શું પદ્માવત જેવી ફિલ્મો બનવી જોઈએ?
ફિલ્મ પદ્માવત (જેનું નામ પહેલા પદ્માવતી હતું)નો વિવાદ શરૂ થયો ત્યારે જ કેટલાક ડાહ્યાં લોકોએ જાહેર કરી દીધું હતું કે હવે આ ફિલ્મ સુપર ડુપર હિટ જશે. અને ખરેખર એવું જ બન્યું. આટઆટલાં વિવાદ પછી રિલીઝ થયેલી ફિલ્મ પદ્માવતે બૉક્સ ઓફિસ પરના અનેક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. આના પરથી એક સીધુસાદુ તારણ એ નીકળે કે જો કોઈ ફિલ્મની રિલીઝ બાબતે વિવાદ ઊભો થાય તો એને મફતમાં પબ્લિસિટી મળે છે અને એના પરિણામે ફિલ્મ હિટ જાય છે. પદ્માવત ફિલ્મમાં આ ગણિત લાગુ પડે છે કે નહીં એની ખબર નથી, પરંતુ અનેક પ્રકારના વિરોધ છતાં લોકો થિયેટરમાં એ ફિલ્મ જોવા ગયા એ હકીકત છે. બૉક્સ ઓફિસના કલેક્શન્સ પરથી એ પણ સમજાય છે કે લોકોને આ ફિલ્મ પસંદ આવી છે.
પદ્માવત ફિલ્મનો વિષય બહુ જ સંવેદનશીલ હતો એ વાત પહેલેથી સૌ જાણતા હતા અને એને કારણે રાજપૂતોનું પ્રતિનિધિત્વ કરતી કરણી સેનાએ શરૂઆતથી એનો વિરોધ કર્યો. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવતી ગઈ એમ વિરોધ હિંસક બનતો ગયો અને પછી તો સુપ્રીમ કોર્ટ પણ વચ્ચે આવી અને રાજ્ય સરકારોની પણ કસોટી થઈ. આખા મામલામાં છેવટે તો સંજય લીલા ભણસાલી જ સૌથી વધુ ખુશ થયા. હવે આ પ્રકરણ લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે એની સાથે સંકળાયેલા કેટલાક વિવાદ અને મહત્ત્વના મુદ્દા સમજવા જેવા છે.
સૌથી પહેલી વાત સેન્સરબોર્ડની કરીએ. ફિલ્મોને સર્ટિફિકેટ્સ આપતું આ દેશનું એકમાત્ર તંત્ર છે અને એના દ્વારા મંજૂરી મળી જાય એ પછી ફિલ્મને કાયદેસર રીતે દેશમાં કોઈ પણ સ્થળે રિલીઝ કરવા દેવી જોઈએ. સેન્સર બોર્ડે જે કોઈ સુધારાવધારા સૂચવ્યા હોય એને ફિલ્મ નિર્માતા માન્ય રાખે એ પછી આ બાબતે કોઈ વિવાદ ન રહેવો જોઈએ. આમ છતાં, ફિલ્મથી પોતાની લાગણી દુભાઈ છે એવી દલીલ સાથે કરણી સેનાએ આ ફિલ્મ રિલીઝ કરવા સામે હિંસક વિરોધ કર્યો. અમુક રાજ્ય સરકારોએ સેફ રમવા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો, જેમાં ગુજરાત સરકારનો પણ સમાવેશ થતો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સર્વોચ્ચ અદાલતે પણ ફિલ્મને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી. આમ છતાં વિરોધ ચાલતો રહ્યો અને કેટલીક રાજ્ય સરકારોએ કરણી સેનાના હિંસક વિરોધ સામે આંખ આડા કાન કર્યા.
વહીવટી દષ્ટીએ જોઈએ તો એક વાર સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પછી એનો અમલ કરવાની એટલે કે ફિલ્મને રિલીઝ થવા દેવાની જવાબદારી રાજ્ય સરકારોની બની જાય. જેમ કોઈ વીઆઈપીની સભા વખતે સલામતીનો બંદોબસ્ત કરવામાં આવે છે એમ આ ફિલ્મની રિલીઝ માટે પણ સલામતીનો બંદોબસ્ત કરવો જોઈએ અને ફિલ્મને રિલીઝ કરવા દેવાની સુવિધા ઊભી કરવી જોઈએ. અલબત્ત, આ ફક્ત વહીવટી દૃષ્ટિકોણની વાત છે.
ફિલ્મથી કોઈ વર્ગની લાગણી દુભાતી હોય તો એ વિશે શું કરવું જોઈએ એ વિશે આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ અહીં આ મામલે ઊભી થયેલી કેટલીક નવી ગૂંચવણોનો ઉલ્લેખ પણ કરી લઈએ. ફિલ્મ જોયા પછી સ્વરા ભાસ્કર નામની એક ટેલેન્ટેડ અને કમિટેડ અભિનેત્રીએ એમ કહ્યું કે આ ફિલ્મ સ્ત્રીઓને ફક્ત વજાઈના હોવાની નિમ્ન અનુભૂતિ કરાવે છે. હવે આ વાત ફિલ્મના વિષય તથા મૂળ વિવાદથી સાવ અલગ જ પ્રકારની હતી. આ વિષે વિવાદ પણ ઘણા થયા અને એનો એક જવાબ એ છે કે આજકાલની મોટા ભાગની ફિલ્મ અને ટીવી સિરિયલો સ્ત્રીને એક કોમોડિટી તરીકે જ રજૂ કરતી હોય છે એટલે પદ્માવત ફિલ્મે કંઈ આ ક્ષેત્રે એવું મોટું યોગદાન ન આપ્યું ગણાય.
બીજું, મલેશિયાએ આ ફિલ્મ મુસ્લિમ વિરોધી હોવાના કારણસર પ્રતિબંધ મૂક્યો. ભારતના પણ અનેક ફિલ્મ વિવેચકો આ પ્રકારની ટીકા કરી. જો ફિલ્મમાં આવો જ પક્ષપાત હોય તો સંજય લીલા ભણશાલીની એવી દલીલ સાર્થક ઠરે કે ફિલ્મમાં રાજપૂતોના ગૌરવની વાતને હાઈલાઈટ કરવામાં આવી છે. ટૂંકમાં કોઈ એક વર્ગની લાગણી દુભાયાની ઘટનાથી શરૂ થયેલો આ વિવાદ કમર્સિયલ સફળતા અને અનોખાં પ્રકારના વિરોધોના મસાલાને કારણે એકદમ એબસર્ડ બની ગયો.
આ ફિલ્મ તથા એની સાથે સંકળાયેલા વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે કોઈ એક વર્ગની લાગણી દુભાય એવી ફિલ્મ બનવી જોઈએ કે નહીં. અથવા તો એની પરવાની મળવી જોઈએ કે નહીં. આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે ફિલ્મના માધ્યમને સમજી લઈએ.
જ્યારે માસ કમ્યુનિકેશનના સાધનો ખાસ વિકસ્યા નહોતા ત્યારે મનોરંજન તથા જાહેર પ્રચાર માટેનું એકમાત્ર મીડિયમ રંગમંચ હતો. નાટક દ્વારા લોકોને મનોરંજન પીરસવામાં આવતું, ઉપદેશો આપવામાં આવતા અને જાહેર ઘોષણાઓ પણ થતી. નાટક પછી ફિલ્મનું માધ્યમ વિકસ્યું, જેમાં સમય કે સ્થળનું કોઈ બંધન નહોતું. ઓડિયો વિઝ્યુઅલ સાથેનું આ મીડિયમ એટલું પાવરફુલ હતું કે લોકો એને સમાજ સુધારણા તથા ક્રાન્તિનું માધ્યમ પણ માનવા લાગ્યા. આ મીડિયમના પ્રભાવ હેઠળ દેશવિદેશમાં અનેક ફિલ્મો બની. અનેક પ્રકારની ફિલ્મો બની. જોકે ફિલ્મનાં માધ્યમનો ઉપયોગ મુખ્ય તો મનોરંજન માટે જ થતો રહ્યો છે. પછી તો ફિલ્મોની નવી નવી જોનર વિકસી. નાટ્યશાસ્ત્રના નવ રસ પ્રમાણે અલગ અલગ પ્રકારનું મનોરંજન પીરસતી ફિલ્મો બની. ઈમોશન, એક્શન, કોમેડી, હોરર વગેરે જેવી અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ફિલ્મો બની.
મનોરંજનની સાથોસાથ બીજા કેટલાક પ્રકારની ફિલ્મો પણ બની. એક શૈક્ષણિક મૂલ્ય ધરાવતી ફિલ્મો. બીજી સામાજિક કે રાજકીય વિસંગતીઓ તથા બદી પર પ્રહાર કરતી કમિટેડ ફિલ્મો અને ત્રીજી ફક્ત મીડિયમના ઊંડાણમાં જઈને એની સાથે રમત કરતી કળાત્મક ફિલ્મો. હવે આ પ્રકારની ફિલ્મો માસ એટલે કે વિશાળ જનસમુદાય માટે બનાવવામાં આવતી મનોરંજક ફિલ્મ કરતાં અલગ પ્રકારની હોય છે. શૈક્ષણિક ફિલ્મો મોટે ભાગે દસ્તાવેજી પ્રકારની હોવાથી અને એમાં મનોરંજનનું તત્વ ન હોવાને કારણે એને પૂરતું ઑડિયન્સ ક્યારેય નથી મળતું. સામાજિક રીતે કમિટેડ હોય એ પ્રકારની અર્થપૂર્ણ ફિલ્મો ક્યારેક બહુ ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફિલ્મમેકરો દ્વારા બનતી રહી છે, પરંતુ એને જોવાવાળો વર્ગ પણ મર્યાદિત છે. આવી ફિલ્મોને પણ ક્યારેય માસીસ એટલે કે મોટો જનસમુદાય જોવાનું પસંદ નથી કરતો. કળાત્મક ફિલ્મોના ત્રીજા પ્રકારમાં વાર્તા વિનાની કે વાર્તાને સાવ અલગ રીતે રજૂ કરતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ક્યારેક મીડિયમ સાથે તો ક્યારેક ફિલ્મની ટ્રીટમેન્ટમાં પ્રયોગાત્મકતા ધરાવતી આવી ફિલ્મોને જોવાવાળો વર્ગ પણ બહુ જ મર્યાદિત હોય છે, પરંતુ આવી ફિલ્મોને જોનાર તથા એની પ્રશંસા કરનાર એક ખાસ એલાઈટ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. એલાઈટ ક્લાસના આ લોકોને જાણે મનોરંજન સાથે દુશ્મની હોય એમ મનોરંજનને તેઓ નીચલી કક્ષાનું ગણવા લાગ્યા. એકંદરે આવા વર્ગે પોતાનો અલગ ક્લાસ ચોકો બનાવ્યો અને તેઓ પોતાને જ સુપિરિયર માનવા લાગ્યા. મજાની વાત એ છે કે આ વર્ગને એક ભદ્ર પ્રકારની ઇમેજ પણ મળી ગઈ.
હવે માસીસ માટે મનોરંજક ફિલ્મો બનાવનારાને પણ ક્યારેક કળાનો ચસકો લાગ્યો. આથી મેઈનસ્ટ્રીમ ફિલ્મો બનાવનારા સર્જકોએ પણ મનોરંજનના હેતુથી બનાવવામાં આવતી ફિલ્મોમાં કળાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. અલબત્ત, આ ફિલ્મમેકરો મોટા જનસમુદાય માટે જ ફિલ્મો બનાવતા હોવાથી એમાં ક્યારેય કળાનો વધુ પડતો ડોઝ નથી નાંખતા, કળાનો ફક્ત ઉપરછલ્લો જ દેખાવ કરતા હોય છે. ક્યારેક વિષયની પસંદગીમાં, ક્યારેક વાર્તામાં તો ક્યારેક સેટ ડિઝાઈનિંગ અને ગીતસંગીતમાં નવીનતા લાવવાની આ નવા પ્રકારના ફિલ્મમેકરો કોશિશ કરતાં રહે. સંજય લીલા ભણસાલી એટલે આ નવા પ્રકારના ફિલ્મમેકર. એમની ફિલ્મોમાં કલાત્મકતા દેખાશે, પરંતુ જનસમુદાયને મનોરંજન ન મળે એવું જોખમ તેઓ ક્યારેય નહીં લે.
આથી જ મોટા જનસમુદાય માટે બનતી મનોરંજક ફિલ્મોની સાથે જો કળા, ઇતિહાસ કે કોઈ સામાજિક સંદેશ જોડાઈ જાય તો એને વધુ પડતું મહત્વ ક્યારેય ન આપવું, કારણ કે આ બધું એમના માટે એક મનોરંજક ફિલ્મ બનાવવાના ફક્ત સાધનો છે. અલબત્ત, આપણી લોકશાહીમાં દરેકને પોતાની રીતે કળાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે એટલે કોઈ પણ પ્રકારની ફિલ્મ બનાવવાનું વિચારો તો એની સામે કોઈ વાંધો ન હોઈ શકે. વાંધો ફક્ત ત્યારે પડે જ્યારે કળાના નામે કોઈ પોતાનો મૂળ ઇરાદો છુપાવે.
જેમ કોઈ ક્રાઈમમાં ગુનેગારનો મોટિવ, એનો હેતુ સમજાઈ જાય એ પછી કેસ ઉકેલવામાં સરળતા રહે છે એમ અન્ય ગૂંચવણભરી બાબતોમાં પણ કર્તાના ઇરાદા વિશે સ્પષ્ટતા થઈ જાય તો પછી બાકીનું આસાનીથી સમજી શકાય. સંજય લીલા ભણશાલીએ બનાવેલી ફિલ્મ પદ્માવત સાથે પણ કેટલીક અસંબંધિત બાબતો જોડાઈ ગઈ અને નિષ્ણાતો એ મુદ્દાને વધુ પડતું મહત્ત્વ આપીને ભણશાલીનો બચાવ કરવામાં પડી ગયા. પહેલા તો કેટલાક લોકોએ એવી દલીલ કરી કે આ એક ઐતિહાસિક ફિલ્મ છે અને એ માટે પૂરતું રિસર્ચ કરવામાં આવ્યું છે. ત્યાર પછી કળાની અભિવ્યક્તિનો ઝંડો લઈને ફરનારા મેદાનમાં આવ્યા. આવી સેન્સરશીપ ચાલે જ કેવી રીતે? આવા મોટા ગજાંના ફિલ્મમેકરને પોતાની રીતે ફિલ્મ બનાવવાનો પણ દેશમાં અધિકાર ન મળે એ ન ચલાવી લેવાય. ત્યાર પછી એવો દાવો કરવામાં આવ્યો કે કરણી સેના જેનો વિરોધ કરે છે એનાથી વિપરીત જ વાત ફિલ્મમાં છે. એટલે કે ફિલ્મમાં રાજપૂતોના ગૌરવની ગાથા વર્ણવવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થયેલા હિંસાચારઅને વહીવટી નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારોને દોષ આપનારાનો અવાજ પણ બહુ ઊંચો રહ્યો. આ બધી વાતોના મુદ્દા સાચા હોવા છતાં આખી કથાના મુખ્ય મુદ્દા પર કોઈએ ભાર ન મૂક્યો. મુખ્ય મુદ્દો એ હતો કે સંજય લીલા ભણશાલીએ ઇતિહાસની ગાથા વર્ણવવા, રાજપૂતોની ભવ્ય પરંપરાને હાઈલાઈટ કરવા કે કલાત્મકતાના જતન માટે આ ફિલ્મ નહોતી બનાવી. એમણે આ બિગ બજેટ ફિલ્મ ફક્ત લોકોને મનોરંજન પીરસવાના હેતુથી બનાવી હતી. એમના માટે બીજું બધું પછી તથા ઓછું મહત્વનું હતું. મોટા ફિલ્મસ્ટાર્સનું કાસ્ટિંગ, ભવ્ય સેટ્સ, ગીત સંગીત વગેરે એક ખર્ચાળ કમર્સિયલ ફિલ્મ બનાવવા માટે પ્રયોજવામાં આવ્યું હતું. ફિલ્મમેકરનો ઇરાદો એક સફળ ફિલ્મ બનાવીને એમાંથી પૈસા કમાવાનો હતો. આ કમર્સિયલ હેતુ એ પદ્માવત સાથે સંકળાયેલા મામલાનું હાર્દ હોવું જોઈએ.
હવે જો આપણે ફિલ્મમેકરના ઇરાદા બાબતે સ્પષ્ટ બનીએ કે તેઓ એક કમર્સિયલ ફિલ્મ બનાવવા માંગતા હતા તો પછી એમને કલાત્મકતા, કમિટમેન્ટ, સામાજિક સંદેશ વગેરે જેવા ફેક્ટર્સનો લાભ ઊઠાવવાનો અધિકાર ન મળે. આથી એમના સમર્થનમાં કૂદી પડવું એ મૂર્ખામી હતી. હા, જો કોઈએ ફક્ત એકેડેમિક ઈન્ટરેસ્ટ્સ ખાતર આ વિષય પર દસ્તાવેજી ફિલ્મ બનાવી હોય તો આપણે એને પૂરું સમર્થન આપીએ. ભલે એના એંગલ સાથે આપણે સહમત ન થતા હોઈએ તોય એની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું માન આપણે જાળવીએ અને એના હક્ક માટે આપણે લડીએ, પરંતુ પદ્માવતના કેસમાં આવી સહાનુભૂતિ અસ્થાને હતી.
જો તમે પદ્માવત જેવી ભવ્ય, ખર્ચાળ અને કમર્સિયલ ફિલ્મ બનાવતા હોવ તો તમને કોઈ એક વર્ગની લાગણી સાથે રમવાનો અધિકાર નથી. મનોરંજન અને પૈસા કોઈની લાગણી દુભાવીને કમાવાનું કોઈ હિસાબે યોગ્ય નથી અને એને સમર્થન આપવું એ તો નાદાની જ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર