પાકિસ્તાનને પ્રોબ્લેમ શું છે?

11 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

આજકાલ વડીલોની વાત ગમતી ન હોય અને સમજાતી ન હોય ત્યારે યંગસ્ટર્સ બે વાક્યો વારંવાર બોલતા હોય છે. એક તો 'પકાવો નહીં' અને બીજું 'તમને પ્રોબ્લેમ શું છે?' છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન આપણી સાથે જે રીતે વર્તી રહ્યું છે એના કારણે પહેલા આપણને ગુસ્સો ચડે અને પછી મનમાં પ્રશ્ન થાય કે આ પાકિસ્તાનને પ્રોબ્લેમ શું છે?

પાકિસ્તાન સાથેના આપણા સંબંધો અને એની સાથે સંકળાયેલા પ્રશ્નો એવા ગૂંચવાઈ ગયા છે કે એનો કોઈ દેખીતો ઉકેલ જ ન મળે. જરા વિચારી જૂઓ. યુપીએની સરકાર હતી ત્યારે પણ પાકિસ્તાનમાં તાલીમ પામેલા ત્રાસવાદીઓ ભારતમાં આવીને તોડફોડ કરતા હતા. ત્યારે પણ પાકિસ્તાનમાં ત્રાસવાદીઓને તાલીમ આપવાની છાવણી કાર્યરત હતી. એ સમયે યુપીએ અને કોંગ્રેસ પાકિસ્તાન સામે કોઈ આકરા પગલાં લેવાને બદલે એની સાથે વાટાઘાટો કરવાનું પસંદ કર્યું. એ સમયના વિરોધ પક્ષ એટલે કે હાલના સત્તા પક્ષ, ભારતીય જનતા પક્ષે એ સરકારની ટીકા કરવામાં કશું બાકી ન રાખ્યું. દેશભક્તિનો ઈજારો જાણે ભાજપ પાસે જ હોય એમ પાકિસ્તાનને ઠેકાણે પાડી દેવાની વાતો સંઘ પરિવાર અને ભારતીય જનતા પક્ષે બહુ કરી. ખરેખર તો નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી વખતે એવી હવા ઊભી કરી હતી કે જો તેઓ સત્તા પર આવશે તો પાકિસ્તાન મિયાંની મિંદડી બની જશે અને ત્રાસવાદને લગતી આપણી બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી જશે. પરંતુ પરીકથામાં અને રામકથામાં બને એવું આધુનિક જગતમાં બનતું નથી.

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેની પોતાની શપથવિધિમાં જ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને આમંત્રણ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. જોકે પક્ષના કેટલાક પ્રવક્તાઓએ એવો ખુલાસો કર્યો કે આમંત્રણ તો દરેક દેશને રૂટિન કોર્સમાં આપવામાં આવ્યું હતું. નવાઝ શરીફ હરખઘેલા થઈને એ સ્વીકારી લે એમાં અમે શું કરીએ? વેલ. એ બહાનું સ્વીકારી શકાય એવું હતું.

પરંતુ ત્યાર પછી જે ઘટનાઓ બની છે એમાં નરેન્દ્ર મોદી અને એનડીએ સરકારને ન છાજે એવું વલણ એમણે અપનાવ્યું. એનડીએ સરકારે પાકિસ્તાન સાથેની અનેક બાબતે ઢીલું મૂકવાનું શરૂ કર્યું. પાકિસ્તાન દ્વારા વારંવાર થતો અંકુશરેખાનો ભંગ, સરહદ પર થતાં છમકલા, ભારતીય જવાનોની શહીદ બની જવાની વાંરવારની ઘટનાઓ જાણે ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઈને કોઠે પડી ગઈ. લોકો એવી ધારણા રાખીને બેઠા હતા કે પાકિસ્તાન સાથે નરેન્દ્ર મોદી કડકમાં કડક વલણ અપનાવશે. કેટલાક લોકો તો એવો ડર અનુભવતા હતા કે નરેન્દ્ર મોદી યુદ્ધ ન કરી બેસે. આનાથી સાવ ઊલટુ થયું અને નરેન્દ્ર મોદીએ તો ભાંગી પડેલી મંત્રણાઓ ફરીથી શરૂ કરવાની હિલચાલ કરી. આનાથી એમના ભક્તો તો નારાજ થઈ ગયા. ભક્તો પરનો છેલ્લો વાર નવાઝ શરીફના જન્મદિને શુભેચ્છા આપવા માટે પાકિસ્તાનની આકસ્મિક મુલાકાત લેવાનો હતો. અને એ ઘટનાને પગલે પઠાણકોટના હુમલાની ઘટના બની.

નરેન્દ્ર મોદી એટલા ભલા નથી કે વિના કારણ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની કોશિશ કરે. તેઓ એટલા મૂર્ખ પણ નથી કે પાકિસ્તાન સાથે આવું સાવ ઊલટું વલણ અપનાવવાથી ભક્તોમાં અને એકંદર પ્રજામાં એમની છાપ કેવી પડશે એનો એમને અંદાજ ન હોય.

સમજવાની વાત એ છે કે જે મજબૂરી યુપીએ સરકારની હતી એ જ મજબૂરી એનડીએ સરકારની છે. પાકિસ્તાનને ઠેકાણે પાડી દેવાની વાતો કરવાનું આસાન છે, પણ એનો અમલ કરવાનું મુશ્કેલ છે એ વાત ભાજપના નેતાઓને સત્તા પર આવ્યા પછી સમજાઈ છે.

શી છે પાકિસ્તાન સાથેની આપણી મજબૂરી? શા માટે પાકિસ્તાન એક માથાંનો દુઃખાવો બની ગયું છે અને આનો ઈલાજ શો છે? પાકિસ્તાન સાથેની સમસ્યા સમજવા માટે પાકિસ્તાનને સમજવાનું જરૂરી છે. આપણા મનમાં પાકિસ્તાનની છાપ જો એક સંયુક્ત દેશ તરીકેની હોય તો આપણી પહેલી ભૂલ ત્યાં જ થાય છે. કાશ્મીર સમસ્યા બાબતે પાકિસ્તાનીઓ જે રીતે એક થઈને શોરબકોર કરતા હોય છે એ જોઈને આપણને એમ લાગે કે આ પાકિસ્તાનીઓ એક જ છે. હકીકત સાવ જુદી છે. પાકિસ્તાનમાં ખરેખરતો એક મિનિ ભારત વસે છે. ભાગલા પહેલા બંને દેશો એક હતા. બંને દેશોની સંસ્કૃતિ અને લોકોની માનસિકતામાં અનહદ સામ્ય છે. ભારત અને પાકિસ્તાનની પ્રજા એકબીજા સાથે બહુ ગાઢ રીતે સંકળાયેલી છે. આથી જ પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો લોકપ્રિય બને છે અને ભારતમાં પાકિસ્તાની કલાકારોની કદર થાય છે. પાકિસ્તાનમાં ફક્ત શાહરૂખ ખાન અને સલમાન ખાન જ લોકપ્રિય નથી. અક્ષય કુમાર અને મહેન્દ્ર સિંહ ધોની પણ લોકપ્રિય છે.

ભારત સાથે સારા સંબંધો ઈચ્છતી પ્રજા એ પાકિસ્તાનની વાસ્તવિકતાનો એક ભાગ છે. આ દેશની બીજી વાસ્તવિકતા ત્યાંનું સૈન્ય અને આઈએસઆઈ છે. પાકિસ્તાની સૈન્યને ત્યાંની પ્રજા કે પ્રજાની આકાંક્ષા સાથે કોઈ સંબંધ નથી. સૈન્યનું કામ ફક્ત એક જ છે કે દેશની લોકશાહી દ્વારા ચૂંટાયેલી સરકાર કોઈ પણ સંજોગોમાં ભારત સાથેના સંબંધો ન સુધારે એનું ધ્યાન રાખવું. આમ તો સૈન્યનું ચાલે તો સત્તા નાગરિકોના હાથમાં આવવા જ ન દે અને આવી કોશિશો અગાઉ પણ અવારનવાર થઈ છે. સૈન્યને લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ દીઠાય નથી ગમતાં. એમાંય ભણેલા ગણેલા અને સહેજ ઉદારમતવાદ ધરાવતા નેતા પર તો એમને પૂરું ખૂન્નસ હોય છે. ઝીયા ઉલ હક્કે લશ્કરી સમરમુખત્યાર બનીને વર્ષો સુધી શાસન કર્યું, છતાં આજના સમયમાં લોકશાહી મૂલ્યોને લાંબો સમય દબાવી રાખવાનું શક્ય નથી. આથી સૈન્યે ચૂંટણીઓ યોજવી પડે છે અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર સત્તા પર આવે છે.

હવે સમસ્યા એ થાય છે કે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પાસે બીજી બધી સત્તા હોય છે, પણ વિદેશ સાથેના સંબંધો, ખાસ તો ભારત સાથેના સંબંધોની બાબતમાં સૈન્ય જે ઈચ્છે એ જ થાય છે. પાકિસ્તાન સૈન્યની આવી અવળચંડાઈ પાછળ પણ કેટલાક સબળ કારણો છે. બે સત્તાવાર અને એક બિનસત્તાવાર યુદ્ધોમાં આપણા સૈન્યે પાકિસ્તાનના સૈન્યને પરાસ્ત કર્યું છે. 1971 ના યુદ્ધને પગલે તો આપણે પાકિસ્તાનના ભાગલાં કરવામાં સફળ રહ્યા હતા. ભારત માટે આ ઘટના ગર્વની છે, પરંતુ પાકિસ્તાની સૈન્ય માટે એ ઘટના કલંકરૂપ છે. જે અપમાન થયાં છે એને તેઓ ભૂલી નથી શક્યા અને એ વાત સમજી શકાય એવી છે. આથી જ પાકિસ્તાની સૈન્ય હંમેશાં ભારત પર બદલો લેવાની પેરવીમાં હોય છે. સ્કૂલમાં બે વિદ્યાર્થી લડવાનું શરૂ કરે અને એક છોકરો બીજા છોકરાને બે ફેંટ લગાવી દે એ જ સમયે શિક્ષક આવે અને બંનેને ઝઘડો બંધ કરીને હાથ મિલાવવાનું કહી દે તો શું થાય? ત્યાર પૂરતું બંને હાથ મિલાવી લે, પણ માર ખાનાર છોકરો બીજો લાગ મળે એની રાહ જોતો બેસી રહે. પાકિસ્તાની સૈન્ય પણ આવો માર ખાધેલો છોકરો છે.

પાકિસ્તાન માટે કાશ્મીરનો પ્રશ્ન બહુ મોટો છે એ વાતમાં પણ માલ નથી. હકીકતમાં પાકિસ્તાનની પોતાની સમસ્યાઓ એટલી બધી છે કે જો કાશ્મીર એમના હાથમાં આવી જાય તો પણ એને એ હેન્ડલ કરી શકે એમ નથી. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની જે હાલત છે એના પરથી આ વાત સમજી શકાય એમ છે. પાકિસ્તાનીઓને મન આજે કાશ્મીરીઓ પારકાં જ છે અને રહેવાના. કાશ્મીર તો ભારતને હેરાન કરવા માટેનું એક સાધનમાત્ર છે. આજનો સમય પ્રાદેશિક વિસ્તારવાદનો નથી.

પાકિસ્તાની પ્રજાનો એક વર્ગ ધાર્મિક ઝનૂન ધરાવે છે. એ દેશમાં લોકશાહી છે, પરંતુ ધર્મના નામનો એક ડર ફેલાયેલો છે. હાફીઝ સઈદ અને નકવી જેવા ધર્મઝનૂનીઓની વાતોમાં યુવાનો આવી જાય છે અને દિશાહીન હિંસાના રવાડે ચડી જાય છે. પાકિસ્તાનના બૌદ્ધિકો અને મીડિયા અમુક હદે આવા તત્ત્વોની સામે પડે છે, પરંતુ ધર્મઝનૂનીઓના ખોફની સામે લડત આપવાનું મુશ્કેલ બને છે. આવામાં જો ભારતની વિરુદ્ધનો કોઈ મુદ્દો મળી જાય તો મવાળવાદીઓ ચૂપ થઇ જાય છે અને ભારતની સામે સમગ્ર પાકિસ્તાન એક થઈ ગયું હોવાની છાપ ઉપસે છે.

ભારત માટે સમસ્યા એ છે કે પહેલાના યુદ્ધો પરંપરાગત રીતે લડાયા હતા અને એમાં આપણી સર્વોપરીતા હતી એટલે આપણે પાકિસ્તાની સૈન્યને પછડાટ આપી શક્યા, પરંતુ હવે સમય બદલાયો છે. હવેનો સમય અણુશસ્ત્રોનો છે. બંને દેશો પોતાની પાસે અણુશસ્ત્રો હોવાનો દાવો કરે છે. ભારતે તો જાહેર કરી દીધું છે કે અમે પહેલા અણુશસ્ત્રનો ઉપયોગ નહીં કરીએ. અણુશસ્ત્રને કારણે પાકિસ્તાનને એવું અભિમાન આવી ગયું છે કે હવે બંને દેશોની તાકાત એકસરખી ગણાય.

અલબત્ત, પાકિસ્તાનના અણુશસ્ત્રથી ભારતે ડરવાની જરૂર નથી. પરંતુ યુદ્ધનો મામલો હવે બહુ ગંભીર અને સંવેદનશીલ બની ગયો છે. દુનિયામાં ભારતની ઈમેજ બહુ ઊંચી છે અને એમાં કોઈ કમી આવે એ કોઈ સરકારને ન પરવડે. આથી જ પાકિસ્તાન સાથે કડક હાથે કામ લેવાની વાત યુપીએ સરકારની જેમ એનડીએને પણ ફાવે એમ નથી.

તો શું ભારતે ચૂપચાપ બેસી રહેવું જોઈએ? ના. આપણે એક વાત સમજી લેવી જોઈએ કે પાકિસ્તાન સાથે શાંતિ મંત્રણાઓ ભલે ચાલે, પણ કોઈ મોટી સંધિ થાય એવી આશા ન રાખવી. ભારતે મૂળ તો પાકિસ્તાનના સૈન્યને લગતી સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જો ભારતે પોતાની તાકાતનો ઉપયોગ કરવો હોય તો પાકિસ્તાની સૈન્યમાં આપણને માફક આવે એવા માણસોને લાવવા માટેના લાંબા ગાળાના વ્યૂહ ઘડવા જોઈએ. પાકિસ્તાન સૈન્ય અને એની આ માનસિકતા રહેશે ત્યાં સુધી બે દેશો વચ્ચેના સંબંધમાં કોઈ સુધારો થવાનો નથી. બીજી તરફ, પાકિસ્તાનની મદદથી ભારતમાં થતી તોડફોડ અને ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાબૂમાં રાખવા માટે ભારતે પોતે જ પોતાની સલામતી વ્યવસ્થા જડબેસલાક બનાવવાની જરૂર છે. બીજો કોઈ ઈલાજ નથી. પાકિસ્તાનને વિનંતિઓ કે અપીલો કરવાનો કોઈ અર્થ નથી. વિશ્વભરમાં ફરિયાદો કરતા રહેવાનો પણ કોઈ અર્થ નથી. પાકિસ્તાન સાથે ગમે એટલો સારો વ્યવહાર કરો તો પણ ત્યાંની રાજકીય અને લશ્કરી વાસ્તવિકતા ક્યારેય એ દેશને ભારત સાથે સહકારથી વર્તવા નહીં દે. આ એક કડવી વાસ્તવિકતા છે અને આપણે એ બરોબર સમજી લેવી જોઈએ. નવાઝ મિયાંને બહુ ખુશ રાખવાની પણ જરૂર નથી, કારણ કે મિયાં ખુશ થશે તો પણ એ આપણા માટે કંઈ નહીં કરી શકે. આથી, પાકિસ્તાનને દૂરથી સલામ કરો, બહુ બગાડો નહીં અને સલામતીની બાબતે એકદમ આત્મનિર્ભર બની જાઓ.

આપણી પાસે તાકાત છે, સાધનો છે અને દુનિયાભરની ગૂડવિલ છે. અમારા દેશમાં આવીને તોડફોન ન કરો એવી નબળી અપીલો કરવાનો સમય પૂરો થયો છે. આપણી જ સલામતી વ્યવસ્થા એવી જડબેસલાક હોવી જોઈએ કે આપણી સરહદમાં પ્રવેશતા પહેલા ત્રાસવાદી ખોફ અનુભવે. એ જ સાચી તાકાત છે. પાકિસ્તાન સાથે ફક્ત આ જ વ્યવહાર શક્ય છે. જય હિન્દ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.