છે. રાજકારણીઓ બધા એક સરખા જ હોય એ વાત તેઓ સ્વીકારવા તૈયાર નથી. નરેન્દ્ર મોદી એમને અલગ માટીના માણસ લાગે છે. એમને હજુ પણ એવી આશા છે કે નરેન્દ્ર મોદી કોઇ જાદુઇ કરામત કરીને દેશને પ્રગતિના પંથે લઇ જશે અને દરેક દેશવાસીને ભારતીય હોવાનું ગૌરવ થાય એવા રામરાજ્યનું નિર્માણ કરશે.

હું ખરેખર ઇચ્છું છું કે નરેન્દ્ર મોદીના સમર્થકો કે ભક્તોની આ આશા સાકાર થાય, પણ ફક્ત એટલી આશા રાખું છું કે તેઓ પોતાના વલણમાં થોડી ઉદારતા અપનાવે. જેમ એમને દેશ પ્યારો છે એમ અન્ય લોકોને, મોદીવિરોધીઓને પણ પોતાનો દેશ પ્યારો છે. બસ, વિચારવાની સ્વતંત્રતા અને મોકળાશ જળવાઇ રહેશે તો દેશ ગમે એવી મુસીબતો સામે લડી શકશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.