શું લોકશાહી આઉટડેટેડ બની ગઇ છે?

05 Dec, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: makeupinindia.in

ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી પોતાની સત્તા ટકાવી રાખવા માટે લાદી હતી, એ ખરું, પરંતુ એની સાથે બીજા કેટલાક મહત્ત્ના પ્રશ્નો પણ સંકળાયેલા હતા. એ સમયે પણ લોકો ભ્રષ્ટાચાર અને સરકારીતંત્રની નિષ્ક્રિયતાથી ત્રાસી ગયા હતા. આ સંદર્ભમાં ઇમર્જન્સી વખતે સરકારી કર્મચારીઓની કાર્યક્ષમતા વધે એ માટે અનુશાસન લાદવામાં આવ્યું હતું. ઇમર્જન્સી દરમિયાન સૌથી વધુ તકલીફ કદાચ સરકારી કર્મચારીઓને પડી હતી, કારણ કે અગાઉ કદી નહોતો આપ્યો એટલો સમય એમણે સરકારી કચેરીમાં આપવો પડ્યો હતો અને અને કામ કરવા પડ્યા હતા. લોકો ખુશ હતા.

ઇમર્જન્સીને કારણે દેશભરમાં એક ડરનો માહોલ છવાયો હતો અને સમાજના દરેક વર્ગે જાણે એક સ્વૈચ્છિક શિસ્ત અપનાવી લીધી હતી. સંજય ગાંધીના નસબંધી કાર્યક્રમના બળજબરીપૂર્વકના અમલ તથા એ વિશે મીડિયામાં થયેલા ઊહાપોહને બાદ કરીએ તો ઇમર્જન્સીથી સામાન્ય લોકોને કોઇ તકલીફ નહોતી પડી. બિલકુલ નહીં. આથી જ ઇમર્જન્સી પછી ઘણા લોકો કહેતા હતા કે આના કરતાં તો ઇમર્જન્સી સારી હતી. આજે પણ એવું કહેવાવાળા મળે છે. છતાં ઇમર્જન્સી સારી નહોતી, કારણ કે આપણને લોકશાહી જ સૌથી વધુ પ્યારી છે.

આજે, 2016માં ફરીથી ઇમર્જન્સી જેવું વાતાવરણ છવાયું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. અલબત્ત, સત્તાવાર રીતે ઇમર્જન્સી લાદવામાં નથી આવી, પરંતુ સરકારના અમુક પગલાંને કારણે પ્રજાનો એક બહોળો વર્ગ હેરાન પરેશાન થઇ ગયો છે. વિરોધ પક્ષોનું કંઇ ઉપજતું નથી, સરકાર એમની વાત સાંભળવા તૈયાર નથી. મીડિયાનો એક મોટો વર્ગ ડર અથવા ચમચાગીરીને લીધે પોતાના વિરોધનો સૂર દબાવી રહ્યો છે. સામ્ય ઘણું છે.

ઇમર્જન્સીને યાદ કરવાનું કારણ એ કે લોકશાહી વિરુદ્ધનું આજકાલ ઘણું બધુ બની રહ્યું છે છતાં બધા ચૂપ છે. લોકો જોઇએ એવો વિરોધ વ્યક્ત નથી કરી રહ્યા. આમાં લોકોને દોષ આપવાનો કોઇ અર્થ નથી. તેઓ શા માટે આવી માનસિકતા ધરાવે છે એ સમજવાની જરૂર છે. સરકાર તરફથી એવા દાવા થઇ રહ્યા છે કે સમગ્ર પ્રજા એમની સાથે છે, પરંતુ એ હકીકત નથી. આ સાથે જ, એ વાતનો પણ ઇનકાર થઇ શકે એમ નથી કે પ્રજાનો એક વર્ગ ખરેખર સરકારના સમર્થનમાં છે. નરેન્દ્ર મોદી જે કરે અને જે કરશે એ સારા માટે જ કરશે એવી એમને આશા છે.

મૂળ પ્રશ્ન એ છે કે શું હવે પ્રજામાં લોકશાહી માટેનો આદરભાવ ઓછો થઇ ગયો છે? શું હવે લોકશાહી મૂલ્યોનું મહત્ત્વ ઘટી રહ્યું છે? શું હવે લોકશાહીમાં રહેલી ઉણપોથી ત્રાસી ગયા છે? શું હવે ઉદારમતવાદ ખતમ થઇ રહ્યો છે? કેટલાક લોકો પ્રજાના આ મૂડને આંતરરાષ્ટ્રીય ઘટના ગણાવે છે. અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના થયેલા વિજયને આનું જીવતું જાગતું ઉદાહરણ માનવામાં આવે છે. અમેરિકાની પ્રજા પણ પોતાના દેશના ઉદારમતવાદી વલણથી ત્રાસી ગઇ હતી એટલે એમણે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સંકુચિત વિચારોવાળા નેતાને ચૂંટ્યા એવી થિયરી વહેતી થઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ફક્ત જમણેરી અંતિમવાદી જ નહીં, એક ચરિત્રહીન તથા પછાત વિચાર ધરાવનાર નેતા માનવાવાવાળો બહુ મોટો વર્ગ અમેરિકામાં છે. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પને વધુ મત મળ્યા અને પ્રમુખપદ માટે એમનો વિજય થયો. લોકશાહીમાં આવા વિજયને સ્વીકારવો જ પડે. લોકશાહીની પદ્ધતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિજયી માને છે અને લોકશાહીના મૂલ્યો ટ્રમ્પને વિજયી માનવા તૈયાર નથી. તો આ છે લોકશાહીની પદ્ધતિ અને લોકશાહીના મૂ્લ્યો વચ્ચેનો જંગ.

ભારતમાં પણ કંઇક એવું જ બની રહ્યું છે. લોકશાહીની પદ્ધતિથી લોકો નારાજ છે અને એની ઉણપો હવે વધુ ઘેરી બનતી જાય છે. એક શાસન પદ્ધતિ તરીકે લોકશાહી શ્રેષ્ઠ અને આદર્શ છે, પરંતુ વહેરવારમાં લોકશાહીને સો ટકા ક્યારેય અપનાવી શકાતી નથી. રાજાશાહી કે સરમુખત્યારશાહી જેવી લોકશાહીથી વિરુદ્ધની શાસન પદ્ધતિના અંશ એમાં ઘૂસી જ જાય છે. 

ચૂંટણી તથા બહુમતીનો વિજય એ લોકશાહીની આગવી વિશેષતા છે, પરંતુ આ સિદ્ધાંત પાછળની ભાવનાને ક્યારેય પૂરતું મહત્ત્વ નથી મળતું. સૌથી પહેલું તો, લોકશાહીમાં મતદાર હંમેશાં જાગ્રત નથી હોતો. આર્થિક વિકાસ માટે જરૂરી એવા મુદ્દાની સમજ એને ઓછી પડતી હોય છે, આથી આર્થિક કે અન્ય વિકાસ પર આધારીત મુદ્દાને ધ્યાનમાં રાખીને એ ક્યારેય મતદાન નથી કરતો. ભારતમાં યોજાતી ચૂંટણીઓમાં જાતપાત, કોમવાદ તથા અન્ય લાગણીશીલ બાબતોના આધારે મોટા પાયે મતદાન થતાં હોય છે. આથી જ ઉમેદવારથી માંડીને પક્ષના એજન્ડા સુધીની કોઇ વાતમાં સાચી લાયકાતને પ્રાધાન્ય નથી મળતું. આના કારણે જે સરકારો ચૂંટાય છે એની કાર્યક્ષમતા વિશે હંમેશાં શંકા રહે છે. ચૂ્ંટાયેલી સરકાર પ્રજાના એક અમુક વર્ગના હીતોની સદંતર અવગણના કરે એવી શક્યતા પણ રહેતી હોય છે.

લોકશાહીમાં બહુમતી મેળવવા માટે ફક્ત સંખ્યાને જ મહત્ત્વ આપવામાં આવતું હોવાને કારણે ભારતમાં વોટ બેન્કના પોલિટિક્સની એક ગંદી પ્રાણાલી શરૂ થઇ છે. આમાં ફક્ત મત ઉઘરાવવાના આશયથી પ્રજાના એક ખાસ વર્ગને ખુશ કરવા માટેના ચૂંટણી ઢંઢેરા તૈયાર કરવામાં આવે છે અને એમના લાભાર્થે કાનૂન ઘડાય છે તેમ જ યોજનાઓ અમલી બને છે. આ પ્રકારના વોટ બેન્ક પોલિટિક્સને લીધે પ્રજામાં ધ્રુવીકરણ થયું છે અને ચૂંટણીમાં લાયક ઉમેદવાર કે લાયક પક્ષને મત આપવાનું મહત્ત્વ સાવ ઘટી ગયું છે. આ જ કારણસર ચૂંટણીઓમાં પ્રાપ્ત કરવામાં આવેલી બહુમતી ક્યારેક ફારસ બની જાય છે.

લોકશાહીમાં એકતા અને સમાનતાને સૌથી ઉપરના સ્તરે ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હકીકતમાં લોકશાહીમાં પણ ખરી સત્તા તો સમાજના એક એલાઇટ, ચુનંદા વર્ગના હાથમાં જ રહે છે. આ સમૃદ્ધ વર્ગ કોઇ પણ હિસાબે શાસકોને પોતાના ખિસ્સામાં રાખે છે અને પોતાને પસંદ હોય એ જ રીતે શાસન ચાલતું રહે એની ગતવિધિ કરતો રહે છે. બીજી તરફ માસ, એટલે કે જનસમૂહ મોટે ભાગે શાસન કે શાસન પદ્ધતિની બાબતે જાગ્રત નથી રહેતો. બીજું, જનસમૂહ હંમેશાં વિભાજીત રહે છે. એ ભાગ્યે જ સંગઠિત થઇને કોઇ નિર્ણય લે છે અથવા મતદાન કરે છે. આ રીતે લોકશાહીમાં ક્યારેય બહુમતની ઇચ્છા પ્રમાણેનું શાસન થતું નથી, ફક્ત એવો આભાસ પેદા થાય છે. આ કારણોસર પ્રજામાં સતત અસંતોષ પેદા થાય છે અને એ વધતો રહે છે. પરિણામે સમયાંતરે સરકારો પણ બદલાતી રહે છે, છતાં છેવટે તો શાસનમાં રહેલી ખામીઓ ક્યારેય દૂર થતી નથી. ફક્ત શાસકો બદલાય છે, બિનકાર્યક્ષમતા તથા અપ્રામાણિકતા એના એ જ રહે છે.

સંસદીય લોકશાહીની બીજી એક મોટી ઉણપ એ ગણવામાં આવે છે કે સરકાર ધારે એ કામ પોતાની ઝડપથી કરી નથી શકતી. સરકાર કોઇ પણ નિર્ણય લેવા માગતી હોય તો એ માટે એને  લગતા ધારા ઘડવા અને પછી સંસદમાં એના પર ચર્ચા કરીને એને બહુમત સાથે મંજૂર કરાવવા પડે છે. આમાં રૂકાવટ ઘણી આવે છે અને સમય ઘણો બરબાદ થાય છે. આ ઉપરાંત શાસકો અમુક આકરા નિર્ણય લેતા અચકાતા હોય છે, કારણ કે એના પરિણામની વિપરીત અસર આવનારી ચૂંટણીઓ પર પડવાનો એમને ડર રહે છે. શાસકો ઘણીવાર લોકલાગણી આગળ ઝૂકી જાય છે અને વિકાસ માટે જરૂરી હોય એવા નિર્ણય લઇ શકતા નથી. ભારતમાં આવી સમસ્યા અનેકવાર સામે આવી છે. આ બાબતે અનેક નિષ્ણાતો ભારતની સરખામણી ચીન સાથે કરતાં કહેતા હોય છે કે ચીનમાં શાસકો વિના રોકટોક અને ઝડપથી નિર્ણયો લઇ શકે છે એટલે આર્થિક વિકાસની બાબતે એ ભારતથી આગળ નીકળી ગયું. આજકાલ બીજેપીની સરકાર આ જ મુદ્દાને આગળ કરીને કહી રહી છે કે રાજ્યસભામાં અમારી બહુમતી ન હોવાથી અમે જીએસટી બિલ ઝડપથી પસાર કરાવી નથી શકતા અને એને લીધે દેશનો વિકાસ અટકી ગયો છે. 

સંસદીય લોકશાહીની આ બધી ઉણપો સાચી અને એના કારણે થતાં નુકસાનની ગણતરી પણ સાચી. છતાં શું આપણે લોકશાહીના કોઇ વિકલ્પ વિશે વિચારી શકીએ ખરા? શાસકોના ભ્રષ્ટાચાર કે બિનકાર્યક્ષમતાથી કંટાળીને કેટલાક લોકો આવેશમાં આવી જાય છે અને કહેતા હોય છે કે આ દેશનો કારભાર લશ્કરને સોંપી દેવો જોઇએ. કેટલાક છાતી ઠોકીને એવા દાવા કરવા માંડે છે કે આ દેશને કોઇ સરમુખત્યાર જ ઉપર લાવી શકે. લોકશાહીની ખામીથી કંટાળેલા લોકો આવા વિકલ્પનોની વાત કરતા હોય છે, પરંતુ એ વિકલ્પના પેકેજની સાથે બીજું શું શું આવે એનો તેઓ વિચાર કરે છે ખરા? પાકિસ્તાનમાં લશ્કરે અવારનવાર દરમિયાનગીરી કરીને શાસન સંભાળ્યું છતાં એ દેશનો શો ઉદ્ધાર કરી શક્યું? જો આપણે કોઇ સરમુખત્યારને શાસક તરીકે સ્વીકારીએ અને એ વ્યક્તિ લાયક હોય તો પણ તો એની આસપાસ દુષ્ટ તત્ત્વોની કેવી કોટરી કે મંડળી નિશ્ચિતપણે ઊભી થઇ જાય અને આ મંડળી દેશભરમાં કેવો જુલમ આચરી શકે એનો કોઇને અંદાજ નથી. લશ્કરી શાસન કે સરમુખત્યારશાહીમાં સૌથી મોટો ભાગ લેવાય નાગરિકની વ્યક્તિગત સ્વતંત્રતાનો. રોટી કપડાં અને મકાન પછી માણસની સૌથી મૂળભૂત જરૂરિયાત છે વ્યક્તિગત સ્વતંત્રતાની. આઝાદી પછી આપણે દેશમાં પૂરી વ્યક્તિગત સ્વતંત્રતા ભોગવી છે એટલે એના અભાવનો આપણને અંદાજ નથી, પરંતુ જ્યાં આવી સ્વતંત્રતા નથી એવા દેશો વિશે વિચારો. તમારી પાસે ગમે એટલી સમૃદ્ધિ હોય, પણ જુલમી શાસક કે એના ખાંધિયાઓનો ભય માથાં સતત ઝળૂંબતો હોય તો તમારું જીવવાનું હરામ થઇ જાય.

આપણી લોકશાહીમાં પણ અન્યાય થાય છે, ક્યારેક અત્યાચાર થતાં હશે, પરંતુ આપણે ફરિયાદ કરી શકીએ છીએ, અખબારી માધ્યમોમાં એને વાચા મળી શકે છે. આપણે અદાલતનો આશરો લઇ શકીએ છીએ. ન્યાયની ગતિ ધીમી છે, પરંતુ ન્યાયતંત્રનું અસ્તિત્ત્વ જુલમગારોને ચેતવે છે, એમને અટકાવે છે. 

સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે લોકશાહીમાં સમયાંતરે ચૂંટણીઓ યોજાય છે અને પ્રજા પાસે શાસકો બદલવાનો અધિકાર રહે છે. લોકશાહીના આ લાભો સામે એની ઉણપો સ્વીકારી લઇને એ ઉણપો દૂર કરવાની કોશિશ કરવી જોઇએ.

ઇમરજન્સી ખરાબ હતી અને ખરાબ જ રહેશે. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.