સમાચાર સાચા છે કે ખોટા?
માણસ મૂળભૂત રીતે સત્યપ્રેમી માણસ છે. જીવનની કોઇ પણ બાબતમાં સત્ય સામે હોય તો જ કોઇ નિર્ણય લેવાની કે આગળ વિચારવાની સૂઝ પડે. લોકો સાચું બોલે એવી અપેક્ષા બધા રાખે છે, પરંતુ હકીકતમાં બહુ ઓછા લોકો સાચું બોલતા હોય છે. આ વાતને આપણે એટલી હદે સ્વીકારી લીધી છે કે જો કોઇ વ્યક્તિ સતત સાચું બોલતી રહે તો ગજબના અનર્થ થઇ જાય અને એ વ્યક્તિને અન્ય લોકો પાગલ જ સમજે.
કોઇ વ્યક્તિને આપણે પૂછીએ કે કેમ ચાલે છે ધંધાપાણી અને જવાબમાં જો એ વ્યક્તિ એમ કહે કે અરે ફેન્ટાસ્ટીક, બે ફોરેન કંપનીઓ સાથે વાટાઘાટો ચાલે છે. આગામી બે વર્ષમાં બીજા ચાર શહેરોમાં અમે અમારી બ્રાન્ચ ખોલવાના છીએ. એ ભાઇની વાત સાંભળ્યા પછી મનમાં એક જ વિચાર આવે કે ફેંકતો લાગે છે. બીજી તરફ જો એ વ્યક્તિ એમ કહે કે ધંધા તો સાવ ઠંડા છે. નોટબંધીથી અમને સૌથી વધુ નુકસાન થયું છે. છેલ્લા છ મહિનાથી પેમેન્ટની ક્રાઇસીસ ચાલે છે. આ સાંભળીને આપણે એમ વિચારીએ કે કાયમ રડતો જ હોય છે. રહેણીકરણીમાં તો કોઇ પ્રોબ્લેમ હોય એવું દેખાતું નથી. ટૂંકમાં કોઇ વ્યક્તિ સાચું બોલી શકે એ આપણે માનવા તૈયાર જ નથી હોતા. જૂઠ્ઠાણાંને આપણે અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી લીધા છે. સામી વ્યક્તિ ગમે તે બોલે, આપણે એ માનવું હોય તો માનવાનું નહીં તો ચૂપ રહેવાનું. તું શા માટે જૂઠ્ઠું બોલે છે એવું કહેવાનું નહીં. જોકે સ્ટેક્ટસ જ્યારે મોટા હોય, વાત ખૂબ જ મહત્ત્વની હોય ત્યારે લોકો જૂઠ્ઠાણાં ચલાવી લેતા નથી. દીકરી માટે માગુ આવે ત્યારે મૂરતિયાના કેરેક્ટરથી માંડીને એની આવકને લગતી માહિતી સીબીઆઇ તથા ઇન્કમ ટેક્સની ઢબે શોધી કાઢવામાં આવે છે.
આપણો અભિગમ અંગત તથા વ્યક્તિગત જૂઠ્ઠાણાં માટે અલગ અને જાહેર જૂઠ્ઠાણાં માટે અલગ હોય છે. મોટા ભાગના કિસ્સામાં જાહેર જૂઠ્ઠાણાં આપણા જીવનને સીધી રીતે અને તત્કાલીન રીતે સ્પર્શતા નથી. આથી આ બાબતે આપણે સારી એવી લક્ઝરી ધરાવીએ છીએ. બનાવટી સમાચારો દ્વારા જૂઠ્ઠાણાં ફેલાઇ રહ્યા છે એ સમસ્યા જેટલી જ મોટી સમસ્યા એ છે કે આપણે આવા સમાચારની સચ્ચાઇ ચકાસવાની જહેમત નથી લેતા. જે કંઇ સામે આવે એને આપણી એ સમયની માનસિક અવસ્થા અનુસાર સ્વીકારી લઇએ છીએ. કોઇ પણ સમાચારને સાચા માની લેતાં પહેલા કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે.
મોટા ભાગના કેસમાં આપણે સમાચાર ક્યાંથી આવ્યા એની પૂરી તપાસ નથી કરતાં. ન્યૂઝ ચેનલમાં આવ્યું, અખાબરમાં છપાયું, કોઇ મોટી વ્યક્તિએ કહ્યું કે સોશિયલ મીડિયા પર આવ્યું. સમાચારના સ્ત્રોત બાબતે આપણે બહુ ચોકસાઇ નથી રાખતા. જો થોડી તસદી લઇએ તો સમાચારની વિશ્વસનિયતાનું એક પ્રાથમિક મૂલ્યાંકન તો સારી રીતે થઇ જાય. જે વેબસાઇટ, વ્યક્તિ કે સંસ્થા જૂઠ્ઠાણા ફેલાવતી હોવાનું પૂરવાર થઈ ચૂક્યું હોય એના દ્વારા આવતા સમાચારની કોઇ જ વિશ્વસયનિયતા ન હોઇ શકે માટે એને સાચા માનવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.
ફેસબુક પર રાજકીય ચર્ચાઓ ચાલતી હોય ત્યારે પોતાનો મુદ્દો સાચો ઠેરવવા માટે અને મિત્રો ભળતાંસળતાં આંકડા દર્શાવતી કોઇ વેબસાઇટની લિન્ક મૂકી દેતા હોય છે. હવે આવી લિન્કની કોઇ વિશ્વસયનીયતા નથી હોતી, પરંતુ આવી લિન્ક જોઇને ઘણા લોકોને એ વાત સાચી લાગવા માંડે છે.
શબ્દ કરતાં વિઝ્યુઅલની ઇફેક્ટ હંમેશાં વધુ ઘેરી હોય છે. સમાચાર સાથે ફોટોગ્રાફ હોય ત્યારે વિના કારણ એની વિશ્વસનિયતામાં એક પોઇન્ટનો ઉમેરો થઇ જતો હોય છે. કોઇ પણ ફોટોગ્રાફ એની સાથેના સમાચારને આપોઆપ સાચા ઠેરવતો નથી. અને આજકાલ તો ફોટોશોપની કમાલથી ગમે એ પ્રકારના બનાવટી ફોટોગ્રાફ તૈયાર કરી શકાય છે. દા.ત. નેહરુને અભિનેત્રી રેખા સાથે અફેર હતું એવા સનસનાટીભર્યા સમાચારની સાથે નેહરુના ખભા પર માથું ટેકવીને ઊભેલી રેખાનો ફોટો તૈયાર કરવાનું આજે શક્ય છે. આ તો એકદમ ઓબ્વીઅસ વાત છે એટલે આપણે એને ન માનીએ, પરંતુ ફોટોશોપના દૂરોપયોગથી વાસ્તવિક લાગે એવી અનેક બનાવટો રોજબરોજ થતી હોય છે.
ઘણી વાર એવું બને છે કે આપણે અગાઉ કોઇ વાત સાંભળી હોય અને એ જ વાત ફરીવાર સમાચારરૂપે સામે આવી જાય. આવા સમયે આપણું મન આપોઆપ એ સમાચારને માની લેવા સજ્જ થઇ જાય છે. પહેલીવાર સાંભળી ત્યારે એ વાત કાચીપાકી હતી એ આપણે યાદ નથી કરતાં. ફક્ત એ વાત રિપીટ થઇ એટલે એની વેલ્યુ જાણે વધી ગઇ. દા.ત. કોઇ અગાઉ લગ્ન સમારંભમાં કોઇએ આપણને કહ્યું હોય કે પાઇનેપલ બાસુંદી ખાધા પછી એનું માથું દુઃખવા લાગ્યું હતું અને આજે ફરી કોઇ જમણવારમાં કહે કે પાઇનેપલ બાસુંદીનો ટેસ્ટ બરોબર નથી તો તમે તરત જ એ વાત માની લેશો એટલું જ નહીં, કદાચ છાતી ઠોકીને કહેશો કે એ ખાવાથી માથું દુઃખે છે. વાત રિપીટ થાય ત્યારે એની વિશ્વસનિયતા વિના કારણ વધી જતી હોય છે, જે ખોટું છે.
ઘણી વાર સમાચારમાં જે ઘટના વર્ણવવામાં આવી હોય એ સાચી હોય, પરંતુ એનું અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું હોય અથવા એને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોય. ક્યારેક સિલેક્ટિવ દૃષ્ટિકોણ દ્વારા પણ જૂઠ્ઠી વાત ફેલાવવામાં આવતી હોય છે. નોટબંધી દરમિયાન ટીવીની ન્યુઝ ચેનલોમાં બેન્ક બહારની લાઇનોમાં ઊભેલા લોકોના બંને પ્રકારના મંતવ્યો જોવા અને સાંભળવા મળ્યા. અમુકે એમ કહ્યું કે અમે બહુ હેરાન થઇ ગયા છીએ તો અમુકે કહ્યું કે ખાસ કોઇ તકલીફ નથી અને હોય તો અમને વાંધો નથી. આવી સ્થિતિમાં દર્શક કઇ વાતને સાચી માને? બસ, આ જ મુદ્દો છે. પોતાની માન્યતાને સમર્થન આપે એ રજૂઆતને માની લેવાને બદલે થોડી સમાચારની સચ્ચાઇ જાણવા માટેની તસદી લેવી જોઇએ.
સમાચારને ચકાસ્યા વિના સાચા માની લેવાની ઘટના સૌથી વધુ ત્યારે બને છે, જ્યારે આપણી માન્યતાને પુષ્ટિ મળતાં સમાચાર સામે આવે. આજકાલ સોશિયલ મીડિયા પર ભક્તો અને વિભક્તો વચ્ચે જે શબ્દોના રમખાણ થાય છે એની પાછળ એ લોકોની માન્યતાઓ છે. એ સાચી છે કે ખોટી એ ચકાસવાની તસદી એમણે ભાગ્યે જ લીધી હોય છે. બન્યું હોય છે એવું કે શરૂઆતમાં કેટલીક વાતો કનવિન્સીંગ લાગી અને પછી એને પુષ્ટિ આપતી વાતોનો જ મનમાં સ્વીકાર થતો ગયો. માન્યતાઓ વધુ મજબૂત બનતી ગઇ અને હવે તો એવી સ્થિતિ છે કે એ માન્યતાને સમર્થન આપે એવા જ સમાચાર સાંભળવા ગમે છે, ચકાસવાની તો વાત જ ઊડી ગઇ છે. આ વાત ભક્તો અને વિભક્તો બંનેને લાગુ પડે છે.
જાહેરમાં ફેલાતા ખોટા સમાચારો અને જૂઠ્ઠાણા હવે આપણા જીવનમાં બરોબરના વણાઇ ગયા છે. આપણે એ બાબતે બેદરકાર રહીએ છીએ, પરંતુ જાહેર જૂઠ્ઠાણાંને હળવાશથી લેવામાં ઘણું નુકસાન છે. આવા સમચારો જ વિવિધ મુદ્દે આપણો મત ઘડતા હોય છે અને એના આધારે સરકારો બનતી હોય છે. આ સિવાય પણ એનાથી અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. વિદ્યાર્થીઓનો જ દાખલો લો. કોઇ અભ્યાસ માટે એ જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરે ત્યારે વિરોધાભાસી માહિતી આપતી અનેક વેબસાઇટો એની સામે આવી જાય છે. જરૂરી વિષયની મહત્ત્વપૂર્ણ માહિતી આપતી અનેક વેબસાઇટો ઉપલબ્ધ છે, પરંતુ એની વિશ્વસનિયતા ચકાસવાનું વિદ્યાર્થીઓ માટે મુશ્કેલછે. ઇવન હેલ્થ જેવા ક્ષેત્રમાં પણ ખોટી માહિતી વહેતી કરવામાં આવે છે. આવું કરનારને એ માટે પૈસા મળે છે, પરંતુ એનાથી સમાજને જે નુકસાન થાય છે એ ઘણું વધુ હોય છે. ફલાણું ખાવાથી આવો ફાયદો થશે અને એ ન ખાવાથી આની ખામી સર્જાશે એવા પ્રકારના વાહિયાત સમાચારો અવારનવાર વાંચવામાં આવે છે. આવા સમાચારોમાંના મોટા ભાગના ફેક એટલે કે બનાવટી હોય છે. અનેકવાર એવા સમાચાર પણ આવી ચૂક્યા છે કે ડાયાબિટીઝ માટે ખાંડ જવાબદાર નથી. બોલો.
જૂઠ્ઠાણાં ફેલાવવાની ટેકનિકો દિનબદીન આધુનિક બનતી જાય છે. તમે કલ્પના પણ ન કરી શકો એ રીતે જૂઠ્ઠાણાંને સચ્ચાઇ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. સતર્ક રહેવાનું બહુ જરૂરી છે. કદાચ આવા જ કોઇ જૂઠ્ઠાણાંને કારણે માનવજાતનો વિનાશ થઇ શકે છે. આટલા દેશો પાસે અણુંબોમ્બ છે. દુશ્મન દેશે અણુંબોમ્બનું બટન દાબી દીધું છે એવું જૂઠ્ઠાણું જ્યારે હરીફ દેશના નેતાની સામે સચ્ચાઇના સ્વરૂપમાં આવશે ત્યારે એનો હાથ અણુંબોમ્બ ફેંકવાની ચાંપ પર દાબી શકે છે અને ત્યારે જ થશે આ વિશ્વના અંતનો આરંભ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર