લોન વસુલીની પણ અનેક તરકીબો ઉપલબ્ધ છે
વિજય માલ્યા અને નીરવ મોદી હજારો કરોડ રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી ગયા એ ઘટના આમ તો ઘણી દુખદ ગણાય, પરંતુ આપણે ભારતીયો આનંદપ્રિય પ્રજા છીએ એટલે એ વાતે દુઃખી થવાને બદલે એ વિશે મજાક કરીને ખુશ રહેવામાં માનીએ છીએ. આથી જ સોશિયલ સાઈટ્સ પર માલ્યા-મોદી વિશેની બેસુમાર જોક્સ અને મજાક વાંચવા મળે છે. હકીકતમાં મોટા ભાગના લોકો આ કાંડ માટે માલ્યા તથા નીરવને દોષીત નથી ગણતા. ઊલટું, તેઓ બહુ સ્માર્ટ અને ચાલાક હોય એમ એમની છૂપી પ્રસંશા થતી જોવા મળે છે. એમ તો લોકો બેંકના કારભાર અને સરકારની તપાસ એજન્સીઓની પણ મજાક જ કરે છે. કોઈને લૂંટાઈ ગયેલા રૂપિયાની પડી નથી.
આપણી આ મજાક વૃત્તિ પાછળનું એક કારણ એ છે કે સામાન્ય પ્રજા તરીકે આપણે પણ લેણાદેણીમાં આવી જ રમતો રમતાં હોઈએ છીએ. આપણે પણ અંગત ધોરણે લેવાતી અપાતી લોનની ચૂકવણીમાં આવા જ ધાંધિયાનો અનુભવ કરતાં હોઈએ છીએ. તમે કોઈને સારી ભાવનાથી પૈસા ઉધાર આપ્યા હોય એટલે કે લોન આપી હોય પછી એ પૈસા પાછા ક્યારે અને કેવી રીતે આવ્યા એનો અનુભવ જરૂર થયો હશે. લોન લેવા માટે તો લોકો જાતજાતના નાટકો અને તરકટો કરતાં જ હોય છે, પરંતુ લોન વસુલ કરનારાની રીત રસમો પણ ગજબની હોય છે. સ્વાભાવિક છે કે દરેકને પોતાની મહેનતના પૈસા પ્યારા હોય અને કોઈ એ પૈસા ગપચાવી જાય એ પસંદ ન જ આવે. લોન આપવા પાછળનું કારણ ગમે એ હોય, પરંતુ એ પૈસા પાછાં કઢાવવા માટે સૌ કોઈ પોતપોતાની પદ્ધતિ અપનાવતા જ હોય છે. પ્રસ્તુત છે કેટલીક તરકીબો.
માણસને શરમમાં નાંખો:
તમે જેને લોન આપી હોય એ પાછી લેવા માટે તમે બે-ચાર વાર માંગણી કરો અને તમને બરોબર જવાબ ન મળે એટલે તમે સમજી જાવ કે હવે કંઈક અલગ કરવું પડશે. એ ભાઈ સીધી રીતે પૈસા આપશે નહીં. આથી તમે સૌથી પહેલો ઈલાજ એને શરમમાં નાંખવાનો અજમાવો. મિત્રો કે પરિચીતો સાથે હોય ત્યારે તમે એની પાસે લેણી રકમ માંગશો. પેલા ભાઈ તમારી સામે તો નફ્ફટ થઈ જતા હતા, પરંતુ બીજાની હાજરીમાં એણે સરખો જવાબ આપવો જ પડશે. કોઈ વાયદો કરવો પડશે, કોઈ તારીખ આપવી પડશે. તમે થોડી ચાલાકી વાપરીને ત્યાં હાજર એકાદ જણને વચ્ચે નાંખીને કહી શકો કે જૂઓ ચમનભાઈ, તમે સાક્ષી છો હં કે? વાયદાની તારીખે તમે ચમનભાઈને ફરીથી યાદ કરીને તમારો કેસ મજબૂત બનાવી શકો છો. આ રીતે લોનની રકમ પાછી આવે એવી શક્યતા થોડી વધે છે.
ધાકધમકી:
આ રીતરસમ બધે ચાલતી નથી, કારણ કે સામી વ્યક્તિ જો માથાભારે હોય તો લેવાના દેવા થઈ જાય. આમ છતાં પોતાના લેણા નીકળતા પૈસા પાછા કઢાવવા માટે લોકો થોડુંઘણું જોખમ લઈ લેતા હોય છે. લોન વસુલી માટેની ધાકધમકી બે રીતે અપાય છે. એક, દેણદાર વ્યક્તિ એકલી હોય ત્યારે તમારે તમારે બે-ચાર તગડા દોસ્તારો સાથે એની પાસે જવાનું, પૈસા માંગવાના અને ધમકી આપવાની. બીજી રીત દેણદાર વ્યક્તિ પોતાના ઘરે હોય ત્યારે એના કુટુંબીજનોની હાજરીમાં એને ધમકી આપવાની. જો તમારો રૂઆબ વખાણવાલાયક હશે અને સામેની વ્યક્તિ થોડી નબળી હશે તો આ તરકીબ કામયાબ નીવડી શકે છે.
ચીજવસ્તુઓ ઊપાડી લાવો:
લોન લેનાર વ્યક્તિ ગમે એટલી માથાંભારે હોય છતાં પોતે પૈસા ચુકવવાના છે એ વાતનો બોજ એના મન પર હોય જ છે. આથી એ એકદમ દિલ ખોલીને આક્રમક નથી બની શકતી. આથી જો તમે એકાદ વાર એના ઘરે કે એની ઓફિસે જઈને ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરો અને પછી ગુસ્સામાં જ એના ઘર કે ઓફિસની કોઈ ચીજ વસ્તુઓ ઊપાડી લાવો તો એ કંઈ બોલી નહીં શકે. જોકે આમાં તમારે જે મળે એનાથી સંતોષ માની લેવો પડે. ચીજ વસ્તુની કીંમત અને તમે આપેલી લોનની રકમ વચ્ચે કોઈ મેળ બેસાડવાની કોશિષ ન થઈ શકે. ચીજ વસ્તુઓ ઊપાડી લાવો એટલે ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ થઈ જાય. ગણતરી તમારે માંડી લેવાની.
લોન અને વ્યાજની રકમ વધારી દેવી:
સૌરાષ્ટ્રમાં ઉધારીનો મહિમા બહુ મોટો છે. ખાસ તો પાનવાળાને ત્યાં મોટા ભાગના માવા ખાનારાઓને ખાતા ચાલતાં હોય. પાનવાળાને ત્યાં ખાતું હોય એને માવો ખાનારા સ્ટેટસ સિમ્બોલ સમજતાં હોય છે. એટલું જ નહીં, માવા કે પાન ખાઈને પછી હાલતાં થવાની ક્રીયાને પણ સ્ટેટસ સિમ્બોલ ગણતા હોય છે. તેઓ ક્યારે પૂછે નહીં કે ગઈકાલના કેટલા હતા અને આજે કેટલા થયા? ટોટલ કેટલા થયા? માવો ખાનારા માવો ખાઈને જાય એ પછી પાનવાળો પોતાના મનમાં આવે એટલી રકમ માવા ખાનારાનાં ખાતામાં લખી નાંખે. હવે અહીં લેણાદેણીની બહુ મોટી કશ્મકશ હોય છે. પાનવાળો એમ વિચારે આ નવાબસાહેબ ભલે પૈસાની ચિંતા નથી કરતાં, પણ એમના પૈસા ક્યારે આવશે એનું કંઈ ટેકાણું નથી. આથી પાનવાળો સમજીને જ ખાનારાનાં ખાતાંમાં ડબલ રકમ લખતો જાય. એમ વિચારીને કે અડધા આવે તોય મારા પૈસા નીકળી જશે. સામે પક્ષે માવા ખાનારો પણ એમ વિચારતો હોય કે બેટા, લખ જેટલા લખવા હોય એટલા, ચુકવવાના તો મારે જ છે ને. આ રીતે ઉધારની એટલે કે લોનની રકમ વધારી દેવાથી મુદ્દલ પાછી આવી જવાના ચાન્સ ઉજળા થઈ જાય છે. અંગત વહેવારમાં પણ ઘણા લોકો આ ટેકનિક અજમાવીને આપેલી લોનની રકમ તથા એના પર લાગેલા વ્યાજની રકમ ખૂબ વધારી ચઢાવી દેતા હોય છે. એમ કરવાથી લોન લેનાર દલીલ કરવા લાગે છે કે ના, આટલા બધા નથી આપવાના મારે. પછી માંડવલી થાય, તો પછી કેટલા આપો છો બોલો. અને આ રીતે સેટલમેન્ટમાં પૈસા પાછા આવી જાય એવી શક્યતા વધે છે.
સહાનુભૂતિ પેદા કરવી, બીજું કંઈક માંગી લેવું:
જ્યારે લોન લેનાર વ્યક્તિ કોઈ શરમમાં ન આવે, ધાકધમકીની એને અસર ન થાય ત્યારે છેલ્લો ઉપાય એના શરણમાં ઢળી પડવાનો છે. તમારે એની પાસેથી પૈસા લેવાના છે, પણ એ મચક ન આપે એવો માથાંભારે છે, છતાં તમે છેલ્લી બાજી રમી લેવા માંગતા હોવ તો એને તમારા પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય એવું કંઈક કરો. તમે અત્યાર કેવી મોટી મુશીબતમાં છો એની સુંદર મજાની વાર્તાઓ બનાવો. એવી કહાણી એને કહો કે એનું હ્રદય પીગળી જાય. આખરે એ પણ માણસ છે. આ રીતે એ તમારા પર દયા ખાઈને તમારી લેણી રકમનો એક નાનો ભાગ તમને પાછો આપી શકે છે. આ સ્થિતિમાં તમે બીજી ટ્રીક અપનાવીને એની પાસે પડી હોય એવી બીજી કોઈ ચીજ માંગી શકો. દા. ત. એને કપડાંની દુકાન હોય તો તમે કહી શકો કે મારા ઘરે પ્રસંગ આવે છે અને મારી પાસે બિલકુલ પૈસા નથી. તો મારા કુટુંબીજનોના લગ્નના કપડાં મફતમાં આપીને મને મદદ કર. એને એમ નહીં કહેવાનું કે મારે લેવાના નીકળે છે એમાંથી આપ. આ રીતે લોનની રકમમાંથી જેટલી થઈ શકે એટલી વસુલી કરી શકો.
બીજાને હવાલો આપી દો:
આ એક ખૂબ જ અસરકારક તરકીબ છે લોન વસુલીની. તમારે કોઈની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય અને એ વ્યક્તિ જો તમને પૈસા પાછા ન આપતી હોય તો એનો અર્થ એ નથી કે એ બીજા કોઈને પણ નહીં આપે. એ તમને મામુ સમજે છે એટલે તમને નથી આપતો, પરંતુ જો તમે એના કરતાં પણ વધુ માથાંભારે તત્ત્વોને વચ્ચે નાંખો તો વાત આખી બદલાઈ જાય. આમાં એવું કરવાનું હોય કે તમારા એરિયાના કોઈ મવાલી કે પઠાણને લઈને એની પાસે જવાનું. પઠાણ એ ભાઈને પૂછશે કે તારે આમને (એટલે કે તમને) પચાસ હજાર રૂપિયા આપવાના છે? દેણદાર વ્યક્તિ ના નહીં પાડી શકે. એ હા કહેશે એટલે પઠાણ એને કહેશે કે હવે તારે એ રકમ મને આપવાની છે. મેં હવાલો લીધો છે. દેણદારે સહમત થવું પડશે. આ રીતે તમે છૂટ્ટા. પછી પેલો પઠાણ તમારા દેણદાર સાથે ફોડી લેશે. આમ તમે લોનનો હવાલો આપી દીધો કહેવાય. પઠાણ લોન વસુલ કરીને પછી નક્કી થયા મુજબ પોતાનો કટ કાપી લેશે અને બાકીની મુદ્દલ તમને પાછી આપી દેશે.
હવે આ આખો મામલો વિજય માલ્યા અને નીરવ મોદીના કારણે ઊભો થયો હતો. ભારતની બેંક અને સરકારો જો આ બે ભાગેડુઓ પાસેથી લોન વસુલ કરવા માંગતી હોય તો એમની સામે કઈ રીત તરકીબ અજમાવાય? મને લાગે છે કે હવાલાવાળી તરકીબ એમના પર અજમાવી શકાય. આ બંને ફાંદેબાજો જે વિદેશમાં ભાગી ગયા છે ત્યાંની સરકારને એમની પાસેથી લેણી નીકળતી રકમનો હવાલો આપી દેવો જોઈએ. આ દેશ પાસેથી આપણે સંરક્ષણની સામગ્રી કે બીજી કોઈ મોટી ખરીદી કરીને પછી ત્યાંની સરકારને કહેવું જોઈએ કે પૈસા તમે વિજય માલ્યા તથા નીરવ મોદી પાસેથી વસુલી કરી લો. અમારે એમની પાસેથી લેવાના જ નીકળે છે. જો ત્યાંની સરકાર હવાલો લેવા સહમત થાય તો આપણા માથેથી ટેન્શન જાય. પછી માલ્યા-નીરવ અને ત્યાંની સરકાર આપસમાં ફોડી લે. કેવો સરસ આઈડીયા છે નહીં?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર