યુપી પરિણામોની ચોંકવાનારી હકીકત

27 Mar, 2017
12:00 AM

નિખિલ મહેતા

PC: undergrounddaily.com

 

હેડીંગ વાંચીને કોઇએ ઇવીએમ મશિનોને લગતી ફેન્ટસીમાં રાચવાની જરૂર નથી. એવી કોઇ ચોંકવાનારી વાત ધ્યાનમાં નથી આવી. હા, બીજેપીને જેટલા વધુ પ્રમાણમાં બેઠકો મળી એ આશ્ચર્ય અને અચંબો પમાડે એવું જરૂર હતું એટલે માયાવતીજીને થઇ એવી જેવી શંકાઓ અનેક લોકોના મનમાં પેદા થઇ હતી. અલબત્ત, આવા ગંભીર પ્રકારના આરોપ બિલકુલ યોગ્ય ન કહેવાય, છતાં એ વિશે તપાસ એની રીતે થાય એમાં કંઇ ખોટું નથી.

ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામો ખાસ તો એ માટે ચોંકાવનારા છે કે એમાં અહીંની અતિ સ્ફોટક રાજકીય-સામાજિક સ્થિતિનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. ભારતીય મતદાતાની તર્કહીન માનસિકતા અને રાજકારણીઓની વિકૃત માનસિકતાનો જે બિભત્સ ખેલ ઉત્તર પ્રદેશમાં ભજવાયો છે એનો ક્યાંય જોટો મળે એમ નથી. પરિણામો જાહેર થયા ત્યાં સુધી આખો દેશ અંધારામાં હતો. ઉત્તર પ્રદેશમાં જઇને રિપોર્ટીંગ કરનારા અંગ્રેજી મિડીયાના પત્રકારો પણ સાચી પરિસ્થિતિનો તાગ મેળવી શક્યા નહોતા અને જે સ્થાનિક લોકો સાચી સ્થિતિનો અણસાર આપતા હતા એમના પર વિશ્વાસ મૂકવા કોઇ તૈયાર નહોતું. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઉત્તર પ્રદેશમાં શું બની રહ્યું હતું એનાથી કેમ લોકો અંધારામાં રહ્યા? શું બની રહ્યું હતું ઉત્તર પ્રદેશમાં? 

સૌથી પહેલા તો આપણે ચૂંટણીના પરિણામો અને પ્રજાના ચુકાદાને લગતી કેટલીક મૂળભૂત જાણી લઇએ. વિધાનસભા માટે યોજાતી ચૂંટણીઓમાં કયા પક્ષને કેટલા મત મળ્યા એનું મહત્ત્વ નથી હોતું, એ મત દ્વારા સંબંધીત પક્ષ કેટલી બેઠકો જીત્યો એ વાતનું જ સૌથી વધુ મહત્ત્વ રહે છે. સાવ સાદી રીતે સમજવાની કોશિશ કરીએ તો એક એક લાખ મતદારો ધરાવતા ત્રણ મતવિસ્તારોની કલ્પના કરો અને ત્યાં સોએ સો ટકા મતદાન થયું છે એમ માની લો. ત્રણેય બેઠકો માટે ત્રણ પક્ષો (અ, બ અને ક) ચૂંટણી લડી રહ્યા છે. હવે સમજો કે પહેલી બેઠક પર પક્ષ 'અ' ના ઉમેદવારને 96000 મત મળે અને બીજા બે પક્ષોને 2000-2000 હજાર મત મળે. આ રીતે પક્ષ 'અ'નો ઉમેદવાર જીતે. બીજી બેઠક પર પક્ષ 'અ' ને 20000 મત મળે, પક્ષ 'બ' ને 45000 મત મળે અને પક્ષ 'ક' ને 35000 મત મળે. બીજી બેઠક પર પક્ષ 'બ'નો ઉમેદવાર જીતે. ત્યાર પછી ત્રીજી બેઠક પર પક્ષ 'અ' ને 30000 મત મળે, પક્ષ 'બ'ને 37000 મત મળે અને પક્ષ 'ક'ને 33000 મત મળે. તો શું થાય? મતની સંખ્યાની દૃષ્ટિએ પક્ષ 'અ'ને 96000, 2000 અને 30000 એમ 1,46,000 હજાર મત મળ્યા, પરંતુ એને બેઠક એક જ મળે. પક્ષ 'બ'ને અનુક્રમે બે, 45000 અને 37000 એટલે કુલ 84000 મત મળે અને એને બે બેઠકો મળે. પક્ષ 'ક' ને 2000, 37000 અને 33000 એમ કુલ 72000 મત મળે છતાં એને એકેય બેઠક ન મળે. 

આ રીતે પક્ષ  'ક'ને પક્ષ 'બ' કરતાં ફક્ત 12 હજાર મત ઓછા મળ્યા છતાં એને એકેય બેઠક નથી મળતી. બીજી તરફ પક્ષ 'બ'ને પક્ષ 'અ' કરતાં 62000 મત ઓછા મળ્યા છે છતાં એને બે બેઠકો મળે છે એટલે સરકાર પક્ષ 'બ'ની બને.

આ રીતે મતદાનની ટકાવારી અને બેઠકોની સંખ્યા એકબીજાને અનુરૂપ હોય એ જરૂરી નથી. આ અટપટા ગણિતને કારણે ઘણી વાર લોકોનો અસલી ચુકાદો ક્યારેક છૂપો રહે છે અને બેઠકોના સંખ્યાબળના આધારે સરકારો રચાય છે. આ રીતે જો કોઇ પક્ષને મળેલા લાખો મતોનું બેઠકમાં રૂપાંતર ન થાય તો એ મતોનું કોઇ જ મૂલ્ય નથી રહેતું. હવે આપણે ઉત્તર પ્રદેશ 2017ની ચૂંટણીનાં પરિણામો પર આવીએ. સમાજવાદી પક્ષને (સપા) 21.8 ટકા મત મળ્યા અને એને બેઠકો 11.7 ટકા મળી. બહુજન સમાજ પાર્ટીને (બસપા) 22.2 ટકા મત મળ્યા અને ફક્ત 4.7 ટકા બેઠકો મળી. રાજ્યની 2012ની ચૂંટણીના પરિણામો તપાસીએ તો મામલો એકદમ રસપ્રદ બની જાય છે. એ ચૂંટણીમાં સપાને 29.1 ટકા મત મળ્યા હતા, પરંતુ 55.6 ટકા બેઠકો મળી હતી એટલે એ પક્ષની સરકાર રચાઇ હતી. એ ચૂંટણીમાં બસપાને 25.9 ટકા મત મળ્યા હતા અને 19.8 ટકા બેઠકો મળી હતી. આખી વાર્તાનો સાર એ છે કે 2017ની ચૂંટણીઓમાં સપા અને બસપાને મળેલા મતોની ટકાવારીમાં એવો મોટો ઘટાડો નથી થયો, પરંતુ એમને મળેલી બેઠકોની સંખ્યામાં મોટો ઘટાડો થઇ ગયો.

અલબત્ત, બીજેપીને મળેલા મતોની ટકાવારીમાં અભૂતપૂર્વ વધારો થયો અને એને રેકોર્ડબ્રેક સંખ્યામાં બેઠકો મળી, પરંતુ બીજેપીની જીત માટે જે કારણો આગળ કરવામાં આવી રહ્યા છે એ ગળે ઊતરે એવા નથી. સૌથી પહેલું તો, રાજ્યમાં જાતપાત કે કોમવાદના ધ્રુવીકરણના આધારે મતદાન નથી થયું એ વાત ખોટી છે. બીજું, બીજેપીને મુસ્લિમોએ મત આપ્યા છે એ વાતની પુષ્ટી ક્યાંય થતી નથી. ત્રીજું વિકાસ કે એવા કોઇ મુદ્દાને મતદાતાઓએ કોઇ મહત્ત્વ આપ્યું હોય એવું લાગતું નથી. આ મુદ્દા વિગતે સમજીએ.

ચૂંટણી પરિણામોનો કેન્દ્રવર્તી વિચાર તો એ જ છે કે એસપી-બીએસપીને મળેલા મતોમાં ઘટાડો થયો અને બીજેપીને મળેલા મતોમાં વધારો થયો. શા માટે થયું આ પરિવર્તન? આ માટે ભારતમાં ખેલાતા વોટબેન્કના પોલિટિક્સને સમજવું પડશે. દેશના મતદારો બહુ સમજદાર હોવાની વાતો ઘણીવાર થાય છે, પરંતુ એ વાત ખોટી છે. લાગણીને સ્પર્શતો કે કોઇ અતિ મોટો બની ગયેલો મુદ્દો ચગ્યો હોય એવા અસાધારણ સંજોગોમાં દેશભરના મતદારો એકસરખી પેટર્નમાં મતદાન કરે છે, પરંતુ બાકીના સંજોગોમાં એમનું કંઇ જ નક્કી નથી હોતું. 1971નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ અને બંગલાદેશની સ્થાપના, ઇન્દિરા ગાંધીની હત્યા પછી દેશભરમાં કોંગ્રેસની તરફેણમાં ફરી વળેલું સહાનુભૂતિનું મોજું તથા 2014માં યુપીએ સરકારના ભ્રષ્ટાચાર સામે જાગેલા જનાક્રોશની ઘટનાઓને આવા અસાધારણ સંજોગો કહી શકાય. બાકીના સમયમાં શું બને છે એ વિચારીએ.

ચૂંટણીઓ જીતવા માટે કોંગ્રેસ દાયકાઓથી વોટબેન્કનું પોલિટિક્સ રમતી આવી છે. આમાં એવી ગણતરી હોય છે કે પક્ષના જે પારંપરિક સમર્થકો છે એ તો કોંગ્રેસને મત આપશે જ, પરંતુ જો લઘુમતી કે દલીતોને થોડી સલામતીની ભાવના અને થોડી વિશેષ છૂટછાટ આપવામાં આવે તો તેઓ પણ કોંગ્રેસ માટે મતદાન કરે. આ વોટબેન્કની વિશેષતા એ હોય છે કે આ વર્ગના મતદારો વધુ પ્રમાણમાં મતદાન કરે છે એટલે એની અસર વધુ વર્તાય છે. આ રીતે કોંગ્રેસની જીત નિશ્ચિત બની જાય. આ ફોર્મ્યુલાના આધારે કોંગ્રેસે અનેક ચૂંટણીઓમાં જીત મેળવી અને પછી તો વોટબેન્કનું પોલિટિક્સ બિભત્સ સ્તરે પહોંચી ગયું. છેવટે પ્રજાએ આ રીતે મૂર્ખ ન બનવાનું પસંદ કર્યું, જેના કારણે અનેક પ્રાદિશક પક્ષો ઉદભાવ્યા અને કહેવાતા જમણેરી પરિબળનો ઉદય થયો. 

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો મુલાયમસિંઘે પણ કોંગ્રેસની જ ફોર્મ્યુલા અપનાવી અને એમાં પોતાનું મૌલિક ઝેર ઉમેર્યું. મુલાયમસિંઘે પણ એવું વિચાર્યું કે યાદવોના મત તો મારા ખીસામાં જ છે, હું જો એમની સાથે મુસ્લિમ વોટબેન્કને ઉમેરી દઉં તો એક જબરજસ્ત કોમ્બિનેશન બની  જાય. આ રીતે મુલાયમસિંઘે યાદવો અને મુસ્લિમોનું એક ખતરનાક કોમ્બિનેશન બનાવ્યું. અહીં એક મહત્ત્વની વાત એ હતી કે ઉત્તરપ્રદેશમાં મુસ્લીમોની વસતિ અન્ય રાજ્યોના પ્રમાણમાં અધિક છે આથી ફોર્મ્યુલા વધુ સફળ થઇ. પછી તો મુલાયમસિંઘની છાપ મુસ્લિમોના મસીહા તરીકેની પાકી થઈ ગઈ. એટલે સુધી કે અન્ય રાજ્યોમાં પણ મુસ્લિમ નેતાઓ સમાજવાદી પક્ષમાં જોડાયા. સત્તા પ્રાપ્ત કરવા માટેની આ ઝેરીલી ફોર્મ્યુલાની બે અસરો રાજ્યમાં ધીમે ધીમે વર્તાવા માંડી. એક તરફ કેટલાક મુસ્લિમ નેતાઓએ હદ બહાર ચગી ગયા. વહીવટી તંત્રને પણ જાણે મેસેજ મળી ગયો હતો કે યાદવ કે મુસ્લિમ ખોટું કરે તો પણ કોઇ પગલાં નહીં ભરવાના. આથી જ આઝામ ખાનની ભેંસો ખોવાય તો રાજ્યનું આખું પોલીસ તંત્ર એને શોધવામાં લાગી જાય એવી હાસ્યાસ્પદ અને ધિક્કારલાયક સ્થિતિ રાજ્યમાં પેદા થઇ. આવી ઘટનાઓ અને ઘટનાપ્રવાહોની પ્રતિક્રિયા આવ્યા વિના ન રહે. મુસ્લિમોની આળપંપાળને કારણે અન્ય જાતિ તથા કોમમાં જબરજસ્ત અસંતોષ આક્રોશની ભાવના પેદા થઇ. આમાં મુખ્ય તો હિન્દુ સવર્ણો અને ઓબીસીનો સમાવેશ થતો હતો. દલિતોની સમસ્યા અલગ પ્રકારની હતી અને એમની વફાદારી મુખ્યત્વે બીએસપી સાથે હતી.

છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર પ્રદેશમાં કોમવાદનો ચરુ ઉકળી રહ્યો હતો એને બહુ ઓછા લોકો પારખી શક્યા. યોગી આદિત્યનાથ, સાક્ષી મહારાજ, સાધ્વી નિરંજન જ્યોતિ, સંગીત સોમ વગેરે જેવા નેતાઓ અવારનવાર ભારે ઉશ્કેરણીજકન મુસ્લિમ વિરોધી નિવેદનો કરતા હતા ત્યારે એમને ફ્રિન્જ એલિમેન્ટ ગણાવીને દેશભરમાં એમની ટીકા થતી. કોઇએ એ ન વિચાર્યું કે ફક્ત ઉત્તર પ્રદેશમાં જ શા માટે આવા ફ્રિન્જ એલિમેન્ટ્સ પેદા થયા છે? આવા ઉશ્કેરણીજનક ભાષણો બીજા કોઇ રાજ્યના હિન્દુવાદી નેતાઓ નહોતા કરતા. અલબત્ત, કોમી વૈમનશ્ય ફેલાવે એવી નિવેદનોને કોઇ કાળે સમર્થન ન આપી શકાય, પરંતુ એમના ઉશ્કેરાટ પાછળનો તર્ક કોઇ ન સમજી શક્યું. તેઓ બહુમત હિન્દુ પ્રજાના એક મોટા વર્ગની ફરિયાદને વાચા આપી રહ્યા હતા એવું કોઇને ન લાગ્યું. નેશનલ મિડીયા માટે તો આવા ફ્રિન્જ એલિમેન્ટ્સ ફક્ત રમૂજના સાધન હતા. પાયાની હકીકત છૂપી જ રહી અને એનો જ્વાળામુખી ચૂંટણી વખતે મતપેટીની અંદર ફાટ્યો. આ સંદર્ભમાં કોંગ્રેસના મોવડીઓ યુપીની સ્થિતિને પ્રારંભમાં સાચી રીતે સમજી શક્યા હતા. આથી જ એમણે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શીલા દિક્ષિતના રૂપમાં એક બ્રાહ્મણ ચહેરો મૂક્યો હતો, પરંતુ રાહુલ ગાંધીના નસીબ અવળાં ચાલે છે એટલે એમણે શીલા દિક્ષિતને બાજુ પર રાખીને એસપી સાથે ગઠબંધન કર્યું. જો કોંગ્રેસ શીલા દિક્ષિતની નેતાગીરી હેઠળ ચૂંટણી લડી હોત તો પક્ષ માટે પરિણામ ઘણું સારું રહ્યું હોત. નારાજ હિન્દુઓના મત પક્ષને જરૂર મળ્યા હોત. 

બીજી તરફ બીજેપી તથા અમિત શાહના વ્યૂહને પણ ભાગ્યે જ કોઇ સમજી શક્યું હતું. યાદવો તથા મુસ્લિમ સિવાયના તમામ વર્ગોને પોતાની પડખે રાખવા માટે અમિત શાહે પ્રયાસ કર્યા. એક પણ મુસ્લિમને ટિકિટ ન આપીને પક્ષે એ સ્પષ્ટ કરી દીધું કે એમને મુસ્લિમ મતની જરાય નથી પડી. આ રીતે ચૂંટણી પહેલા રાજ્યમાં ધ્રુવીકરણ પૂરેપૂરું થઇ ચુક્યું હતું. બીજી તરફ પારિવારિક ઝઘડાને કારણે એસપીની ઇમેજ બગડી. માયાવતીની ગણતરી પણ ખોટી પડી. એમણે વિચાર્યું કે દલિતોના મતો અમારા ખીસામાં છે જ એટલે જો મુસ્લિમોને વધુ મહત્ત્વ આપીશું તો એસપીના મુસ્લિમ સમર્થકો અમારી તરફ ઢળશે. આ રીતે માયાવતીએ દલિતો અને મુસ્લિમોનું કોમ્બિનેશન બનાવ્યું. આ બધાનું પરિણામ એ આવ્યું કે મુસ્લિમોના મત એસપી તથા બીએસપીમાં વહેંચાઇ ગયા. બીજી તરફ નારાજ હિન્દુ બહુમતીને પોતાની સાથે રાખવામાં બીજેપીને પૂરેપૂરી સફળતા મળી. બીજેપીએ પોતાની તરફેણમાં નવા મતદારો ઊભા કર્યા. ઓબીસી જેવા નવા વર્ગને પોતાની તરફ ખેંચ્યા. પરિણામ અદભુત રહ્યું.

હવે શું? ઉત્તર પ્રદેશના પરિણામોના આધારે ફરી એવી ખોટી આગાહી કરવામાં આવે છે કે 2019ની લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીની જીત નિશ્ચિત બની ગઇ. અહીં એ વાત ખાસ સમજવી જોઇએ કે ઉત્તર પ્રદેશનો કિસ્સો સાવ અલગ હતો. અહીં મુસ્લિમોની વસતિ વધુ છે અને એમની આળપંપાળને કારણે હિન્દુ બેકલેશ આવ્યો હતો. દેશના બાકીના રાજ્યોમાં ઉત્તરપ્રદેશ જેવી સ્થિતિ નથી. એ ન ભૂલવું જોઇએ કે જે સમયે ઉત્તરપ્રદેશમાં બીજેપીનો ભવ્ય વિજય થયો એ જ સમયે પંજાબ, ગોવા તથા મણિપુરમાં બીજેપીએ જરાય સારો દેખવ નહોતો કર્યો. 

બીજી મહત્ત્વની વાત, ઉત્તર પ્રદેશના વિશેષ સંજોગોમાં બીજેપી પોતાનો વોટશેર વધારી શકી હતી, દર વખતે એ શક્ય ન બને. આ ઉપરાંત, અગાઉ જોયું એમ એસપી તથા બીએસપીના વોટશેરમાં એવો મોટો ઘટાડો નહોતો થયો.  બંને પક્ષો અલગ અલગ રીતે ચૂંટણી લડ્યા એના કારણે પણ એમની વોટબેન્કના મતો વહેંચાઇ ગયા હતા. 2019માં સ્થિતિ અલગ હોઇ શકે.

ઉત્તર પ્રદેશના વિજય અને યોગી આદિત્યનાથની લોકપ્રિયતાને કારણે જો કોઇ એમ માની બેસે કે દેશમાં હિન્દુત્વની અને નરેન્દ્ર મોદીની લહેર છે તો એ એક મોટી ભૂલ છે. હકીકત એ છે કે દેશમાં ખાસ કંઇ બદલાયું નથી. 2019ની ચૂટણી જીતવા માટે સરકારે નક્કર કામો જ કરવા પડશે. જો રાષ્ટ્રીય સ્તરે બીજેપી સિવાયના પક્ષો રાષ્ટ્રીય સ્તરે સંગઠિત થઇને ચૂંટણી લડશે તો બીજેપીને જીતવાનું ભારે પડી જશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.