સર્જિકલ સ્ટ્રાઇકનું પુનઃમૂલ્યાંકન કરવું પડશે
ભાજપની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી એક વાત નિશ્ચિતપણે બની છે. રાજકારણ હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે. રાષ્ટ્ર સાથે સંકળાયેલા કોઇ પણ પ્રશ્ને એક જબરજસ્ત લોકમત ઊભો થાય છે અને પછી એનો વિરોધી મત ઊભો થાય છે. ટૂંકમાં સરકાર ક્યારેય ભીંસમાં આવતી નથી. પઠાણકોટ અને ઉરીની ઘટના બની ત્યાં સુધી સરકાર તથા એના તરફદારો પોતાનો લૂલો બચાવ કરતા રહ્યા અને ત્યાર પછી સર્જિકલ સ્ટ્રાઇકની ઘટના બની અને ભાજપના નેતાઓએ એની ઉજવણી શરૂ કરી દીધી.
સર્જિકલ સ્ટ્રાઇક થઇ ત્યારે જાણે આપણે પાકિસ્તાન સામે કોઇ યુદ્ધ જીત્યા હોય એવો માહોલ ઊભો કરવામાં આવ્યો. વિરોધ પક્ષો બિચારા સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માગતા રહ્યા અને સરકારી યંત્રણા દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકને એક મોટા વિજયોત્સવની જેમ ઉજવવાની ગતિવિધિઓ શરૂ થઇ ગઇ. સોશિયલ મીડિયા પર સરકારી રૂઆબ વધી ગયો અને સર્જિકલ સ્ટ્રાઇકને લીધે એનડીએ સરકારની બીજી ટર્મ લગભગ નિશ્ચિત બની ગઇ હોય એવી હવા ઊભી કરવામાં આવી.
હવે પરિસ્થિતિ બદલાઇ છે. સર્જિકલ સ્ટ્રાઇકનો નશો ધીમે ધીમે ઊતરી રહ્યો છે. પાકિસ્તાનને એના ઘરમાં ઘૂસીને મારવાની ખૂમારી મોળી પડી રહી છે. પાકિસ્તાની સૈન્યો દરરોજ લાઇન ઓફ કન્ટ્રોલને પાર કરીને આપણા પર હુમલા કરે છે. આપણી સરહદ પરના ગામોમાં રહેતા લોકોની જિંદગી હરામ થઇ ગઇ છે. હજારો લોકોને બીજે ખસેડવામાં આવ્યા છે અને એમના જીવન અસ્તવ્યસ્ત બની ગયા છે. દર બેચાર દિવસે આપણા જવાનો શહીદ થાય છે. સર્જિકલ સ્ટ્રાઇક પહેલા જે સ્થિતિ હતી એમાં કોઇ જ ફરક પડ્યો નથી.
આથી જ સર્જિકલ સ્ટ્રાઇકની ફળશ્રુતિ અને એની અસરો વિશે ફેરવિચારણા કરવાનો સમય પાકી ગયો છે. જો ફક્ત રાજકીય અસરની વાત કરીએ તો એ ઝાંખી પડી રહી છે. ભાજપના નેતાઓ હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાનની અવળચંડાઇ વિશે બોલી શકતા નથી. ચૂંટણીમાં પણ કદાચ આ મુદ્દો બહુ અસરકારક રીતે રજૂ કરવામાં નહીં આવી શકે.
આપણને જોકે સર્જિકલ સ્ટ્રાઇકની રાજકીય અસર કરતાં નક્કર અસર વિશે જાણવામાં વધુ રસ છે. સર્જિકલ સ્ટ્રાઇક થઇ ત્યારે પહેલીવાર એવું બન્યું હતું કે પાકિસ્તાનના એક તરફી હિંસાચાર સામે ભારતે કોઇક વળતું પગલું લીધું હતું. બસ. એટલી વાત નવી હતી અને એની સારી એવી અસર શરૂઆતમાં જોવા મળી. વિશ્વભરમાં એ વિશે ચર્ચા થઇ. પાકિસ્તાનમાં પણ સરકાર પર થોડું દબાણ વધ્યું. એવું લાગ્યું પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી ઘટનાઓમાં ઘટાડો થશે.
પરંતુ એ વાતને મહિના થઇ ગયા અને હવે પરિસ્થિતિ ફરી હતી ને ત્યાં છે. અથવા તો કહો કે સ્થિતિ વધુ બગડી છે. તો પછી એવો પ્રશ્ન થાય કે સર્જિકલ સ્ટ્રાઇકથી શો ફાયદો થયો? એનાથી કયો હેતુ સર્યો? એ જાણવા માટે સર્જિકલ સ્ટ્રાઇક પાછળના આશય અથવા તો એના વ્યૂહાત્મક મહત્ત્વ વિશે વિચારવું પડે.
દુશ્મન દેશમાં ઘૂસીને આક્રમણ કરવું અને પછી સલામત પાછા આવી જવાના ઓપરેશનની વાત આવે ત્યારે ઇઝરાયલનો સંદર્ભ આપવામાં આવે છે. ઇઝરાયલના સૈન્યે અનેક વાર ગાઝા પટ્ટી પર આ પ્રકારના હુમલા કર્યા છે. ભારતીય સૈન્યે 29મી સપ્ટેમ્બર ના રોજ પાકિસ્તાન પર આ પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ એની સરખામણી ઇઝરાયલના ઓપરેશન્સ સાથે કરવામાં આવી હતી. અલબત્ત, આ બંને પ્રકારના હુમલામાં એક મોટો ફરક હતો. ઇઝરાયલ જ્યારે આવો હુમલો કરતું ત્યારે ચોક્કસ નિશાન અને નિશ્ચિત ખુવારીની ગણતરી સાથે એમ કરતું. દા.ત. 27 ફેબ્રુઆરી, 2008ના રોજ પેલેસ્ટાઇના ઉદ્દામવાદીઓએ ઇઝરાયલના દક્ષિણ ભાગ પર રોકેટ વડે હુમલા કર્યા, તો એના બદલામાં ઇઝરાયલે પેલેસ્ટાઇનીઓના આંતરિક સુરક્ષા ખાતાંના મંત્રાલય પર ત્રણ મિઝાઇલ છોડ્યા અને આખું મકાન નેસ્તનાબુદ કરી નાંખ્યું. આ ઉપરાંત ઇઝરાયલી વિમાનો દ્વારા ગાઝા સિટીના પોલીસ સ્ટેશન પર બોમ્બવર્ષા કરવામાં આવી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે પછી તો અનેકવાર યુદ્ધવિરામ થયા. પરંતુ નવેમ્બર, 2008માં ઇઝરાયલ પાસે એવી માહિતી આવી કે સરહદની નજીક પેલેસ્ટાઇની ઉદ્દામવાદીઓએ એક ટનલ બનાવી છે. એમને એવી શંકા ગઇ કે ઇઝરાયલી સૈનિકોને પકડવા માટે એ ટનલનો ઉપયોગ થશે. આથી તરત જ ઇઝરાયલી સૈન્યે યુદ્ધવિરામનો ભંગ કરીને એ ટનલને ઊડાવી દેવા માટેના હુમલા કર્યા.
વાત ઇઝરાયલ સાથેની સરખાણમીની હતી. ઇઝરાયલે જ્યારે હુમલો કરતું ત્યારે એની પાછળનો આશય દુશ્મનને નેસ્તનાબુત અથવા પાંગળા બનાવી દેવાનો રહેતો. આવા હુમલા પછી ઘટનાસ્થળે સન્નાટો છવાઇ જતો. એ દૃષ્ટિએ આપણી સર્જિકલ સ્ટ્રાઇક ઘણી નિર્દોષ ગણાય. આપણે કરેલા છૂપાં હુમલામાં કેટલા પાકિસ્તાની ત્રાસવાદીઓ માર્યા ગયા એની પણ પાકી ખબર નથી. મૂળ વાત એ છે કે આપણી સર્જિકલ સ્ટ્રાઇકને પગલે પાકિસ્તાની સૈન્ય તથા ત્રાસવાદીઓના મનમાં કોઇ ડર કે ખોફ નથી પેઠો. તેઓ ઊલટા, વધુ આક્રમક બન્યા છે.
એ ખરું કે દુશ્મન સાથે ફૂલફ્લેજ્ડ યુદ્ધ કરવાને બદલે જો એક પ્રતિકાત્મક હુમલો કરીને એના મનમાં ડર બેસાડી શકાતો હોય તો એ જ પગલું ભરવું જોઇએ. કમનસીબે સર્જિકલ સ્ટ્રાઇક આવું પગલું સાબિત ન થઇ શક્યું. જ્યારે તમે દુશ્મનને ડરાવવા કોઇ પગલું ભરો અને જો એનાથી એ ન ડરે તો મુસીબત ઊભી થાય. તમે જંગ તો છેડી દીધી છે એટલે પહેલા પગલાં કરતાં વધુ પ્રબળ પગલું ભરવાનું આવશ્યક બની જાય. જો તમે એમ ન કરી શકો તો દુશ્મન તમારી નબળાઇ પારખી જાય અને વધુ આક્રમક બની જાય. કમનસીબે પાકિસ્તાન આવી જ આક્રમકતા દાખવી રહ્યું છે. ખરું પૂછો તો સર્જિકલ સ્ટ્રાઇકનો કોઇ ડર જ એના મનમાં નથી.
આથી જ મૂળભૂત પ્રશ્ન આપણા મનમાં જાગે કે સર્જિકલ સ્ટ્રાઇક કરવા પાછળનો વ્યૂહ કયો હતો? શું ભારત એવો મેસેજ આપવા માગતું હતું કે અમે ચૂપ નહીં બેસીએ? શું ભારત પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માગતું હતું? શું ભારત ઇનફ ઇઝ ઇનફની નીતિ જાહેર કરીને જંગ એ એલાન કરવા માગતું હતું? અફસોસ. આમાંનો કોઇ જ વ્યૂહ વિચારાયો હોય એવું લાગતું નથી, કારણ કે એવો કોઇ વ્યૂહ અમલમાં મૂકાય ત્યારે એની પ્રતિક્રિયા વિશે વિચારવામાં આવે જ. અને એ પ્રતિક્રિયાના જવાબ વિશે પણ વિચારવામાં આવે. પાકિસ્તાને આક્રમક પ્રતિક્રિયા આપી છે. શું આપણે એ વિશે વિચાર્યું હતું?
ફરી ફરીને એ જ પ્રશ્ન જાગે છે કે સર્જિકલ સ્ટ્રાઇક પાછળનો આશય અને વ્યૂહ શો હતો? નેશન વોન્ટ્સ ટુ નો. એક કડવી લાગે એવી શક્યતા એ છે કે પઠાણકોટ અને ઉરીની ઘટનાને પગલે સરકાર પર પાકિસ્તાન સામે કોઇક પગલું ભરવા માટેનું દબાણ વધી ગયું હતું અને એ દબાણ હેઠળ જ સર્જિકલ સ્ટ્રાઇકનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. ખુદ નરેન્દ્ર મોદીએ એવી કંઇક કબૂલાત કરી છે કે જો સર્જિકલ સ્ટ્રાઇકનું પગલું ભરવામાં ન આવ્યું હોત તો તેઓ મારી હાલત ખરાબ કરી નાંખત.
આનો અર્થ એ થયો કે સર્જિકલ સ્ટ્રાઇક એક ગણતરીપૂર્વકનું રાજકીય પગલું હતું. પાકિસ્તાનમાં પનપતા ત્રાસવાદને ખતમ કરવાના લાંબા ગાળાનો કોઇ વ્યૂહ એની પાછળ નહોતો. ત્રાસવાદીઓ દ્વારા ભારતમાં થતાં હિંસાચાર સામેનો આક્રોશ એમાં નહોતો. પાકિસ્તાનને એની હેસિયત બતાવી દેવાની ખુમારી એની પાછળ નહોતી.
વધુ મહત્ત્વનો પ્રશ્ન તો એ છે કે હવે શું કરવાનું? જો પઠાણકોટ અને ઉરીની ઘટનાથી તમારું લોહી ઉકળી ઊઠ્યું હતું તો અત્યારે લગભગ એવી જ ઘટનાઓ સરહદ પર બની રહી છે. શું સર્જિકલ સ્ટ્રાઇકનો દોર ચાલુ રાખવાનો છે? એ શક્ય નથી. એક વાત નક્કી છે કે સર્જિકલ સ્ટ્રાઇક એક વાર થઇ ગઇ એ થઇ ગઇ. બીજી વાર એ શક્ય નથી. હવે તો જો એવો પ્રયાસ થાય તો રીતસરતનું યુદ્ધ જ થાય. શું પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનો પ્લાન છે? કે પછી કોઇ પ્લાન કે કોઇ વ્યૂહ જ નથી?
નરેન્દ્ર મોદીએ તો પોતાના મનની વાત કહી દીધી છે. એમણે કહ્યું છે કે યુદ્ધ નહીં બુદ્ધ. યુદ્ધનો માર્ગ ઇચ્છનીય નથી. આપણે એમની સાથે સહમત છીએ. યુદ્ધમાં કોઇની જીત નથી થતી. અરે, આપણે તો નદીના પાણીનો પ્રવાહ પણ નથી રોકી શકતા. આખરે તો બંને દેશોએ મંત્રણા કરવા માટે ટેબલ પર જ બેસવાનું છે.
હવે ફરી ભારત અને પાકિસ્તાનના સચિવો મંત્રણા માટે મળશે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક વિશે આપણે શું વિચારીશું? એને સાવ ભૂલી જઇશું કે પછી એનું પુનઃમૂલ્યાંકન કરીશું? જો પુનઃમૂલ્યાંકન થશે તો સર્જિકલ સ્ટ્રાઇકની નિરર્થકતા સમજાશે. રાજકીય ગણતરી ઊંધી પડ્યાનો અહેસાસ થશે.
એવી આશા રાખીએ કે મંત્રણાઓ શરૂ થાય એ પહેલા બેમાંથી એકેય દેશ કોઇ આડુંઅવળું દુઃસાહસ નહીં કરે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર