આપણું કાશ્મીર, આપણો પ્રશ્ન

28 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

એક તરફ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનતા પક્ષે પીડીપી સાથે જોડાણ કર્યું છે અને બીજી તરફ પાકિસ્તાનના રાજદૂતે હુરિયતના અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી. મંત્રણા પછી હુરિયતના એક હરામખોર નેતાએ એમ કહ્યું કે હિન્દુસ્તાને પઠાણકોટ અને એવી બધી ઘટનાઓને ભૂલીને આગળ વધવું જોઈએ. એટલે કે બધુ ભૂલીને કાશ્મીર પ્રશ્ને પાકિસ્તાન સાથે ચર્ચા કરવી જોઇએ. એંધાણ સારા નથી.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પહેલા એમની છાપ એવી હતી કે તેઓ હોદ્દો ગ્રહણ કરે ત્યાં સુધીમાં તો પાકિસ્તાન ભારતને શરણે આવી જશે, પરંતુ સાહેબે તો શપથવિધિમાં નવાઝ શરીફને આમંત્રણ આપીને છાતીનો ઘેરાવો ઓછો કરી નાંખ્યો. વાંધો નહીં, આશાવાદી લોકોએ એવું વિચાર્યું કે સાહેબ કોઇક ઊંડો વ્યૂહ ઘડીને પછી પાકિસ્તાનને ભીંસમાં લેશે. વાતને બે વર્ષ વીતી ગયા. સરકાર પાકિસ્તાન અને પીડીપી જેવા પક્ષો સાથે દોસ્તી વધારતી ગઈ છે અને દેશના વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહી છે.

ખરેખર કાશ્મીરમાં પ્રોબ્લેમ શો છે? આપણા કમનસીબ છે કે આપણી કોઈ સરકારે પ્રશ્નને ગંભીરતાથી લીધો નથી. જ્યારે જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો પ્રશ્ન ઊઠાવે ત્યારે આપણી સરકાર એવો વાંધો ઊઠાવે છે કે પ્રશ્ન બે દેશો વચ્ચેનો છે એટલે પાકિસ્તાન એને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊઠાવી શકે. કાશ્મીર પ્રશ્ને પાકિસ્તાન સાથે આપણે કોઈ નક્કર વાતચીત કરતા નથી, કારણ કે આપણે એની સાથે ત્રાસવાદને લગતા અન્ય પ્રશ્નો સાંકળી લેવા માગીએ છીએ.

ભારત માટે હવે કાશ્મીરનો પ્રશ્ન એક મોટી સમસ્યા બની ગયો છે અને એના ઉકેલ માટે કલ્પનાશીલ રાજનેતાઓની જરૂર છે. આવા પોલિટિકલ રાજનેતાઓ કામ નહીં આવે. કાશ્મીરની મૂળ સમસ્યામાં પહેલા ફક્ત ભારત અને પાકિસ્તાન બે પાર્ટીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે કાશ્મીરના રાજા હરીસિંહે ભારત સાથે જોડાવાની બાબતે જે ગલ્લાંતલ્લાં કર્યા એમાં પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું અને હજારો કાશ્મીરીઓની હત્યા થઈ. ત્યાર પછી પ્રદેશનો અડધો ભાગ પાકિસ્તાનમાં રહી ગયો અને બાકીનો ભારત સાથે જોડાયેલો રહ્યો. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન બંને સંપૂર્ણ કાશ્મીર પોતાનું હોવાનો દાવો કરતા રહ્યા, પરંતુ મામલો પ્રમાણમાં શાંત હતો.

ત્યાર પછી અમેરિકાની મદદથી પાકિસ્તાન પાસે આધુનિક શસ્ત્રો આવ્યા અને તેઓ ગેરીલા વોરની ટેકનિક શીખ્યા. નવી તાકાતને કારણે પાકિસ્તાનને ભારતનું કાશ્મીર પડાવી લેવાની કુબુદ્ધિ સૂઝી. 1965માં પાકિસ્તાને ઓપરેશન ગિબ્રાલ્ટરનો એક પ્લાન બનાવ્યો. અનુસાર તેમણે 30,000 ઘૂસણખોરોને મોકલ્યા. પ્લાન મુજબ ઘૂસણખોરો સ્થાનિક કાશ્મીરીઓને ઉશ્કેરીને ભારત સામે જંગ છેડવાના હતા, પરંતુ એમના અરમાન પૂરાં થયા, કારણ કે સ્થાનિક કાશ્મીરીઓએ એમને સપોર્ટ આપ્યો. પછી તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુલ્લેઆમ જંગ છેડાયો અને આખરે પાકિસ્તાને પોતાની હાર સ્વીકારવી પડી.

ત્યાર પછી 1971ના પ્રસિદ્ધ યુદ્ધ દ્વારા ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરાવીને બંગલા દેશને આઝાદ કરાવ્યું. આમ તો ઘટનાને કાશ્મીર સાથે કોઇ લેવાદવા નહોતી, પરંતુ પરાજયના ઘા પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ અને એમના વંશજો પર એવા પડ્યા કે કાશ્મીર બાબતે એમણે ભારતની સાથે જિદંગીભર લડતા રહેવાની કસમ ખાઈ લીધી.

આપણા કાશ્મીરમાં એંશીના મધ્ય ભાગ સુધી કોઇ મોટી સમસ્યા નહોતી. પ્રજા ખુશ હતી. પરંતુ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના નેતાઓ વિસ્તારમાં ગંદુ રાજકારણ રમ્યા, જેના કારણે સ્થાનિક કાશ્મીરીઓમાં અસંતોષ પેદા થયો. 1987ની ચૂંટણીઓમાં કાશ્મીરના અનેક રૂઢિવાદી મુસ્લિમ રાજકીય પક્ષો એક થઈને મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટના નેજા હેઠળ સંયુક્ત રીતે ચૂંટણી લડ્યા, પણ એમને 43માંથી ફક્ત 4 બેઠકો મળી. જોકે ચૂંટણીઓમાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસે બહુ મોટી ઘાલમેલ કરી હતી. બસ, ત્યારથી કાશ્મીરમાં અસંતોષની ચિનગારી ભડકી અને ધીમે ધીમે મોટી જ્વાળા બની ગઇ.

પાકિસ્તાનની મદદથી કાશ્મીરના યુવાનોને ઉશ્કેરવાનું શરૂ થયું. કાશ્મીરમાં હિંસાચાર શરૂ થયો. સ્થાનિક હિન્દુ પંડિતોને તગેડી મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ. હિન્દુસ્તાન વિરુદ્ધની લાગણી પ્રસરવા માંડી. કોઈ પણ વિસ્તારમાં અશાંતિ ફેલાય એટલે સ્વાભાવિક છે કે સલામતી દળોની મદદ લેવામાં આવે. કાશ્મીરમાં પણ લશ્કરને ગોઠવવામાં આવ્યું. એક તરફ પ્રજાની આર્થિક હાલાકી, બીજી તરફ ભ્રષ્ટ સ્થાનિક સરકાર, ત્રીજી તરફ પાકિસ્તાનની છૂપી ઉશ્કેરણી અને સમસ્યાને સાચા સ્વરૂપમાં સમજવાની કેન્દ્ર સરકારની સદંતર નિષ્ફળતા. બધા કારણોસર કાશ્મીર એક સળગતી સમસ્યા બની ગઈ. સ્થિતિનો લાભ લેવા માટે રાજ્યના 26 જેટલા રૂઢિચુસ્ત રાજકીય પક્ષો તથા સંગઠનોએ સાથે મળીને 1993માં ઓલ પાર્ટીઝ હુરિયત કોન્ફરન્સની સ્થાપના કરી. લોકો કાશ્મીરને આઝાદી મળવી જોઈએ એવી ખુલ્લી માંગણી કરે છે અને આથી તેઓ દેશની લોકશાહી પ્રણાલી અનુસાર યોજાતી ચૂંટણીઓમાં પણ ભાગ નથી લેતા. સ્વાભાવિક છે કે પાકિસ્તાન આવા સંગઠનને પૂરેપૂરો સપોર્ટ આપી રહ્યું છે.

બધામાં વધારાની એક સમસ્યા છે કે કાશ્મીરના સ્થાનિક લોકોને લશ્કરની હાજરી પસંદ નથી. લશ્કર દ્વારા રાજ્યમાં અતિશયોક્તિ થઈ હોવાનું કેટલાક આંતરરાષ્ટ્રીય સંગઠનોએ જણાવ્યું છે, પરંતુ મામલે હજુ સુધી લશ્કરના કોઈ કર્મચારી સામે પગલાં લેવામાં આવ્યા નથી. કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (એએફએસપીએ) લાગુ છે અને એના દ્વારા સલામતી કર્મચારીઓને વિશેષ સત્તા મળે છે. કાશ્મીરીઓ ઈચ્છે છે કે કાયદો પાછો ખેંચી લેવામાં આવે. કાશ્મીરમાં ભારત વિરોધી નારા લાગે છે, રાષ્ટ્રનો ધ્વજ બાળવામાં આવે છે, પાકિસ્તાનના ધ્વજ લહેરાવવામાં આવે છે.

તો હવે ઉકેલ શો છે? અમુક લોકો એવું માને છે કે કાશ્મીરમાં કોઈ પણ પ્રકારના અસંતોષને કડક હાથે ડામી દેવો જોઇએ. પરંતુ આજના સમયમાં શક્ય નથી. કોઈ એવો મત વ્યક્ત કરે છે કે કાશ્મીરમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ, જેથી લોકો સુખી થાય અને રાજકીય સમસ્યા ભૂલી જાય. હાલની એનડીએ સરકારે કદાચ આવા પ્લાન સાથે પીડીપી સાથે જોડાણ કર્યું છે, પરંતુ માર્ગ વ્યવહારુ નથી. પહેલું તો પીડીપીએ દેશ પ્રત્યેની પોતાની વફાદારી પૂરવાર કરવાની જરૂર છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ પાસેથી પણ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ પ્રજાને પોતાની સાથે રાખશે અને કેન્દ્ર સાથે ઘનિષ્ઠતા વધારશે. એના બદલે મુફ્તી સાહેબે તો ચૂંટણીઓ જીતીને તરત પાકિસ્તાનનો આભાર માન્યો, ચૂંટણીઓ શાંતિપૂર્ણ યોજવા દીધી માટે! ત્યાર પછી એમણે મસરત આલમ સહિતના કેટલાક ત્રાસવાદીઓને મુક્ત કર્યા. ટૂંકમાં, પીડીપી પણ કોઇ ભરોસાપાત્ર પક્ષ નથી.

ભારતના ઘણા બૌદ્ધિકો અને વિચારકો એવો મત ધરાવે છે કે કાશ્મીરની પ્રજા જ્યારે આપણી સાથે નથી તો એના પર કબજો જમાવી રાખવાનો શો અર્થ છે? લોકો સૈદ્ધાંતિક રીતે એવો મત વ્યક્ત કરે છે કે કાશ્મીરને આઝાદી મળે દિશામાં ભારતે વિચારવું જોઇએ.

મત આમ તો બહુ ખતરનાક છે, છતાં એક લિબરલ તરીકે, એક બૌદ્ધિક તરીકે તમે દિશામાં વિચારો તો પણ સાર્થક નથી લાગતો. માટે ઘણા કારણો છે. પહેલું તો કાશ્મીરી પ્રજા પૂર્ણપણે દેશની વિરુદ્ધમાં છે એમ માની શકાય નહીં. કારણ કે વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રાસવાદીઓની ધમકી અને ભય છતાં કાશ્મીરીઓ મોટા પ્રમાણમાં મતદાન કરે છે. અને ભારતની લોકશાહી પ્રક્રિયાને તેઓ સન્માન આપે છે.

બીજું, કાશ્મીરની સંસ્કૃતિ મૂળભૂત રીતે ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે. રહેણીકરણીથી માંડીને રીતરિવાજોમાં કાશ્મીર ભારતના અન્ય પ્રદેશથી ખાસ અલગ નથી. કાશ્મીરની સામાન્ય પ્રજા હજુ પણ ભારતને પોતાનો દેશ માને છે.

સૌથી મોટી વાત તો છે કે કાશ્મીરીઓને પાકિસ્તાન પર કોઈ ભરોસો નથી. અલબત્ત, પાકિસ્તાન આત્યારે કાશ્મીરને આઝાદી આપવાની વાત કરે છે, પરંતુ પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાનને (પીઓકે) આઝાદ કરવા તેઓ ક્યારેય સહમત નહીં થાય. પીઓકેમાં પાકિસ્તાન દ્વારા જે જુલમ થાય છે એના અહેવાલો પણ અવારનવાર બહાર આવતા હોય છે. પાકિસ્તાનને તો કાશ્મીરનું નામ લઈને ભારત પર વેર વાળવા સિવાય બીજા કશામાં રસ નથી.

ખરેખર તો કાશ્મીરની પ્રજાનું ભલું ઈચ્છે એવા કોઈ નેતા ત્યાં નથી. હુરિયતના નેતાઓ તો સત્તાની લાલચમાં કાશ્મીરને વેચી દે એવા છે. નેતાઓએ અઢળક સંપત્તિ એકઠી કરી છે અને સૌ જાણે છે. કાશ્મીરની આઝાદીના નામે તેઓ પાકિસ્તાન પાસેથી પૈસા પડાવી રહ્યા છે.

આવા સંજોગોમાં એનડીએ સરકારની કાશ્મીર નીતિ અધકચરી છે. પીડીપી સાથે મળીને સરકાર બનાવવી હોય તો બનાવો, પણ બાકીનું બધુ કડક હાથે બંધ કરી દો. એક કન્હૈયા સામે તમે પૂરતા પૂરાવા વિના દેશદ્રોહનો આરોપ લગાવો છો અને કાશ્મીરની આઝાદી માટે ખુલ્લેઆમ માગણી કરતા હુરિયતના નેતાઓને તમે કંઈ કરી નથી શકતા. આનો શો મતલબ છે?

પાકિસ્તાન બાબતે પણ ભારતે મક્કમ રહેવાની જરૂર છે. જો એમનો રાજદૂત અહીંના હુરિયતના નેતાને મળે તો આપણે શા માટે ચલાવી લેવું જોઇએ? ખરું કે પાકિસ્તાન પોતે પણ ત્રાસવાદનો ભોગ બની રહ્યું છે અને ત્યાનાં ઉદારમતવાદી લોકો ભારત સાથે સારા સંબંધો ઈચ્છે, છતાં જેમની પાસે ખરી સત્તા હોય એમની સાથે દોસ્તી વધારવાનો કોઈ અર્થ નથી. પાકિસ્તાન સાથે ભારતે નામ પૂરતા સંબંધ રાખીને બીજી બધી બાબતોમાં એને એકલું છોડી દેવું જોઈએ. દેશમાં જ્યાં સુધી લશ્કરનો હાથ ઉપર છે ત્યાં સુધી એની સાથે કોઈ મીઠી મંત્રણા ફળદાયી નહીં નીવડે. અલબત્ત, આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જીભ કચરી છે એટલે પાકિસ્તાન બાબતે વાતચીત કરવી પડે તો કરવાની, પણ જરૂરી નથી કે કોઈ નિર્ણય પર આવવું. ત્રાસવાદને પોષવાના પ્રશ્ને પાકિસ્તાન જેમ ગલ્લાંતલ્લાં કરે છે એવા ગલ્લાંતલ્લાં આપણે કાશ્મીર બાબતે કરી શકીએ. આપણા કાશ્મીરની સમસ્યા આપણે ઉકેલવાની છે. એમાં પાકિસ્તાનની પણ જરૂર નથી અને હુરિયતની પણ જરૂર નથી.

કાશ્મીરમાં અત્યારે કોઈ વિકલ્પ નથી એટલે કેન્દ્ર સરકારે પીડીપીને ભલે સમર્થન આપ્યું, પરંતુ સમયાંતરે એનું મૂલ્યાંકન થતું રહેવું જોઇએ અને જો પીડીપી સ્થાનિક પ્રજાને દેશના મુખ્ય પ્રવાહ સાથે મેળવવાની દિશામાં કોઈ નક્કર પગલાં ભરે તો આવો સપોર્ટ અર્થપૂર્ણ છે. પીડીપી જો કેન્દ્રની કઠપૂતળી તરીકે કામ કરે તો દેશને લાભ છે, નહીં તો પણ હુરિયતની લાઈન પર ચાલવા માંડશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.