એક તસવીર, લાખ સવાલ
કાશ્મીરી યુવાનોના પથ્થરમારાથી બચવા માટે ભારતીય સૈન્યે એક સ્થાનિક યુવકને જીપ સાથે બાંધ્યો એની વીડિયો અને તસવીરો જાહેર થઇ ત્યારે મોટો વિવાદ પેદા થયો. લશ્કરની ઘણી ટીકા થઇ અને આ પગલું ભરનાર લશ્કરી અધિકારી મેજર ગોગોઇ સામે ઇન્ક્વાયરી પણ શરૂ થઇ. વાત ભૂલાઇ ગઇ હતી એમાં પાછી બે ઘટના બની. એક તો એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કેન્દ્ર સરકારનું વલણ જાહેર કરતાં કહ્યું કે મેજર ગોગોઇને હું સેલ્યુટ કરું છું. મેજર ગોગોઇની બહાદૂરો માટેના એક એવોર્ડ માટે નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખિકા અરુંધતી રોયે લશ્કરની વિરુદ્ધમાં એક કમેન્ટ કરી હોવાના સમાચાર પ્રસારિત થયા, જેની પ્રતિક્રિયારૂપે ફિલ્મ અભિનેતા અને સંસદસભ્ય પરેશ રાવલે અરુંધતી રાવને ઊતારી પાડતું એક ટ્વીટ કર્યું. પછીથી જોકે એવું બહાર આવ્યું કે અરુંધતી રોયે એવું કોઇ વિવાદસ્પદ નિવેદન કર્યું જ નહોતું અને ટ્વિટર વહીવટીતંત્રે પરેશ રાવલનું વિવાદસ્પદ ટ્વિટ પાછું ખેંચાવ્યું.
આ મામલે ઘણું બધુ બની ગયું છે અને ઘણા મુદ્દાઓ એકબીજાની સાથે જોડાઇને ગૂંચવાઇ ગયા છે. એક મુદ્દો તો એ છે કે આવા ઉશ્કેરાટભર્યા વાતાવરણમાં એક જાણીતી લેખિકાના નામે સાવ ખોટા સમાચાર વહેતા થઇ શકે છે એ વાત આપણે ભારે હ્રદયે સ્વીકારવી પડે. મેં અગાઉ પણ કહ્યું છે કે આજકાલ કોઇ પણ સમાચાર, ફોટોગ્રાફ કે વીડિયોની ચકાસણી કરવાનું બહુ જરૂરી થઇ ગયું છે. ખાસ તો આવું મટિરિયલ ચેક કર્યા વિના કોઇએ ફોરવોર્ડ ન કરવું જોઇએ. ભવિષ્યમાં પણ આ બાબતે બહુ સાવચેત રહેવા જેવું છે.
બીજી બધી વાતો તથા વિવાદોને બાજુ પર મૂકીએ તો આખા એપિસોડમાં સૌથી મોટો મુદ્દો માનવ અધિકાર અને લશ્કર દ્વારા એક માણસનો હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ થયો એને લગતો છે. માનવાવાદના પ્રખર સમર્થકો તો આંખો અને મોઢા વધુ પડતા પહોળા કરીને કહે છે કે આવું બની જ કેમ શકે? શેઇમ. બીજી તરફ, ડગલેને પગલે દેશપ્રેમના બહેકાવામાં આવી જતાં અને ભારતીય સેનાનું નામ પડતા ઝનૂન અનુભવતા નાદાન લોકો આવા પગલાં પર તાળીઓ પાડી રહ્યા છે અને મેજર ગોગોઇને શાબાશી આપતાં થાકતાં નથી.
યુદ્ધભૂમિ પર દુશ્મન પ્રજાના કોઇ નાગરિકનો એક ઢાલ તરીકે ઉપયોગ કરવો એ એક લશ્કરી યુક્તિ છે, પરંતુ એને અપ્રામાણિક તથા અસ્વીકાર્ય માનવામાં આવે છે. જીનિવા કન્વેન્શનમાં આવી યુક્તિના પ્રયોગને 'વોર ક્રાઇમ' ગણવામાં આવી છે. આમ છતાં હ્યુમન શીલ્ડનો ઉપયોગ કરવાની ઘટના વિશ્વભરમાં અનેકવાર બની ચૂકી છે. 1990મા ઇરાકે કુવૈત પર હુમલો કર્યો ત્યારે સદ્દામ હુસેને હ્યુમન શીલ્ડનો મોટા પાયે ઉપયોગ કર્યો હતો. પશ્ચિમી દેશો એના પર આક્રમણ ન કરે એ માટે ઇરાકે પશ્ચિમી દેશોના અનેક નાગરિકોને પકડીને એમનો હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ કર્યો હતો.
હવે કાશ્મીરમાં આ પ્રકારની ઘટના બની ત્યારે સ્વાભાવિક છે કે લોકો એની સરખામણી વૈશ્વિક ઘટનાઓ સાથે જ કરે, પરંતુ વિશ્વમાં અન્ય સ્થળોએ બનેલી ઘટના અને કાશ્મીરની ઘટના વચ્ચે બહુ મોટો ફરક છે. સૌથી પહેલું તો કાશ્મીરમાં આંતરિક અશાંતિ અને અરાજકતા છે, પરંતુ એ કોઇ યુદ્ધભૂમિ નથી. કાશ્મીરમાં ભારતીય સૈન્ય કોઇ દુશ્મનોને ખતમ કરવા માટેની કાર્યવાહી નથી કરી રહ્યું, કાયદો અને વ્યવસ્થાની સ્થાપના માટે એ કાર્યરત છે. કાશ્મીરમાં આક્રમણનો જેમનાથી ભય છે એ પક્ષ અને બચાવ પક્ષ બન્ને એક જ દેશના વતની છે. યુદ્ધ જેવું વાતાવરણ છે, પરંતુ યુદ્ધ નથી. આથી જ કાશ્મીરની ઘટનામાં જીનિવા કન્વેન્શન લાગુ ન પડી શકે. આ તો થયો ટેકનિકલ મુદ્દો. હવે બીજો મહત્ત્વનો મુદ્દો જોઇએઃ માનવતાવાદ અને માનવ અધિકારનો મુદ્દો.
કોઇ પણ બુદ્ધિશાળી, સેન્સીબલ માણસ માનવતાવાદના મૂલ્યોની અવગણના ન કરી શકે. વિશ્વભરના શાણા માણસો દુનિયામાં માનવ અધિકારો જળવાઇ રહે એ માટે અને લોકો સાથે કોઇ અમાનવીય વહેવાર ન થાય એ માટે અવાજ ઊઠાવતા હોય છે. વિવિધ દેશોની સરકારો પણ આવા મૂલ્યોનું જતન કરતાં સંગઠનોનો આદર કરતી હોય છે. આમ છતાં અમેરિકા અને બ્રિટન સહિતના દરેક દેશમાં માનવતા વિરુદ્ધની ઘટનાઓ બનતી જ રહે છે. આથી તો એમ્નેસ્ટી ઇન્ટરનેશલ જેવી સંસ્થાની શાખા વિશ્વભરમાં છે અને તેઓ સતત આવી ઘટનાઓની નોંધ લઇને સંબંધિત મંચ પર એની રજૂઆત કરતી રહે છે.
ભારતમાં પણ માનવતા વિરુદ્ધની ઘટનાઓ બને છે અને એની સામે અવાજ પણ ઊઠાવવામાં આવે છે. આ સંદર્ભમાં આપણા દેશમાં પોલીસ દ્વારા થતાં અત્યાચાર અને ફેક એન્કાઉન્ટરની ઘટનાઓ પર વધુ ચર્ચા થતી હોય છે. આપણી કમનસીબી એ છે કે માનવતાના મૂલ્ય જેવા મુદ્દા પર પણ રાજકારણ ખેલાય છે, પ્રજા સંકુચિત રીતે વિચારે છે અને ટૂંકી દૃષ્ટિના અભિગમ સાથે પોલીસની ક્રૂરતાને પણ સમર્થન આપવામાં આવે છે. દેશમાં બનેલા અનેક ફેક એકાઉન્ટરોને સમર્થન આપનારો એક બહોળો વર્ગ પ્રજામાં છે. બીજી તરફ માનવતાવાદના પ્રખર સમર્થકો પણ આવી ઘટનાઓ સાથે સંકળાયેલા બીજા કોઇ જ મુદ્દા વિશે વિચારવા કે ચર્ચા કરવા તૈયાર થતાં નથી. પાતળી ભેદરેખાઓ ભૂલાઇ જાય છે અને લોકમત બે છાવણીમાં વહેંચાઇ જાય છે. ઇશરત જહાંનો જ દાખલો લઇએ તો એનું અને એના સાથીઓનું ફેક એન્કાઉન્ટર થયું એનો આપણે વિરોધ જ કરવો જોઇએ, પરંતુ ઇશરત દરેક રીતે સાવ નિર્દોષ હતી એવો દૂરાગ્રહ રાખવાનું પણ છોડવું જોઇએ. રાતના સમયે, અજાણ્યા પ્રદેશમાં અસામાજિક તત્ત્વો સાથે ઇશરત શું કરતી હતી એ પ્રશ્ન મનમાં ઊદભવવો જોઇએ અને બંને તરફનું બેલેન્સ રાખીને વિચારવું જોઇએ, જે બનતું. એક તરફ એન્કાઉન્ટરને સાર્થક ઠેરવવાનો પ્રયાસ થાય છે અને બીજી તરફ ઇશરત સાવ નિર્દોષ હોય એવા દાવા થાય છે.
કાશ્મીરમાં અબ્દુલ ડાર નામના યુવાનનો મેજર ગોગોઇએ એક હ્યુમન શીલ્ડ તરીકે ઉપયોગ કર્યો એ ઘટનામાં પણ આપણે વધુ ઊંડા ઊતરવાની તસદી નથી લેતા. માનવ અધિકારના પ્રખર સમર્થકોની રેકોર્ડ તો ફક્ત એક જ જગ્યાએ અટકી જાય છે કે અરરર, એક નિર્દોષ નાગરિકનો હ્યુમન શીલ્ડ તરીકે ઉપોયોગ કઇ રીતે કરી શકાય? ભારતીય લશ્કર આવું ક્રૂર કેવી રીતે બની ગયું? બીજી તરફ પરેશ રાવલની જેમ વિચારતા લોકો ઊંડું વિચાર્યા વિના કહી દે છે કે બહુ સારું કર્યું. લશ્કરનો વિરોધ કરનાર બધાને જીપ સાથે બાંધી દેવા જોઇએ.
હકીકતમાં ઘટનાને આ રીતે સમજવી જોઇએ. લશ્કર કાશ્મીરમાં શાંતિ સ્થાપવા માટે કાર્યરત છે, જે સ્થાનિક પ્રજાના જ હિતમાં છે. કાશ્મીરી યુવાનો સૈન્ય પર અવારનવાર પથ્થરમારો કરતા હોવા છતાં લશ્કરને સંયમ જાળવવાનો ઉપરથી આદેશ હોય છે. આથી તો આટલા વર્ષોમાં આ પ્રકારની ઘટના પ્રથમવાર બની. જ્યારે કોઇ ટોળું પથ્થરમારો કરી રહ્યું હોય ત્યારે લશ્કર પાસે સ્વબચાવમાં ગોળીબાર કરવાનો રોકડો વિકલ્પ હોય છે. ગોળીબાર થાય તો પચાસ યુવાનોના ટોળામાંથી આગળના આઠ દશ ઢળી પડે અને પછી બાકીના ચાલીસ ભાગી જાય. પરંતુ લશ્કર આવું પગલું નથી ભરતું, કારણ પથ્થરમારો કરનારા કોઇ દુશ્મન દેશના નાગિરકો નથી, આપણી જ પ્રજા છે. આ જ લોકોને લશ્કરે પૂર તથા અન્ય કૂદરતી આફતોમાં બચાવ્યા છે.
અબ્દુલ ડારવાળી ઘટના બની ત્યારે મેજર ગોગોઇએ ઘડીના છઠ્ઠા ભાગમાં એને હ્મુમન શીલ્ડ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાની સૌથી મોટી વાત એ હતી કે મેજર ગોગોઇના નિર્ણયથી આખરે સૌને ફાયદો જ થયો હતો. તેઓ કહે છે એમ જો ગોળીબાર કરવામાં આવ્યો હોત તો અનેક લોકોની જાન ગઇ હોત. અલબત્ત, અહીં ફરી માનવતાવાદનો પ્રશ્ન ઊભો થાય જ છે. અબ્દુલ ડાર, જેના દાવા પ્રમાણે પોતે એક નિર્દોષ નાગરિક છે એણે શા માટે આવા ભયાનક અનુભવમાંથી પસાર થવું જોઇએ? એણે જે માનસિક વેદના અને ત્રાસ વેઠ્યા એનું શું? નોટ એ બેડ ક્વેશ્ચન.
હવે આપણે એ વિચારીએ કે આપણે જે વાતવારણમાં રહેતા હોઇએ અને ત્યાં જે કંઇ બની રહ્યું હોય એની અસરમાંથી આપણે શું બાકાત રહી શકીએ ખરાં? દેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ગુનાની ઘટના સમયે હાજરી હોવાને કારણે અથવા કોઇ રીતે એમાં સંકળાયેલા હોવાને કારણે અનેક નિર્દોષ લોકો પોલીસની સખત કાર્યવાહીનો ભોગ બનતા હોય છે. ક્યારેક ધોલધપાટ ખાતાં હોય છે તો ક્યારેક થર્ડ ડિગ્રી પણ અનુભવતા હોય છે. આમાં વાંક કોઇનો નથી હોતો, ફક્ત એક જ વાત સમજવાની હોય છે કે અમુક અનિચ્છનીય ઘટના બને ત્યારે જો કમનસીબે તમે ત્યાં હાજર હોવ તો તમારે થોડુંઘણું સહન કરવું પડે. કાશ્મીરમાં રોજબરોજ જે ઘટના બની રહી છે અને ત્યાં જે માહોલ છે એ જોતાં ત્યાંના કોઇ નાગરિકે જીપે બંધાવાના અનુભવમાંથી પસાર થવું પડે તો એનાથી કોઇ મોટું આભ નથી તૂટી પડતું. અલબત્ત, આવી ઘટના ન બનવી જોઇએ અને એ સ્વીકાર્ય પણ નથી, છતાં એ ઘટનાને ફક્ત માનવ અધિકારના દૃષ્ટિકોણથી જ જોવી એ એક ભૂલ છે. અનિચ્છનીય અને અનિવાર્ય ઘટના તરીકે એને ખુલ્લા મનથી સ્વીકારવી જોઇએ. આ એક એવી ઘટના છે, જેમાં એક લશ્કરી અધિકારીએ પ્રવર્તમાન સ્થિતિના શ્રેષ્ઠ ઇલાજ તરીકે કોઇ પગલું ભર્યું, જેનાથી અનેક લોકોના જીવ બચ્યા અને જેના કારણે એક નિર્દોષ નાગરિકે થોડી માનસિકત યાતના સહન કરવી પડે. ધેટ્સ ઓલ. આ બાબતે માનવ અધિકારની બૂમબૂમ કરવી એ અતિશયોક્તિ કરીને વાતને વિકૃત સ્વરૂપ આપવા સમાન છે.
હવે એક છેલ્લો મુદ્દો. આપણા લશ્કરની ઇમેજ. હું તો માનું છું કે દુનિયામાં ક્યાંય લશ્કર હોવું જ ન જોઇએ, જેથી ક્યાંય યુદ્ધ જ ન થાય, છતાં માણસની અંદરની અસલામતીની ભાવના એને ક્યારેય એમ નહીં કરવા દે. આપણે લશ્કરનો ઉપયોગ આંતરિક સુરક્ષાના વહીવટી ઇલાજ માટે કરીએ છીએ એ પણ એક ટ્રેજડી છે. કાશ્મીરમાં લશ્કર જે કંઇ કરી રહ્યું છે એ વહીવટી કાર્યવાહી છે, યુદ્ધની કાર્યવાહી નહીં એ વાત મનમાં ઊતારવાનું બહુ જ જરૂરી છે. માનવ અધિકારના પ્રખર સમર્થકો આ નાની ભેદરેખા સમજવા તૈયાર નથી. આપણું લશ્કર કાશ્મીરમાં દુશ્મનો સાથે કરાય એવો વહેવાર ક્યારેય નહીં કરે એ હકીકત છે અને એ સ્વીકારવાની આપણી ફરજ છે. અલબત્ત, હિંસાના વાતાવરણમાં ક્યારેક કોઇ પગલાં હિંસક લાગે, પરંતુ એને આપણી કમનસીબી તરીકે સ્વીકારી લેવાં જોઇએ. ફાઇનલી, જીપે બાંધેલા એક કાશ્મીરી નાગરિકની ઇમેજ એ આપણા લશ્કરની ક્રૂરતાનું પ્રતિક નથી, આપણા રાજકારણીઓની નિષ્ફળતાનું અને આપણા લશ્કરની લાચારીનું પ્રતીક છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર