વિકલ્પો હોવા જોઇએ કે નહીં?
થમ્સ અપની એક ટીવી કમર્શિયલમાં સલમાન ખાનને બીજું કોઇ પીણું ઓફર કરવામાં આવે છે ત્યારે એ કહે છે કે કુછ ઔર? વો ક્યા હોતા હૈ? હમારી લાઇફ મેં કુછ ઔર કા તો ઓપ્શન હી નહીં હૈ. સલમાન ખાનની જગ્યાએ આપણે હોઇએ તો સલમાન જેવી મૂર્ખામી ન કરીએ. થમ્સ અપ ન મળે તો કંઇ એ મેળવવા માટે જોખમી સ્ટન્ટ ન કરીએ. આપણે તો કુછ ઔરથી ચલાવી લઇએ. અને થમ્બ્સ અપના કુછ ઔર એટલે કે વિકલ્પોમાં તો ઘણી મજેદાર આઇટમ્સ ઉપલબ્ધ છે. જેમ કે ફેન્ટા, માઝા, સોશ્યો અને ઇવન મરીમસાલા તથા લીંબુવાળી કાશ્મીરી સોડા પણ ચાલી જાય.
કુછ ઔર એટલે કે વિકલ્પોમાંથી પસંદગીઓ કરવાના પ્રસંગો માણસના જીવનમાં ડગલેને પગલે આવતા હોય છે. તમે શોપિંગ માટે નીકળો એટલે આખું બજાર વિકલ્પોથી ભરેલું હોય છે. તમે અખબાર કે મેગેઝિન ખોલો તો વાંચન માટેના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે. રાશિ ભવિષ્યથી માંડીને તમારા મનગમતા લેખકોની કૉલમ સુધીના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોય છે. ટીવીના પ્રાઇમ ટાઇમમાં ઢગલાબંધ મનોરંજક કાર્યક્રમોમાંથી તમારે મનગમતો કાર્યક્રમ પસંદ કરવાનો હોય છે. અરે, ન્યૂઝ ચેનલોમાં પણ ભાતભાતના વિકલ્પો ઉપલબ્ધ છે. ચારેતરફ વિકલ્પો જ વિકલ્પો છે. પણ અફસોસ. ફક્ત એક વાતનો વિકલ્પ ઉપલબ્ધ નથી હોતો. લગ્નમાં ઝંપલાવ્યા પછી પતિ માટે પત્ની સાથે ક્વોલિટી ટાઇમ વીતાવવા સિવાયનો કોઇ વિકલ્પ નથી હોતો.
વિકલ્પો માણસના જીવનમાં ક્યારથી આવ્યા હશે? એવું વિચારીએ કે એક જમાનમાં સતયુગ હતો અને ત્યારે બધા સાચું જ બોલતા, સાચા કામો જ કરતા. એ સમયે કદાચ કોઇને વિકલ્પની જરૂર જ નહીં પડી હોય. જે જીવન મળ્યું એનાથી લોકો સંતોષ માનતા હશે. ન કોઇ ફરિયાદ, ન કોઇ ફ્રસ્ટ્રેશન. લોકો હસતાં મોઢે જિંદગીના સુખદુઃખ સહન કરી લેતા હશે. પોતાની પાસે જે છે એ જ શ્રેષ્ઠ છે એવું માનવાની પ્રથા હશે. લોકો વિકલ્પ વિશે ક્યારેય વિચારતા જ નહીં હોય. તો પછી વિકલ્પ કેવી રીતે પેદા થયો? નિશ્ચિતપણે કોઇ પુરુષને બીજાની પત્ની વધુ સુંદર લાગી હશે અને એણે વિચાર્યું હશે કે મારા લગ્ન આવી સ્ત્રી સાથે થયા હોત તો કેવું સારું થયું હોત. અથવા તો શક્ય છે કે રાજ મહેલ જોઇને કોઇ મજૂરને અચાનક એવો વિચાર આવ્યો હશે કે મારે શા માટે આખી જિંદગી દુઃખો વેઠવાના? હું કેમ રાજા ન બની શકું?
માણસ કંઇક વધુ સારું પ્રાપ્ત કરવા માટે વિકલ્પ વિચારતો હોય છે. જે છે એનાથી વધુ સારું કંઇક મળી શકે એ જ વિકલ્પ. એ રીતે વિકલ્પો શોધાયા એ સારું જ થયું. જો આસપાસની દુનિયા વિશે માણસ જૂની માન્યતાઓને જ વળગી રહ્યો હોત તો વિજ્ઞાનની શોધખોળો થઇ જ ન હોત, નવી ટેકનોલોજી ન વિકસી હોત અને માણસનું જીવન અત્યારે છે એટલું કમ્ફર્ટેબલ ન હોત. વિકલ્પના કારણે જ માણસે કેટલીક નક્કામી પ્રથાઓને તિલાંજલિ આપી. એક સમય એવો હતો જ્યારે પતિના મૃત્યુ પછી એની પત્ની પાસે પતિની પાછળ સતી થઇ જવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. પણ વિકલ્પો આવ્યા અને આવી જુલમી પ્રથાઓનો અંત આવ્યો. મૂંઝવણમાં મૂકાયેલા માણસ માટે વિકલ્પો એક નવી દિશા ખોલી આપે છે અને ક્યારેક નવી સિદ્ધિ પણ અપાવે છે. પરીક્ષામાં પેપર ભલે ગમે એટલું અઘરું હોય, પણ એમાં એક બે ઓપ્શનલ ક્વેશ્ચન જરૂર હોય છે, જે વિદ્યાર્થીઓને રાહત આપે છે.
વિકલ્પો હંમેશાં સારા માટે નથી હોતા. ક્યારેક વિકલ્પો મુસીબત વધારી મૂકે છે. અનેક બાબતોમાં આપણે ઝડપથી નિર્ણયો નથી લઇ શકતા એનું કારણ વિકલ્પો છે. સામે જે વિકલ્પો પસંદ હોય એમાંથી એક જ પસંદ નથી કરી શકતા. સ્ત્રીઓ સાડીની દુકાનમાં જાય ત્યારે વિકલ્પોની ભરમાર વચ્ચે એ ખોવાઇ જાય છે અને કલાકો સુધી કંઇ પસંદ નથી કરી શકતી. પોતે નિર્ણય ન લઇ શકતી હોવાથી એ આસપાસના લોકોનો અભિપ્રાય પૂછે છે અને સામેથી અભિપ્રાય મળે એટલે એને પણ નકારી કાઢે છે. આખરે દુકાનદાર જબરજસ્ત ફેકંફેક કરીને એકાદ ચીજની પસંદગી સ્ત્રીના ગળે ઊતારી દે છે. નોકરીની બાબતમાં પણ અનેક લોકો ઉપલબ્ધ વિકલ્પોને અપનાવવામાં માનતા હોય છે. નોકરી પર જોડાવાના બીજા જ દિવસથી તેઓ વધુ સારી પ્રોસ્પેકટ્સની તલાશ શરૂ કરી દે છે. જરાક વધુ સારી ઓફર મળે કે તરત જૂની નોકરી છોડી દે છે. વધુ સારી નોકરી પર જોડાયા પછી એનાથી પણ વધુ સારા વિકલ્પોની તલાશ કરતા રહે છે. આ રીતે કરિયરનો મોટા ભાગનો સમય તેઓ નોકરીઓ બદલવાની કૂદાકૂદમાં જ વીતાવી નાંખે છે. બીજી તરફ એવા કેટલાય બોચિયા હોય છે, જેઓ જિદંગીમાં ફક્ત એક જ નોકરી કરે છે. પહેલી અને છેલ્લી. પચ્ચીસ ત્રીસ વર્ષ સુધી એક કંપનીમાં નોકરી કર્યા પછી નિવૃત્ત થાય ત્યારે એમને વિચાર આવે છે કે સાલુ મેં તો જીવનમાં કંઇ કર્યું જ નહીં. આવા લોકોએ ક્યારેય પોતાની નોકરીના વિકલ્પ વિશે વિચાર્યું જ નથી હોતું.
યુવાનોમાં વિકલ્પ બાબતે મોટો વિરોધાભાસ જોવા મળે છે. પ્રેમમાં પડેલા યુવાનને પોતાની પ્રેમીકા સિવાયની કોઇ પણ છોકરી સામે જોવાનું મન નથી થતું. રાજાને ગમી એ રાણી. પછી જ્યારે બ્રેકઅપ થાય ત્યારે આવા છોકરા દુખદ શાયરીઓ અને ગઝલના રવાડે ચડી જાય છે, કારણ કે એમને એમ લાગે છે કે દગો આપીને જતી રહેલી બેવફા પ્રેમીકાનો કોઇ વિકલ્પ જ નથી. સમય જતાં જોકે એ ઘા પર રૂઝ આવી જાય છે અને ભાઇશ્રી નવા વિકલ્પના પ્રેમમાં પડે છે. આની સામે બીજા કેટલાક યુવાનો બહુ પ્રેક્ટિકલ હોય છે. તેઓ પ્રેમમાં તો પડે છે, પરંતુ બ્રેક અપ થવાના અણસાર દેખાય કે તરત ખુમારીવાળું એટિટ્યુડ અપનાવી લે અને વિચારે કે તું નહીં તો કોઇ ઔર સહી. એટલે કે ફોલિંગ ઇન લવ? નો પ્રોબ્લેમ. બ્રેક અપ? નો પ્રોબ્લેમ. કારણ કે વિકલ્પો ઉપલબ્ધ છે.
વિકલ્પની બાબતમાં માણસની એટિટ્યુડ સૌથી વધુ મહત્ત્વની બની જાય છે. વિકલ્પના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. સિચ્યુએશન પ્રમાણે વિકલ્પો અપનાવવા કે ન અપનાવવા એમાં જ સમજદારી છે. મનમાં જો કોઇ મહત્ત્વકાંક્ષા હોય, કોઇ ધ્યેય સિદ્ધ કરવું હોય તો માર્ગ નક્કી કર્યા પછી બીજા બધા જ વિકલ્પો પર ચોકડી મારી દેવાનું જરૂરી છે. પીછેહઠ કરવાનો વિકલ્પ પણ ન રહેવો જોઇએ. અંગ્રેજીમાં આને 'બર્ન ઓલ ધ બ્રિજિસ બિહાઇન્ડ' કહે છે એટલે કે તમે જે પૂલ પાર કરીને આગળ વધ્યા એ પૂલ જ તોડી નાંખો, જેથી પાછળ જવાનો વિકલ્પ જ ન બચે.
દોસ્તીના કમિટમેન્ટ, પ્રેમસંબંધમાં વફાદારી, પરિવારજનો માટેની લાગણી આ બધી એવી બાબતો છે, જેમાં કોઇ વિકલ્પો ન હોવા જોઇએ. નાના મોટા લાભ માટે આવા મૂળભૂત મૂલ્યોની બાબતે સમાધાન ન થઇ શકે. માટે એમાં કોઇ વિકલ્પ વિશે ન વિચારવાનું હોય.
વિકલ્પ રાખવાનું એક વાતમાં બહુ જ જરૂરી છે. આપણી આસપાસની દુનિયા વિશે અને આપણા સંપર્કમાં આવતા લોકો વિશે આપણે જે ધારણાઓ બાંધીએ છીએ, જે માન્યતાઓ ધરાવીએ છીએ એમાં વિકલ્પનો અવકાશ જરૂર રાખવો. આપણે ખોટા હોઇએ એ શક્ય છે. જો વિકલ્પ ખુલ્લો રાખીશું તો જ નવું કંઇક શીખવા મળશે. કુછ ઔર એટલે કે વિકલ્પનો ટેસ્ટ થમ્સ અપ કરતાં ઘણો વધુ ટેસ્ટી હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર