ગોબલ્સના જૂઠ્ઠાણાં પાછળનું સત્ય

26 Dec, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC: twimg.com

માણસ ગમે એટલો બુદ્ધિશાળી હોય, પરંતુ જ્યારે એ કોઇ ખામીભરી વિચારસરણીને અપનાવી લે અને એમાં ઝનૂનપૂર્વક માનવા લાગે ત્યારે એ જીવનનો કેવો અનર્થ સર્જી શકે એના કેટલાય દાખલા ઇતિહાસમાં જોવા મળે છે, પરંતુ એડોલ્ફ હિટલના ખાસ માણસ જોસેફ ગોબલ્સનો કિસ્સો જરા અલગ લાગે છે. ખાસ તો એટલા માટે કે ગોબલ્સ મીડિયાનો માણસ હતો અને મીડિયાને મેનિપ્યુલેટ કરવામાં માસ્ટર હતો. એ વાત અલગ છે કે એણે સરકાર માટે મીડિયાને મેનિપ્યુલેટ કરીને પ્રજાને મૂરખ બનાવી, છતાં પ્રોપોગેન્ડા એટલે કે પ્રચારમારાના ક્ષેત્રની એની સૂઝબૂઝ અદભૂત હતી. આજના એગ્રેસિવ માર્કેટિંગના જમાનામાં આપણે જે કંઇ અનુભવી રહ્યા છીએ એના મૂળિયા કદાચ જોસેફ ગોબલ્સે જ નાંખ્યા હતા. પ્રોપોગેન્ડા વિશેના ગોબલ્સના કેટલાક ક્વોટ્સ બહુ જ પ્રખ્યાત થઇ ગયા છે. પ્રસ્તુત છે કેટલાક નમૂનાઃ

એક જૂઠ્ઠાણું એક વાર કહેવાથી એ જૂઠ્ઠાણું રહે છે, પરંતુ હજાર વાર કહેવાથી એ સત્ય બની જાય છે.

પ્રચારમારાનું કામ ત્યારે સરળ બની જાય છે, જ્યારે જેમને મૂરખ બનાવવાના હોય એ લોકો એવો આત્મવિશ્વાસ ધરાવતા હોય કે તેઓ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી ચાલી રહ્યા છે.

પ્રોપોગેન્ડાનું સિક્રેટઃ જેમને પ્રભાવ હેઠળ લાવવાના હોય એ લોકો પ્રચારની વિચારસરણીમાં સંપૂર્ણપણે ડૂબી જવા જોઇએ અને પોતે એમાં ડૂબી રહ્યા હોવાનો એમને અહેસાસ પણ ન થવો જોઇએ.

જો તમે એક જૂઠ્ઠાણનું સારી એવી વાર કહેતા રહેશો તો લોકો એને સત્ય માની લેશે. જૂઠ્ઠાણું જેટલું મોટું હશે એટલું વધુ સરળતાથી પચી જશે.

સામાન્ય પ્રજા આપણે ધારીએ છીએ એના કરતાં વધુ ગમાર હોય છે. આથી પ્રોપોગેન્ડા એકદમ સરળ અને રિપિટિટિવ (પુનરાવર્તનકારી) હોવો જોઇએ.

પ્રોપોગેન્ડાનાં મટિરિયલની ગુણવત્તા ઊંચી હોવી જરૂરી નથી.

પ્રેસ એટલે કે અખબારી માધ્યમને એક કીબોર્ડ ગણો, જેને સરકાર પોતાની મરજી પ્રમાણે વગાડી શકે. (એ સમયે કોમ્પ્યુટર્સ નહોતા એટલે ક્વોટકર્તા પિયાનોના કીબોર્ડની વાત કરે છે.)

સત્ય એ સરકારનો સૌથી મોટો દુશ્મન છે.

જોસેફ ગોબલ્સની કરિઅર મુખ્યત્ત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી. પહેલા તબક્કામાં એ એક નિષ્ફળ લેખક અને પત્રકારમાંથી નાઝી પાર્ટીનો મહત્ત્વનો નેતા બન્યો ત્યાં સુધીની એની સફર હતી. મજાની વાત એ છે કે યહુદીઓ માટે આટલો ધિક્કાર ધરાવનાર ગોલબ્સે પીએચડી કરવા માટે મેક્સ વોલ્ડબર્ગ નામના એક યહૂદી પ્રોફેસરની મદદ લીધી હતી અને એમના સુપરવિઝન હેઠળ જ તે આ ડિગ્રી પ્રાપ્ત કરી શક્યો હતો. ત્યાર પછી એણે સર્વાઇવલ માટે ઘણી સ્ટ્રગલ કરી. તેણે બે નાટકો પણ લખ્યા, પરંતુ એને કોઇએ પ્રકાશિત ન કર્યા. આખરે 1924મા એ હિટલરના પ્રભાવ હેઠળ આવ્યો અને નાઝી પાર્ટી સાથે એ સંકળાયો. આ રીતે એને સ્થાનિક નાઝી નેતા ગ્રેગર સ્ટ્રાસરના અખબારમાં કામ કરવાનો એને મોકો મળ્યો. એ સમયે હજુ હિટલર નાઝી પાર્ટીમાં પૂરી રીતે છવાયો નહોતો અને સ્ટ્રાસર સહિતના અનેક નેતાઓ હિટલરના બધા જ વિચારો સાથે સહમત નહોતા. હિટલરને આવો વિરોધીમત પસંદ નહોતો એટલે હીટલરે 60 જેટલા સ્થાનિક નેતાઓની એક ખાસ બેઠક બોલાવી, જેમાં ગોબ્લસ પણ હાજર રહ્યો હતો. સમાજવાદ સામેના હિટલરના વિચાર ગોબલ્સને પસંદ ન આવ્યા, પરંતુ હિટલરના વ્યક્ત્તિત્ત્વ તથા એની છટાથી ગોબલ્સ પ્રભાવિત થઇ ગયો. આથી તે હિટલરના વિચારો સાથે સહમત થઇ ગયો એટલું જ નહીં, હિટલર માટેની સંપૂર્ણ વફાદારી એણે વ્યક્ત કરી દીધી. ગોબલ્સે એ સમયે પોતાની ડાયરીમાં લખ્યું, 'આઇ લવ હિમ. એમણે દરેક મુદ્દે પૂરો વિચાર કર્યો છે. આવી તેજસ્વીતા ધરાનાર મારો નેતા બની શકે. તેઓ એક પોલિટિકલ જિનિયસ. છે.' આ વફાદારીના ઇનામરૂપે ગોબલ્સને પક્ષમાં સારો હોદ્દો મળ્યો. એ રીતે ગોબ્લસ અને હિટલર બંનેનું પક્ષમાં મહત્ત્વ વધ્યું.

જોસેફ ગોબલ્સની કરિઅનો બીજો તબક્કો નાઝી પાર્ટીની લોકપ્રિયતા વધારવાનો હતો. હિટલરની જેમ ગોબલ્સમાં પણ બોલવાની આકર્ષક છટા હતી. હિટલર જ્યારે જ્યારે રેલી કે સભા સંબોધવાનો હોય ત્યારે ગોબલ્સ એ માટેની પૂરી તૈયારીઓ કરતો. હિટલરની રેલીની ફિલ્મ ઊતારવાનો પ્રારંભ ગોબલ્સે જ કર્યો. ત્યારના સમયમાં એ બહુ જ ઇનોવોટિવ આઇડિયા હતો. પક્ષનો પ્રાદેશિક હવાલો મળ્યો એટલે ગોબલ્સે પક્ષને વધુ મજબૂત બનાવાના પ્રયાસો શરૂ કરી દીધા. એ સમયે પ્રાદેશિક એકમમાં 1,000 સભ્યો હતા, પણ ગોબલ્સે એ ઘટાડનીને 600 કરી નાંખ્યા અને ફક્ત સક્રિય તથા આશાસ્પદ સભ્યોને જ પક્ષમાં રાખ્યા. પક્ષમાં દાખલ થવા માટેની ફી રાખવામાં આવી. નેગેટિવ અને પોઝિટિવ પબ્લિસિટીની કિંમત ગોબલ્સ બરોબર જાણતો હતો એટલે એ જાણી જોઇને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ જર્મનીના કાર્યકરો પર હુમલા કરાવતો. છેલ્લામાં છેલ્લી ઘટનાઓને લગતી જાહેરખબરો કરતો અને એમાં ધ્યાનાકર્ષક સ્લોગનોનો ઉપયોગ કરતો. પોસ્ટરો તથા બેનરોમાં વિવિધતા લાવતો.

હિટલરની જેમ ગોબલ્સ પણ જાહેરમાં ભાષણ આપતાં પહેલા અરીસાની સામે એનું રિહર્સલ કરતો. જાહેર સભા પહેલા એ સ્થળે માર્ચ યોજાતી અને ગીતસંગીતના કાર્યક્રમ થતા. સભાના સ્થળે પક્ષના મોટા બેનરો લાગી જતા. આજે આ સામાન્ય થઇ ગયું છે, પરંતુ ત્રીસના દાયકાના જર્મનીમાં આ બધુ બહુ નવું હતું. ગોબલ્સ અને હિટલર બંનેના ભાષણોમાં ભારોભાર ઉશ્કેરણી રહેતી. આવી ઉશ્કેરણીને કારણે જાહેરસભા સંબોધવા પર ગોબલ્સ પર એક વાર પ્રતિબંધ પણ લાગ્યો હતો.

એકંદરે ગોબ્લસ તથા હિટલરના અથાગ પ્રયાસોને કારણે નાઝી પાર્ટી વધુને વધુ મજબૂત બનતી ગઇ અને છેવટે નાઝી પક્ષે જર્મનીમાં સત્તા કબજે કરી. હિટલરે ગોબલ્સને નવા રચાયેલા પબ્લિક એન્લાઇટમેન્ટ એન્ડ પ્રોપોગેન્ડા ખાતાંનો કેબિનેટ મિનિસ્ટર બનાવ્યો. પછી તો ગોબલ્સે સમગ્ર રાષ્ટ્રને નાઝી પાર્ટીની વિચારસરણી પર નાચતું કરી દેવાના કાવાદાવા શરૂ  કરી દીધા. પહેલી મેનો દિવસ મજૂર દિવસ તરીકે ઉજવાતો હતો એના બદલે ગોબલ્સે પોતાના પક્ષના વિજય દિવસ તરીકે જાહેર કરી દીધો. દેશના બધા જ મજૂર યુનિયનોને બરખાસ્ત કરીને એમને નાઝી સંચાલીત જર્મન લેબર ફ્રન્ટમાં શામેલ કરી દીધા.

4 ઓક્ટોબર, 1933ના રોજ ગોબલ્સે એક સૌથી મોટું અને ખતરનાક પગલું ભરીને 'એડટર્સ લો' અમલી બનાવ્યો. મધ્યમ વર્ગનો લોકમત ઘડવા માટેની આ ચાલાકી હતી. આ કાયદા હેઠળ દેશના દરેક લેખક, પત્રકાર કે ચિત્રકારને સરકારની સેન્સરશીપ હેઠળ લાવવામાં આવ્યા અને એમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે રાષ્ટ્રવાદી સમાજવાદ સાથે સુસંગત હોય એવું જ સર્જન એમણે કરવું. ફિલ્મો બનાવવાથી માંડીને કળા અને મનોરંજનના દરેક ક્ષેત્રમાં સેન્સરશીપ આવી ગઇ. ગોબલ્સની પ્રોપોગેન્ડા મિનિસ્ટ્રી દરેક રીતે સક્રિય બની ગઇ અને આખા રાષ્ટ્રને જાણે સરકારના કબજામાં લઇ લેવામાં આવ્યું. રેડિયો એ સમયે નવું માધ્યમ હતું અને ગોબલ્સને એમાં વિશેષ રસ હતો. 1934મા ગોબલ્સે મેન્યુફેક્ચરરોને સસ્તા રેડિયો બનાવવાનો આદેશ આપ્યો. 1938મા એક કરોડ જેટલા રેડિયો વેચાયા. જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરો ગોઠવવામાં આવ્યા, જેથી સરકારી ઘોષણાઓ વધુ લોકો સાંભળી શકે. ઉપરથી તો બધુ બરોબર લાગતું હતું, પરંતુ 1938મા 'લાઇફ' મેગેઝિને ગોબલ્સ વિશે લખ્યું 'એને કોઇ ગમતું નથી અને કોઇને એ ગમતો નથી, છતાં નાઝી શાસનનું સૌથી કાર્યક્ષમ ખાતું એ ચલાવી રહ્યો છે.'

ગોબલ્સની કરિયરનો ત્રીજો અને આખરી તબક્કો એના માટે સૌથી વધુ પડકારરૂપ હતો. એ સમય હતો બીજા વિશ્વયુદ્ધનો. પૂરી તૈયારી કે ક્ષમતા ન હોવા છતાં હિટલરે યુદ્ધ છેડી દીધું અને એને પગલે જર્મનીની પ્રજાએ જે યાતના ભોગવી એ સમયમાં ગોબલ્સે એક પ્રોપોગેન્ડા મિનિસ્ટર તરીકે પોતાની કાર્યક્ષમતા દેખાડવાની હતી. યુદ્ધની દહેશતથી કોઇ પણ પ્રજા ડર અનુભવે એટલે એમને યુદ્ધ માટે તૈયાર કરવાની જવાબદારી ગોબલ્સ પર આવી. પોલેન્ડ પર આક્રમણ કરવાનું હતું એટલે એને સાર્થક ઠેરવવા ગોબલ્સે પોતાની પ્રોપોગેન્ડા મશિનરી દ્વારા ખોટા ઉશ્કેરણીજનક અહેવાલો વહેતા કર્યા કે પોલેન્ડમાં વસતા જર્મનીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, જેથી જર્મનોની દેશભક્તિ જાગી ઊઠે. પ્રચારનું આખું તંત્ર ગોબલ્સ પાસે હતું એટલે યુદ્ધ દરમિયાન બનતી ઘટનાઓને પોતાની મરજી મુજબ જાહેર કરવાનું કામ સતત ચાલતું રહ્યું, જેથી દેશવાસીઓનો જુસ્સો જળવાઇ રહે. રેડિયો પર ખોટી ઘોષણાઓ થતી રહી, યુદ્ધને લગતી ખાસ શોર્ટ ફિલ્મો બનાવીને 1,500 મોબાઇલ વાનની મદદથી જાહેર સ્થળો પર એ દર્શાવવામાં આવી. યુદ્ધ આગળ વધ્યું એમ હિટલરે જાહેરમાં દેખાવાનું ઓછું કરી નાંખ્યું. આથી દેશમાં સર્વત્ર ગોબલ્સનો અવાજ જ ગુંજવા લાગ્યો.

ગોબલ્સને પ્રોપોગેન્ડાની પૂરી સમજ હતી. આથી એણે એવું ઠેરવ્યું કે રેડિયો પરના 20 ટકા કાર્યક્રમો પ્રચાર સંબંધિત હોવા જોઇએ અને બાકીના 80 ટકા કાર્યક્રમો મનોરંજક હોવા જોઇએ. આ વાત ફિલ્મોને પણ લાગુ પાડવામાં આવી. આ તબક્કે ગોબલ્સ પૂરેપૂરો કલ્પનાશીલ બન્યો હતો અને લોકમતને પોતાની તરફેણમાં રાખવા માટેની તમામ તરકીબોને એ સફળતાપૂર્વક અજમાવી રહ્યો હતો. આમ છતાં વાસ્તવિકતાથી ક્યાં સુધી બચી શકાય?

યુદ્ધને કારણે થતી પાયમાલીની અસર દેખાવા માંડી. જીવન જરૂરિયાતની ચીજોની અછત વર્તાવા માંડી. પછી તો યુદ્ધમાં જર્મનીને અનેક મોરચે નિષ્ફળતા મળી. જર્મન પ્રજા ભયભીત બની રહી હતી અને એ સમયે એમને યુદ્ધમાં જીત મળશે એવી આશા આપવાનું કામ બહુ મુશ્કેલ બની ગયું હતું. ગોબલ્સને રાહત કાર્યોની જવાબદારી પણ આવી હતી.

યુદ્ધના અંતિમ તબક્કામાં ગોબ્લ્સે જ હિટલરને 'ટોટલ વોર' એટલે કે સમૂળગું આક્રમણ કરવાની હિમયાત કરી. આ વિશે ગોબલ્સે એક જાહેરસભામાં જોરદાર ભાષણ આપ્યું અને શ્રોતાઓનો પ્રતિસાદ જોઇને એને લાગ્યું કે પ્રજા મારી સાથે છે. ત્યાર પછીના ભાષણમાં ગોબલ્સે ફરી જોરદાર ભાષણ આપીને દેશ માટે ફના થઇ જવાનું એલાન કર્યું.

થોડો સમય વીત્યો અને જર્મનીની હાર લગભગ નિશ્ચિત બનતી ગઇ. દેશવાસીઓ દેશ છોડીને પશ્ચિમ તરફ નાસવા લાગ્યા. એક તબક્કે ગોબલ્સે હિટલરને સમાધાન કરી લેવાનું સૂચવ્યું, પરંતુ હિટલર ન માન્યો. નાઝી શાસનનો તેમ જ ક્રૂર હત્યારાઓનો અંત નિશ્ચિત બન્યો. પહેલા હિટલરે આત્મહત્યા કરી અને પછી ગોબ્લસ તથા એના પરિવારે આત્મહત્યા કરી. ગોબલ્સના છ સંતાનોને પહેલા મોર્ફિનના ઇન્જેક્શન આપીને બેહોશ કરવામાં આવ્યા અને ત્યાર પછી તેમના મોઢામાં સાઇનાઇડ મૂકવામાં આવી. પછી ગોબલ્સ અને એની પત્ની માગડાએ આત્મહત્યા કરી.

ગોબલ્સનો અંત ટ્રેજીક હતો, પણ એક ક્રૂર શાસક તરીકે એણે લાખો યહુદીઓની હત્યા કરાવી હતી. એની બુદ્ધિમત્તા દ્વારા એ પ્રચારનું મહત્ત્વ સમજી શક્યો હતો અને જૂઠ્ઠાણાંને સત્યમાં બદલવાની કળામાં એણે નિપૂણતા મેળવી હતી. આમ છતાં પરમ સત્યથી પણ એ વાકેફ જ હતો. આથી જ એનું આ ક્વોટ પણ એટલું જ યાદગાર છેઃ

'આખરે એક દિવસ એવો આવશે, જ્યારે બધા જૂઠ્ઠાણા એના જ ભારથી તૂટી પડશે અને સત્યનો ફરીથી વિજય થશે.'

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.