બહુ ઝડપથી ઉપર ચઢે એને નીચે પાડો

10 Apr, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: topyaps.com

સોની ટીવી પર આવતો કપિલ શર્મા શૉ ચાલુ રહે કે બંધ થઈ જાય એનાથી કોઇના જીવનમાં મોટી ઉથલપાથલ નથી થવાની. એ શૉમાં સુનીલ ગ્રોવર રહે કે ન રહે એનાથી ખરેખર કોઈ ફરક ન પડવો જોઈએ. આમ છતાં કપિલે દારુ પીને સુનીલ ગ્રોવર સાથે ખરાબ વર્તન કર્યું હોવાની ઘટનાથી દેશવાસીઓ એટલા વ્યથિત થઈ ગયા છે કે જાણે કોઈ રાષ્ટ્રીય આફત આવી પડી હોય. જો તમે એક જાગૃત નાગરિક હોવ તો તમારે કપિલની ટીકા કરવી જ પડે. એટલું પૂરતું નથી. સુનીલ ગ્રોવરની ટેલેન્ટના વખાણ પણ કરવા પડે અને કહેવું પડે સુનીલ ગ્રોવરને કારણે જ આ શૉ સફળ થયો છે.

એક મોટું આશ્ચર્ય જન્માવે એવી વાત એ છે કે જ્યાં ફક્ત પાંચ-દસ જણા હાજર હતા એવી કોઈ ઘટના વિશે આખો દેશ એકસરખો અભિપ્રાય કઇ રીતે બાંધી લેતો હશે. શું બન્યું હતું?  શા માટે બન્યું હતું અને કોણે શું કહ્યું હતું એ જાણવામાં કોઇને રસ નથી. બધાને ફટાફટ કેસનો નીકાલ લાવીને જજમેન્ટ આપવાની ઉતાવળ છે. આ કામમાં વિશેષ આનંદ છે કારણ કે એમાં એક સેલિબ્રિટીને પછાડવાની છે. જે સામાન્ય માણસ બહુ ઝડપથી ઉપર ચઢી ગયો હતો એની ટાંગ ખેંચીને એને નીચે પાડવાની મજા લેવાની છે. આ એ જ લોકો છે જેમણે પેલી સામાન્ય વ્યક્તિને જરૂર કરતાં અનેકગણું વધુ મહત્ત્વ આપીને બહુ ઉપર ચઢાવી દીધી હતી. જાહેર જીવનની વિશેષ વ્યક્તિઓમાં આટલો બધો રસ લેનારા અને એમના ફેંસલા કરનારા આ લોકો કોણ છે?

વ્યક્તિપૂજાની માનસિકતા આમ તો સાર્વત્રિક છે, પરંતુ આપણા દેશમાં એ જરા વધુ પ્રમાણમાં અને વધુ પ્રબળ રીતે જોવા મળે છે. કોઇ વ્યક્તિ એક ક્ષેત્રમાં જરા વધુ પડતી સફળતા મેળવે કે તરત ઢોલ-નગારાં વાગવાના શરૂ થઇ જાય. આમાંય કેટલીક વાતોની લોકોને જરા વધારે કીક લાગતી હોય છે. જેમ કે કોઈ સ્ત્રીને સફળતા મળે તો એનું વિશેષ મહત્ત્વ ગણાય. કોઈ નાની ઉંમરમાં સફળતા મેળવે તો એની વધુ વાહ વાહ થાય. સચીન તેંડુલકર ક્રિકેટ રમતો ત્યારે કમેનટેટરો એ રીતે એના વખાણ કરતાં કે સચીન ઉંમરમાં સોળ વર્ષથી મોટો ક્યારેય થયો જ નહીં. એ રિટાયર્ડ થયો ત્યારે છેક ખબર પડી કે એ તો મોટો થઇ ગયો છે. કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવે તો દેશવાસીઓ ઘેલા થઈ જાય. હોલિવુડની ફિલ્મમાં રોલ  મેળવનાર કલાકારની વેલ્યુ રાતોરાત વધી જાય. સફળતાના ગુણગાન ગાવાની શરૂઆત મીડિયા કરે અને પછી પાનવાળાથી માંડીને પ્લંબર સુધીના લોકોની જુબાન પર ફક્ત એક જ નામ હોય. સફળતા મેળવનાર વ્યક્તિએ ગમે તે ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય તો પણ એણે દેશનું નામ રોશન કર્યું જ હોય.

લોકો શા માટે અન્ય કોઈની સફળતા માટે આટલું બધુ હરખાતા હશે એ સમજવાનું મુશ્કેલ છે. હા, કોઇની ટેલેન્ટની કદર કરવી કે કોઇની મહેનતને બિરદાવવાનું સમજી શકાય, પણ એની પાછળ ઘેલા થઈ જવાનું જરા અજુગતું છે.  સૌને જોકે આમાં કશું અજુગતું નથી લાગતું. જે લોકોના જીવનમાં કોઈ એક્સાઇટમેન્ટ નથી હોતી, કોઈ મોટી ઉથલપાથલ થતી નથી હોતી, જેમને કોઇ એમ્બિશન્સ નથી હોતી, જેમના જીવનમાં રૂટિન અને મીડિયોક્રસી સિવાય બીજી કોઈ જ વાતનું મહત્ત્વ નથી હોતું એવા લોકો માટે અન્ય કોઈની સફળતા પણ બહુ મોટો પ્રસંગ બની જતો હોય છે. મજાની વાત તો એ છે કે આપણા દેશમાં આવા લોકોનું પ્રમાણ પંચાણું ટકાથી વધુ છે

જેમ આર્થિક મધ્યમ વર્ગ હોય એવો આ બૌદ્ધિક મધ્યમ વર્ગ છે. આ વર્ગ અન્ય લોકોની વાતો કરવાની ભારે હોંશ ધરાવતો હોય છે. અન્ય લોકોની વાતો કરવામાં તેઓ એટલા બધા ઓતપ્રોત થઇ જાય છે કે વાત એમની પોતાની હોય એવો આનંદ એમાંથી તેઓ લેવા માંડે છે. આ રીતે તેઓ સેલિબ્રિટીનો રોલ માણવા માંડે છે. એમાં બહુ મજા આવવા લાગે છે. જોકે આ પ્રકારના રિફ્લેક્ટેડ એન્જોયમેન્ટની સચ્ચાઈ તેઓ જાણતા જ હોય છે અને એ કડવી વાસ્તવિકતા એમને અંદરથી અકળાવતી હોય છે. આવી બીજી અનેક ગૂંચવણોને કારણે એમના મનની અંદર જેટલી ચાહના હોય છે એટલી જ ઇર્ષ્યા પેદા થાય છે. આ રીતે બૌદ્ધિક મધ્યમ વર્ગના લોકોના મનમાં સેલિબ્રિટી માટે આદર તથા ચાહના હોવાની સાથોસાથ ઇર્ષ્યા પણ સંઘરાયેલી પડી હોય છે.

જ્યાં સુધી સેલિબ્રિટી આનંદ આપતી રહે છે ત્યાં સુધી બધુ ઠીકઠાક રહે છે. સેલિબ્રિટીની વાહવાહ કરવી, એની તરફેણમાં દલીલો કરવી, તકરારો કરવી કે એના નામની માળા જપવાનું એકદમ નોર્મલ હોય છે. પરંતુ જો સેલિબ્રિટી કોઈ વાંકમાં આવે, કોઈ ખરેખરી મુસીબતમાઅં ફસાય ત્યારે આખી વાત બદલાઈ જાય છે. શરૂઆતમાં સેલિબ્રિટીનો પક્ષ લેવાના પ્રયાસ થાય છે, જેવી ખબર પડે કે સેલિબ્રિટી બરોબરની ફસાઈ છે ત્યારે સૌ કોઇ એક એક પથ્થર હાથમાં લઇને સેલિબ્રિટી તરફ ફેંકવાનું શરૂ કરે છે. અત્યાર સુધી સેલિબ્રિટીને જેટલો પ્રેમ કર્યો એનું જાણે વેર વાળવાની પ્રક્રિયા શરૂ થાય છે. ક્યારેક તો એવું બને છે કે સેલિબ્રિટીનો વાંક સ્થાપિત થાય એ પહેલાં જ એની પીટાઇ શરૂ થઈ જાય છે.

મોટા ભાગના કેસમાં સેલિબ્રિટીએ જેટલું ખોટું કર્યું હોય એના કરતાં અનેક ગણી સજા એને આપવામાં આવે છે. વ્યક્તિ જે ઝડપે હીરો બની હોય એનાથી બમણી ઝડપે વિલન બની જાય છે. કપિલ શર્માના કેસમાં કદાચ આવું જ બન્યું છે. સુનીલ ગ્રોવર સાથેની ઘટનામાં ખરેખર શું બન્યું હતું એ કોઈ નથી જાણતું. જો ખરાબમાં ખરાબ બન્યું હોય તો પણ શૉ બિઝનેસમાં એવી ઘટનાઓની કોઇ નવાઇ નથી. કદાચ આનાથી પણ બેહુદી ઘટના બનતી હશે. અલબત્ત, આવી ઘટના કે કપિલ શર્માનો બચાવ ન થઈ શકે પરંતુ એટલું તો સ્પષ્ટ દેખાય છે કે આ ઘટનામાં આવેલું રિએક્શન વધુ પડતું છે અને એની પાછળના કારણો માનસિકતાના છે.

મજાની વાત એ છે કે કપિલ શર્માની લોકપ્રિયતા જેટલી ઘટી એટલી જ સુનીલ ગ્રોવરની વધી. સુનીલ ગ્રોવરને માર ખાવાનું વળતર મળી ગયું. આવું કંઈ પહેલી વાર નથી બન્યું. રાજેશ ખન્ના એની કરિયરના અંત ભાગમાં બધા સાથે ગેરવર્તન કરતા ત્યારે પણ બધી સહાનુભૂતિ અમિતાભને મળતી હતી. વાત વ્યક્તિ કે ઘટનાની નથી હોતી,  હંમેશાં માનસિકતાની હોય છે. અને આ માનસિકતા સમજવા જેવી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.