દુનિયાની અનેક 'ના'માં હા હોય છે

17 Oct, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: telegraphindia.com

ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બૈઠે

કરના થા ઇનકાર, મગર એકરાર તુમ્હી સે કર બૈઠે....

1965મા રજૂ થયેલી ફિલ્મ 'જબ જબ ફૂલ ખિલે'માં અભિનેત્રી નંદાએ આ ગીત ગાયું હતું. ફિલ્મ રિલીઝ થઇ એ સમયે કોઇને કશું અજુગતું નહોતું લાગ્યું, પરંતુ હવેની ફિલ્મમાં જો આવું ગીત આવશે તો એની બહુ ટીકા થશે, કારણ કે એમાં એક સ્ત્રીની 'ના' માં 'હા' પાડવાની મજબૂરી અથવા સાઝિશ છે. શ્રી અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'પિન્ક' પછી એવું ઠેરવવામાં આવ્યું છે કે સ્ત્રીની ના એટલે ના જ હોય. એને હા સમજવાની ગેરસમજણ કોઇએ ન કરવી.

ફિલ્મ 'પિન્ક'ને લોકોએ બહુ વખાણી છે અને બોક્સ ઓફિસ પર પણ એ સારી ચાલી છે. આ ફિલ્મનો મેસેજ સ્પષ્ટ છે કે સ્ત્રી જ્યારે ના પાડે ત્યારે એનો અર્થ ખરેખર 'ના' જ હોય છે. સૌ કોઇ માને છે કે કોઇ પણ પરિસ્થિતીમાં સ્ત્રી સાથે શારીરિક બળજબરી થાય એ યોગ્ય નથી જ, પરંતુ ફિલ્મના મૂળ મેસેજમાં થોડી ગરબડ હોય એવું લાગે છે. અલબત્ત, વાતને બહુ ગંભીરતાથી લો તો બધુ ઠીકઠાક લાગે અને એકદમ સિરિયસ બનીને તમારે નારી સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવવો પડે, પરંતુ ગમે એવી ગંભીર બાબતનું પણ એક હળવું પાસું હોય જ છે. અને આ ફિલ્મનું તો નામ જ 'પિન્ક' છે, તો એને હળવાશથી કેમ ન લઇ શકાય?

સૌથી પહેલા તો એ વિચારીએ કે સ્ત્રીની 'ના' એટલે 'ના' નો મૂળ મેસેજ આવ્યો ક્યાંથી? સ્ત્રી ના પાડે ત્યારે એનો અર્થ હા પણ હોઇ શકે એવો કુવિચાર સૌથી પહેલા કોને આવ્યો હશે અને કોણે એને વહેતો કર્યો હશે? કે પછી સ્ત્રીએ જ એ વિચારને પોષ્યો છે? સ્ત્રી- પુરુષ વચ્ચેના સંબંધમાં સદીઓથી એક પરંપરા રહી છે કે પુરુષે પ્રપોઝ કરવાનું અને સ્ત્રીએ એ પ્રપોઝલ સ્વીકારવાની અથવા નકારવાની. સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ બંધાઇ જાય પછી એક બીજી પરંપરાને અનુસરવામાં આવે છે. સ્ત્રીએ રિસાવાનું અને પુરુષે મનાવવાનું. હવે આ રિસામણા અને મનામણાની રમત બહુ મજાની હોય છે. સ્ત્રીને રિસાવામાં મજા આવે છે, પુરુષને મનાવવામાં મજા આવે છે અને સ્ત્રીને પછી માની જવામાં મજા આવે છે.

ખરેખર તો આ રિસામણા મનામણામાંથી 'ના' નો અર્થ 'હા' નો કોન્સેપ્ટ આવ્યો છે. જો સ્ત્રીએ દરેક વાત પહેલી જ વારમાં માની લેવાની હોય તો પછી રિસાવાનો સ્કોપ જ ક્યાં રહે? સ્ત્રી જ્યાં કદી રિસાતી જ ન હોય અને પુરુષ એને મનાવતો જ ન હોય એવા જગતની કલ્પના હોરીબલ છે. હોરીબલી બોરીંગ છે. રિસામણા અને મનામણા તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધની મીઠાશ છે.

જો સ્ત્રીની 'ના' ને એની ફેસવેલ્યુ તરીકે લેવામાં આવે તો કેવી મોટી ગરબડો થઇ જાય એનો વિચાર કરો. કેટલાક કાલ્પનિક સંવાદ વિચારી શકાયઃ

નીતુઃ મારો બોયફ્રેન્ડ તો સાવ વાંદરા જેવો છે.

મીતુઃ કેમ શું થયું? 

નીતુઃ મને કહે કે તારું ફોર હન્ડ્રેડનું રિચાર્જ કરાવું છું તો મેં એને એક વાર ના પાડી.

મીતુઃ તો પછી શું થયું? 

નીતુઃ ઓકે બેબી, એઝ યુ વિશ એમ કહીને એણે ફોન મૂકી દીધો. ઇડિયટ.

મીતુઃ પણ તેં એને ના શા માટે પાડી? 

નીતુઃ અરે એક વાર તો અમસ્તી ના પાડવી પડે ને. નહીં તો આપણી વેલ્યુ શી રહે? 

0-0-0

બોયફ્રેન્ડઃ મારા ઘરની સામે એક સ્માર્ટ ડીજે રહેવા આવી છે.

ગર્લફ્રેન્ડઃ તો એને ડેટ પર લઇ જા બીજું શું?

બોયફ્રેન્ડઃ યુ આર ફીલિંગ જેલસ.

ગર્લફ્રેન્ડઃ નારે ના. હું શા માટે જેલસ ફીલ કરું? 

બોયફ્રેન્ડઃ ઓકે. તો કાલનું આપણું મૂવી કેન્સલ. મારે એના સ્ટુડિયો પર જવાનું છે.

0-0-0

સ્ત્રીની ના અને હા ના લોચામાં તેઓ પતિ પત્નીના સંબંધને પણ ઘસડી લાવ્યા છે. એટલે કે પત્નીને આખી જિંદગી માથું દુઃખતું રહે તો પતિએ આખી જિંદગી પત્નીના સહવાસ વિના વીતાવી નાંખવાની. હવે આમાં એક પ્રોબ્લેમ છે. સામાન્ય પુરુષ કંઇ રાજા મહારાજા નથી કે એ એક પત્ની ના પાડે તો બીજીને પૂછે અને બીજી ના પાડે તો ત્રીજીને પૂછે. અગાઉના જમાનામાં રાજામહાજાઓને આવો પ્રોબ્લેમ નહોતો. એમના રંગમહેલમાં બાર હજાર રાણીઓ હોય એટલે અગિયાર હજાર નવ સો ને નવ્વાણું રાણીઓના માથાં દુખતા હોય ત્યાં સુધી વાંધો નહોતો આવતો. એક રાણી હા પાડે એવી શક્યતા બાકી જ રહે અને કામ ચાલી જાય. પણ આજનો સામાન્ય પુરુષ રાજામહારાજા નથી. એ ક્યાં જાય? પુરુષની લાચારી અને મજબૂરીને ધ્યાનમાં રાખીને મોટા ભાગની પત્નીઓ પહેલા તો દરેક વાતની ના જ પાડી દેતી હોય છે. ત્યાર પછી રીતસરના નેગોશિયેશન્સ શરૂ થાય છે.

મોટા ભાગના કિસ્સામાં પત્નીની ના ને નફાકારક રીતે હા માં પરિવર્તિત કરવામાં આવે છે અને એ માટે એક પ્રાઇસ નક્કી થાય છે. આ પ્રાઇસ નાણાંકીય હોય એ જરૂરી નથી. પ્રસ્તુત છે કેટલાક કાલ્પનિક સંવાદોઃ

પતિઃ પ્લીઝ...

પત્નીઃ નો મિન્સ નો.

પતિઃ એવું નહીં કર.

પત્નીઃ કાલે સવારે બેબીને સ્કૂલે મૂકવા જશો? 

પતિઃ ઓકે. એગ્રી.

પત્નીઃ ઠીક છે, બ્રશ કરી આવો.

0-0-0

પતિઃ પ્લીઝ.

પત્નીઃ નો મિન્સ નો.

પતિઃ ડોન્ડ બી સો ક્રુઅલ.

પત્નીઃ અરે કાલે સાંજે તમારા મામામામી આવવાના છે એનું મને ટેન્શન છે.

પતિઃ એ ટેન્શન તું શા માટે લે છે? સાંજે આપણે હોટલમાં જમવા જઇશું.

પત્નીઃ ઠીક છે, લાઇટ બંધ કરો.

0-0-0

પતિઃ પ્લીઝ

પત્નીઃ નો મિન્સ નો.

પતિઃ એવું ન ચાલે.

પત્નીઃ અને તમે દરરોજ ઘરે મોડા આવો એ ચાલે કેમ? 

પતિઃ સોરી બાબા. કાલથી ઓફિસનો ઓવરટાઇમ બંધ. ઓકે?

પત્નીઃ ઠીક છે, તમારો ગંધરો વીડિયો બંધ કરો.

0-0-0

જુઓ, દાંપત્ય જીવનમાં નિર્દોષતાપૂર્વક ના ને હા માં પરિવર્તિત કરવાની પ્રક્રિયા નિરંતર ચાલતી જ રહે છે અને એમાં સોદા એવા થાય છે કે બંને પાર્ટી છેવટે ખુશ રહે છે. હવે જો દાંપત્ય જીવનમાં પત્નીની ના ને ખરેખરી ના સમજવામાં આવે તેમ જ એમાં કોઇ બાંધછોડ નહીં કરવાની પ્રથા શરૂ થાય તો ભારે અન્યાય થઇ જાય. એમાં પુરુષ કરતા સ્ત્રીઓને વધુ નુકસાન થાય. સમજોને કે પત્નીઓનો બાર્ગેન પાવર જ ખતમ થઇ જાય. એવું ન ચાલે.

અને ફક્ત સ્ત્રીની ના ને જ ગંભીરતાથી લેવાની વાત કેમ થાય છે? પુરુષોની ના ની કોઇ કિંમત નહીં? અરે કોઇ નાનામાં નાના માણસની ના ની કિંમત પણ સમજવી જોઇએ, છતાં એવું બનતું નથી. સૌ કોઇ પોતપોતાની રીતે સામી વ્યક્તિની ના નો અર્થ કાઢે છે અને એ રીતે વર્તે છે. દરેક કિસ્સામાં પાછા અલગ અલગ નિયમ લાગુ પડતા હોય છે. ના ને સખત રીતે ના ગણવાની પ્રથા બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.

માર્કેટિંગવાળાનો જ દાખલો લો. એમનો તો ધંધો જ સામી વ્યક્તિની ના થી શરૂ થાય છે. તમે એની પ્રોડક્ટ ખરીદવાની ના પાડીને કહો કે ના ભાઇ ગયા મહિને જ મેં એવી પ્રોડક્ટ ખરીદી છે. તો માર્કેટિંગનો માણસ તમને કહેશે કે સર, એ પ્રોડક્ટ અને અમારી પ્રોડક્ટમાં જમીન આસમાનનો ફરક છે. તમે કહો કે પણ અત્યારે મારું બજેટ નથી તો માર્કેટિંગવાળો કહેશે કે નો પ્રોબ્લેમ સર, તમે હપતેથી આ ખરીદી શકો છો. અને હું તમને દસ ટકા ડિસ્કાઉન્ટ અપાવીશ. તમે કહો કે મને આ પ્રોડક્ટ પસંદ જ નથી તો એ કહેશે કે સર, તમારી ચોઇસ જૂનવાણી છે. તમારી ઉપર રહેતા, નીચે રહેતા અને તમારી બાજુમાં રહેતા લોકોએ આ પ્રોડક્ટ ખરીદી છે. તમારી ઓફિસના બધા જ કલીગોએ આ ખરીદી છે. સર, ફક્ત તમે બાકી છો. લખી નાખું ઓર્ડર? જૂઓ આ માર્કેટિંગવાળાને તમારી ના ને કોઇ રિસ્પેક્ટ જ નથી આપતા. એમને મન તમારી ના ની કોઇ વેલ્યુ જ નથી. એ તો દુનિયાની દરેક ના ને હા જ સમજીને બેઠા હોય છે.

માર્કેટિંગવાળાની જ ક્યાં વાત કરો છો, આપણા દેશના વડા પ્રધાન જ આ બાબતે લાચાર છે. એમની ના ને એમના જ પ્રધાનો તથા અન્ય નેતાઓ ગંભીરતાથી નથી લેતા. વડા પ્રધાન પોતાના પક્ષના નેતાઓને સંયમ જાળવવાનું કહે તો એ નેતાઓ છડેચોક એનો ભંગ કરે છે. વડા પ્રધાન કહે કે બેજવાબદાર નિવેદનો ન કરો તો નેતાઓ બમણા વેગથી બેફામપણે બોલવા માંડે છે. આ રીતે વડા પ્રધાનની ના ની પણ કોઇ કિંમત નથી રહી.

આ વિશે મેં એક મોદીભક્ત સાથે વાત કરી. મેં કહ્યું કે વડા પ્રધાન પર તમને આટલો બધો આદર છે તો એમની વાત તમે કેમ નથી માનતા? એ કોઇ વાતની ના પાડે તોય તમે એ જ કરતા રહો છો. એવું શા માટે? મોદીભક્તે નજીક આવીને મને ધીમેથી કહ્યું, 'તમે જાણતા નથી, પણ અમારા પક્ષ અને પરિવારમાં સૌને એ વાતની ખબર છે કે નરેન્દ્ર મોદીની ના માં હા હોય છે.'

હવે બોલો, દુનિયાની કઇ ના ને હા સમજીવી અને કઇ ના ને 'નો મિન્સ નો'વાળી ના સમજવી? 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.