સ્ત્રીને ફટાકડી કહેવાય કે નહીં?
ગયા અઠવાડિયે એક મોટો વિવાદ થઈ ગયો, જેના કેન્દ્રમાં હતા એક લેખક મહાશય. એ લેખક ઘણા લોકપ્રિય છે એટલે વિવાદ પણ મોટો થયો. બન્યું એમ કે લેખકે મસ્તીમાં સ્ત્રીને ફટાકડી કહી દીધી, જે અમુક લોકોને ન ગમ્યું. એમણે લેખકની ટીકા કરી. પછી તો બંને છાવણીમાંથી સારી એવી આતશબાજી થઈ. આડીઅવળી ઘણી ફૂલઝડીઓ ફૂટી અને રૉકેટો પણ છૂટ્યા. એકંદરે કંઈ નહિ.
પ્રશ્ન એ છે કે લેખકે સ્ત્રીને ફટાકડી કહી એ યોગ્ય હતું કે નહી. બીજો પ્રશ્ન એ છે કે ટીકા કરનારાએ આ વાતને શું વધુ પડતું મહત્ત્વ આપી દીધું હતું? આમ તો બંને પોતપોતાની રીતે સાચા હતા. પ્રૉબ્લેમ ફક્ત એ હતો કે બંનેના દૃષ્ટિકોણ અલગ હતા. ખરેખર તો પ્રૉબ્લેમ બીજો જ કોઈ હતો. સ્ત્રીને ફટાકડી, તીખી મિર્ચી, આઇટમ બોંબ કે પછી એક ચીજ કહેવાની ઘટના આ કંઈ પહેલી વાર નથી બની. ફિલ્મી ગીતોમાં સ્ત્રીઓને એક એકથી ચડિયાતાં નામે સંબોધવામાં આવી છે અને એ બાબતે એવો ખાસ કોઈ શોરબકોર નથી થયો. પણ ફટાકડીના નામ પર જોરદાર તણખા ઝર્યા, કારણકે અહીં કેન્દ્રમાં એક લેખક હતા. અને એ પણ બહુ વંચાતા લેખક. ટીકાકારોએ ટીકા એટલાં માટે કરી કે લેખકની ટિપ્પણીથી સ્ત્રીઓનું અપમાન થયું એવું એમને લાગ્યું. શું લેખકનો ઇરાદો એવો હોઈ શકે? શું લેખકથી ભૂલ થઈ ગઈ? શું ટીકાકારોનો ઇરાદો ખરાબ હતો? ના. આમાંનું કંઈ જ નહોતું. સમસ્યા એ હતી કે એક લેખક માટેની જે છબી આપણા મનમાં છે એ ભૂલભરેલી છે. લેખકે તો હંમેશાં જે રીતે લખે છે એ રીતે જ લખ્યું હતું. ટીકાકારોને એમાં જે ખોટું લાગ્યું એનું કારણ કદાચ અલગ હતું. લેખ લખનાર લેખક વિશે ટીકા કરનારે જે ધારણા બાંધી હતી એમાં પાયાની ભૂલ હતી. ટીકાકારે લેખકને એક ટિપિકલ, આદર્શ અને ક્લાસિક લેખક ધારી લીધો એ એક ભૂલ હતી અને એ જ સમસ્યાનું મૂળ હતું. કઈ રીતે? ચાલો, સમજવાની કોશિશ કરીએ.
દાયકાઓ અને સદીઓથી લોકો જે વ્યવસાય કરતાં આવ્યા છે એમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. કેટલાક વ્યવસાયમાં ઓછું પરિવર્તન આવ્યું છે તો બીજા કેટલાક વ્યવસાયમાં ધરમૂળનું પરિવર્તન આવી ગયું છે. કેટલાક વ્યવસાયના તો સ્વરૂપ જ બદલાઈ ગયા છે. લુહારકામ કરનાર આજે કદાચ ડાય બનાવે છે અને સુથારીકામ કરનારા આજે ઇન્ટીરિયર ડેકોરેશનનું કામ કરતાં થયાં છે. લેખક આજે પણ લખવાનું કામ જ કરે છે, પરંતુ એ જે લખે છે એનું સ્વરૂપ સાવ જ બદલાઈ ગયું છે. પરંપરાગત લેખક એના બે પ્રકારના લખાણો માટે જાણીતો હતો અને એ જ એની ઓળખ હતી.
સૌથી પહેલાનો લેખક એક વિચારક હતો, ફિલોસોફર હતો. એ જ્ઞાની હતો અને જેમની પાસે જ્ઞાન નહોતું એવી પ્રજાને એ જીવનને લગતું જ્ઞાન આપતો, સમજણ આપતો. ક્યારેક એ જ્ઞાન પ્રવચનો દ્વારા આપવામાં આવતું તો ક્યારેક એ જ્ઞાન વાર્તાઓ અને કવિતાઓના સાહિત્ય દ્વારા આપવામાં આવતું.
ત્યાર પછીના સમયમાં સમાજ સુધારક લેખક અસ્તિત્વમાં આવ્યો.
સમાજ સુધારક લેખકો પ્રમાણમાં વધુ નિષ્ઠાવાન અને નીડર હતા, કારણ કે એમણે સ્થાપિત હિતો સામે ટક્કર લેવાની હતી. આ લેખકો હકીકતમાં ઍક્ટિવિસ્ટો એટલે કે ચળવળકારો પણ હતા. ધાર્મિક રીતરિવાજોને નામે ચાલતાં ધતિંગને એમણે ખુલ્લાં કર્યા અને એનો લાભ લેતાં લેભાગુ સ્થાપિત હિતોને એમણે પડકાર્યા. આ કામ હિંમતનું હતું. આ લેખકોને સ્થાપિત હિતોએ બહુ હેરાન કર્યા, પરંતુ આખરે એમના કામની પ્રશંસા થઈ. એમની વાતો સાચી પૂરવાર થઈ. આ લેખકોની સાચી નિષ્ઠા તથા હિંમતને કારણે સમાજમાં ભારે આદર પામ્યા. આ રીતે સમાજ સુધારક પ્રકારના લેખકો સમાજમાં એક ઉચ્ચ દરજ્જો ધરાવતા થયા.
સમાજ સુધારક જેવો જ લેખકોનો બીજો એક પ્રકાર સમાજમાં આદર પામ્યો અને એ હતો ક્રાંતિકારી, બળવાખોર લેખકોનો વર્ગ. શાસકો અને વહીવટી તંત્રની સામે થવાની, એની સામે અવાજ ઉઠાવવાની શરૂઆત લોકશાહી મૂલ્યોનો વ્યાપ વધવાની સાથે થઈ. પ્રિન્ટિંગ ટેક્નોલૉજીનો ઉદય પણ લગભગ એ જ સમયે થયો. સમાજ સુધારક લેખકોની જેમ આ પ્રકારના લેખકો પણ પૂરી નિષ્ઠા અને નીડરતા ધરાવતા હતા. આથી આ લેખકો પણ સમાજમાં આદર પામ્યા. આ રીતે લેખકો અને એમના વ્યવસાય સાથે બહુ મોટા મૂલ્યો જોડાઈ ગયા છે. જમાનો બદલાતો ગયો એમ લોકોની જીવનશૈલી, રીતભાતમાં પરિવર્તન આવ્યું. લેખકો માટેના આદર એક પ્રકારના આકર્ષણ, ગ્લેમરમાં બદલાયા. લોકોના મનમાં લેખકની છબી જૂની જ રહી, પરંતુ, લેખક પોતે ઘણો બદલાઈ ગયો અને એના વ્યવસાયનું સ્વરૂપ તો સાવ જ બદલાઈ ગયું. હજુ સિત્તેરના દાયકા સુધી લેખકની જૂની ઇમેજ સાથે ગ્લૅમર સંકળાયેલું હતું. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ 'નયા ઝમાના'નો હીરો બળવાખોર લેખક છે અને ક્રાંતિકારી લખાણો દ્વારા સમાજ, જમાનો બદલી નાંખવાની વાતો કરે છે અને સમાજ એને આદર આપે છે. અમીર બાપની દીકરી એના તરફ આકર્ષાય છે.
આમ એક લેખકની મૂળ, ક્લાસિકલ ઇમેજ એક વિચારક, સમાજ સુધારક, ક્રાંતિકારી અને બળવાખોર વ્યક્તિ તરીકેની છે. હવે પ્રિન્ટિંગ તથા પ્રચાર માધ્યમોના અભૂતપૂર્વ વ્યાપને લીધે બધું જ બદલાઈ ગયું છે. લેખકના મૂળ ગુણધર્મો તો ક્યારના વિસરાઈ ગયા છે. આના પરીણામે લેખકોના નવાં નવાં પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે.
અખબારી માધ્યમોના પ્રસારને કારણે લેખકોનો એક માહિતીદાતા નામનો વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. આ વર્ગના લેખકોના મનમાં કોઈ આક્રોશ કે સાચાખોટા સામે અવાજ ઉઠાવવાની ખેવના નથી હોતી. આ લેખકો વિવિધ સ્ત્રોતમાંથી જાતજાતની માહિતી એકઠી કરીને પોતાની રીતે, ક્યારેક રોચક રીતે એની રજૂઆત કરે છે. વાચકો ક્યારેક નવી માહિતીથી પ્રભાવિત થાય છે તો ક્યારેક લેખનની રજૂઆત એમને ગમી જાય છે.
આધુનિક સમયમાં લેખકોનો બીજો એક વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે એ મનોરંજનકર્તાનો. આ વર્ગના લેખકોને પણ ન્યાય અન્યાયની ભાવના સાથે દૂર દૂરનો કોઈ સંબંધ નથી હોતો. આવા લેખકોનું ધ્યેય ફક્ત વાચકોનું મનોરંજન કરવાનું હોય છે. આવા લેખકો કારણ વિનાની વાર્તાઓ, કવિતાઓ લખે છે, ફિલ્મોની સ્ક્રિપ્ટ લખે છે, ટીવી સરિયલો લખે છે, ગોસિપો લખે છે અને એકંદરે વાચકોને મજા પડે એવું રસીલું મટીરિયલ રસાળ શૈલીમાં લખે છે. આમની ગણતરી લેખકોમાં જ થાય છે, પરંતુ હકીકતમાં તેઓ મનોરંજનકર્તા છે.
લેખકોની આ ઉત્ક્રાન્તિમાં વચ્ચે એક નવો વળાંક આવ્યો. અખબારી માધ્યમને કારણે લેખકના જોડિયા ભાઈ જેવા પત્રકારનો જન્મ થયો. મૂળ તો પત્રકારોની કામગીરી પણ માહિતી આપવાની જ હતી પરંતુ પત્રકાર સતત સત્તા અને વહીવટી તંત્રની સાથે સંકળાયેલો રહેતો હોવાને લીધે સાચાખોટા વિશેનું જજમેન્ટ લેવાનું તેમજ એ જાહેર કરવું કે નહીં એ વિશેનો ફેંસલો કરવાનું એના માટે જરૂરી બની ગયું. આ રીતે મૂળ, નિષ્ઠાવાન, કમિટેડ લેખકનો પુનર્જન્મ થયો. અનેક પત્રકારોએ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ કરીને સ્થાપિત હિતોની પોલંપોલ ખોલી અને સત્તાધારી માણસોની ઊંઘ હરામ કરી નાખી. મૂળ લેખક ફરી એની મૂળ ભૂમિકામાં આવ્યો હતો.
અખબારી માધ્યમને લીધે સમીક્ષકો અને કૉલમકારોનો નવો વર્ગ પણ અસ્તિત્વમાં આવ્યો. લેખકોના આ વર્ગે પણ શાસકોની કામગીરીની મૂલવણી કરીને એ વિશે લખવાનું હોય છે. આથી આ વર્ગ પાસે પણ સામાજિક કટીબદ્ધતાની અપેક્ષા જાગી. કેટલાક સમીક્ષકો લેખકની મૂળ ભૂમિકા નિભાવવામાં સફળ રહે છે તો બાકીના શાસકોની ખુશામત કરતા રહે છે.
હવે આપણે સ્ત્રીને ફટાકડી કહેવાની વાત પર પાછાં આવીએ તો પાયાનો પ્રશ્ન એ ઉદ્ભવવો જોઈએ કે આ લખનાર કોણ છે. કયા પ્રકારનો લેખક છે. માહિતીદાતા છે, મનોરંજનકર્તા છે કે પછી મૂળ, સામાજિક રીતે પ્રસિદ્ધ કમિટેડ લેખક છે? ફક્ત માહિતી કે મનોરંજન પીરસવાની ભૂમિકામાં રહેલા લેખક પાસેથી સામાજિક પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખવાનું યોગ્ય નથી અને આવા લેખકો ક્યારેક, છૂટાછવાયા ગંભીર વિષયો પર લેખો લખીને પોતે સામાજિક રીતે પ્રતિબદ્ધ હોવાનો દાવો કરે તો એ પણ યોગ્ય નથી. લેખકો વિશેનું આ સત્ય જાણ્યા વિના કોઈ લેખ કે લેખકનું મૂલ્યાંકન કરવાનું યોગ્ય નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર