સાસુમા અને વહુબેટાની પ્રેમકહાણી
સાસબહુની ટીવી સિરિયલોની ટીકા ઘણી થાય છે, પરંતુ છેવટે તો એ જ પ્રકારની કૌટુંબિક સિરિયલો નવાં નવાં સ્વરૂપમાં આવતી રહે છે. એકતા કપૂરે 'ક્યૂં કી સાસ ભી કભી બહુ થી' આ ટ્રેન્ડ શરૂ કર્યો, પરંતુ એટલું માનવું પડશે કે બદલાતા સામાજિક પ્રવાહોને ટીવી સિરિયલોમાં આવરી લેવાનું કામ પણ એકતા કપૂર કરતી રહે છે. સાસુમા પણ સુંદર અને સેક્સી હોઇ શકે એ વાત એકતા કપૂરની ટીવી સિરિયલો પહેલા કોઇ જાણતું નહોતું અને હીરોઇન કરતાં વેમ્પ વધુ ખટમીઠી હોય છે એ વાતનો અહેસાસ પણ એકતા કપૂરે જ કરાવ્યો.
આ રીતે એકતા કપૂર સૂરજ બડજાત્યા કરતાં ઘણી વધુ વાસ્તવદર્શી અને વધુ સારી સર્જક ગણાય. સૂરજ બડજાત્યા તો પોતાની ફિલ્મમાં એવા પરિવારની વાત કરે જે ભાગ્યે જ ક્યાંક અસ્તિત્વમાં હોય. મજાની વાત એ છે જે વાસ્તવિક નથી એની કલ્પના લોકોને વધુ પસંદ આવે છે અને એવાં પરિવારની ઇચ્છા કરતાં લોકો સૂરજ બડજાત્યાની ફિલ્મોને સુપર હીટ બનાવી દે છે. બડજાત્યાની ફિલ્મમાં દીકરીઓ એટલી બેવફા હોય છે કે લગ્ન કરીને તરત જ પોતાના સાસરિયાને અપનાવીને એમનામાં ઓતપ્રોત થઇ જાય છે. પોતાના પિયરને ભાગ્યે જ એ યાદ કરે અને સાસરામાં જ એનું બધુ સુખ સમાયેલું હોય એ રીતે આખો દિવસ હસતી રહે. ગુજરાતી ફિલ્મ 'સરસ્વતીચન્દ્ર' એક ગીત હતું હો મૈં તો ભૂલ ગઇ બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે. અને પછી ગીતમાં આગળ ફિલ્મની હીરોઇન પોતાના સાસરાના દરેક સભ્યના ગુણગાન ગાય છે.
ટ્રેજડી એ છે સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં જે દર્શાવવામાં આવે છે એવું વાસ્તવિક જગતમાં ભાગ્યે જ બને છે. અને શા માટે બને? વીસેક વર્ષ સુધી પોતાના માબાપ અને ભાઇબહેનો સાથે રહેલી છોકરી એક લગ્ન કરે અને અજાણ્યા ઘરમાં રહેવા જાય એટલે શું પોતાનો ભૂતકાળ સાવ ભૂલી જાય? અલબત્ત નવવધુને કોઇ પિયર ભૂલી જવાનું નથી કહેતું, પરંતુ એની પાસેથી અપેક્ષા એવી રાખવામાં આવે કે એ બધી માયામાંથી બહાર નીકળી જવાનું.
પિયરને ભૂલવાનું તો ઠીક, સાસરિયાના નવાં માણસોને અપનાવવાનું કામ વધુ કઠિન હોય છે. એક જાડી સાસુ, પોતાની દુનિયામાં મસ્ત રહેતી નણંદ કે કરિયર સેટ કરવામાં ગોથાં ખાતાં દિયરને અચાનક પોતાનાં સ્વજન કઇ રીતે ગણવા? લગ્ન પછીના શરૂઆતના સમયમાં થોડું કૃત્રિમ વહાલ અને પ્રેમભાવ હોય, પરંતુ સમય પસાર થતો જાય એમ અજાણ્યા વધુ અજાણ્યા બનતા જાય અને પોતાના મૂળ સ્વજનોની યાદ સતાવવા માંડે. આ જ વાસ્તવિકતા છે. આપણી સામાજિક વ્યવસ્થા એવી તે ગોઠવાઇ છે કે છોકરી લગ્ન કરીને સાસરામાં રહેવા જાય અને ત્યાંના સભ્યોને પોતાના બનાવે, પરંતુ એ કામ બહુ મુશ્કેલ નહીં, લગભગ અશક્ય છે. આમાં કેટલાક અપવાદો હશે, જે અમુક પરિસ્થિતિમાં શક્ય બને છે, પરંતુ મહદઅંશે લગ્નની સાથે જ છોકરી માટે સાસરા સાથેનો એક જંગ શરૂ થાય છે. એમાં મુખ્ય લડાઇ સાસુ અને વહુ વચ્ચેની હોય છે. બાકીના પાત્રો સપોર્ટિંગ રોલમાં.
જ્યારે પણ કોઇ બે દેશો વચ્ચે જંગ થાય ત્યારે મોટે ભાગે એ કોઇ પ્રદેશ પર કબજો જમાવવા માટે જંગ થતો હોય છે. સાસબહુનો જંગ પતિ નામના પ્રદેશ પર કબજો જમાવવા માટે થાય છે. વહુ માટે પતિ અને સાસુર માટે દીકરો. પરિવારમાં પુરુષની કિંમત વધુ એટલા માટે થતી હોય છે અન્ય કોઇ રીતે ભલે એ ગમે એટલે ખરાબ હોય, પરંતુ પરિવારની બાબતોમાં એ બહુ જ તટસ્થ રહેતો હોય છે. સાસુ અને વહુ બંને આ વાત જાણતી હોય છે. આથી જ પતિને તટસ્થતાના સિંહાસન પરથી ઊઠાડીને એને પોતાના પક્ષમાં લેવાના ખેલ ખેલાતા રહે છે.
સાસુવહુનો જંગ કંઇ નવો નથી. દાયકાઓથી આ ખેલ ખેલાતો આવ્યો છે. અલબત્ત, હવે એમાં ઘણો ફરક પડ્યો છે. જંગના પાત્રો એ જ છે, પરંતુ જંગનું સ્વરૂપ ઘણું જ બદલાઇ ગયું છે. અત્યારે જે પેઢી સાસુમા બની છે એમણે પોતાની સાસુ અલગ પ્રકારનો જંગ કર્યો હતો. એમનો પાલો જૂનવાણી આચારવિચારવાળી સાસુઓ સાથે પડ્યો હતો એટલે એમની સમસ્યાઓ પણ અલગ પ્રકારની હતી. એમની સાસુઓ એવું ઇચ્છતી કે વહુએ આખો દિવસ ઘરમાં કામ કરતાં રહેવાનું હોય, કોઇ પ્રકારની ફેશન ન કરવાની હોય અને બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાનું હોય.
જૂનવાણી વિચારસરણી ધરાવતી સાસુઓ સાથેના જંગમાં પત્નીને એમના પતિનો ઘણો સપોર્ટ મળતો, કારણ કે પતિ પોતે નવા વિચારો અપનાવતો થઇ ગયો હતો. આ ઉપરાંત, જૂનવાણી બંધનોને કારણે પોતાને કેવી તકલીફ પડે છે એની વાત પત્ની મરીમસાલા સાથે પતિને કહેતી એટલે એ વિશેષ સહાનુભૂતિ પામતી. બીજી તરફ પતિદેવ પોતાની માતાશ્રીથી થોડા ડરતાં અથવા એમનું માન રાખતા એટલે પત્નીની જે ફેવર કરવી હોય એ તેઓ છૂપી રીતે કરતાં. લગ્નના દશેક વર્ષ પછી સાસુ થોડા ઢીલા પડતા અને પત્નીની સત્તાનો ઉદય થતો.
હવે ઘણું જ બદલાઇ ગયું છે. હવેનો સાસુવહુનો જંગ સાવ જ અલગ પ્રકારનો છે. સૌથી પહેલું તો સાસુમા હવે જૂનવાણી વિચારોવાળી નથી રહી. એ પણ મોડર્ન છે. બીજું, પહેલાના સમયમાં ઘરકામ એ એક મોટો ઇશ્યુ હતો, હવે નથી. હવે સરેરાશ પરિવાર સદ્ધર બન્યો છે એટલે મોટા ભાગના ઘરકામ કામવાળા માણસો જ કરતાં હોય છે. એકંદર સમૃદ્ધિ વધવાને લીધે સાસુ અને વહુ બંને પાસે ફૂરસદનો સમય પુષ્કળ છે અને બંનેને ટાઇમપાસનો પ્રોબ્લેમ પણ છે. અલબત્ત, મોટા ભાગની ગૃહિણીઓ કહેશે કે ઘરમાં કેટલા કામ હોય છે એની પુરુષોને શું ખબર પડે.
સાસુએ એક વહુ તરીકે જે સહન કર્યું હતું એ તે ક્યારેય નથી ભૂલી શકતી. અલબત્ત, વેરઝેરની ભાવના ન હોય, પરંતુ આજકાલની વહુને સાવ જ જલસા એ વાત બહુ મુશ્કેલથી એના ગળે ઊતરતી હોય છે. દીકરો પોતાની બધી માંગણી પૂરી કરે છે અને પોતાને જે જોઇએ એ હાજર કરી દે છે, પરંતુ દીકરો વહુને લાડ લડાવે એ હજુય થોડું કઠે છે. દર રવિવારે મોલમાં અને મલ્ટિપ્લેક્સમાં જઇને પૈસાના ધૂમાડા કરવાનું બરોબર નથી. અલબત્ત, સાસુમાને પણ ક્યારેક સાથે લઇ જવાની ઓફર થાય છે, પણ એમાં તો જીવ વધુ બળે એવું બધુ સાસુમાએ જોવું પડે એટલે તેઓ પોતે જ સાથે જવાની ના પાડી દે છે.
ખરેખર તો સાસુ અને વહુ વચ્ચે મોટા કલહ થાય એવા મુદ્દા હવે ખાસ રહ્યા નથી એટલે છેવટે અહંના, ઇગોના પ્રશ્ને જંગ થાય છે. ઘરની નાની નાની બાબતોમાં કોનું ધાર્યું થાય એ મુદ્દો જંગ શરૂ થઇ જાય છે. બહારના લોકો સાથે સાસુમા પોતાની રીતે સંબંધો રાખવા માગે છે તો વહુની પોતાની રીત અજમાવે છે. ઘરના ઇન્ટિરિયરથી માંડીને ઘરેણાંની ખરીદીમાં સાસુમા પોતાનું ધાર્યું કરવા માગે છે, પરંતુ વહુની હોંશ કંઇક અલગ જ હોય છે. વિખવાદ તો અનેક બાબતોમાં થઇ શકે અને પછી તરત જ શરૂ થાય જિદ અને અહંનો ટકરાવ. ક્યારેક વધુ તનાવ વિના વાત પતી જાય તો ક્યારેક પતિદેવે પોતાના કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરવો પડે.
સાસુવહુના જંગનું સ્વરૂપ બદલાયું છે એમ આ જંગના સહાયક પાત્રોનું સ્વરૂપ પણ બદલાયું છે. પહેલાના સમયમાં નણંદ એક જોખમી અને માથાંભારે પાત્ર હતું. નણંદને કારણે સાસુનો પાવર વધતો અને નણંદ પોતે પણ હુકમ ચલાવતી. હવે નણંદો થોડી મોળી પડી છે અને નિરુપદ્રવી બની છે. પોતાની મમ્મી અને ભાભીની તકરારમાં એ ખાસ દખલ નથી કરતી, કારણ કે એને પોતાને પણ મમ્મી સાથે પ્રોબ્લેમ્સ છે. પોતાની રિક્વાયરમેન્ટ્સમાં પણ એને ભાભી વધુ ઉપયોગી થાય છે. દિયરોના લાડ હવે ઓછા થઇ ગયા છે. એને લાડ કરાવવાનો કોઇની પાસે સમય નથી.
સાસુવહુના જંગનું સૌથી મહત્ત્વનું પાત્ર તો પતિદેવ જ છે અને એ માણસ ઘણો સારો છે. ખાસ તો ગુજરાતી પરિવારનો પુરુષ પ્રમાણમાં ઘણો જ લિબરલ અને તટસ્થ છે. એને કોઇ તકરાર પસંદ નથી અને એ કોઇનો પક્ષ લેવામાં માનતો નથી, છતાં મા અને પત્ની પોતાની દરેક તકરાર પતિની જ કોર્ટમાં લઇ જાય છે, સુનાવણી રોજરોજ થાય છે અને એક કેસનો અંત આવે કે તરત બીજો કેસ શરૂ થાય છે. ઘરમાં શાંતિ જળવાતી હોય તો એ મા અને પત્ની બંનેની માફી માગવા એ તૈયાર થઇ જતો હોય છે. અને મોટે ભાગે જીવનભર એ જ કરતો રહે છે.
સાસુવહુ જંગનો કાયમી અંત નથી આવતો એનું કારણ એ છે કે બંનેને એકબીજા પર એટલો બધો અવિશ્વાસ છે કે જો પોતે ઢીલું મૂકશે તો સામેવાળી પાર્ટી ચડી બેસશે એવા ડરથી પણ નાનાંમોટા જંગ ચાલતા જ રહે છે. સાસુ અને વહુ બંનેની તંદુરસ્તીનું કારણ પણ કદાચ આ જંગ જ હશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર