શું બદલાતા મૂલ્યો એ જ સત્ય છે?

05 Jun, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: mensxp.com

ભારત અને દુનિયાભરમાં સામાજિક રાજકીય ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે અને હજુ વધુ મોટું પરિવર્તન આવી રહ્યું છે એ વાતનો કોઇ ઇનકાર કરી શકે એમ નથી. આ પરિવર્તન સારા માટે છે કે ખરાબ માટે એની આપણને ખબર નથી, પરંતુ જે બદલાવ આવી રહ્યો છે એની એક નિશ્ચિત દિશા છે અને એની પાછળનું પ્રેરકબળ સર્વત્ર એકસમાન છે. શું નથી ગમતું અને શું આઉટડેટેડ લાગી રહ્યું છે એ વાતે લગભગ સર્વસંમતિ પ્રવર્તે છે. જે બદલાવ જોઇએ છે એ બાબતે મતમતાંતર છે, પરંતુ એક બહોળો વર્ગ આ માટેની દિશા તથા લક્ષ્ય નક્કી કરી ચૂક્યો છે.

હમણા બહારગામ હતો ત્યારે ઘણા સમયે 'દિવ્ય ભાસ્કર'ની કળશ પૂર્તિ હાથમાં આવી ગઇ અને એમાં કાના બાંટવાનો એક વિચારપ્રેરક લેખ વાંચ્યો. 'પોસ્ટ ટ્રુથઃ લાગણીને છંછેડીને જનમાનસ બદલવાની રાજકલા' એવા હેડિંગ સાથેના લેખમાં ત્રણ લેટેસ્ટ અંગ્રજી પુસ્તકોની એક કોમન થિમ વિશેની વાત કરી છે. ત્રણેય પુસ્તકો 'પોસ્ટ ટ્રુથ' વિષય પર લખાયેલા છે. 'પોસ્ટ ટ્રુથ એવી પરિસ્થિતિ છે, જેમાં સત્ય અથવા હકીકત, વાસ્તવિકતાનું એટલું મહત્ત્વ નથી રહેતું, જેટલું લાગણી કે સંવેદનશીલતાથી બનતી માન્યતાનું હોય. ટૂંકમાં સત્ય પાછળ રહી જાય છે અને લાગણી સાથે જોડાયેલા મુદ્દા આગળ નીકળી જાય છે. પછી ભલે એમાં અર્ધસત્ય કે અસત્ય હોય.'બહુ જ સરસ છણાવટ સાથેના આ લેખમાં ભારત, બ્રિટન અને અમેરિકામાં બદલાતા જનમાનસનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્રણેય નવપ્રકાશિત પુસ્તકોમાં જે પોસ્ટ ટ્રુથની વાત કરવામાં આવી છે એના સંદર્ભમાં ભારતીય ઘટનાક્રમનો દાખલો આપતા કાના બાંટવાએ લખ્યું છે કે 'લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ દ્વારા વિદેશમાં પડેલા કાળા નાણાંના આંકડા ઉછાળવાં આવ્યા હતા, જેની રકમ હજારો કરોડોમાં હતી. સામાન્ય જનતાને આ કાળું ધન કોઇ ગુપ્ત ખજાના જેવું ભાસવા માંડ્યું. આ અપેક્ષાને બળવત્તર બનાવવા માટે દરેક નાગરિકના ખાતામાં પંદર લાખ રૂપિયા આવશે એવું જનતાનાં મનમાં ઠસાવવામાં આવ્યું હતું. એ વખતના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પણ એ જુમલાનો ઉપયોગ કર્યો હતો. કોઇ પણ માણસને કઠોર વાસ્તવિકતા કરતાં સુંવાળા સપનાં વધુ પસંદ હોય છે. 'આ જ સંદર્ભમાં લેખની અંદર બ્રિટનમાં તાજેતરમાં થયેલા બ્રેક્ઝિટ પોલનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ટૂંકમાં લાગણી દ્વારા થતી અપીલથી માણસ તર્કથી વિચારવાનું કઇ રીતે ભૂલી જાય છે એ વિશે લેખમાં સચોટ રીતે સમજાવવામાં આવ્યું છે.

વિચારપ્રેરક લખાણ હંમેશાં વધુ વિચારવા માટેની નવી દિશાઓ ખોલી આપતું હોય છે. એ વાત કોઇ જ શંકા નથી કે ભારત, અમેરિકા અને બ્રિટનમાં જે સામાજિક રાજકીય પરિવર્તન જોવા મળ્યા છે એની પાછળ પોસ્ટ ટ્રુથની મોટી ભૂમિકા છે. લોકો લાગણીને ભડકાવવામાં આવી છે અને એમાં રાજકારણીઓને સફળતા મળી છે. અમેરિકા તથા યુરોપના અન્ય શહેરોમાં પશ્ચિમના નાગરિકો ત્રાસવાદનો ભોગ બન્યા છે. અમેરિકામાં સ્થાનિક નાગરિકો માટે રોજગારીની તકો ઓછી છે અને બહારથી આવેલા વસાહતીઓ દરેક રીતે સમૃદ્ધ બન્યા છે એ પણ હકીકત છે. ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારેક તો એટલા બેજવાબદાર વક્તવ્યો કરતા હોય છે કે એમને અમેરિકાના પ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે ગંભીરતાથી લેવાનું પણ કોઇ પસંદ નહોતું કરતું. આમ છતાં, પ્રમુખપદની ચૂંટણી જેમ જેમ નજીક આવતી ગઇ એમ ટ્રમ્પની લોકપ્રિયતા વધતી ગઇ, કારણ કે તેઓ અમેરિકનોની એવી લાગણીને ઉશ્કેરવામાં સફળ રહ્યા હતા કે એમની તકલીફોનું કારણ તેઓ પોતે એટલે કે અમિરકનો નથી, પરંતુ વસાહતીઓ અને મુસ્લીમો છે. લાગણીની આ છેતરપીંડીએ વર્ષોથી ચાલી આવતી અનેક પરંપરાઓને તોડી નાંખી. અમેરિકન પ્રજાએ ટ્રમ્પને પ્રમુખ બનાવી દીધા.

ભારતમાં પણ કંઇ હદે આવું જ બન્યું. જોકે ભારતમાં સ્થિતિ થોડી અલગ એ માટે હતી કે અગાઉના શાસનનો ગેરવહીવટ સૌની આંખે ઊડીને વળગે એવો હતો. આ ઉપરાંત, આ તકલીફો દૂર કરી શકે એ કોઇ વ્યક્તિનું એટલે કે નરેન્દ્ર મોદીનું માર્કેટિંગ એકદમ સફળ રીતે કરવામાં આવ્યું. આટલે સુધી તો બરોબર છે, પરંતુ ત્રણ વર્ષના શાસનમાં અગાઉ આપેલા કોઇ જ વચનો પાળવામાં નથી આવ્યા અને લગભગ દરેક સમસ્યા વણઉકેલી રહી છે એ વિશે તર્કથી વિચારવાનું કોઇને પસંદ નથી. નોટબંધી અને સર્જીકલ સ્ટ્રાઇક જેવી નિરર્થક કવાયતની ટીકા કરવાનું કોઇ પસંદ નથી કરતું. કારણ ફક્ત એક જ છે કે લોકો હજુય લાગણીના આવેશમાં તથા બદલાયેલી માન્યતાઓના ઉન્માદમાં જીવી રહ્યા છે.

લોકો લાગણીના આવેશમાં આવીને તર્કહીન અભિપ્રાય વ્યક્ત કરે છે અને નિર્ણયો લે છે એ તો હવે સ્પષ્ટ રીતે સમજાઇ ગયું છે, પરંતુ લોકો શા માટે આવી લાગણીમાં તણાઇ રહ્યા છે એ જરા વિચારવાનો પ્રશ્ન છે. અમુક પ્રકારની વાતો શા માટે લોકોને પસંદ આવે છે અને લોકોમાં અમુક રીતે વિચારવાનો ઝોક શા માટે જોવા મળે છે. અમેરિકા હોય કે ભારત, સૌથી મોટું પરિવર્તન એ જોવા મળે છે કે લોકો જમણેરી ઝોક સાથે વિચારતા થયા છે. ભારતમાં દાયકાઓથી પ્રવર્તતી સમાજવાદી વિચારધારાની અપીલ ઝાંખી પડી ગઇ છે. અમેરિકામાં ઉદારમતવાદી મૂલ્યો પર લોકો પહેલી વાર શંકા કરતા થયા છે. એની વિરુદ્ધના રૂઢિગત વિચારો તરફ લોકો ઢળી રહ્યા છે. એકંદરે લોકશાહી તથા ઉદારમતવાદી મૂલ્યો સામે બેકલેશ આવ્યો છે. લોકો નારાજ છે આ મૂલ્યોથી. શા માટે? 

શાસનપદ્ધતિ મૂળ તો બે જ પ્રકારની હોય છે. એક પ્રજાતંત્ર એટલે કે લોકશાહી, જેમાં પ્રજા પોતાની મરજીથી શાસકો પસંદ કરે છે. આ પદ્ધતિમાં એક વ્યક્તિ નહીં, પણ વ્યક્તિઓ નાનો સમૂહ સાથે મળીને, સર્વસંમતિથી વહીવટી નિર્ણયો લે છે. બીજી પદ્ધતિ છે રાજાશાહી. સરમુખત્યારશાહી, લશ્કરી શાસન અને પ્યોર રાજાશાહી એ બધી પદ્ધતિઓનો આ રાજાશાહીના આ બહોળા કોન્સેપ્ટમાં સમાવેશ થઇ જાય છે.

લોકશાહી અને એની સાથે સંકળાયેલા ઉદારમતવાદી મૂલ્યો આધુનિક જગતમાં જ વિકસ્યા છે. એ પહેલા દુનિયાભરમાં રાજાશાહી જ ચાલતી હતી, એક યા બીજા સ્વરૂપે. રાજાશાહીની સૌથી મોટી ઉણપ એ હતી કે એમાં માનવ અધિકાર જેવું કંઇ હોતું નહીં. રાજાની મરજી થાય એમ એ કરે. એને કોઇ રોકવાવાળું નહીં, કોઇ ટોકવાવાળું નહીં. રાજા પોતે શોષણ કે જુલમ ન કરે તો પણ એનું સૈન્ય કે રાજદરબાની અન્ય વગદાર વ્યક્તિઓ પ્રજા પર જુલમ કરે તો સૌએ સહન કરી લેવું પડતું. આ ઉપરાંત રાજાશાહીમાં વારસાગત સત્તાપરિવર્તનની પ્રણાલી હોવાથી રાજાનો ગેરલાયક પુત્ર પણ શાસક બની જતો અને એની અણઆવડત અથવા જુલમશાહીનો ભોગ પ્રજાએ બનવું પડતું. આ બધા કારણોને લીધે રાજાશાહી સામેનો વિરોધ ઉગ્ર બનતો ગયો અને છેવટે બગાવતો થઇ. આધુનિક જગતે લોકશાહી અપનાવી. આધુનિક વિશ્વના મોટા ભાગના દેશોએ લોકશાહીને જ શ્રેષ્ઠ માની છે.

લોકશાહીમાં પ્રજા પાસે શાસકોને પસંદ કરવાનો અધિકાર છે એ હકીકતને લીધે એવી માન્યતા પ્રચલિત બની કે આ પદ્ધતિમાં કોઇને અન્યાય ન થઇ શકે. આ વાત મહદઅંશે સાચી છે, પરંતુ લોકશાહી પદ્ધતિ તથા એની સાથે સંકળાયેલા ઉદારમતવાદી મૂલ્યોમાં કેટલીક ખામીઓ પણ છેલ્લા કેટલાક સમય દરમિયાન જોવા મળી છે. જેમ કે લોકશાહીમાં બહુમતી દ્વારા શાસકોને ચૂંટવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ચૂંટણીઓમાં સો ટકા મતદાન થતું નથી એટલે જે લોકો મતદાન નથી કરતા એમનો મત ક્યારેય જાણી શકાતો નથી. પચાસ ટકા લોકો મતદાન કરે એમાં જો કોઇ પક્ષ પચાસ ટકા મત મેળવીને બહુમતી પ્રાપ્ત કરે તો એ હકીકતમાં પ્રજાના કુલ મતદારોના ફક્ત 25 ટકા મતદારોનું સમર્થન જ મેળવે છે. આ રીતે બહુમતીનો ભ્રમ પેદા થાય છે. આ ઉપરાંત લોકશાહીમાં ચર્ચાવિચારણા અને સર્વસંમતિથી નિર્ણયો લેવાના હોવાથી વિકાસલક્ષી કાર્યો ધીમી ગતિએ આગળ વધે છે. બહુમતી મેળવવાના પ્રયાસની એક સૌથી ખતરનાક આડ અસર વોટબેન્કના પોલિટિક્સમાં જોવા મળી. અમુક વર્ગને વિશેષ છૂટછાટો આપીને એમના મત મેળવવાના પ્રયાસ દુનિયાભરના રાજકારણી કરતા રહે છે. ભારતમાં આ દૂષણ જાતિવાદ તથા કોમવાદના દૂષણને કારણે વધુ જોખમી બની ગયું. 

બીજી તરફ આધુનિક જગતે અપનાવેલા ઉદારમતવાદી મૂલ્યો પણ થોડા બેકફાયર થયા છે. ઉદારમતવાદની બાબતમાં પશ્ચિમના દેશો વધુ આગળ રહ્યા છે. અમેરિકા અને બ્રિટન સહિતના મોટા ભાગના પશ્ચિમી દેશો દુનિયાભરના વસાહતીઓને સ્વીકારી લીધા છે એટલું જ નહીં, એમને ત્યાં સમૃદ્ધ થવાની તક આપી છે. એમને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી છે. ભારત જેવા દેશોમાં ઉદારમતવાદનો અમલ લઘુમતી તથા સામાજિક રીતે પછાત વર્ગોને વિશેષ છૂટછાટો આપવાના સ્વરૂપમાં થયો છે. માનવીય મૂલ્યોની દૃષ્ટિએ આ સારી વાત છે, પરંતુ એની અતિશયોક્તિ થવાને લીધે એની આડ અસરો વિશે કોઇએ વિચાર ન કર્યો. અમેરિકામાં સ્થાનિક ગોરા લોકોના લાભ વિચારતા કુ ક્લક્સ ક્લાન જેવા પ્રતિક્રિયાવાદી સંગઠનો પહેલેથી અસ્તિત્વમાં આવ્યા હતા, પરંતુ એને મુખ્ય પ્રવાહનું ક્યારેય સમર્થન નહોતું મળ્યું. ભારતમાં આઝાદી મળી ત્યારથી જમણેરી અને કટ્ટર જમણેરી સંગઠનો સક્રિય છે, પરંતુ અહીં પણ આવા તત્ત્વોને કોઇ મહત્ત્વ મળતું નહોતું, હમણા સુધી. હવે બધુ બદલાઇ ગયું છે. હવે લોકોને એવા ઉદારમતવાદમાં રસ નથી, જેનાથી સ્થાનિક લોકો અન્યાય થતો અનુભવે. એવી મોટાઇ દાખવવાની કોઇને જરૂર નથી લાગતી. આવા મૂલ્યો ખોટા અને વ્યર્થ લાગે છે. એનું સ્થાન રાષ્ટ્રવાદે લઇ લીધું છે. નેશન ફર્સ્ટ. 

હવે સ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે. લોકશાહી તથા ઉદારમતવાદી મૂલ્યોના બેકલેશનો જાણે મોટો વિસ્ફોટ થયો છે. આ પ્રકારના મૂલ્યો સાથે સંકળાયેલી દરેક વાત પર લોકોને ચીડ ચડે છે. લોકો મનોમન એવી વ્યક્તિ, મહાવ્યક્તિની ઇચ્છા કરવા લાગ્યા છે, જે આવા ખોટા મૂલ્યોથી પ્રજાને બચાવે અને જે પ્રજાનું, ભૌગોલિક રાષ્ટ્રનું રક્ષણ કરે. રાજાશાહી હતી ત્યારે બધા રાજા ખરાબ નહોતા. મોટા ભાગના રાજા પ્રજાની સુખસુવિધાનું ધ્યાન રાખતા, એમને ન્યાય આપતા. લોકશાહીની ઉણપોને કારણે પડેલા ખાલિપામાં લોકો એક સારા, કાલ્પનિક રાજાની છબીને ભરવાની કોશિશ કરવા લાગ્યા છે. તેઓ એક રાજાની, રાજાશાહીની ઝંખના કરવા લાગ્યા છે. અમેરિકનોને ડોનાલ્ડ ટ્રમ્પમાં આવો સારો રાજા દેખાયો. ભારતીયોને નરેન્દ્ર મોદીમાં સારો રાજા દેખાય છે. લોકો એવું માનતા થઇ ગયા છે કે નરેન્દ્ર મોદી જે કરે ઓ આપણા સારા માટે જ કરતા હશે. પહેલાના સમયાં સારો રાજા આવી લોકચાહના ધરાવતો હતો. રાષ્ટ્રવાદ એ એક સારા રાજાની ચાહનાનું સાધન બન્યું છે. 

એક સમયે રાજશાહીને લોકો જુલમશાહી માનતા અને એમાંથી છૂટકારો મેળવવા માટે ક્રાંતિઓ થઇ. હવે લોકશાહી અને ઉદામતવાદી મૂલ્યોથી લોકો થાક્યા છે, ત્રાસ્યા છે. હવે ફરી લોકોને રાજાશાહી તરફ જવું છે. ભલે ભૂતકાળમાં હતી એવી રાજાશાહી નહીં, પરંતુ એવી શાસન પદ્ધતિ, જેમાં લોકોએ પસંદ કરેલો નેતા કોઇ રોકટોક વિના રાષ્ટ્રવાદને આગળ વધારે, કોઇ વિશેષ વર્ગને મળતી છૂટછાટો બંધ કરે. ટૂંકમાં પ્રજાને એનું આત્મગૌરવ પાછું મળ્યું હોવાનો અહેસાસ કરાવે અથવા એવા ભ્રમમાં જીવવાની સુવિધા કરી આપે. 

એક મોટા બદલાવ અને પરિવર્તનનો પ્રયોગ ભારતમાં અનાયસે જ થઇ રહ્યો છે. બૌદ્ધિકો તથા મૂલ્યોની સનાતન કિંમતમાં માનતા લોકો લઘુમતીમાં છે. દેશમાં એક મોટો જુવાળ છે. પરિવર્તન થઇ રહ્યું છે. એ સારા માટે થાય તો ઠીક છે, નહીંતર ફરી લોકમાનસને બદલાતા વાર નથી લાગતી. આપણે સૌ એક નવા ઇતિહાસના સાક્ષી બની રહ્યા છીએ. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.