ઈન્ટરનેટ લિન્કઃ શ્રાપ કે વરદાન?

15 May, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: goldenrural.org

મોટા ભાગના અંગ્રેજી નોન ફિક્શન પુસ્તકના અંતે રેફરન્સની યાદી હોય છે. એટલે કે પુસ્તકમાં જે વિગતો અન્ય સ્ત્રોતમાંથી લેવામાં આવી હોય એની એમાં નોંધ હોય છે. આવી યાદી આપવાનું મુખ્ય કારણ એ કે વાચકને એ વિશે વધુ વાંચવાની  ઇચ્છા થાય તો એ રેફરન્સના આધારે નવો વાંચન સ્ત્રોત અજમાવી શકે. મોટા ભાગે આ કામ બહુ કંટાળાજનક હોય છે એટલે જે તે વિષયના નિષ્ણાતો સિવાય બીજું કોઇ એવા રેફરન્સનું પગેરું કાઢીને અન્ય પુસ્તકો વાંચવા પ્રેરિત થતું નથી. 

હવે જોકે સમય બદલાઇ ગયો છે. હવે આવા રેફરન્સની લિન્ક તમને ડિજિટલ ફોર્મમાં મળે છે. એટલે કે જે રેફરન્સ હોય એ લિન્કરૂપે મૂકવામાં આવ્યો હોય છે. તમે એ લિન્ક પર ક્લિક કરો એટલે મૂળ સ્ત્રોતનું વેબ પેજ ખુલી જાય. આથી રેફરન્સનું મટિરિયલ શોધવાનું એકદમ આસાન બની ગયું છે.

ઘણી ખરી રેફરન્સ કોઇ વેબસાઇટની હોય છે, જ્યારે બીજી અનેક રેફરન્સ લિન્ક વેબસાઇટની અંદર મૂકવામાં આવેલા કોઇ ખાસ લેખ, ફોટોગ્રાફ, વિડિયો, બ્લોગ વગેરેની હોઇ શકે. ટૂંકમાં લિન્ક પર તમે ક્લિક કરો એટલે ઇચ્છિત મટિરિયલ તમારા સ્ક્રીન પર આવી જાય.

આજકાલ જે લિન્કની હેરફેર થતી હોય છે એ અનેક પ્રકારની હોય છે. એક છે મનોરંજનને લગતી લિન્ક. કોઇ ફિલ્મ કે ગીતની લિન્ક પર તમે ક્લિક કરો એટલે તરત જ એ ગીત કે ફિલ્મ શરૂ થઇ જાય. તમારે ફક્ત કાનમાં ઇયર પ્લગ ભરાવવાના રહે. મનોરંજનના ક્ષેત્રમાં યુટ્યુબ લિન્કની હેરફેર કદાચ સૌથી વધુ પ્રમાણમાં થતી હશે. આ સિવાય, અભ્યાસ કે સંશોધન માટેની ગંભીર પ્રકારની લિન્કની આપ-લે પણ સારા એવા પ્રમાણમાં થતી હોય છે. ઇન્ટરનેટ પર એવી અનેક વેબસાઇટ્સ છે, જેના પર વિવિધ વિષયોની માહિતિનો ભંડાર પડ્યો હોય છે. કોઇ પણ વિષયના છેલ્લામાં છેલ્લા અભ્યાસની માહિતિ વેબસાઇટસ પર ઉપલબ્ધ હોય છે. સ્વાભાવિક છે કે આપણને આવી બધી માહિતિ વિશેની જાણકારી ન હોય. આથી કોઇનો બ્લોગ વાંચતા કે કોઇ વેબસાઇટ પર સર્ફિંગ કરતાં કે સોશ્યલ મિડિયા પર કમ્યુનિકેટ કરતી વખતે આવી માહિતિની જાણકારી મળી શકે અને એ માટે લિન્ક જ ઉપયોગી થાય. પોતાને ઉપયોગી નીવડેલી માહિતિ બીજાને ઉપલબ્ધ થાય એ માટે મોટા ભાગના બ્લોગ લખનારા રેફરન્સ મટિરિયલની લિન્ક મૂકતા હોય છે. હવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે ઓનલાઇન ગાઇડન્સનો ભરપૂપર ઉપોયોગ કરતાં થઇ ગયા છે અને તેઓ ક્યાં, કેવું મટિરિયલ ઉપલબ્ધ છે એની જાણકારી ધરાવતા થઇ ગયા છે. અલબત્ત, આ સમગ્ર પ્રક્રીયામાં લિન્ક મહત્ત્વનો ભાગ ભજવે છે.

લિન્કનો  ઉપયોગ મનોરંજન, અભ્યાસ અને બીજા કેટલાક ઉમદા હેતુ માટે થતો હોય છે, પરંતુ એ સાથે જ એનો દૂરોપયોગ પણ થતો જોવા મળે છે. હકીકમાં આવી લિન્કનો દૂરોપયોગ આજકાલ ઘણો વધી ગયો છે. આવી લિન્કનો પ્રચાર માટે ઉપયોગ વધી રહ્યો છે અને રાજકીય પક્ષો તથા સંગઠનો એનો ભરપૂર ઉપયોગ કરે છે. રાજકીય પક્ષો કે સંગઠનોની વેબસાઇટો પર પોતાના આદર્શો, પોતાના સિદ્ધાંતો, પોતાના નેતાઓ વગેરેની મહાનતા દર્શાવતા લેખો અને વિડીયો મૂકવામાં આવે છે અને પછી એની લિન્કનો સોશિયલ મિડીયા સહિતના માધ્યમોમાં એનો પ્રચાર કરવામાં આવે છે.

હવે આ પ્રકારની વેબસાઇટો પર કોઇ પ્રકારનું નિયંત્રણ નથી હોતું એટલે વેબસાઇટો પર ખોટી માહિતિ પ્રસારીત કરતા લેખો અને વિડિયો પણ મૂકવામાં આવે છે અને એ પણ પ્રસારિત કરવામાં આવે છે. આ ઉપરાંત વિરોધીઓ વિશેની ખોટી અને નુકસાનકર્તા માહિતિ દર્શાવતું મટિરિયલ પણ તૈયાર કરવામાં આવે છે અને એનો પણ કુપ્રચાર કરવામાં આવે છે. 

આજકાલ સોશિયલ મિડીયામાં આ દૂષણ બહુ મોટા પ્રમાણમાં ફેલાઇ ગયું છે. આના કારણે મોટા પાયે બ્રેઇન વોશ પણ થઇ રહ્યું છે. દા. ત. સરકારના સમર્થકો સામે સરકારની કામગીરીની પ્રસંશા કરતું કે વિરોધીઓની ટીકા કરતું મટિરિયલ આવે ત્યારે તેઓ મનોમન ખુશ થાય છે અને એ વાત વધુ ફેલાય એ માટે સોશિયલ મીડિયા પર એની લિન્ક મૂકવા લાગે છે. બીજી તરફ સરકારના વિરોધીઓ પણ આ જ પ્રકારનું મટિરિયલ તૈયાર કરે છે અને એ લોકો એવા મટિરિયલનો ફેલાવો કરવાની કોશિશ કરે છે.

ખરેખર તો સોશિયલ મીડિયા પર જ્યારે કોઇ લિન્ક મૂકે ત્યારે એની વિશ્વસનિયતા ચેક કરવા કોઇ જતું નથી. આથી જ, ફેસબૂક પર મારી વોલ પર હું કોઇ જ રાજકીય લિન્ક સ્વીકારતો નથી. કોઇને પ્રચાર કરવો હોય તો એમાં આપણે શા માટે હાથો બનવું? સોશિયલ મિડીયામાં ઘણા લોકોને વાતવાતમાં આવી લિન્ક મૂકી દેવાની આદત હોય છે. સાહિત્ય, કળા કે સંગીતને લગતી કોઇ લિન્ક હોય એ સમજ્યા. એમાં સત્વશીલ મટિરિયલના એડ્રેસની ગેરન્ટી હોય, પરંતુ રાજકીય લિન્કમાં જે તે રાજકીય પક્ષના આઇટી સેલ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું મટિરિયલ હોવાની પૂરી શક્યતા રહેલી હોય છે. ઘણી વાર લોકો ચર્ચા દરમિયાન દલીલ ખૂટી જાય ત્યારે આવી લિન્ક મૂકી દેતા હોય છે. લિન્ક રાજકીય પક્ષોની ન હોય, પણ કોઇ નેતા, લેખક, પત્રકાર કે અન્ય મહાનુભવે લખેલી કે કહેલી વાતની હોય. આવી લિન્કની સમસ્યા એ હોય કે એ વાંચવા કોણ બેસે ? તમને કોઇ વાતે પ્રભાવિત કર્યા એ અમને પણ કરશે જ એની કોઇ ખાતરી નથી હોતી. તમે કહો એ વ્યક્તિનું મટિરિયલ અમારે અત્યારે શા માટે વાંચવું જોઇએ? લિન્ક મૂકનારા ઘણા લોકોએ તો પોતે જ એ લિન્ક વાંચી નથી હોતી. જેમ કે ઇન્ડિયન એક્સપ્રેસના કોઇ ન્યુઝનું હેડીંગ જોઇને જ એની લિન્ક મૂકી દે. આવું ન ચાલે. સોશિયલ મિડીયા એકબીજા સાથે કમ્યુનિકેટ કરવાનું પ્લેટફોર્મ છે. તમારે જે વિચારોની આપ-લે કરવી છે એ સામસામે કરો. અન્ય કોઇને વચ્ચે લાવવાની જરૂર જ નથી. અને તમે કોઇના મટિરિયલથી પ્રભાવિત થયા હોવ તો સીધી એની લિન્ક મૂકી દેવાને બદલે એ વાંચો અને એનો સાર તમે તમારા શબ્દોમાં લખો. 

રેડિમેડ લિન્ક દૂરુપયોગ રાજકીય વિચારસરણીનો પ્રચાર કરવા અને વિરોધીઓ વિશે કુપ્રચાર કરવા માટે થાય એ પણ ઠીક છે, પરંતુ એનો ઉપયોગ હિંસા, ત્રાસવાદ અને આંતરિક કલહ ફેલાવવા માટે થઇ રહ્યો છે એ સૌથી વધુ ખતરનાક છે. કાશ્મીરમાં બનેલી કોઇ નાની ઘટનાની વિડીયો આતંકવાદીઓ પોતાની ખાનગી સાઇટ પર અપલોડ કરતા હોય છે અને પછી એની લિન્ક ઠેકઠેકાણે વહેતી કરતા હોય છે. આના લીધે વર્તમાન સ્થિતિનો ફક્ત પક્ષપાતી ચિતાર કાશ્મીરીઓની સમક્ષ આવે છે. આ ઉપરાંત આતંકવાદી નેતાઓના ભાષણો, ભારતીય લશ્કર વિશેની કારવાઇનું એકતરફી ચિત્રણ પણ ડિજિટલ લિન્ક દ્વારા નેટ પર ફરતું રહે છે. આ રીતે ટેકનોલોજીનો સૌથી મોટો દૂરોપયોગ આતંકવાદીઓ અને અરાજકતા ફેલાવનારા કરી રહ્યા છે.

આવી લિન્ક દ્વારા સમાજને નુકસાન થતું હોવાનું બીજું એક કારણ એ છે કે આજકાલ ફોટોશોપ તથા વિડીયો એડિટિંગની સુવિધાને કારણે સાચી હકીકતને મારી મચડીને ખોટી રીતે રજૂ કરી શકાય છે. ફોટોશોપમાં તો એવી કરામત હોય છે કે હસતાં માણસને તમે રડતો બતાવી શકો અને રડતા માણસને હસતો. જે બે વ્યક્તિ જિંદગીભર ક્યારેય એકબીજાને મળવાની શક્યતા ન હોય એવી બે વ્યક્તિને તમે ફોટોશોપ દ્વારા એકબીજાને ભેટતી હોય એ રીતે બતાવી શકો. મજાક મસ્તી માટે આવી કરામત ઠીક છે, પરંતુ ગંભીર બાબતોમાં હકીકતોને વિકૃત સ્વરૂપે રજૂ  કરવામાં આવી કરામત ખતરનાક નીવડે છે. આ ઉપરાંત વિડીયો એટિડિંગની સગવડતાને લીધે તમે કોઇ પણ વિડીયોમાં અન્ય કોઇ વિડીયોના અંશ ભેળવી શકો અને આ રીતે ભયાકન ગેરસમજણ પેદા થાય એવી ફેક વિડીયો તૈયાર કરી શકો. 

આથી જ્યારે પણ તમે નેટ પર હોવ, સોશિયલ મિડીયા પર હોવ કોઇનો બ્લોગ વાંચતા હોવ કે કોઇ વેબસાઇટ પર સર્ફિંગ કરી રહ્યા હોવ ત્યારે જો કોઇ લિન્ક તમારી નજર સામે ચડે તો એકદમ સાવધ બની જજો. ખાસ તો એના મૂળ સ્ત્રોતની વિશ્વસનિયતા ચકાસજો. લિન્ક ખોલ્યા બાદ જે માહિતિ તમારી નજર સામે આવે એ સાચી હોય એ જરૂરી નથી. એની સચ્ચાઇ તમારે પોતે જ ચકાસવાની છે. અને સૌથી અગત્યનું તો આવી લિન્ક ફોરવાર્ડ કરતાં પહેલા તો સો વાર વિચાર કરવો. શક્ય છે કે એવી લિન્ક ફોરવાર્ડ કરીને તમે કોઇન મેલી મુરાદનો હાથો બની રહ્યા હોવ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.