ગુજરાતી ભાષાના વઘારમાં અંગ્રજી તડકો નંખાય કે નહીં?
કોઈ પૂછે કે આજકાલ કઈ મોસમ ચાલ છે તો જવાબમાં ઠંડીની મોસમ કહેવાનું ખોટું તો નહીં, પણ જરા અપૂરતું ગણાશે, કારણ કે આજકાલ માતૃભાષાપ્રેમની મોસમ પણ ચાલી રહી છે. એક તરફ અમદાવાદમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ (GLF) ચાલી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિદ્વાનો ભાષાના ડીએનએ વિશેની ચર્ચા કરી રહ્યા છે. મારો અનુભવ છે કે જ્યારે વિદ્વાનો કોઈ વિષય પર ચર્ચા કરતાં હોય ત્યારે એમાં પડવું નહીં, કારણે ચર્ચા કરી રહેલા બધા જ વિદ્વાનો પોતપોતાની રીતે સાચા હોય છે. પ્રોબ્લેમ ફક્ત એ જ હોય છે કે કોઈ પોતાની વાત એકબીજાને કન્વીન્સ કરાવી નથી શકતા. આમેય પોતાની ભૂલ કબૂલ કરીને બીજાની વાતનો સ્વીકાર કરવાની આપણને કોઈને ટેવ નથી. આ તાર્કિક કારણોને આધારે આવી ચર્ચામાં પડવાનું હું ટાળું છું, પરંતુ એનો અર્થ એ નહીં કે મારે કોઈ પ્રકારનું દોઢ ડહાપણ નહીં કરવાનું. મારો કહેવાનો મતલબ એ છે કે હુંય એક કાચોકુંવારો લેખક છું અને મારા વિચારો વ્યક્ત કરવાના મનેય કોડ અને અરમાનો છે. તો પ્રસ્તુત છે ગુજરાતી ભાષા વિશેના કેટલાક અપ્રસ્તુલ લાગે એવા મુદ્દા.
આ વિવાદની શરૂઆત ગુજરાતી લિટેરેચર ફેસ્ટિવલ નામ અને એ સંદર્ભમાં ગુજરાતી લેખકો દ્વારા થતાં અંગ્રેજી ભાષાના શબ્દપ્રયોગના વપરાશના પ્રશ્નથી થઈ. અહીં વિદ્વાનોનો એક પક્ષ સાચો છે કે આ રીતે આપણે અંગ્રેજી ભાષાના શબ્દોને અપનાવતા રહીશું તો આપણી ભાષા ધીમે ધીમે ગરીબ થઈ જશે. આપણી ભાષા માટે આપણને પ્રેમ હોય તો આપણે અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય શોધવા જોઈએ અને એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તો બીજી તરફ વિદ્વાનોનો બીજો પક્ષ પણ ખોટો નથી, જે કહે છે કે ભાષામાં અભિવ્યક્તિ મહત્ત્વની છે. જે અંગ્રેજી શબ્દો વાંચકો અને શ્રાવકો સમજી શકે, વધુ સારી રીતે એનો અર્થ ગ્રહણ કરી શકે એવા અંગ્રેજી શબ્દો વાપરવામાં કંઈ ખોટું નથી.
આપણી ભાષામાં અંગ્રેજી ભાષાના શબ્દો વપરાશ હોવો જોઈએ કે નહીં એ વિશે આપણે ભૂતકાળના આધારે ભાર મૂકીને કંઈ કહી શકીએ એમ નથી, કારણ કે અંગ્રેજી ભાષાનો વ્યાપ છેલ્લા બે-ચાર દાયકામાં જ થયો છે અને ગુજરાતી પ્રજાની રહેણીકરણીમાં, લાઈફ સ્ટાઈલમાં અંગ્રેજી ભાષા છેલ્લા થોડા સમય દરમિયાન જ ઘર કરી ગઈ છે. ગૃહિણી, શાકવાળા અને પાનવાળા પણ વાતચીતમાં અંગ્રજી શબ્દો રમતાં રમતાં વાપરતાં હોય ત્યારે એ વાત સ્વીકારવી પડે કે આ મામલો કંઈક અલગ છે અને એને જુદી રીતે સમજવો પડે. અલબત્ત, એનો અર્થ એ નથી કે આ બાબતે કોઈ અંકુશ જ ન રહે અને ભાષામાં લોકો જેમ ફાવે એવી તોડફોડ કરે. એકંદરે આ પ્રશ્ન વિચારવા જેવો ખરો અને એ વિશે ડિસન્ટ ચર્ચા થવી જોઈએ.
માતૃભાષામાં અંગ્રજી ભાષાના મિક્સિંગ-અપની સમસ્યા ફક્ત ગુજરાતીની જ નથી. લાઈફ સ્ટાઈલ બદલાવાને લીધે અને અંગ્રેજી શિક્ષણ તથા એની વ્યાવસાયિક ઉપયોગીતાને કારણે તમામ ભાષામાં અંગ્રેજીના શબ્દો ઘુસ્યા છે. મહારાષ્ટ્રીયન પ્રજા પોતાની ભાષા અને સંસ્કૃતિની બાબતે બહુ સજાગ હોવાની માન્યતા છે. મરાઠી ભાષામાં લગભગ દરેક અંગ્રેજી શબ્દનું શુદ્ધ ભાષાંતર થાય છે, પરંતુ વપરાશ એનો ઓછો થાય છે. સરકાર અને મહત્ત્વની સંસ્થાઓ શુદ્ધ મરાઠી શબ્દો તથા શબ્દ પ્રયોગનો આગ્રહ રાખે છે, પરંતુ પોપ્યુલર કલ્ચરમાં એવા શુદ્ધ શબ્દો વાપરવાથી લોકો દૂર રહે છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના હિન્દીભાષા લોકો પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ છૂટથી કરે છે. અલબત્ત, એ લોકો ઉચ્ચારમાં પોતાની રીતે ફેરફાર કરી લે છે, પણ જે શબ્દો અંગ્રેજીમાં ફાવી ગયા છે એ અંગ્રેજીમાં જ બોલાય છે. જેમ કે સોરીનું સારી કરી નાંખે અને કોન્ગ્રેસનું કાન્ગ્રેસ કરી નાંખે. ભારતની લગભગ દરેક ભાષાના આધુનિક સાહિત્ય અને કળામાં અંગ્રેજી ભાષાના શબ્દો પ્રવેશ્યા છે.
અલબત્ત, માતૃભાષા માટેનો પ્રેમ અને ભાષાશુદ્ધી માટેનો આગ્રહ રાખવો એ બહુ જ સારી વાત છે અને જે વિદ્વાનો આ દિશામાં પ્રયાસો કરતા રહે છે એમના માટે મને ખૂબ જ આદર છે. અહીં એક અનોખો કિસ્સો તપાસવા જેવો છે. 'સમકાલીન' અખબારના સ્થાપક તંત્રી હસમુખ ગાંધી શુદ્ધ ગુજરાતી ભાષાના પ્રખર આગ્રહી હતા. વ્યાકરણની ભૂલો કરનાર પર એમને બહુ જ ગુસ્સો હતો. ઊંધી માત્રા (રેફ)નો ઉપયોગ અગાઉ કોઈ કરતું નહોતું, પરંતુ હસમુખ ગાંધીએ એના ઉપયોગની પ્રથા શરૂ કરી હતી. એટલું જ નહીં, કોઈ ગુજરાતી અખબારમાં પ્રૂફ રીડિંગ વિભાગને મહત્ત્વ નહોતું અપાતું એ સમયે હસમુખ ગાંધીએ એક ઊચ્ચ સ્તરનો પ્રૂફ રીડિંગ વિભાગ ઊભો કર્યો હતો. જીતુભાઈ ઠાકર જેવા વિદ્વાન પ્રૂફ રીડરના માર્ગદર્શન હેઠળના એ પ્રૂફ રીડિંગ વિભાગના પ્રૂફ રીડરોની કક્ષા સબ એડિટર કક્ષાની હતી. આજના સમયમાં ગુજરાતી 'મિડ ડે'ના તંત્રી રાજેશ થાવાણી ભાષાશુદ્ધિના આગ્રહ માટે જાણીતા છે.
મજાની વાત એ છે કે હસમુખ ગાંધી ગુજરાતી ભાષાના વ્યાકરણ, જોડણી વગેરેના ચુસ્ત આગ્રહી હતા, પરંતુ અંગ્રેજી ભાષાના શબ્દો પ્રયોગો બાબતે એમને જરાય છોછ નહોતો. સમાચારના હેડીંગથી માંડીને કોલમોના નામોમાં અંગ્રેજી શબ્દો છૂટથી વપરાતા. હસમુખ ગાંધીની પોતાની કોલમો તથા એમના તંત્રીલેખોમાં પણ અંગ્રેજી શબ્દો ભરપૂર રહેતા અને એ કહેવાની જરૂર નથી કે એમના લખાણની અસરકારકતા જબરજસ્ત હતી.
અન્ય ભાષાના શબ્દો મિક્સ અપ કરવાની બાબતમાં સૌથી મોટું નામ ચન્દ્રકાન્ત બક્ષીનું ગણાય. બક્ષીએ અંગ્રેજી નહીં પણ ઉર્દૂ ભાષાના શબ્દોનું ગુજરાતીમાં મિશ્રણ કર્યું અને એ પણ કેવું. બક્ષીના અમુક વિચારો સાથે તમે કદાચ સહમત ન થાવ, પરંતુ એમની શૈલીની અસરકારકતા બાબતે કોઈ બેમત ન હોઈ શકે. ભેળનો જૂનો કાગળ પણ જો બક્ષીના લખાણનો હોય તો તમે એ આસાનીથી કહી શકો. બક્ષીનું આ એક અનોખું ઇનોવેશન હતું. ઉર્દૂની નજીક ગણાતી હિન્દી ભાષાના કોઈ લેખકે પણ ઉર્દૂ ભાષાના શબ્દોનું મિક્સ અપ કરીને પોતાની શૈલીને આટલી તાકાતવાન બનાવી હોય એવું મારી જાણમાં નથી. બક્ષીની લોકપ્રિયતામાં એમની શૈલીનો ફાળો બહુ મોટો હતો. બક્ષી લોકપ્રિય થયા એટલું જ નહીં, એમનું અનુકરણ કરનારાની સંખ્યા પણ ઘણી મોટી છે.
તો વાત એમ છે કે ભાષામાં અભિવ્યક્તિ કદાચ સૌથી વધુ મહત્ત્વની છે અને અભિવ્યક્તિને વધુ અસરકારક બનાવવા માટે શૈલી મહત્વની છે. લેખક કે વક્તા ગમે એવી સાત્વિક અને મુદ્દાની વાત કહેવા માંગતા હોય, પણ જો એમની પાસે સારી શૈલી ન હોય તો એ પોતાની વાત એટલી અસરકારક રીતે નહીં કહી શકે. ખુશવંત સિંહે એક વાર કહ્યું હતું કે મોટા ભાગના વિષયો પર બધાએ લગભગ એક જ વાત કહેવાની હોય છે, પરંતુ દરેક વ્યક્તિ એ વાત અલગ અલગ રીતે કહેતી હોય છે અને ફરક ત્યાં પડે છે.
જોકે અહીં એક સૌથી વધુ મહત્વની વાત એ છે કે શૈલી અભિવ્યક્તિને ફક્ત વધુ અસરકારક બનાવે છે. એ સારી કન્ટેન્ટ કે વસ્તુત્વનો પર્યાય નથી. શૈલી વિનાનું લખાણ કંટાળાજનક બની શકે, પરંતુ સારી કન્ટેન્ટ વિનાનું અને તાકાતવાન શૈલીવાળું લખાણ જોખમી બની શકે છે, કારણ કે નબળી વાત કે અસત્યને જ્યારે ખૂબ અસરકારક શૈલીમાં વ્યક્ત કરવામાં આવે ત્યારે એનો અતાર્કિક રીતે સ્વીકાર થઈ જતો હોય છે. જોકે આ એક અલગ મુદ્દો છે.
આ તો મારા કાચાપાકા વિચારો રજૂ કર્યા. આ વિશે વધુ ચર્ચા થતી રહે અને આપણી ભાષા વધુ સમૃદ્ધ બનતી રહે એવી આશા અને ઇચ્છા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર