જયલલિતાઃ નેતા હો તો કૈસા હો?
તામીલનાડુના અત્યંત લોકપ્રિય નેતા જયલલિતાનો દેહવિલય થયો ત્યારે પણ લોકોએ એમને અંજલિ આપી. એમના રાજ્યમાં તો એમના ચાહકોએ લાગણીશીલ બનીને રૂદન કર્યા અને દુઃખના આલાપ કર્યા. ખરેખર લાગે કે જયલલિતાના જવાથી આ પ્રજાને બહુ જ દુઃખ અને આઘાત લાગ્યા હોય એવું લાગ્યું.
એક રાજનેતા માટે આ ખરેખર મોટી સિદ્ધિ ગણાય. આમ તો આપણે મોટા ભાગના રાજકારણીઓ પરત્વે માન નથી ધરાવતા હોતા. છતાં લોકશાહી છે અને ચૂંટણીઓ આવે ત્યારે મતદાન કરીએ છીએ અને આપણા નેતાને ચૂંટીએ છીએ. ચૂંટણીઓ પૂરી થાય એ પછી આપણે નેતાઓ પાસે ખાસ કોઇ અપેક્ષા રાખવાનું પણ બંધ કર્યું છે. રાષ્ટ્રને સ્પર્શતા મોટા પ્રશ્નો બાબતે ચર્ચા કરીએ તો ક્યારેક આપણો અભિપ્રાય વ્યક્ત કરીએ. એકંદરે રાજકારણ તથા રાજકીય નેતાઓ અને પ્રજા વચ્ચેનું અંતર બહુ વધી ગયું છે. કોઇ રાજકીય નેતાના ભાષણો આપણને મોટિવેટ નથી કરતા કે ન એમાં આપણને કોઇ રસ પડતો હોય છે.
તામીલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાની વાત જરા અલગ છે. આમ તો દેશના સરેરાશ રાજકારણી કે નેતા કરતાં જયલલિતા બહુ જુદા પડતા નહોતા, પરંતુ એક નેતા તરીકે એમણે એક નવી પહેલ કરી એની નોંધ અવશ્ય લેવી જોઇએ. હકીકતમાં અન્ય રાજનેતાઓએ જલલલિતા પાસેથી કંઇક શીખવાનું છે. નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીઓમાં 'ગુજરાત મોડેલ'નું સારું માર્કેટિંગ કર્યું, પરંતુ હજુ સુધી કોઇને ખબર નથી પડી કે ગુજરાત મોડેલ એટલે શું. બીજી તરફ જયલલિતાએ જે તામીલનાડુ મોડેલ ઊભું કર્યું છે એ ખરેખર અનુકરણ કરવા જેવું છે. શું કર્યું છે જયલલિતાએ તામીલનાડુમાં?
સૌથી પહેલા તો જયલલિતા સામેના ભ્રષ્ટાચારના આરોપોની નોંધ લેવી પડે અને એ સ્વીકારવું પણ પડે કે ભારતમાં કોઇ જ રાજકારણી ભ્રષ્ટાચારથી મુક્ત નથી. ભ્રષ્ટાચાર માટે કોઇ પકડાયા છે તો કોઇ નથી પકડાતા. લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીઓ ભ્રષ્ટ આચરણ વિના ન લડી શકાય એ વાત સૌ સ્વીકાર છે. સૈદ્ધાંતિક રીતે આપણે જયલલિતા સામેના ભ્રષ્ટાચારના આરોપો તથા એમની સામે થયેલી કોર્ટ કાર્યવાહીની અવગણના ન કરી શકીએ, પરંતુ અહીં મુદ્દો અલગ છે. રાજ્યના મુખ્ય પ્રધાનપદ પર રહીને એમણે જે સારું કર્યું અથવા જે અલગ કર્યું એની વિશેષ નોંધ લેવાનો પ્રયાસ છે, કારણ કે જયલલિતાની કાર્યશૈલી રાજનેતાઓને એક દિશા આપી શકે એમ છે.
કોઇ પણ રાજનેતા ચૂંટણી વખતે તેમ જ ચૂંટણી પછી જનકલ્યાણની જ વાતો કરતા હોય છે. લોકોની સેવા કરવા માટે જ પોતે જન્મ લીધો છે એવા દાવા નેતાઓ છાશવારે કરતા હોય છે, પરંતુ ખરેખર નેતાઓ લોકોના હીતોને ધ્યાનમાં રાખીને કેટલા કામો કરતા હોય છે?
નેતા અને સરકારનું કામ લોકોની સેવા કરવાનું અને એમના લાભાર્થે સરકારી ભંડોળનો ખર્ચ કરવાનું છે એ વાતે કોઇ વિવાદ નથી. પ્રશ્ન એ જ રહે છે કે કેટલાક પૈસા ખરેખર પ્રજાના લાભાર્થે ખર્ચાય છે અને કઇ રીતે એ ખર્ચાય છે. પ્રજા પાસેથી પૈસા ઉઘરાવવા માટે સરકાર દ્વારા જેમ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ નાખવામાં આવે છે એમ પ્રજાની સેવા કરવાની પણ બે રીત છેઃ એક ડાયરેક્ટ અને બીજી ઇનડાયરેક્ટ.
આપણા મોટા ભાગના નેતાઓ જનકલ્યાણના કામો ઇનડાયરેક્ટ રીતે કરવામાં માને છે. જેમ કે કોઇ મોટી સમસ્યા હોય તો એના હલરૂપે કોઇ સમિતિની રચના કરવામા આવે, જે સમસ્યાનો અભ્યાસ કરે અને પછી ઉપાયો બતાવે. ત્યાર બાદ એ ઉપાયોની છણાવટ થાય, પુનઃવિચારણા થાય અને એ દિશામાં કોઇ પગલાં લેવાનું નક્કી થાય. પરંતુ આટલે સુધી પહોંચતા પહોંચતા અડધું ભંડોળ વપરાઇ ગયું હોય. ત્યાર પછી પણ ભલામણોના આધારે જે સ્કીમો જાહેર થાય તેમ જ એનો જે રીતે અમલ થાય એમાં કોઇનું ભલું ન થાય. આ આપણા નેતાઓની એક ટિપિકલ સ્ટાઇલ છે. ગરીબો અને જરૂરતમંદોને મદદરૂપ થવાની વાતો બહુ થાય, પણ હકીકતમાં પરીણામ ઝીરો.
સમસ્યાઓના નિવારણ ઉપરાંત સરકારે વિકાસના કાર્યો પણ કરવાના હોય છે, પરંતુ વિકાસના જે કાર્યો હાથ ધરાય અને એની ફળશ્રુતિરૂપિ પ્રજાના કયા વર્ગને કેટલો લાભ થશે એ વાતનો કોઇ હિસાબ કિતાબ નથી હોતો. અર્થતંત્રને લગતું કોઇ મોટું પગલું ભરીને જીડીપી વધારવાની કોશિશ કરવામાં આવે અને ગરીબ વર્ગને એવું સમજાવવામાં આવે કે આનાથી ભવિષ્યમાં દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે, જેના લાભ સમગ્ર દેશને મળશે તો શું થાય? ગરીબ વર્ગને એમાં જરાય રસ ન પડે. અવકાશમાં મંગળયાન છોડીને દેશ ભલે વિજ્ઞાનની સિદ્ધિ બાબતે ગૌરવ અનુભવે, પરંતુ એનાથી ગરીબવર્ગને કોઇ રાહત મળતી નથી.
કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા હાથ ધરવામાં આવતી અનેક યોજનાઓ આવી ઇનડાયરેક્ટ પ્રકારની હોય છે, જેમાં ખરું જનકલ્યાણ જોજનો દૂર રહે છે અને ફક્ત આંકડાની માયાજાળથી પ્રજાને ફોસલાવવાની કોશિશ થાય છે. આવી બિનઅસરકારક રીતની સામે જયલલિતાએ જનકલ્યાણના કામો એકદમ ડાયરેક્ટ પદ્ધતિથી હાથ ધર્યા. આ એમની સૌથી મોટી આવડત અને સૌથી મોટી સિદ્ધિ.
કેટલાક નમૂનાઃ રાજ્યમાં છોકરા સામે છોકરીઓના જન્મનું પ્રમાણ ઓછું હોવાથી 'ક્રેડલ બેબી' યોજના શરૂ કરવામાં આવી, જેના પરિણામે સ્ત્રીભૃણ હત્યાનું પ્રમાણ સાવ ઘટી ગયું એટલું જ નહીં, દીકરીના જન્મ વિશેની માબાપોની માન્યતા પણ બદલાઇ ગઇ. સ્ત્રીઓને પોલીસ સ્ટેશનમાં કોઇ ફરિયાદ નોંધાવવામાં કોઇ તકલીફ ન પડે એ માટે જયલલિતાએ ફક્ત મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. આજે દેશમાં જેટલા ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશનો છે, એમાંના 40 ટકા તામીલનાડુમાં છે. રેઇનવોટર હાર્વેસ્ટિંગને સૌથી પહેલા જયલલિતાએ અમલી બનાવ્યું. જયલલિતાની સૌથી વધુ ડાયરેક્ટ જનકલ્યાણની સ્કીમોમાં ગરીબ વર્ગને સાવ મફતમાં ચીજ વસ્તુઓ આપવામાં આવી. મિક્સર, ગ્રાઇન્ડર, ફેન, પશુધન, લેપટોપ વગેરે જેવી ચીજવસ્તુઓ ગરીબ લોકોને સાવ ફ્રીમાં આપવામાં આવી. જયલલિતાની એક સૌથી લોકપ્રિય સ્કીમ અમ્મા કેન્ટીનો શરૂ કરવાની હતી. શહેરી વિસ્તારના જરૂરતમંદોને સસ્તાં ભાવે ભોજન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલી આ કેન્ટીનોમાં ફક્ત એક રૂપિયામા ઇડલી અને ભાત તથા પોંગલ ફક્ત પાંચ રૂપિયાની અંદર મળે એવી જોગવાઇ કરવામાં આવી. અલબત્ત, આવી યોજનાને અમલી બનાવવા માટે સરકારે બહુ જંગી રકમ ખર્ચ કરી. એની ટીકા પણ થઇ, છતાં જે પૈસા ખર્ચાયા એ લોકોના કલ્યાણ માટે ખર્ચાયા. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે પણ સ્કીમોની પ્રસંશા કરી. જયલલિતાને પગલે બીજા રાજ્યોએ પણ આવી સ્કીમો લાગુ કરી.
જયલલિતાએ ગરીબ વર્ગ અને મધ્યમવર્ગ માટે જે સ્કીમો અમલી બનાવી એને રાજકીય પંડિતોની ભાષામાં પોપ્યુલિસ્ટ મિઝર્સ કહેવાય છે. બજેટ વખતે પ્રજાને જો સીધો લાભ મળે એવી કોઇ જોગવાઇ કરવામાં આવે તો એનું અર્થઘટન એવું કરવામાં આવે કે નાણાં પ્રધાને પોપ્યુલિસ્ટ પગલાં ભર્યા. રાજકીય પંડિતો એવું માનતા હોય છે કે બજેટમાં દૂર દૂરના વિકાસની વાત હોવી જોઇએ, જેનો પ્રજાને અત્યારે કોઇ લાભ ન થાય, પરંતુ એમનું ભવિષ્ય સુધરી જાય. આ ખરેખર એક ટ્રેજડી છે. અલબત્ત, દીર્ઘદૃષ્ટિ સાથેના વિકાસકાર્યો થવા જોઇએ, પરંતુ જેનો લાભ સીધો આપી શકાય એવા પગલાં શા માટે ન ભરવા. જેમ કે બજેટમાં નોકરિયાત વર્ગને રાહત આપવી હોય તો ઇન્કમ ટેક્સના સ્લેબ એવા ફેરફાર કરો, જેના કારણે નોકરિયાત કરવેરામાં રાહત મળે. નોકરિયાત વર્ગને આવા સીધા લાભમાં જ રસ છે. પણ જવા દો. આ સરકાર તો લોકો પાસે વધુ ટેક્સ ઉઘરાવવાના મૂડમાં છે.
ડાયરેક્ટ અને ઇનડારેક્ટ જનકલ્યાણના ફરકનું સૌથી મોટું ઉદાહરણ નોટબંધીનું છે. નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર દૂર કરવાનું કારણ આગળ ધરીને 8મી નવેમ્બરે 500 તથા 1000 રૂપિયાનો ચલણી નોટો અચાનક રદ કરી નાંખી. દેશભરના લોકો રીતસર લાઇને લાગી ગયા. ચારે તરફ અરાજકતા ફેલાઇ, નવી નોટો છાપવા માટે તથા દેશભરની બેન્કોને એ પહોંચાડવા માટે હજારો કરોડનું આંધણ થયું, અસંખ્ય માનવ કલાકોનો વેડફાટ થયો. આ બધુ શેના માટે? તો કહે એનાથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તો દેશનો વિકાસ થાય. બહુ લાંબા ગાળાની, અસ્પષ્ટ વાત છે આ. હકીકત તો એ પણ છે કે ભ્રષ્ટાચાર કોઇ કાળે નાબૂદ નથી થવાનો. તો પછી આવા હજારો કરોડ રૂપિયાનું આંધણ કરવાને બદલે એટલા પૈસામાં ડાયરેક્ટ જનકલ્યાણની કોઇ યોજના કરી હોય તો? આટલા પૈસામાં દેશના દરેક નાગરિકના ખાતાંમાં એક એક લાખ રૂપિયા તો જમા કરાવી જ શકાયા હોત. ડાયરેક્ટ લાભ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જયલલિતા પાસેથી આ વાત શીખવા જેવી છે. વિદેશ પ્રવાસોના લાંબા ગાળાના લાભોને બાજુ પર રાખો અને ભ્રષ્ટાચાર સામેની લડત પાછળ પૈસાનો ધૂમાડો કરવાનું પડતું મૂકો. એના બદલે લોકોને સીધો લાભ થાય, ડાયરેક્ટ જનકલ્યાણ થાય એવા કામો કરો. ચીજવસ્તુઓના ભાવ ઘટે એવા પગલાં ભરો, સરકારી તંત્રો સાથે લોકો સરળતાથી કામ પાર પાડી શકે એવી વ્યવસ્થા ગોઠવો, જીવન જરૂરિયાતની ચીજોમાં સબસિડી આપો. આ બધાથી જ પ્રજાને રાહત મળશે. લોકપ્રિયતા ટકાવી રાખવાનો સૌથી સરળ માર્ગ આ જ છેઃ ડાયરેક્ટ જનકલ્યાણ. હજુ પણ સમય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર