લોકચાહનાઃ મોદીની અને ટ્રમ્પની
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં ચકચાર જગાવી રહ્યા છે. તેઓ ચૂંટણી વખતે જે ભાષણો કરતા હતા એમાંય ઘણા વિવાદાસ્પદ વિધાનો કરતા હતા અને ત્યારે પણ મોટા વિવાદ થતાં હતા, પરંતુ એની અસર બહુ આકરી નહોતી થતી, કારણ કે ત્યારે તેઓ હજુ દેશના પ્રમુખ નહોતા બન્યા અને છેલ્લે સુધી એવી શક્યતા હતી કે તેઓ પ્રમુખ નહીં બને. ત્યાર પછી ચૂંટણીના પરિણામ આવ્યા અને આખા વિશ્વને જાણે મોટો આંચકો લાગ્યો હોય એમ સન્નાટો ફલાઇ ગયો. ચૂંટણીના વિજય પછી પણ અમેરિકાના લોકોએ ધાર્યું નહોતું કે ટ્રમ્પ આટલા ઝડપી પોતાનો એજન્ડા અમલમાં મૂકી દેશે.
હવે મુસ્લીમો અને વસાહતીઓ બાબતે ટ્રમ્પે જે સપાટો બોલવ્યો છે એના લીધે અમેરિકામાં વિરોધ ફાટી નીકળ્યો છે. આમ તો ટ્રમ્પ પ્રમુખ બન્યા એ જ દિવસે અનેક લોકોએ એની વિરુદ્ધમાં દેખાવો કર્યા હતા અને દુનિયાને એવા બેનરો બતાવ્યા હતા કે આ માણસ અમારો પ્રમુખ ન બની શકે. હવે વાસ્તવિકતા સામે આવીને ઊભી છે. રાષ્ટ્રના પ્રમુખ તરીકે ટ્રમ્પ પોતાની નીતિઓનો અમલ કરી રહ્યા છે અને અમેરિકામાં વાતારવરણ એકદમ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે.
આમ તો ડોનાલ્ડ ટ્રમ્પની જેમ નરેન્દ્ર મોદી પણ કંઇક આવા જ સંજોગોમાં ભારતના વડા પ્રધાન બન્યા હતા. ભારતમાં 2014મા લોકસભાની ચૂંટણીઓ યોજાઇ ત્યારે નરેન્દ્ર મોદીની સામે હરીફો સાવ નબળા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પણ હિલેરી કન્લિન્ટન નબળા ઉમેદવાર હતા. એક મહિલાને અમેરિકા પ્રમુખ તરીકે સ્વીકારે કે નહીં એ પ્રશ્ન છેવટ સુધી અનુત્તર રહ્યો હતો અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે લોકપ્રિયતા મેળવવા માટેની નૌટંકી શરૂ કરી દીધી હતી. અમેરિકા જેવા રાષ્ટ્રમાં પ્રમુખપદનો ઉમેદવાર સંકુચિત વિચારો પ્રગટ કરે અને એના નામે મત માગે એ વાત જ અભૂતપૂર્વ હતી, છતાં સંજોગો એવા સર્જાયા કે ડોનાલ્ડ ટ્રમ્પને, એમના વિચારોને સ્વીકૃતિ મળતી ગઇ. ભારતમાં જેમ નરેન્દ્ર મોદીના ભક્તો છે એમ અમેરિકામાં પણ ટ્રમ્પના ભક્તો પેદા થયા.
ડોનાલ્ડ ટ્રમ્પે કઇ વાતોથી લોકોને આકર્ષવાની કોશિશ કરી? છાશવારે વિશ્વભરમાં થતાં ત્રાસવાદી હુમલાથી ડરેલા અમેરિકનોની લાગણીને ટ્રમ્પે ઢંઢોળી. ત્રાસવાદ માટે મુસ્લિમ શરણાર્થી તથા સ્થાનિક મુસ્લિમોને આડકતરી રીતે જવાબદાર ગણીને એમની સામે કડક પગલાં ભરવાની વાતો કરી. તદ્દન અતાર્કિક વાત અમેરિકાના એક નાનાં વર્ગને અપીલ કરી ગઇ. આ ઉપરાંત વસાહતીઓને મળતી સુવિધાઓ વિશે ટ્રમ્પે બળાપો કાઢવાનું શરૂ કર્યું. બેરોજગારીની સમસ્યાથી ઘેરાયેલા અમેરિકનોના એક નાના વર્ગને આ સંકુચિત વિચાર પણ ગમી ગયો. મજાની વાત એ છે કે ભારતના મોદીભક્તોની જેમ ટ્રમ્પના ભક્તો પણ બોલકાં છે. તેઓ ટ્રમ્પના સમર્થનમાં જોરદાર દલીલો કરતા થઇ ગયા. પ્રમુખપદની ચૂંટણીમાં છેવટ સુધી સસ્પેન્સ ટકી રહ્યો હતો, પણ છેલ્લી ઘડીએ ટ્રમ્પના ચાહકો મેદાન મારી ગયા.
આમ તો અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારત વિશેષ રસ નથી લેતું, કારણ કે જીતે કોઇ પણ, ત્યાંના પ્રમુખ પોતાના જ દેશનું હીત સૌથી પહેલા જુએ એ આપણે વર્ષોના અનુભવથી સમજ્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પનો મામલો અલગ રહ્યો. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનો રંગ જામી રહ્યો હતો એ વખતે ભારતમાં અચાનક ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં હવા ફેલાવા માંડી. આ હવા નરેન્દ્ર મોદીના ભક્તોમાં ફેલાઇ હતી. ભારતના જમણેરી વિચારસરણી ધરાવતા લોકોને ડોનાલ્ડ ટ્રમ્પમાં નરેન્દ્ર મોદીના દર્શન થયા. એમને લાગ્યું અરે, આ તો આપણાવાળા છે. કારણ એ કે ટ્રમ્પે મુસ્લિમોની વિરુદ્ધમાં કડક નીતિ અપનાવવાના ચૂંટણીવચનો આપ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય ભક્તોમાં એવા તો પ્રિય બની ગયા કે એમની જીત માટે દેશમાં યજ્ઞો થયા અને એમનો હેપી બર્થ ડે પણ અહીં ઉજવવામાં આવ્યો.
ત્યારે ભક્તોએ એ ન વિચાર્યું કે ટ્રમ્પ વસાહતીઓ બાબતે પણ એવા જ આકરા બનવાના છે અને વસાહતીઓ એટલે એમાં અમેરિકાસ્થિત ભારતીયો પણ આવી ગયા. વસાહતીઓને લગતી ટ્રમ્પની નવી નીતિને લીધે અમેરિકામાંના ઘણા ભારતીયો મુશ્કેલીમાં આવી ગયા છે અને ભારતની આઇટી ઇન્ડસ્ટ્રીને જબરદસ્ત નાણાંકીય નુકસાન થયું છે.
ભક્તોના તો ગ્રહો જ ખરાબ છે. અહીં દેશમાં પણ પોતાની ઇચ્છા મુજબ કંઇ નથી બની રહ્યું અને આ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિમાસરણમાં મૂકી દીધા. ભારતીય મૂળના લોકોને નુકસાન થાય એવી ટ્રમ્પની નીતિને કઇ રીતે સપોર્ટ કરવો?
નરેન્દ્ર મોદીના ચાહકો તો એવી પણ આશા રાખીને બેઠા હતા કે ઓબામાની સાથે જો આપણા વડા પ્રધાનને આટલો સારો રેપો થયો તો ટ્રમ્પ સાથે તો જિગરજાન દોસ્તી થઇ જશે, પરંતુ ટ્રમ્પ વિશે કોઇ પણ ધારણા કરવાનું મુશ્કેલ છે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કેવા સંબંધો બંધાશે એ વિશે કંઇ જ કહી શકાય નહીં, પણ એક વાત નક્કી છે કે આ બંને નેતાઓમાં ઘણું સામ્ય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મુખ્ય સમસ્યા બેરોજગારીને દૂર કરવાની અને અર્થતંત્રને મજબૂત બનાવવાની છે. એના બદલે એમણે ત્રાસવાદ અને વસાહતીઓની સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. નરેન્દ્ર મોદી સામે પણ અનેક સમસ્યાઓ હતી, જેના સિંગલ વિન્ડો સોલ્યુશન તરીકે એમણે વિકાસને કેન્દ્રમાં રાખવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી પણ એ મુદ્દાથી અલગ થઇ ગયા છે અને કોંગ્રેસમુક્ત ભારતના મુદ્દા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ખરેખર તો બંને નેતાઓ દેશ સામેના પ્રશ્નોને હાથ ધરવામાં કોઇ ઊંડાણભર્યા વિચારો કે નીતિ ધરાવતા નથી. ફક્ત પ્લેઇંગ ટુ ધ ગેલેરીની નીતિથી આખા દેશનું તંત્ર કઇ રીતે ચાલી શકે?
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના એક સાથે થયેલા ઉદયમાં ઘણાને ઊંડી થિયરી કામ કરતી જણાય છે. તેઓ માને છે કે હવે વિશ્વભરમાં કટ્ટર જમણેરીઓનો સમય આવ્યો છે. રાષ્ટ્રની સંકુચિતતા હવેની આંતરરાષ્ટ્રીય નીતિઓ નક્કી કરશે વગેરે. હકીકતમાં આવી થિયરીમાં કોઇ દમ નથી લાગતો. નરેન્દ્ર મોદી ભારે બહુમતીથી સત્તા પર બેઠા છે, છતાં જમણેરી કહી શકાય એવી કોઇ જ નીતિનો અમલ કરવાનું એમણે ટાળ્યું છે. એમના પક્ષના નેતાઓ ભલે કોમવાદી નિવેદનો કરતા રહે, પરંતુ એવી કોઇ નીતિલક્ષી સંકુચિતતા સામે આવી નથી. અઢી વર્ષમાં જે કંઇ બન્યું છે એ અણઆવડતનો ફક્ત સરવાળો જ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી કરતાં ઘણા કાચાં રાજકારણી છે. વાસ્તવિકતા એમને કદાચ મોડી સમજાશે અને ત્યારે એ પણ સમજાશે કે એક સમગ્ર સમુદાયને હાંસિયામાં ધકેલીના આગળ વધવાનું શક્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પને ઝડપથી બધુ કરવું છે, પરંતુ એમની ઝડપ જ અમેરિકનોમાં ડર પેદા કરશે અને એમના હાથ બાંધી રાખશે. હવે તો ટ્રમ્પની માનસિક સ્વસ્થતા વિશે પણ પ્રશ્નો ઊભા થયા છે. આમ છતાં વિશ્વના સૌથી સત્તાધારી દેશની લગામ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે. જોઇએ આગળ શું થાય છે.
મોદી અને ટ્રમ્પ. આ બંને નેતાઓ ખૂબ જ લોકપ્રિયતાના આધારે સત્તા પર આવ્યા છે અને બંને પાસેથી મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીને સત્તા પર આવ્યાને અઢી વર્ષ થઇ ગયા અને એમનો ચાર્મ ઓછો થઇ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હજુ તો શરૂઆત પણ નથી કરી. તેઓ શું કરી શકશે કે નહીં કરી શકે એના પર મોટું પ્રશ્નાર્થચિહ્ન છે. એક વાત નક્કી છે કે જ્યારે ભવિષ્યમાં આ બંને નેતાઓ રાજકીય તખ્તા પરથી અદૃશ્ય થઇ જશે ત્યારે ઇતિહાસ એમને વિશેષ રીતે યાદ કરશે. આ એવા નેતાઓ છે, જેઓ લોકપ્રિયતા નહીં, પણ લોકઉન્માદને કારણે સત્તા પર આવ્યા. પછીનો ઇતિહાસ તેઓ કેવો રચી શકશે તો પ્રજાના નસીબ પર નિર્ભર છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર