કાદવમાં ખીલેલું ગુલાબ
તમારી આસપાસ ઇતિહાસ સર્જાઇ રહ્યો હોય ત્યારે તમને એ વાતનો ખ્યાલ નથી હોતો.
-જોન ડબલ્યુ ગાર્નર
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનો જે અખતરો ચાલી રહ્યો છે એ એક ઐતિહાસિક ઘટના છે એનો ખ્યાલ આપણને અત્યારે નથી આવી રહ્યો કારણ કે આપણે એ જ સમયમાં જીવી રહ્યા છીએ, પરંતુ આ ઘટનાને જો એક અલગ દષ્ટિકોણથી જોવાની કોશિશ કરીએ તો એનું મહત્ત્વ સમજાશે. આવી અદભુત ઘટના વિશ્વમાં કોઇ સ્થળે, ક્યારેય નથી બની. એ ખરું કે આ ઇતિહાસના મુખ્ય પાત્રો કોઇ રાજા મહારાજા કે લશ્કરી અફસરો નથી. એ પણ ખરું કે તેઓ કોઇ મોટો જંગ જીત્યા છે કે એમણે નવી શોધખોળ કરી છે. ઇતિહાસના આ મુખ્ય પાત્રો તો સાવ મામૂલી લાગતા આમજનો છે અને ક્યારેક તો એ નબળા અને રમૂજી માણસોની છાપ ઉપસાવે છે. આમ છતાં દિલ્હીમાં જે કંઇ બની રહ્યું છે એ ઐતિહાસિક છે. એક રીતે નહીં, અનેક રીતે.
વિશ્વની દરેક લોકશાહીમાં રાજકારણીઓ ઓછેવત્તે અંશે ભ્રષ્ટાચારી હોય છે. ભારત એમાં અપવાદ નથી. ભારતમાં રાજકારણને એક કરિઅર, એક વ્યવસાય તરીકે જોવામાં આવે છે. રાજકારણમાં પ્રવેશનારા લોકો બે પ્રકારના હોય છે. પહેલો વર્ગ સત્તા પ્રાપ્ત કરીને સંપત્તિ એકઠી કરવાનો સ્પષ્ટ ઇરાદો રાખતો હોય છે. બીજો વર્ગ ઓલરેડી સંપત્તિ તથા સ્થાપિત હીતો ધરાવે છે. તેઓ પોતાની સંપત્તિની રક્ષા કરવા અને એને વધારવા માટે રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કરે છે. જ્યારે કોઇ નેતા એમ કહે કે હું લોકોની સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ્યો છું ત્યારે દેશનો એક પણ પુખ્ત વયનો માણસ એની વાતને ગંભીરતાથી નથી લેતો.
રાજકારણીઓ ચૂંટણી વખતે ખોટા વચનો આપે, સત્તા પર આવ્યા પછી એને ભૂલી જાય, ભ્રષ્ટાચાર કરે, પૈસા ખાય, ફરી ચૂંટણી આવે એટલે ફરી વચનો આપે. આ બધુ આપણી પ્રજાએ સ્વીકારી લીધું છે. કોઇ નેતા ભ્રષ્ટાચારી હોય એટલે એને મત ન આપવો એવી જિદ દેશના મતદારો સામાન્ય સંજોગોમાં કરતા નથી. આમ છતાં 2011ની આસપાસ કંઇક નવું બન્યું. ભ્રષ્ટાચારની અતિશયોક્તિ થઇ ગઇ એટલે દેશભરમાં લોકો ઉકળી ઉઠ્યા. ભ્રષ્ટાચાર સામે આંદોલન થયા અને આ વાતને વધુ ગંભીરતાથી લેનારા કેટલાક લોકોના એક જૂથે રાજકીય પક્ષ બનાવ્યો. એમણે પણ અન્ય રાજકારણીઓની જેમ કહ્યું કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ. પણ પારંપરીક રાજકારણીઓ અને આ નવા રાજકારણીઓમાં એક મૂળભૂત ફરક હતો. પારંપરીક રાજકારણીઓ પૈસા માટે, રાજકારણને એક વ્યવસાય સમજીને એમાં પ્રવેશ્યા છે, જ્યારે આ નવા રાજકારણીઓ ભ્રષ્ટાચાર વિના શાસન ચલાવવાના ઇરાદાથી આવ્યા છે. આ છે આમ આદમી પાર્ટીના નેતાઓની એક ઓળખ.
આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હી વિધાનસભાની 2013ની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવીને કોંગ્રેસ તથા ભાજપના મોટા ગજાના નેતાઓને પછાડ્યા એ બહુ મોટી વાત નહોતી. ત્યાર પછી એ પક્ષના નેતાઓએ ભૂલો કરી, પ્રજાની માફી માગી અને 2014ની ચૂંટણીઓમાં ફરીથી વિજય મેળવ્યો એ પણ બહુ મોટી વાત નહોતી, પરંતુ છેલ્લા લગભગ બે વર્ષથી દિલ્હીમાં જે બની રહ્યું છે એ અસાધારણ છે અને માની ન શકાય એ હદે સુખદ છે. ભ્રષ્ટાચાર કર્યા વિના સરકાર ચલાવવાનું કામ આ સરકાર ખરેખર કરી રહી છે.
આમ આદમી પાર્ટી એ પૂરવાર કરી રહી છે કે ભ્રષ્ટાચાર કર્યા વિના પ્રશાસન ચલાવી શકાય, લોકોને આપેલા વચનો પૂરા કરી શકાય, પ્રજાના હિતમાં હોય એવા કાર્યો કરી શકાય. પાણી, વીજળી, શિક્ષણ વગેરેમાં લોકોને રાહત મળે એવા પગલાં તો આ સરકારે લીધા જ છે, પ્રદુષણ જેવી સમસ્યાના હલ માટે ઓડ ઇવનની અતિ અસુવિધાભરી પહેલ કરવાનું સાહસ પણ આ સરકારે કર્યું છે. કોઇ પણ સમસ્યા બાબતે આપણા રાજકારણીઓનો સ્ટાન્ડર્ડ અભિગમ એકદમ સીધો અને સરળ હોય છે. એ સમસ્યા માટે એક મોટું ભંડોળ ફાળવવામાં આવે અને પ્રોજેક્ટ્સ કે યોજના તૈયાર થાય. પછી લાગવગવાળા લોકોને એ યોજનાનો કારભાર સોંપવામાં આવે અને એ રીતે એમને પૈસા કમાવાની તક આપવામાં આવે. થોડા સમય પછી પૈસા સાફ થઇ જાય. યોજના કાગળ પર જ રહે અને સમસ્યા ત્યાંની ત્યાં રહે અથવા વકરી જાય. પારંપરીક રાજકારણીઓની આ શૈલીથી વિરુદ્ધ જઇને દિલ્હીની સરકારે ઓડ ઇવનની યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો. આમાં અળખામણા થવાની શક્યતા છે, નિષ્ફળ જવાની દહેશત છે અને બીજી ઘણી બધી આવી મગજમારી છે. છતાં દિલ્હી સરકારે આ સાહસ કર્યું છે.
હવે સ્થાપિત હિતો સરકારને ઓડ ઇવનના મામલે નીચે પાડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ કોઇ પણ ન્યૂઝ ચેનલમાં તમે પ્રજાની પ્રતિક્રિયા જુઓ તો એ ખુશ હોય એવું તમને જણાશે. પ્રજાને કોઇ વાંધો નથી, વાંધો એવા રાજકારણીઓને છે, જેઓ સાચા માર્ગે ચાલનારા રાજકારણીઓથી ડરી રહ્યા છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને દિલ્હીની આપ સરકાર, બંને લગભગ એક જ સમયે સત્તા પર આવી. આજે કેન્દ્ર સરકારની વિશ્વસનિયતા ક્યાં છે અને દિલ્હી સરકારની સ્થિતિ ક્યાં છે? જે સત્ય છે એ ઊડીને આંખે વળગે એવું છે. કેન્દ્ર સરકાર પાસે બધી સત્તા છે અને દિલ્હી સરકાર પાસે મર્યાદિત સત્તા છે. આમ છતાં દિલ્હીની સરકાર કામ કરી રહી છે એ વાત આમ આદમી સમજે છે. જે છે એ નજર સામે છે.
હજુ ત્રણ વર્ષ બંને સત્તા પર રહેવાના છે. કેન્દ્ર સરકાર દિશા ખોઇ બેઠી હોય એવું લાગે છે અને પાંચ વર્ષના અંતે શી હાલત હશે એની કલ્પના થઇ શકે એમ નથી. બીજી તરફ જો દિલ્હી સરકાર આ જ રીતે કામ કરતી રહી તો એકદમ ટોપ ગ્રેડનું રિપોર્ટ કાર્ડ બતાવી શકશે. ભલે એણે આપેલા બધા વચનો પૂરાં નહીં થયા હોય, પણ આમ આદમી પાર્ટીના નેતાઓને કોઇ એમ નહીં કહી શકે કે તમે પ્રજાનો વિશ્વાસ તોડ્યો.
અલબત્ત, આ પક્ષની સામે કેટલીક સમસ્યાઓ જરૂર છે. હવે જોકે આ ટીમ ઘડાઇ ચૂકી છે અને કેટલીય કસોટીઓમાંથી પસાર થઇ ચૂકી છે એટલે દિલ્હીમાં વાંધો નહીં આવે. સમસ્યા ત્યારે થશે જ્યારે બીજા રાજ્યોમાં વિસ્તરણ કરવાનો સમય આવશે. લેભાગુઓ પક્ષમાં ઘુસી ન જાય એની ખાસ તકેદારી રાખવી પડે એમ છે. એક તોમર પક્ષની આબરૂના કાંકરા કરી શકે છે.
કઠિણાઇ એ છે કે પક્ષના જેટલા પ્રભાવશાળી અને બાહોશ નેતાઓ છે એ બધા દિલ્હીમાં જ છે. દિલ્હીની બહાર પગ પેસારો કરવાનું મુશ્કેલ છે. પંજાબમાંથી લોકસભા માટે ચાર સભ્યો ચૂંટાયા હતા, પણ ત્યાં લોચા થઇ ગયા. મહારાષ્ટ્રમાં પણ પીંડુ વળી ગયું છે. બીજા રાજ્યોમાં સાવ વગડો છે.
અત્યારે ભવિષ્ય અને વિસ્તરણનો વિચાર ન કરીએ તો આમ આદમી પાર્ટી માટે ભાવિ ઉજળું જણાય છે. એક પ્રયોગ તરીકે શરૂ થયેલી ઘટના ઇતિહાસ સર્જી શકે એમ છે. આમ આદમી પાર્ટીના નેતાઓને તમે મૂર્ખ કહી શકશો, કાર્ટુન કહી શકશો ક્યારેક અક્ષમ કહી શકશો, પણ એમને તમે ભ્રષ્ટ ક્યારેય નહીં કહી શકો. એમને ફસાવવાની ભલે ગમે એટલી કોશિશ થશે અને ખોટા સ્ટિંગ ઓપરેશનો પણ થશે, છતાં આ પક્ષના નેતાઓ પર એટલો તો વિશ્વાસ મૂકી જ શકાય કે તેઓ ભ્રષ્ટાચાર નહીં કરે. ભ્રષ્ટાચારમુક્ત શાસન કરવાના મુદ્દા પર ચૂંટણીઓ જીતેલો પક્ષ ખરેખર ભ્રષ્ટાચારમુક્ત શાસન આપે એવી પૂરેપૂરી શક્યતા છે.
રાજકારણી ભ્રષ્ટ ન હોય એ વાત એક કલ્પના છે. દેશના વિવિધ રાજ્યોમાં તમને એકદદોકલ પ્રામાણિક સાંસદ કે વિધાનસભ્ય મળી જશે, પરંતુ સમગ્ર પક્ષ કે સરકાર પ્રામાણીક હોય, એના શાસનમાં કોઇ ભ્રષ્ટાચાર ન હોય એવું કદાચ વિશ્વના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે. આ વાત આપણે કદાચ આજે નહીં સમજી શકીએ, ભવિષ્યમાં એની નોંધ લેવાશે. જો કોઇક કારણસર દિલ્હીની આ સરકારને ટકવા નહીં દેવાય તો એની પણ એક ઇતિહાસ તરીકે નોંધ લેવાશે.
આમ આદમી પાર્ટી એ કાદવમાં ખીલેલું એક ગુલાબ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર