ચાર્જરપુરાણ

21 Aug, 2017
12:01 AM

નિખિલ મહેતા

PC: gizbot.com

મોબાઇલ ફોનનું ચલણ વધવાનું શરૂ થયું ત્યારે એક જોક બહુ પ્રચલિત બની હતી. એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઘરમાંથી ભાગી જાય છે, પરંતુ અડધી રાત્રે એ પોતાના માબાપના ઘરે પાછી ફરે છે. એની માતા ગુસ્સામાં પુછે છે કે હવે શા માટે આવી છે અહીં? તો છોકરી કહે છે કે પાતળી પિનનું ચાર્જર ભૂલી ગઈ હતી એ લેવા માટે. માણસ અને મોબાઇલ બંને એકબીજા માટે બન્યા છે કે મોબાઇલ અને ચાર્જર એકબીજા માટે બન્યા છે? કે પછી માણસ, મોબાઇલ અને ચાર્જર ત્રણેય એકબીજા માટે બન્યા છે? આ ખરેખર એક અભ્યાસનો વિષય છે, પરંતુ એક હકીકત સ્વીકારવી પડે કે ચાર્જર વિના મોબાઇલ અધૂરો છે. જો આજે ગોવિંદા, કરિશ્મા કપૂર અને શક્તિ કપૂર ટાઇપની ફિલ્મો બનતી હોત તો કાદર ખાને એવો ડાયલૉગ જરૂર લખ્યો હોત કે 'અબે ઓ બિના મોબાઇલ કે ચાર્જર, તેરે કો કહીં ભી ઘુસ જાને કી આદત હૈ ક્યા? 

સ્માર્ટ ફોન વિવિધ કંપનીઓના હોય છે એટલે એમના ચાર્જર પણ અલગ અલગ પ્રકારના હોય છે. એક ફોનનું ચાર્જર બીજામાં કામ ન આવે. આમ છતાં કેટલાક મોબાઇલના ચાર્જર યુનિવર્સલ હોય છે. મોટે ભાગે તો એક જ કંપનીના વિવિધ મોડેલના ચાર્જર એકસરખાં હોય છે. એટલે આવા ચાર્જર ટ્રાન્ફરેબલ હોય છે. એકનું ચાર્જર બીજાને કામમાં આવે. આમ તો આ સુવિધા ગણાય, છતાં આ જ સુવિધા અનેક પરિવારોમાં તકરારનું કારણ બનતી હોય છે. 

તકરારનું મૂળ પરિવારના યંગસ્ટર્સ હોય છે, કારણ કે સ્માર્ટફોનના એમના ઉપયોગ કે દૂરોપયોગની કોઈ મર્યાદા જ નથી હોતી. એમને પોતાના મોબાઇલ સતત ચાર્જ કરતા રહેવું પડે છે. ફોન વાપરવાની અને એને ચાર્જ કરવાની એમની રીત પણ ભારે બેજવાબદાર અને અણઘડ હોય છે. આના કારણે એમના ફોનની સાથે આવેલું ચાર્જર થોડા જ સમયમાં બગડી જાય છે. પોતાનું ચાર્જર બગડે એટલે તરત એમની નજર પડે મમ્મી અને પપ્પાના ચાર્જર પડે. પપ્પા તો ખાસ વાંધો ન લે, પરંતુ એ આખો દિવસ ઘરમાં હોય નહીં એટલે એમનું ચાર્જર 24 કલાક ઉપલબ્ધ ન રહે. આથી છોકરાછોકરીઓ મમ્મીના ચાર્જર પર હલ્લો કરે. મમ્મીનો ફોન ચાર્જ થઈ રહ્યો હોય તો એ કાઢીને પોતાનો ફોન ચાર્જ કરવા મૂકી દે. આ જોઇને મમ્મીનું મગજ નામનું ચાર્જર બગડી જાય અને બૂમાબૂમ શરૂ થાય. યંગસ્ટર્સ પાછાં મમ્મીને સંભળાવે કે તારે કંઈ ફોનનો એટલો બધો યુઝ ન હોય. 

એ સાચું નથી. મમ્મીઓ પણ આજકાલ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતી હોય છે. પોતાના પરિવાર પછી વ્હોટ્સએપ પર એમનો એક બીજો પરિવાર હોય છે, જેના સંપર્કમાં એ સતત રહેતી હોય છે. પોતાના કઝિન્સ, ફ્રેન્ડ્સ, સગાવ્હાલા, ભાઇબહેન એ બધાના અલગ અલગ ગૃપ માટે રોજ સારો એવો સમય ફાળવવો પડે. આ માટે ફોન જોઇએ અને ચાર્જર પણ જોઇએ. આથી જ મમ્મી પોતાના ફોનના ચાર્જર બાબતે બહુ પઝેસિવ રહેતી હોય. એમને ખબર હોય છે આ છોકરી કે છોકરો જો મારું ચાર્જર વાપરવાનું શરૂ કરશે તો એ પણ બગાડી નાંખશે. ચાર્જર બાબતે ઘરમાં તકરાર થાય એટલે પપ્પા ઘણી વાર એક ચાર્જર એક્સ્ટ્રા લઈ આવે, પણ એમાંય પ્રૉબ્લેમ. ઘરમાં એક્સ્ટ્રા પડેલું ચાર્જર છોકરાછોકરી હમેશાં પોતાના ફ્રૅન્ડ્સને વાપરવા આપી દે. મમ્મી ઉઘરાણી કરે તો કહી દે આપી દેશે વાપરીને, મારી ફ્રૅન્ડ છે, કંઈ ભાગી નહીં જાય તમારું ચાર્જર લઈને. હકીકતમાં ચાર્જર ક્યારેય પાછું આવે જ નહીં.

ચાર્જર જેવી જ સમસ્યા ચાર્જિંગ પોઇન્ટ્સની છે. ઘરમાં પહેલા તો ફક્ત ટીવી, ફ્રીજ, ઇસ્ત્રી, મિક્સર વગેરેના પ્લગ્સ માટે એક બે જગ્યાએ સૉકેટ્સ રાખવામાં આવતા અને એની તરફ ક્યારેય કોઈનું ધ્યાન પણ નહોતું જતું. યંગસ્ટર્સને તો એ કઈ બલા છે એની પણ ખબર નહોતી, પરંતુ હવે ઘરમાં ચાર્જિંગ માટેના સૉકેટ્સ એ યંગસ્ટરની ફેવરિટ જગ્યા છે. મોટા ભાગના છોકરાછોકરીઓ તો ચાર્જિંગ માટેના સોક્ટ્સની આસપાસ જ અડ્ડો જમાવીને આખો દિવસ પડ્યા રહે છે. ચાર્જિંગ થતું રહે અને પોતે ફોન વાપરતા રહે. ક્યારેક તો રૂમની વચ્ચોવચ તેઓ ચાર્જિંગ સૉકેટ્સ પાસે એવા પડ્યા હોય કે ઘરમાં કોઈ મહેમાન આવે તોય ઊભા ન થાય. અને ઘરના કોઈ સભ્ય હાલતાં ચાલતાં એમને ઠેબું લગાડે તોય એમને ખબર ન પડે.

યંગસ્ટર્સમાં ફોન ચાર્જિંગ માટેની ભૂખ એવી તીવ્ર હોય છે કે દરેક પ્રકારની શરમ છૂટી જાય છે. કોઈના ઘરે મહેમાન તરીકે ગયા હોય તો યંગસ્ટર્સ ચા-પાણી કે નાસ્તાની વાત આવે ત્યારે બહુ શરમાશે અને ના ના કરશે, પરંતુ યજમાનના ઘરમાં ચાર્જિંગ સૉકેટ ક્યાં છે એ પૂછતાં એમને જરાય શરમ નહીં લાગે. વાયફાય પાસવર્ડની સાથે જ તેઓ ચાર્જિંગ સુવિધા વિશેની ઇન્ક્વાયરી કરી લેશે અને પછી તરત પોતાનામાં મસ્ત થઈ જશે. બહારગામની મુસાફરીમાં હવે અનેક રેલવે સ્ટેશનો પર તથા ટ્રેનની અંદર ચાર્જિંગ માટેના સૉકેટ્સ રાખવામાં આવે છે. અહીં પણ તમને એવી જ ભીડ જોવા મળે.

ચાર્જર અને ચાર્જિંગ બાબતમાં તમને યંગસ્ટર્સની ઘેલછા જોવા મળે તો ગૃહિણીઓની નાદાની અને મૂર્ખામી પણ ક્યારેક જોવા મળે. થોડા દિવસ પહેલા એક ઘટના બની. પત્ની રસોડામાં કામ વ્યસ્ત હતી અને એનો ફોન બહાર રૂમમાં ચાર્જ થઈ રહ્યો હતો. અચાનક એને યાદ આવ્યું એટલે એણે બૂમ પાડીને કહ્યું કે મારો ફોન ચાર્જ થઈ ગયો હશે, બંધ કરી દો. મેં તરત જ સ્વિચ ઑફ કરી દીધી. થોડી વાર પછી પત્ની બહાર આવી અને એણે જોયું  કે મેં ફક્ત સ્વિચ જ બંધ કરી હતી, સૉકેટમાંથી ચાર્જર કાઢ્યું નહોતું. મારી બેદરકારી પર ખૂબ જ ગુસ્સે થઈ જતાં પત્નીએ કહ્યું, 'એક કામ સીધુ નથી કરતાં.' મેં તો કામ બરોબર કર્યું હતું એટલે મેં દલીલ કરી, પરંતુ પછી જે ચર્ચા થઈ એમાં પત્નીનું કહેવાનું એમ હતું કે જો આપણે ફોન ચાર્જ કર્યા પછી એનું પ્લગ સૉકેટમાં ભરાવેલું રાખીએ તો ફોનમાં થયેલું ચાર્જિંગ પાછું સૉકેટની અંદર જતું રહે. મને પૂરેપૂરી ખાતરી હતી કે પત્નીની વાત વાહિયાત છે, છતાં પત્નીએ હંમેશાં મુજબ મને એવો વાંકમાં નાંખી દીધો કે મારે એની વાત સ્વીકારી લેવી પડી. સાંજે મોબાઇલ રિપેર કરતાં મારા એક મિત્રને મેં આ વિશે પૂછ્યું તો એને આઘાત લાગ્યો. મને કહે, 'તું પાગલ હૈ ક્યા? ઐસા કભી હોતા હૈ ક્યા?' મને ખૂબ શરમ આવી.

એ વાતનો મને એવો ગુસ્સો આવ્યો કે ઘરે આવ્યા પછી પત્નીએ પૂછેલા પ્રશ્નનો મેં એવો વાહિયાત જવાબ આપ્યો કે પત્ની આઘાત પામીને મારી સામે જોતી રહી. પત્નીએ મને પૂછ્યું કે મારા ફોનમાં જીયોનું સિમકાર્ડ ચાલે ખરું? મેં ગુસ્સામાં એને કહ્યું કે જીયો કંપની બંધ થઈ ગઈ, મુકેશ અંબાણી ઊઠી ગયા. શેર બજાર ક્રેશ થઈ ગયું. મોબાઇલના ચાર્જરની બાબતમાં ગૃહિણીઓ પરિવારજનો સાથે ભલે માથાકૂટ કરતી રહે, પણ પડોશીઓ સાથે ચા-ખાંડના વાટકી વહેવાર જેવો જ સંબંધ ચાર્જરની આપલેનો રાખે. હજુ પંદર મિનિટ પહેલા આપણે ચાર્જર માંગ્યું હોય અને ના પાડી દીધી હોય છતાં બાજુવાળા રસિલાબહેન ચાર્જર માંગવા આવે તો એને ના ન પાડે અને પછી એમનો બચાવ કરતાં કહેશે કે એમનું બિચારાંનું ચાર્જિંગ સાવ ઝીરો થઈ ગયું હતું.

ચાર્જર બાબતે થતી તકરારો અને લડાઇઓનું મૂળ કારણ એ છે કે ફોન ચાર્જ કરવા માટે બે ત્રણ કલાકનો સમય લાગતો હોય છે. મોબાઇલ ટેક્નોલૉજીના ક્ષેત્રે આટલી બધી પ્રગતિ થઈ છે, અતિ સ્માર્ટ કહી શકાય એવા ફોન આવ્યા છે, પરંતુ એના જીવનસાથી ચાર્જરની બનાવટના ક્ષેત્રમાં ખાસ પ્રગતિ નથી થઈ. ફક્ત એક બટન દબાવવાથી ફોન ફૂલ્લી ચાર્જ થઈ જાય એવી ટેક્નોલૉજી વિકસાવવાનું શું બહુ મુશ્કેલ હશે? મુશ્કેલ હોય તો પણ મોટી કંપનીઓના આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટે આ દિશામાં કામ કરવું જોઇએ. આખરે ટેક્નોલૉજીનો ખરો ઉપયોગ ત્યારે જ ગણાય, જ્યારે એ માનવસંબંધો સુધારવામાં મદદરૂપ બને. ફોન ચાર્જ કરવો એ કોઈ સમસ્યા જ ન રહે તો દુનિયામાં કેટલી શાંતિ ફેલાઈ જાય એ વિચારો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.