હમ બેવફા નહીં, બદલચલન ભી નહીં હૈ, શર્માજી
વર્ષો પહેલા ઝંખના દેસાઇ નામના એક જાજરમાન અભિનેત્રી મુંબઇની રંગભૂમિના નંબર વન એક્ટ્રેસ હતા. નાટકમાં એમનું નામ હોય એટલે એ નાટકના શો એડવાન્સમાં હાઉસફુલ થઇ જતા. 'આજે ધંધો બંધ છે' નાટકમાં એમની સામે ત્યારના પ્રમાણમાં નવા એવા પરેશ રાવળ હતા અને એ નાટક જબરજસ્ત રીતે સફળ થયું હતું. ઝંખના દેસાઇની ઇમેજ એક બોલ્ડ અને બિનધાસ્ત સ્ત્રી તરીકેને હતી અને પોતાના જીવનના પાછળના ભાગમાં તેઓ ઘણી જ હતાશા અનુભવતા હતા. હતાશાને કારણે એ શરાબની લતે ચડી ગયા હતા. પોતાના પૈસે એ પુરુષમિત્રોને શરાબ પીવરાવતા અને મોડે સુધી દારુના બારમાં બેઠા રહેતા.
એ સમયે 'સ્ટારડસ્ટ' ગુજરાતી માટે મેં ઝંખના દેસાઇનો ઇન્ટરવ્યુ કર્યો હતો, કારણ કે એ મેગેઝિનને ફક્ત સનસનાટીભર્યા રિપોર્ટ્સ અને ઇન્ટરવ્યુઝ કરવામાં જ રસ હતો. આવી બોલ્ડ ઇમેજ ધરાતવા ઝંખના દેસાઇ અંગત રીતે મને બહુ જ ભલા અને નિખાલસ લેડી લાગ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન એમણે મને એવી એવી વાત કહી, જે સ્ટારડસ્ટ જેવા તોફાની મેગેઝિનમા પણ છાપી ન શકાય. ગુજરાતી રંગભૂમિમાં સફળતા મેળવ્યા પછી કોઇ પણ એક્ટર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરે જ અને ઝંખના દેસાઇએ પણ એવો પ્રયાસ કર્યો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેના પોતાના અનુભવો જણાવતા ઝંખના દેસાઇએ મને પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં થતાં સ્ત્રીઓના શોષણની ઘણી વાતો કરી હતી. ખાસ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પંજાબી પુરુષો પ્રત્યે એમને વધુ નફરત હતી. એમના વિશે એમણે કહ્યું હતું કે આ લોકો એટલા બેશરમ છે કે કામ વિશેની વાત થાય એ પહેલા સીધુ જ કહી દે કે 'સોના પડેગા.'
ઝંખના દેસાઇને યાદ કરવાનું કારણ એ કે આજે કંગના રણૌત નામની એક બોલ્ડ અભિનેત્રી ફરીવાર ચર્ચામાં છે. ફરક એ છે કે ઝંખના દેસાઇ અને એમના જેવી બીજી અનેક અભિનેત્રીઓ હારીને અંધારામાં ધકેલાઇ ગઇ, જ્યારે કંગના ટકી રહી છે, લડત આપી રહી છે અને ઇન્ડસ્ટ્રી પર પોતાની મરજી ચલાવી રહી છે. કંગનાની લેટેસ્ટ ફિલ્મ 'સિમરન'ના વખાણ થઇ રહ્યા છે, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા એના અને રિતિક રોશન વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો વિવાદ છેડાયો હતો. કંગનાના ટીકાકારો ત્યારે એવી વાત કરતાં હતા કે ફિલ્મ રિલીઝ થવાની છે એટલે કંગનાએ આવો વિવાદ જાણી જોઇને છેડ્યો.
હવે આ વિવાદ અને ફિલ્મની રીલિઝ વચ્ચેનો સંબંધ સમજાય એવો નથી. એવા ઘણા કિસ્સા બન્યા છે, જેમાં ફિલ્મ સ્ટાર્સની નવી ફિલ્મ રિલીઝ થતી હોય એ પહેલા તેઓ મોટા વિવાદમાં ફસાય અને ફિલ્મ રીલિઝ થઇ જાય એ પછી વિવાદ શાંત પડી જાય. વિવાદને ફિલ્મની સફળતા નિષ્ફળતા સાથે શી નિસ્બત ? કોઇ મોટું સારું કામ કર્યા પછી સરકાર ચૂંટણીઓ યોજે એ સમજી શકાય, કે લોકોની વાહ વાહ મતોમાં રૂપાંતરીત થાય, પણ ફિલ્મ સ્ટાર્સના અંગત જીવનના વિવાદોનું બોક્સ ઓફિસની સફળતામાં રૂપાંતર થાય એ માની ન શકાય.
કંગનાની ફિલ્મ સિમરનની રીલિઝ પહેલા થયેલા વિવાદ માટે પણ લોકો આવું કારણ આપી રહ્યા છે, પરંતુ રિતિક રોશન સાથેનો વિવાદ એ કંગના માટે કોઇ વિજય કે ખુશાલીને હોય એવું નથી લાગતું. જમાનો ભલે ગમે એટલો આગળ નીકળ્યો, છતાં પરીણીત પુરુષ સાથેના અફેરની કબૂલાત કરવી એ કોઇ પણ સ્ત્રી માટે ખુશાલીની વાત ન હોઇ શકે. રિતિક સાથેના પ્રકરણમાં તો ફક્ત અફેર જ નહીં, બીજી ઘણી વાતો સંકળાયેલી છે. જેમ કે રિતિકે કંગનાને જે રીતે હેરાન કરી હતી, એનું ઇમેઇલ એકાઉન્ટ હેક કરાવ્યું, ધમકીઓ આપી વગેરે. આ બાબતે કંગનાએ રિતિકના પપ્પા રાકેશ રોશનને ફરિયાદ પણ કરી હતી. આ બધા આક્ષેપોમાંની અડધી વાત પણ સાચી હોય તો પણ આપણે કંગનાના પક્ષમાં છીએ. 'યુઝ એન્ડ થ્રો' ના અનુભવ કંગનાને ફક્ત રિતિક સાથે જ નથી થયા. આદિત્ય પંચોલી અને શેખર સુમનના પુત્ર અધ્યયન સાથે પણ થયા છે.
જોકે કંગના સામી પડીને જે રીતે પોતાની કરીઅર તેમ જ અંગત જીવનને સંભાળી રહી છે એ માટે આપણને એના પર માન થાય. બાકી આ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ સાથે જે વહેવાર થતો આવ્યો છે એમાં એક જૂનવાણી, પુરુષ પ્રધાન સમાજનું આખેઆખું પ્રતિબિંબ જોવા મળે છે.
ધ ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂર પોતાની ફિલ્મની હીરોઇનોને પોતાની જાગીર સમજતા, પરંતુ પોતાના પરિવારની સ્ત્રીઓને પવિત્ર ગાય ગણતા. એમના નસીબ એટલા સારા કે આજે એમના પરિવારની સ્ત્રીઓ કેવી છૂટથી વર્તી રહી છે એ જોવા તેઓ જીવિત નથી. ધર્મેન્દ્ર નામના લબાડ અભિનેતાએ ક્યારે પોતાની ઇમેજ 'ગરમ ધરમ' તરીકેની બનાવી લીધી એની કોઇને ખબર નથી, પરંતુ એ ઇમેજના આધારે એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક સ્ત્રીઓના જીવન સાથે રમત કરી. મીના કુમારી જેવી દંતકથા સમાન હીરોઇન ધર્મેન્દ્રના અંગત દુરાગ્રહોને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ફેંકાઇ ગઇ, દારૂની લતે ચડી ગઇ અને એનું જીવન બરબાદ થઇ ગયું. હેમા માલિની જેવી એ સમયની ટોચની હીરોઇન ધર્મેન્દ્રના કારણે પોતાનો સ્વતંત્ર સંસાર ન વસાવી શકી. બે દીકરીઓ સાથે એકલી રહીને સમાજને ટક્કર આપવાની જવાબદારી હેમા માલિની પોતે જ ઊઠાવતી રહી. બીજી તરફ પોતાની ફિલ્મના પ્રમોશન માટે ધર્મેન્દ્ર પોતાના બંને પુત્રો સાથે ટીવી પર આવીને ગૌરવભેર ખાનદાની સંસ્કારનો રૂઆબ જમાવતો રહે છે. શમ્મી કપૂરની કરીઅર ટોચ પર હતી ત્યારે એની દરેક ફિલ્મની હીરોઇન એનો શિકાર બનતી હોવાનું કહેવાય છે. આવા તો બીજા ઘણા કિસ્સા છે અને ઘણી દાસ્તાનો છે. કહેવાનો મતલબ એ છે કે ઝંખના દેસાઇ જે કલ્ચરની વાત કરતાં હતા એમાં જરાય અતિશયોક્તિ નહોતી.
આજે દહેજ સહિતની અનેક સમસ્યાઓ સંબંધે સ્ત્રીને ફેવર કરે એવા કાયદા ઘણા છે, છતાં આ કાયદાથી પણ ઉપરની એક વાસ્તવિકતા પૈસા અને પાવરની છે. કંગના રણૌત જે સંઘર્ષ કરીને ટકી રહી છે અથવા સફળ થઇ છે એ આવા અવરોધોને પાર કરીને થઇ છે એ માટે એની હીંમતને દાદ આપવી પડે. આમ છતાં, પૈસા અને પાવર પોતાનું કામ કરતાં જ રહે છે. કંગનાને કારણે રિતિક રોશન તથા એના પરિવારની બદનામી થઇ રહી છે એ એમનાથી સહન નહીં જ થતું હોય. કંગનાને બદનામ કરવા માટે પણ મિડિયામાં ઘણા રિપોર્ટ્સ વહેતા કરવામાં આવે છે. કેટલાક તો એવું લખે છે કે પરીણીત પુરુષ સાથે અફેર કરનાર કંગનાને એ વિશે ફરિયાદ કરવાનો અધિકાર નથી. બીજા કેટલાક ફિલ્મની રીલિઝ માટે વિવાદ ઊભો કર્યો હોવાનો આરોપ કરે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોકે સફળતા જેવું કોઇ મારણ નથી. ક્વીન અને તનુ વેડ્સ મનુ રિટર્નની સફળતા પછી કંગનાએ પોતાની ફીમાં પણ જબ્બર વધારો કર્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં અભિનેતાને અભિનેત્રી કરતાં વધુ પૈસા આપવાનો રિવાજ છે. આથી દિપીકા પદૂકોણ કરતાં શાહીદ કપૂરને વધુ પ્રાઇસ મળે છે. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં એવો દાવો કર્યો છે કે રણવીર સિંહ અને રણબીર કપૂરને જે પ્રાઇસ મળે છે એની એંશી ટકા જેટલી એની પોતાની પ્રાઇસ છે. બોલીવૂડની એક એક્ટ્રેસ માટે આ પ્રાઇસ અધધ ગણાય.
આપણા હ્રદયમાં સકારણ અથવા વિના કારણ કંગના રણૌત માટે સહાનુભૂતિના ફૂવારા ઊઠી રહ્યા છે અને એની નવી ફિલ્મ સિમરન ખૂબ સફળ થાય મનમાં ઇચ્છા જાગે છે, કારણ કે જો કંગના વધુ સફળ થશે તો એ વધુ તાકાતથી બાયલા તત્ત્વો સામે લડી શકશે અને હા, પોતાની મરજીથી અફેર કે બ્રેક અપ કરતી રહેશે. ક્વીન ફિલ્મમાં કંગનાનો એક જબરો ડાયલોગ છેઃ 'મેરી સેન્સ ઓફ હ્યુમર બહુત અચ્છી હૈ. આપ કો ધીરે ધીરે પતા ચલેગા.'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર