મીડિયાથી પ્રજાને કોઈ ખતરો નથી, સમજો જરા
છેલ્લા કેટલાક સમયથી મીડિયા પોતે જ મીડિયામાં બહુ ચમકતું રહ્યું છે. આજકાલ મીડિયા એટલે ઈલેક્ટ્રોનિક મીડિયા એવું જ માનીને સૌ ચાલે છે. ઈલેક્ટ્રોનિક મીડિયા એટલે કે ન્યૂઝ ચેનલોએ મીડિયાને એક નવી ઓળખ આપી છે અને હવે એ જ ઓળખ વ્યાપક બની ગઈ છે.
અસહિષ્ણુતા અને એવોર્ડ વાપસી, પઠાણકોટ, જેએનયુ અને કનૈયા કુમાર, શ્રી શ્રી રવિશંકર, વિજય માલ્યા... દરેક પ્રશ્ન, દરેક મુદ્દો મીડિયામાં એટલો બધો ગાજ્યો કે લોકો મૂળ સમસ્યાની સાથોસાથ મીડિયા વિશે વાતો કરતા થઈ ગયા. ખાસ તો જેમને તકલીફ થઈ એ મીડિયાને ગાળો ભાંડવા માંડ્યા. મીડિયાને ભાંડ કહેવાનું નોર્મલ બની ગયું છે. કોઈ વળી એવી ટીકા કરે છે કે જાણીતી હસ્તીઓની મીડિયા દ્વારા ટ્રાયલ ન થવી જોઈએ. શું ઈલેક્ટ્રોનિક મીડિયા ખરેખર એક દૂષણ છે? શું આમાંથી બચવાનો કોઈ માર્ગ છે ખરો?
સૌથી પહેલી વાત એ છે કે દેશની મોટા ભાગની ન્યૂઝ ચેનલો તટસ્થ છે અને નીડરપણે ન્યૂઝ તથા વ્યૂઝ દર્શાવે છે? હા, કેટલીક ચેનલો વધુ પડતો પક્ષપાત દર્શાવે છે, પરંતુ આવી વાત છૂપી નથી રહી શકતી. ખરેખર તો આપણા રાજકારણી અને ભ્રષ્ટ અધિકારીઓ ફક્ત મીડિયાથી ડરે છે. જો કોઈ ખોટું કામ કરીને છૂપાઇ જાય તો ન્યૂઝ ચેનલોવાળા એને ગમે ત્યાંથી શોધી કાઢે છે. સાચા ખોટાની ખરાખરી કરવા માટે ગમે એ મુદ્દે બે પક્ષોને સામસામા રાખીને ચર્ચાઓ યોજાય છે. ક્યારેક એક પક્ષને બોલવાની વધુ તક મળે છે, પરંતુ ચર્ચા તો થાય છે અને બંને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની તક અવશ્ય મળે છે. અરે, પાકિસ્તાનીઓને પણ એમની વાત રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે. આનાથી વધુ મોટી સ્વતંત્રતા અને તટસ્થતા (આઝાદી શબ્દ વાપરવાનું ટાળવું) બીજી કઈ હોઈ શકે?
ભારતની ન્યૂઝ ચેનલોના મોટા ભાગના પત્રકારો મહદ અંશે તટસ્થ છે એનું એક કારણ એ છે કે તેઓ ખરેખર તટસ્થ છે. એમને કોઈ લાલચમાં આવવાની જરૂર નથી, કારણ કે તેઓ સમૃદ્ધ છે. ઈલેક્ટ્રોનિક મીડિયાના નામી પત્રકારો જેવા કે અર્નબ ગોસ્વામી, પ્રણવ રોય, શેખર ગુપ્તા, રાજદીપ સરદેસાઈ વગેરે કરોડોના આસામી છે. એમને એ પણ ખબર છે કે માર્કેટકમાં ટકી રહેવું હોય તો તટસ્થતા જાળવી રાખવી પડશે. ક્યારેક તેઓ પોતાની મનમાની ચલાવતા હશે, પરંતુ તેમણે કોઈ ઘાલમેલ કરી હોય એવું બહાર નથી આવ્યું. હા, આ પત્રકારો રાજકીય મુદ્દે કે કોઈ સાંપ્રત સમસ્યા બાબતે પોતાનો અંગત અભિપ્રાય ધરાવતા હોય એ શક્ય છે અને એના આધારે થોડા ઘણા સબ્જેક્ટિવ બનતા હોય એ પણ શક્ય છે, પરંતુ લોકો મીડિયાને જે ગાળો આપે છે એવું કોઈ કામ તેઓ કરતા નથી.
અભ્યાસના બહાને સરકારી ખર્ચે વિદેશ પ્રવાસે ઉપડી ગયેલા નગરસેવકો કે વિધાનસભ્યોને પકડી પાડવાનું કામ ન્યૂઝ ચેનલોએ કર્યુ છે અને ત્યાં જઈને એમની મજા બગાડવાનું કામ પણ એમણે કર્યુ છે. થોડા સમય પહેલા આવા જ બહાના હેઠળ વિદેશ પ્રવાસ ગયેલા વિધાનસભ્યોના એક પ્રતિનિધિ મંડળને એક ન્યૂઝ ચેનલના રિપોર્ટરે પકડી પાડ્યું અને ત્યાં જઈને પ્રતિનિધિ મંડળના વડાને પ્રશ્ન કર્યો હતો, 'સર, યહાં પર આપ કૌન સે સિવિક પ્રોબ્લેમ કી સ્ટડી કર રહે હૈ?' લલિત મોદી અને વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયા ત્યારે એમને શોધી કાઢવાનું કામ ઇલેક્ટ્રોનિક મિડિયાએ જ કર્યું. મોટા ભાગની ચેનલોમાં રાજકીય મુદ્દે ડિબેટ યોજાય ત્યારે પ્રોગ્રામના એન્કર ગમે એવા મોટા નેતાને ભીંસમાં લેતા અચકાતા નથી. એમને કોઈ પ્રશ્ન પૂછતા સંકોચ કે ડર નથી અનુભવતા.
અલબત્ત, ઈલેક્ટ્રોનિક મીડિયાની, ન્યૂઝ ચેનલોની કેટલીક સમસ્યાઓ જરૂર છે. જેમ કે સૌથી મોટી સમસ્યા ગળાંકાપ હરીફાઇની છે. ચેનલો વચ્ચે ટીઆરપી બાબતે જબ્બર સ્પર્ધા છે. ટીઆરપી વધારવા માટે વ્યૂઅરશીપ વધારવી પડે. વ્યૂઅરશીપ વધારવા માટે ગતકડાં કરવા પડે અને જાતજાતની તરકીબો અજમાવવી પડે. અર્નબ ગોસ્વામીએ પોતાની ટાઇમ્સ નાઉ ચેનલની વ્યૂઅરશીપ વધારવા માટે સેન્સેશનલિઝની, સનસનાટી ફેલાવવાની તરકીબ અજમાવી છે. આ માટે એ વિવાદમાં સપડાયેલી વ્યક્તિઓની પાછળ પર આદુ ખાઈને તૂટી પડે છે. અથવા દેશભક્તિના નામે અમુક લોકો પર ધિક્કાર ફેલાવવાનું શરૂ કરે છે. પોતાનો મુદ્દો સાચો ઠેરવવા માટે એ પોતાના શો માં રાડારાડ કરી મૂકે છે અને પોતાની સાથે સહમત ન થાય એવા વક્તાઓને ફક્ત અડધા અડધા વાક્યો બોલવાની છૂટ આપે છે. એકંદરે એ ડિબેટનો એવો સનસનાટીભર્યો મસાલો તૈયાર કરે છે કે એના શોની ટીઆરપી વધતી રહે છે. અર્નબની આ સ્ટાઈલને કારણે એની ચેનલની લોકપ્રિયતા વધી છે, પરંતુ એની વિશ્વસનીયતા ખાડે ગઈ છે. અર્નબની ગણતરી હવે બીજેપીના સમર્થક તરીકે થવા લાગી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં આપેલા પોતાના યાદગાર પરફોર્મન્સમાં અર્નબ ગોસ્વામીનો પ્રેમથી ઉલ્લેખ કર્યો હતો.
હકીકતમાં આવી સનસનાટી ફેલવવાનું કામ સૌથી પહેલા હિન્દી ન્યૂઝ ચેનલોએ શરૂ કર્યું અને હજુ પણ મોટા ભાગની હિન્દી ન્યૂઝ ચેનલોમાં આ જ રીતે સમાચાર વંચાય છે અને આ જ રીતે ચર્ચાઓ યોજાય છે. એક હિન્દી ન્યૂઝ ચેનલમાં તો ધર્મને લગતા કોઈ મુદ્દે ચાલી રહેલી ચર્ચામાં રીતસરની મારામારી થઈ ગઈ હતી અને ચેનલે એ દૃશ્યો સેન્સર કર્યા વિના દર્શાવ્યા હતા. 'ગૌર સે દેખિયે ઈન્હે' જેવી રમૂજી કેચલાઇન હિન્દી ન્યૂઝ ચેનલે જ આપણને આપી છે.
ન્યૂઝ ચેનલો સામે હંમેશાં એવી ફરિયાદ થતી હોય છે કે કોઈ વ્યક્તિ સામે કોઈ આરોપ થાય ત્યારે એની મીડિયા દ્વારા ટ્રાયલ શરૂ થઈ જાય છે. એ વાત ખરી છે કે કોઈ વ્યક્તિ સામે કોર્ટમાં કેસ ચાલે એ પહેલા જ મીડિયામાં ટ્રાયલ શરૂ થઇ જાય છે, પરંતુ કોર્ટની અને મીડિયાની ટ્રાયલમાં ઘણો ફરક છે. મીડિયામાં ફક્ત પ્રશ્નો પૂછાય છે, ચર્ચા થાય છે, મંતવ્યો લેવામાં આવે છે. મીડિયા ટ્રાયલથી આરોપીને કામચલાઉ ધોરણે નુકસાન થાય છે, પરંતુ જો એ સાચો કે સાચી હોય તો પછીથી એને બમણો લાભ થઈ જાય છે. કનૈયા કુમાર જેલમાં ગયો ત્યારે મીડિયામાં એવી ટ્રાયલ ચાલી જાણે એ દેશદ્રોહી હોય, પરંતુ એ જેલમાંથી બહાર આવ્યો કે તરત એની વાહ વાહ શરૂ થઈ ગઈ અને એ પણ મીડિયાને કારણે જ.
ન્યૂઝ ચેનલોનું માધ્યમ જ એવું પાવરફૂલ છે કે એની ઓડિયો વિઝ્યુઅલ તેમ જ મલ્ટિમીડિયા ઇફેક્ટ પ્રિન્ટ મીડિયા કરતાં અનેકગણી મોટી હોય છે. મીડિયા દ્વારા ટ્રાયલ થવાની સમસ્યા મૂળ તો ટેકનોલોજીની સમસ્યા છે. નવી ટેકનોલોજીને કારણે જ લાઈવ ટેલિકાસ્ટ શક્ય બન્યું છે અને ન્યૂઝ ચેનલો ચોવીસે કલાક ચાલુ રહી શકે છે. આ બાબતે હવે કોઈ પાછળના સમયમાં જઈ શકે એમ નથી. મીડિયા ટ્રાયલની સમસ્યા વિશ્વભરમાં પ્રવર્તે છે.
મીડિયા સામે સૌથી મોટો પડકાર અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને નફો રળવા માટે ચેનલો વચ્ચે થતી અંદરોઅંદરની સ્પર્ધા છે. ન્યૂઝ ચેનલો જાહેરખબરો પર નભે છે અને જાહેરખબરવાળા ન્યૂઝ ચેનલોને પોતાની મરજી પ્રમાણે નચાવી રહ્યા છે. ક્યારેક તો મોટી કરુણા સર્જાય છે. ન્યૂઝની હેડલાઇન્સ બોલવા માટે પણ ચેનલો સ્પોરન્સરોને પકડે છે. અનેક ન્યૂઝ ચેનલના રીડરો આમ બોલતા હોય છે, ઈસ સમય કી સબ સે બડી ખબર સ્પોન્સર્ડ બાય સો એન્ડ સો. હવે આવા સમાચાર સ્પોન્સર કરતી કંપનીની વિરુદ્ધના કોઈ સમાચાર આવે તો ચેનલ એ કઈ રીતે દર્શાવી શકે. બાબા રામદેવનું બિઝનેસ સામ્રાજ્ય એટલું મોટું થઈ ગયું છે કે એમનું માર્કેટિંગ બજેટ કરોડો રૂપિયાનું હોય છે. મોટા ભાગની હિન્દી ચેનલોને બાબા રામદેવ પતંજલિની એડ્વર્ટાઇઝમેન્ટ્સ આપે છે. અલબત્ત, હજુ સુધી તો ચેનલોએ રામદેવ બાબાના સમાચાર તટસ્થ રીતે આપ્યા છે, પરંતુ ક્યારેક તો આંખની શરમ નડે ખરી કે નહીં? જો ન્યૂઝ ચેલના પત્રકારોને ન નડે તો ચેનલના માર્કેટિંગ સ્ટાફના માણસો જરૂર એમને એ વાતની યાદ અપાવે. જોકે હજુ સુધી તો આવી બાબતે કોઈ ગરબડો નથી થઈ. ન્યૂઝવાળા ન્યૂઝનું કામ કરે છે અને માર્કેટિંગવાળા એમનું કામ કરે છે.
વાતનો સાર એ છે કે ભારતનું મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા ચોથી જાગીર તરીકેની પોતાની ફરજ બરોબર બજાવી રહ્યું છે. એની આડ અસરો કેટલીક હશે, પરંતુ ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ નેતાઓ તથા અધિકારીઓ પર એની ચાંપતી નજર હોય છે. ક્યારેક ભૂલો થાય છે, પક્ષપાત થાય છે અને અતિશયોક્તિ થાય છે, છતાં એકંદરે આપણું મીડિયા વર્તમાન ભારતની ઘટનાઓ સૌથી વધુ અસરકારક રીતે દર્શકો સમક્ષ રજૂ કરે છે અને પ્રજાને પોતાનો અભિપ્રાય બાંધવામાં મદદરૂપ બને છે. દર્શકો માટે, દેશના નાગરિકો માટે તો ન્યૂઝ ચેનલો લાભદાયક જ છે. તકલીફ ફક્ત ખોટું કરનારાઓને છે.
જે ન્યૂઝ ચેનલો પોતાની ખરી ભૂમિકા નથી નિભાવતી એ લાંબુ નહીં ટકી શકે. ઝી ટીવીએ બીજેપીની વધુ પડતી ચમચાગીરી કરી તો પરીણામ શું આવ્યું? વ્યુઅરશીપ ઘટી ગઈ અને ચેનલના માલિકે પોતે ચેનલ પર આવીને ખુલાસો કરવો પડ્યો કે અમારી ચેનલ બીજેપીની માલિકીની નથી. ઝી ન્યૂઝ કરતા તો રાજ્યસભા ટીવી વધુ તટસ્થતા દર્શાવે છે. બાય ધ વે, તમને જો સારી અને સંસ્કારી રીતે થતી ઉચ્ચ સ્તરની ચર્ચા સાંભળવામાં રસ હોય તો સવારે સાડા આઠ વાગ્યે રાજ્યસભા ટીવી પર યોજાતો કાર્યક્રમ ધ બિગ પિક્ચર જરૂર જોજો. એના એન્કર ગિરિશ નિકમ છે. સરકારી ટીવીમાં પણ આવી તટસ્થતાથી ચર્ચા યોજાતી હોય તો ઈલેક્ટ્રોનિક મિડિયાને સલામ જ કરવી પડે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ન્યૂઝ ચેનલો દર્શકોને કોઇ રીતે નુકસાન નથી કરતી. જેમ પાંચ વર્ષે ચૂંટણીઓ આવે છે અને ત્યારે લોકોને મત દ્વારા નક્કામા નેતાઓને નકારી કાઢવાનો અધિકાર મળેલો છે એમ નક્કામી કે પક્ષપાતી ન્યૂઝ ચેનલને નકારી કાઢવાનો અધિકાર દર્શકોને કાયમી ધોરણે મળેલો છે. ભારતના નાગરિક માટે કોઈ ન્યૂઝ ચેનલ જોવાનું ફરજિયાત નથી, દૂરદર્શન પણ નહીં અને લોકસભાટીવી કે રાજ્યસભા ટીવી પણ નહીં. મીડિયાથી જેમને તકલીફ પડી રહી છે એ લોકો અને એમની તકલીફને પોતાની તકલીફ સમજતા નાદાન લોકો જ મીડિયાની ટીકા કરે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર