શું આ દેશમાં નીતિ પર આધારિત રાજકારણ સંભવ નથી?

31 Jul, 2017
12:01 AM

નિખિલ મહેતા

PC: india.com

બિહારનું રાજકારણ ફરી એકવાર રાષ્ટ્રીય ચર્ચામાં છે. બિહારમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે પણ એની દેશભરમાં ભારે ચર્ચા હતી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ હતી. ચૂંટણી માટે નિતિશ કુમારના જેડીયુ, લાલુ પ્રસાદ યાદવના આરજેડી અને કોંગ્રેસે મહાગઠબંધન કરીને બીજેપી સામે ચૂંટણી લડવાનો વ્યૂહ અપનાવ્યો હતો અને એમાં સફળતા મળી હતી. હવે આટલાં ટૂંકા સમયગાળામાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. ગઠબંધનના બે ઘટક પક્ષો જેડીયુ અને આરજેડી વચ્ચે આમ તો પહેલેથી અવિશ્વાસના તાંતણા ગૂંથાયેલા હતા. લાલુના પુત્ર તેજસ્વી યાદવને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા એ નિતિશ કુમારને પસંદ નહોતું આવ્યું અને સત્તા પર આવ્યા પછી નિતિશ કુમારનો વહીવટ લાલુને પસંદ નહોતો. એવામાં તપાસ એજન્સીઓએ લાલુ પ્રસાદ સામે જૂના કેસ ફંફોસીને એમને સાણસામાં લેવાનું નક્કી કર્યું. એમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, જેને પગલે નિતિશે એવી માંગણી કરી કે તેજસ્વી પ્રસાદે રાજીનામું આપવું જોઈએ. બે પક્ષો વચ્ચેના સંબંધ બગડતા ગયા અને એ તકનો લાભ લઈને બીજેપીએ નિતિશ કુમારને એનડીએમાં પાછાં ખેંચી લીધા. આ પ્રકારનું રાજકારણ ભારતમાં કંઈ નવું નથી, પરંતુ નિતિશ કુમારે આ વખતે જે રીતે પાટલી બદલી એ એમના પ્રત્યે આદર ધરાવતા લોકોને પણ નથી ગમ્યું. એમના પોતાના પક્ષમાં પણ એનો વિરોધ છે. કેન્દ્રની એનડીએ સરકારની એવી છાપ હવે દૃઢ બનતી જાય છે કે જે રાજ્યોમાં બીજેપીની સરકાર નથી ત્યાં ઊથલપાથલ મચાવીને કોઈ પણ ભોગે પોતાને પસંદ આવે એવી સરકાર સ્થાપવાના એ પ્રયાસ કરતી રહે છે. એનડીએ સરકાર જે કરી રહી છે એ કામ અગાઉ કોંગ્રેસ પણ કરી ચૂકી છે. ફરક કદાચ પ્રમાણનો હશે અને કેન્દ્રની આ સરકાર કદાચ વધુ આક્રમક છે. વિચારવાની વાત એ છે કે આવા નીતિહીન રાજકારણનો આપણને હવે ખાસ કોઈ છોછ નથી રહ્યો. રાજકારણમાં આવું બધું તો ચાલે એ આપણે સ્વીકારી લીધું છે. ગમે એવું ખોટું કરીને લોકો એવો બચાવ કરતાં થઈ ગયા છે કે 'હમામ મેં સબ નંગે હૈ.'

શું ખરેખર આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે રાજકારણમાં તો ગમે એવી અનૈતિકતા ચાલે? શું આપણે એ વાત સ્વીકારી લેવી જોઈએ કે રાજકારણ તો ગંદું જ હોય? શું ખરેખર સ્વચ્છ અને પારદર્શક વહીવટ શક્ય નથી? શક્ય છે, પરંતુ એ માટે કેટલીક પાયાની વાતો સમજવી પડે અને કેટલીક માન્યતાઓને ધરમૂળથી બદલવી પડે. સૌથી પહેલી વાત એ છે કે આપણા દેશમાં મોટા ભાગના લોકો રાજકારણને એક વ્યવસાય સમજીને એમાં પ્રવેશે છે. આ વાત ખરાબ છે અને આ જ વાત સારી પણ છે. આ વાત સારી શા માટે છે એ હું છેલ્લે કહીશ. પહેલા એ વિચારીએ કે આ વાત ખરાબ શા માટે છે. 

રાજકારણમાં પ્રવેશતા લોકોએ શરૂઆત જ દંભથી કરવી પડે છે. તેઓ લોકોની સેવા કરવા માંગે છે એવી જાહેરાત સાથે રાજકારણમાં પદાર્પણ કરે છે. હકીકત એ છે કે રાજકારણ ઝડપથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે એ સૌ જાણે છે. હોશિયાર લોકો તમને કહી શકશે કે એક કોર્પોરેટર કે વિધાનસભ્ય એક ટર્મમાં કેટલા પૈસા બનાવી શકે. કોઈ પણ રાજ્યમાં નવી સરકાર રચાય ત્યારે પ્રધાનપદ માટે સ્પર્ધા થાય છે. એમાંય લ્યુકરેટિવ ખાતાની, જેમાં વધુ પૈસા બની શકે એવા ખાતાની વધુ ડિમાન્ડ રહે છે. અને ખરેખર રાજકારણમાં પ્રવેશ્યાના અમુક વર્ષોમાં મોટા ભાગના રાજકારણીઓની સંપત્તિમાં અસાધારણ વધારો થઈ જાય છે. લાલુ પ્રસાદ યાદવે યુવાન વયમાં એક ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી હતી. આજે તેઓ કરોડોની સંપત્તિ ધરાવે છે. એમણે રાજકારણ સિવાય બીજો કોઈ જ પ્રોફિટનો ધંધો નથી કર્યો.

સમસ્યા એ છે કે મોટા ભાગના લોકો રાજકારણમાં પૈસા કમાવા માટે પ્રવેશે છે, છતાં એ જાહેર નથી કરી શકાતું. એક મુખવટો પહેરવો પડે છે લોકસેવાનો.

એવું નથી કે રાજકારણમાં પ્રવેશતી દરેક વ્યક્તિ પૈસા કમાવા માટે જ આવે છે. આજે પણ દેશમાં એવા અનેક નેતા છે, જેઓ ભ્રષ્ટ નથી, જેમને રાજકારણ થકી પૈસા બનાવવામાં રસ નથી. ઇન્દિરા ગાંધી વ્યક્તિગત રીતે ભ્રષ્ટ નહોતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટ નથી. આટલાં વર્ષોથી રાજકારણમાં છે છતાં એમણે કોઈ સંપત્તિ એકઠી નથી કરી. એમનો પરિવાર હજુય પ્રમાણમાં સાદગીમાં જીવે છે. આ બહુ મોટી વાત છે.

જે નેતાઓ ભ્રષ્ટ નથી એ મોટે ભાગે કરિશ્મા ધરાવતા હોય છે. જે નેતાઓ ભ્રષ્ટ છે એ ક્યારેય લાંબો સમય લોકપ્રિયતા ટકાવી શકતા નથી. કરિશ્મા ધરાવતા નીતિવાન નેતાઓની મુખ્ય સમસ્યા એ છે કે તેઓ પોતાની મેળે, એકલે હાથે શાસન ચલાવી શકતા નથી. વહીવટ ચલાવવા એમને એક આખા તંત્રની જરૂર પડે છે. અહીં જ એમની આસપાસ ભ્રષ્ટ રાજકારણીઓનું એક ઝુંડ ઘૂમરાવા માંડે છે. આથી નીતિવાન નેતા ઇચ્છે તો પણ ક્લીન રહી શકતા નથી. આવા નેતાઓની બીજી તકલીફ એ હોય છે કે ભૌતિક સંપત્તિ ઊભી કરવામાં ભલે એમને રસ ન હોય, પરંતુ સત્તા પર ટકી રહેવાની મહત્ત્વાકાંક્ષા એમની મુખ્ય નબળાઇ હોય છે. આ જ કારણસર આવા નેતાઓ પોતાની આસપાસના ભ્રષ્ટ ઝુંડના ગુલામ બની જાય છે. આ રીતે એક વાત નક્કી છે કે એકલદોકલ નીતિવાન નેતાને લીધે સ્વચ્છ રાજકારણ અસ્તિત્વમાં આવી શકતું નથી. 

આપણી સંસદીય લોકશાહીમાં રાજકીય પક્ષો મહત્વના છે અને રાજકીય પક્ષોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક બીજો દંભ જરૂરી બની જાય છે. રાજકીય પક્ષોએ પણ લોકસેવા કરવા માટે મોટી મોટી વાત કરવી પડે છે, કોઈ વિચારધારા અપનાવવી પડે છે અને ચૂંટણીઢંઢેરા તૈયાર કરવા પડે છે. અલબત્ત, રાજકીય પક્ષો પણ ઘોષણા તો લોકસેવાની જ કરે છે, પરંતુ સાથોસાથ કોઈ વિચારસરણીનો આધાર લેવાનું કે એને આગળ કરવાનું પણ એમના માટે જરૂરી છે. કોઈ ડાબેરી વિચારસરણી ધરાવે છે અને સામ્યવાદને આગળ કરે છે તો કોઈ સમાજવાદી મૂલ્યોના રક્ષક બને છે. જમણેરી વિચારધારાવાળા મૂડીવાદી અને ઓપન માર્કેટની નીતિની હિમાયત કરે છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી સંઘ પરિવારની હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાની બોલબાલા છે. દરેક પક્ષ પોતપોતાની વિચારધારાને આગળ કરીને લોકોને સુખી બનાવવાના વચનો આપે છે. 

મૂળ સમસ્યા એ છે કે કોઈ વિચારધારાથી લોકો સુખી નથી બનતા, કારણ કે વિચારધારા ફકત થિયરીમાં હોય છે. પ્રૅક્ટિકલ વહીવટ અલગ જ વાત છે. આથી તો દુનિયાના કોઈ દેશમાં કોઈ વિચારધારાથી લોકો સુખી નથી થયા. હા, વિચારધારા મોટા પરિવર્તન લાવી શકે છે, પરંતુ પ્રજાની સુખાકારીની ચાવી એમાં ક્યારેય નથી મળી. દરેક વિચારધારા ધરાવતા શાસકોને રાજ કરવાનો મોકો મળ્યો છે. રશિયામાં ડાબેરીઓની એકહથ્થુ સત્તા હતી, છતાં સામ્યવાદ લાંબું ન ટક્યો. એનાથી લોકો સુખી ન થયા. ચીનમાં પણ સામ્યવાદની પીછેહઠ થઈ રહી હોવાનું કહેવાય છે. ભારતમાં જવાહરલાલ નેહરુએ પહેલા સમાજવાદને આગળ કરીને ઉદારમતવાદનો પાયો નાંખ્યો અને દેશ માટે વિકાસનો માર્ગ ખુલ્લો થયો પણ ખરો. છતાં એમના પછીના સમયમાં કોંગ્રેસ પાસે કોઈ ખાસ નીતિ કે વિચારધારા ન રહી. છેલ્લા કેટલાક દાયકાઓથી કોંગ્રેસ ફક્ત કોમવાદ સામે લડવાની નીતિ પર આધાર રાખી રહી છે. બીજી તરફ બીજેપીમાં પણ કન્ફયુઝન છે. બીજેપી ચૂંટણી લડવા માટે વિકાસના સૂત્ર આપે છે અને એની સાથે સંકળાયેલી સંસ્થાઓ હિન્દુ રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ કરવાની કોશિશ કરતી રહે છે. એક તરફ આરએસએસના નેતાઓ ગૌરક્ષકનો જય જયકાર કરે છે અને બીજી તરફ વડાપ્રધાન ગૌરક્ષકોની જાહેરમાં ટીકા કરે છે. કરિશ્મા ધરાવતા નેતાઓની આસપાસ જેમ ભ્રષ્ટ નેતાઓનું ઝુંડ એકઠું થાય એમ જુસ્સાદાર વિચારધારાને કારણે સત્તા પર આવેલા પક્ષના નેતાની આસપાસ એ વિચારધારામાં માનતા કટ્ટરવાદીઓનું ઝુંડ એકઠું થાય. આથી જ હિન્દુ રાષ્ટ્રવાદના જુસ્સાભેર પ્રચારને લીધે સત્તા પર આવેલી બીજેપી સરકાર કે એના નેતા પોતે ઇચ્છે એ નથી કરી શકતા. આથી બીજી એ વાત સ્થાપિત થાય છે કે કોઈ પણ પ્રકારની વિચારધારાથી સુશાસન થઈ નથી શકતું.

આટલાં અનુભવો પરથી આપણે એટલું તો જાણી ચૂક્યા છીએ કે કોઈ કરિશ્માધારી નેતા કે કોઈ નિશ્ચિત વિચારધારા પર આધારિત વહીવટ લોકોને સુખી કરવામાં સફળ નથી થતો. એમની સમસ્યાઓ હલ કરવામાં પણ એ નિષ્ફળ જાય છે. તો પછી ઇલાજ શો છે? 

બસ અહીં જ પેલી વાત ફરી યાદ કરીએ. શાસન કે વહીવટને લોકસેવાના દંભમાંથી બહાર કાઢવાની. એને કોઈ ઉદ્ધત વિચારધારા સાથે સાંકળીને વાતને વધુ ગૂંચવવાનું બંધ થવું જોઈએ. વહીવટ કે શાસનને એક વ્યવસાય ગણવું જોઈએ. રાજ્યનું કે દેશનું શાસન ચલાવવું એ બહુ મોટી જવાબદારીનું અને સ્કીલ માંગી લેતું કામ છે. ફક્ત લોકસેવાના વચનો આપીને ચૂંટણી જીતી આવતા નેતાઓનું એ કામ નથી. એ માટે પ્રોફેશનલ માણસો જોઈએ અને એમનામાં પ્રોફેશનલ અભિગમ હોવો જોઈએ. રાજકારણમાં સેવાની ભાવના ધરાવતા કે એવો દંભ ધરાવતા નબળા નેતાઓ કરતાં બિઝનેસ અને મૅનેજમેન્ટની કાબેલિયત ધરાવતા માણસોની વધુ જરૂર છે. કોઈ પણ એક મંત્રાલય એક બાહોશ પ્રોફેશનલને આપો. એને જબરજસ્ત પગાર આપો અને પછી એની પાસે ટાઇમબાઉન્ડ, લક્ષ્યાંક ધરાવતા કામો કરાવો. કામ કેમ ન થાય? જો આની શરૂઆત થાય તો પછી ધીમે ધીમે આવા વ્યવસાયિકો જ રાજકારણમાં આવશે અને સફળ થશે.

આથી હું ફરી રિપિટ કરું છું કે રાજકારણને સાચા અર્થમાં એક વ્યવસાય સમજવાની જરૂર છે અને એ માટે ટોચના વ્યાવસાયિકોને શાસન તથા વહીવટનું કામ સોંપવાની જરૂર છે. હું સચિવોની વાત નથી કરતો, નેતાઓની વાત કરું છું. નેતા પોતે જ પ્રોફેશનલ હોવો જોઈએ. જો રાજકારણીએ એક વ્યાવસાયિક તરીકે લોકોને પોતાના કામનો હિસાબ આપવાનો હશે તો એ જરૂર પરફોર્મ કરશે. આખરે તો લોકોની સમસ્યાઓ દૂર થાય, એમને વધુ સુવિધાઓ મળે એ જ સાચી લોકસેવા છે. પક્ષની નીતિઓ અને નક્કામી વિચારધારાઓ બાજુ પર પડી રહેશે. રાજકારણની ગંદકી અને શાસકોની અક્ષમતા દૂર કરવાનો આ જ સાચો ઇલાજ છે. સેવાનો દંભ બંધ કરો. કામની વાત કરો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.