ત્રાસવાદનો ઉકેલ સામુહિક ધિક્કાર નથી

11 Jul, 2016
12:05 AM

નિખિલ મહેતા

PC:

જ્યારે પણ પેરીસમાં કે ઢાંકામાં ત્રાસવાદી હુમલો થાય ત્યારે અમદાવાદ, નડિયાદ અને આખા દેશના મુસ્લિમો ફફડવા લાગે છે. એમને ખબર હોય છે કે હવે અહીં એમની હાલત ખરાબ થવાની છે. ટીકાનો વરસાદ થશે અને ગાળાગાળી થશે. કારણ એ જ કે એમનો અને ત્રાસવાદીઓનો ધર્મ એક છે. જોકે બંને વચ્ચે એક મોટો ફરક છે. ત્રાસવાદીઓ ઇસ્લામને અલગ રીતે સમજી રહ્યા છે, જ્યારે સામાન્ય મુસ્લિમો ઇસ્લામને પોતાની રીતે સમજી રહ્યા છે તેમ જ પોતાની રીતે એનું આચરણ કરી રહ્યા છે. આમ છતાં જ્યારે જ્યારે મુસ્લિમ ત્રાસવાદીઓ દ્વારા હિંસક હુમલા થાય છે ત્યારે બધા જ મુસ્લિમો બદનામ થાય છે. મુસ્લિમ ત્રાસવાદીઓની એક વિશેષતા એ છે કે તેઓ ઇસ્લામ ધર્મના નામ પર હિંસા કરી રહ્યા છે એવી કબૂલાત જ નહીં, એવી જાહેરાત પણ કરતા હોય છે. આના લીધે નિર્દોષ મુસ્લિમો વધુ હેરાન થાય છે.

ભારતમાં હિન્દુ મુસ્લિમો વચ્ચેનો સંબંધ હંમેશાં લવ હેટનો રહ્યો છે. સામાન્ય સંજોગોમાં પ્રેમભાવથી એકબીજા સાથે સંબંધ રાખનારા હિન્દુઓ અને મુસ્લિમો રમખાણના સમયે એકબીજા પર શંકાથી જોતા થઇ જાય છે. બંને કોમમાં એક વર્ગ એવો પણ છે, જેમના મનમાં સામી કોમ પ્રત્યે સખત નફરત ભરેલી છે. આ નફરતનું કારણ એ પ્રકારનો ઉછેરે, ભૂતકાળના અનુભવો, ખોટી માન્યતાઓ કે બીજું કંઇ પણ હોઇ શકે છે. મનમાં ધરબાયેલી આ નફરતને કારણે જ્યારે પણ સંવેદનશીલ પરિસ્થિતિ સર્જાય ત્યારે આ વર્ગ એકદમ સક્રિય બની જાય છે. વિદેશમાં મુસ્લિમ ત્રાસવાદીઓ દ્વારા જ્યારે પણ હુમલા થાય ત્યારે હિન્દુ કટ્ટરવાદીઓ ઇસ્લામ અને મુસ્લિમ સમાજ પર તૂટી પડે છે. દલીલો તો એટલે સુધી થાય છે કે બધા જ મુસ્લીમો સંભવિત ત્રાસવાદી છે. એની સામે મુસ્લિમો એવો બચાવ કરે છે કે ત્રાસવાદીઓને કોઇ ધર્મ નથી હોતો. આની સામે પાછી એવી દલીલ થાય છે કે ભલે બધા મુસ્લિમો ત્રાસવાદીઓ નથી હોતા, પરંતુ જે ત્રાસવાદીઓ છે એ બધા મુસ્લિમ જ હોય છે.

દલીલો પછી આક્ષેપબાજીમાં બદલાય છે અને ગાળાગાળી તથા ઝેરીલી નફરત બધી હદ પાર કરવા માંડે છે. જે મુસ્લિમોને ખરેખર ત્રાસવાદીઓ સાથે કોઇ દૂર દૂરનો સંબંધ નથી અને જેઓ પરવરદિગારના અસલી બંદા તરીકે ઇસ્લામ ધર્મને અનુસરે છે એમના માટે આજના સમયમાં એક ખરેખરી દ્વિધા ઊભી થઇ છે. ત્રાસવાદીઓને કારણે એમનો ધર્મ બદનામ થઇ રહ્યો છે એટલે જ્યારે ઇસ્લામની ટીકા થાય ત્યારે તેઓ નારાજ થઇ જાય છે અને એનો બચાવ કરવા માંડે છે. મોટા ભાગના મુસ્લિમો માને છે કે ઇસ્લામ ધર્મમાં હિંસાનો પ્રસાર કે પ્રચાર કરવાની હિમાયત નથી. તેઓ માને છે કે સાચો મુસલમાન બીજી કોઇ વ્યક્તિનો જીવ ન લઇ શકે. બીજી તરફ એવી દલીલ થઇ રહી છે કે જે મુસલમાન નથી એટલે કે જે કાફિર છે એની હત્યા કરવાથી જન્નત મળે એવું ઇસ્લામ સ્પષ્ટપણે કહે છે. કોઇ વળી એવી દલીલ કરે છે કે ઇસ્લામમાં જે લખ્યું છે એનો અમુક લોકો ખોટો અર્થ કાઢી રહ્યા છે. દલીલો અને ગૂંચવણો નિરંતર ચાલ્યા કરે છે.

કુરાનમાં જે કંઇ લખાયું છે એનો અર્થ સમજાવનારા અનેક સ્કોલરો ભારતમાં જ નહીં, વિદેશમાં પણ છે. સમસ્યા એ છે કે બધા જ સ્કોલરો કુરાનના અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે. ક્યાંય કોઇ સહમતી નથી. આમ છતાં સાવ તટસ્થ રીતે જોઇએ તો એક હકીકત સામે આવે છે કે ઇસ્લામના ધર્મગ્રંથમાં હિંસાનો મહિમા છે અથવા એવો અર્થ આસાનીથી કાઢી શકાય એવું લખાણ છે. જેમને તટસ્થ અને વૈચારિક રીતે પરિપક્વ કહી શકાય એવા સ્કોલરોએ પણ કબૂલ્યું છે કે કુરાનમાં આવા ઉલ્લેખો છે ખરા. હવે મજાની વાત એ છે કે હિંસાની હિમાયત કરતાં ઉલ્લેખ બાઇબલમાં પણ છે.

થોડા દિવસ પહેલી સીએનએન પર આવેલા ફરીદ ઝકરિયાના એક કાર્યક્રમમાં આ વિશેની રસપ્રદ ચર્ચા સાંભળવા મળી. એમાં એવું દર્શાવવામાં આવ્યું કે હોમોસેક્સ્યુઅલની હત્યા કરી નાંખવી જોઇએ એવો ઉલ્લેખ કુરાન અને બાઇબલ બંનેમાં લગભગ એકસમાન રીતે કરવામાં આવ્યો છે.

એક બીજી વાત પણ બહુ જ રસપ્રદ છે. ઇસ્લામ ધર્મના નામે કોઇની હત્યા કરનારને મૃત્યુ પછી જન્નતમાં 72 વર્જિન (કુંવારિકાઓ) મળશે એવો કુરાનમાં ઉલ્લેખ હોવાનો કેટલાક સ્કોલરોએ દાવો કર્યો. આની સામે ઇસ્લામના બીજા એક સ્કોલરે એવો ખુલાસો કર્યો કે આ વાતને ખોટી રીતે સમજવામાં આવી છે. હકીકતમાં ઉલ્લેખ એવો છે કે હત્યા કરનારને 72 વર્જિન નહીં, પણ 72 સૂકી દ્રાક્સ એટલે કે કિસમિસ મળશે એવો ઉલ્લેખ છે. 72 કુંવારિકાઓની લાલચમાં હત્યાઓ આચરનાર યુવા મુસ્લિમ ત્રાસવાદીને જન્નત (અથવા જહન્નુમ)માં ગયા પછી 72 વર્જિનને બદલે 72 દ્રાક્ષ મળે તો એની શી હાલત થાય એની કલ્પના કરવી રહી.

મૂળ વાત એ છે કે ધર્મગ્રંથોમાં જે કંઇ લખાયું છે એના સૌ કોઇ પોતાની મરજી પ્રમાણે અર્થ તારવી રહ્યા છે અને એમાંથી પોતાની ભાખરી શેકી રહ્યા છે. મુસ્લિમ યુવાનોને ત્રાસવાદી પ્રવૃત્તિમાં શામેલ કરવા માટે અમુક મુલ્લાઓ એમને કુરાનનો વાસ્તો આપીને જન્નત જેવી અનેક લાલચ આપી રહ્યા છે. અશિક્ષિત અને અણસમજુ યુવાનો એમાં ફસાઇ રહ્યા છે. નિષ્ઠાવાન સામાન્ય મુસ્લિમો માટે હવે સમસ્યા એ છે કે જો અમુક લોકો ઇસ્લામનો ગલત અર્થ કાઢીને ગલત આચરણ કરી રહ્યા હોય ત્યારે શું કરવું? હિંસા આચરનારા ત્રાસવાદીઓ ઇસ્લામને ગલત રીતે સમજી રહ્યા છે અને તેઓ સાચા મુસ્લિમ નથી એ દલીલ સાચી છે, પરંતુ વિરોધીઓને હવે એનાથી સંતોષ નથી થતો. અન્ય કોમના લોકો એવી માગણી કરી રહ્યા છે કે સાચા મુસ્લિમોએ પ્રો એક્ટિવ બનીને એટલે કે સામે ચાલીને મુસ્લીમ ત્રાસવાદીઓની સામે જેહાદ ચલાવવી જોઇએ. માગણી એવી છે કે હિંસક ત્રાસવાદીઓ સામેની લડાઇ મુસ્લિમો પોતે જ લડે તો એમના પર વિશ્વાસ બેસે. આવી માગણી ગેરવાજબી જ નહીં, અવ્યવહારુ પણ છે.

અન્ય ધર્મોની સરખામણીમાં ઇસ્લામના અનુયાયીઓમાં નાસ્તિકો ઓછા જોવા મળે છે. આચરણમાં ભલે કોઇ મુસ્લિમ ચુસ્ત ન હોય, પરંતુ પોતાના ધર્મને બિલકુલ નકામો ગણતા કે એને ધિક્કારતા મુસ્લિમો બહુ ઓછા જોવા મળશે. એ વાત સૌએ સમજવી જોઇએ કે જે માણસ ધાર્મિક છે, એને પોતાનો ધર્મ બહુ વહાલો હોય છે. પછી ભલે એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે અન્ય ધર્મને અનુસરનાર હોય. નાસ્તિકોને કોઇ ફરક નથી પડતો, પરંતુ ધાર્મિક વ્યક્તિને પોતાનો ધર્મ બદનામ થાય ત્યારે એ દુઃખી થતી હોય છે. આજે મુસ્લિમ સમાજ માટે ટ્રેજડી એ છે કે પોતાના ધર્મનો બચાવ કરવા જતાં તેઓ ત્રાસવાદીઓનો પક્ષ લઇ રહ્યા હોય એવી છાપ ઉપસે છે. આ રીતે મુસ્લિમ સમાજ અને અન્ય કોમ વચ્ચનું અંતર વધી રહ્યું છે. શો ઇલાજ છે આ સમસ્યાનો?

આ સમસ્યાના ઉકેલ માટે ખરેખર તો અન્ય કોમના લોકોએ થોડી વધુ સમજણ કેળવવાની જરૂર છે. એક વાત સ્પષ્ટ રીતે સમજવી જોઇએ કે અલ કાયદા, આઇએસ, તાલીબાનો કે અન્ય ત્રાસવાદીઓની કુલ સંખ્યા સમગ્ર મુસ્લિમ વિશ્વની વસતીના એક ટકાથી પણ ઓછી હશે. તો કોઇ સમાજના એક નાના વર્ગને કારણે સમગ્ર સમાજ પ્રત્યે ધિક્કારની લાગણી રાખવાનું શું યોગ્ય છે?

કલેક્ટિવ હેટ્રેડ એટલે કે સામુહિક ધિક્કાર એ અપરિપક્વ સમાજની એક બહુ મોટી સમસ્યા છે. આપણા દેશમાં સમાજનો દરેક વર્ગ લગભગ દરેક બીજા વર્ગ માટે સદીઓ જૂના પૂર્વગ્રહો ધરાવતો હોય છે. ભારતમાં લગભગ દરેક જાતિ અને જ્ઞાતિની નબળાઇ કે એની ખરાબી વર્ણવતી કહેવતો બની છે અને એ પ્રચલિત છે. જૈનો આવા હોય, બ્રાહ્મણો આવા હોય, સિંધીઓ આવા હોય... આપણે હંમેશાં આવું સાંભળતા આવ્યા છીએ. જો એ ખરેખર સાચું હોય તો તો પછી સમાજમાં કોઇ સારું છે જ નહીં.

કોઇ પણ કોમ કે જાતિનો એક નાનો વર્ગ અમુક પ્રકારનું વર્તન કરે તો એ સમગ્ર કોમ કે જાતિની ઓળખ ન બની શકે. આપણે જોઇએ છીએ કે એક કુટુંબમાં પણ બધા ભાઇબહેનો સરખા નથી હોતા. પરિવારની એકાદ વ્યક્તિનું ક્યારેક સાવ જ અધઃપતન થઇ જાય છતાં અન્ય લોકો આખા પરિવારને એ વ્યક્તિના કારનામાથી ઓળખતા નથી. તો પછી આ માપદંડ એક કોમ માટે, એક જાતિ માટે શા માટે નહીં?

કલેક્ટિવ હેટ્રેડ એટલે કે સામુહિક ધિક્કાર વિશે સમજવા જેવી બીજી વાત એ છે કે આ પ્રકારની લાગણી બહુ ઝડપથી ફેલાતી હોય છે અને એનો લાભ લેનારા કેટલાક સ્થાપિત હિતો હોય છે. કોમી હિંસા ફેલાય ત્યારે બંને કોમના લોકો માર્યા જતા હોય છે. એમાં લાભ કોને હોય છે એ લોકો પછીથી સમજે છે. હિટલરે યહુદીઓ માટે આવો સામુહિક ધિક્કાર ફેલાવીને લાખો લોકોની હત્યા કરાવી. વ્યક્તિગત રીતે કોઇ યહુદી કોઇ જર્મનનો દુશ્મન નહોતો.

સમસ્યાનું સમાધાન મુસ્લિમોને ધિક્કારીને એમને અલગ પાડી દેવામાં નહીં, ત્રાસવાદીઓને ખતમ કરવામાં છે. બીજી તરફ મુસ્લીમોએ પણ કેટલીક વાત સમજવા જેવી છે. જો તેઓ ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા લોકોને ધિક્કારતા હોય તો એમણે આવા ત્રાસવાદ સામે પડતા દરેક પરિબળને સમર્થન આપવું જોઇએ. અહીં ક્યારેક મુસ્લિમો ઉંણા ઊતરતા હોય એવું લાગે છે.

સામાન્ય મુસ્લિમો અને ત્રાસવાદીઓ વચ્ચેની એક કડી છે ધાર્મિક ફંડામેન્ટાલિઝમ એટલે કે મૂળભૂતતાવાદ અથવા તો રૂઢિચુસ્તતા. મુસ્લિમ સમાજનો બહુ મોટો વર્ગ ધાર્મિક ફંડામેન્ટલિઝમથી દૂર રહી શક્યો નથી. તેઓ ત્રાસવાદને જે અવાજમાં ધિક્કારે છે એ જ અવાજમાં તેઓ અમેરિકા તથા એની આધુનિક રહેણીકરણીને ધિક્કારતા જોવા મળે છે. શા માટે ભાઇ? અમેરિકા ભલે વૈશ્વિક દાદાગીરી માટે બદનામ હોય, પરંતુ એણે મુસ્લિમોનું એવું કંઇ ખાસ બગાડ્યું નથી. પશ્ચિમના ઉદારમતવાદને લીધે વિશ્વને કોઇ નુકસાન નથી થયું. બોસ્નિયામાં મુસ્લિમોને બચાવવા માટે અમેરિકાએ લશ્કર મોકલ્યું હતું. અફઘાનિસ્તાનમાં ચૂંટાયેલી સરકારના સમર્થન માટે અમેરિકાએ દખલ કરી હતી. સામાન્ય મુસ્લિમો અમેરિકા પ્રત્યેનુ વલણ બદલે એ બહુ જરૂરી છે, કારણ કે ઇસ્લામના કટ્ટર રૂઢિવાદીઓ અને ત્રાસવાદીઓ અમેરિકાની સંસ્કૃતિને ઇસ્લામની વિરુદ્ધની માને છે. આથી તો ઝાકીર નાઇક જેવા કહેવાતા સ્કોલરો ધર્મના નામે કટ્ટર રૂઢિવાદનો પ્રચાર કરતા ફરે છે, જે છેવટે ત્રાસવાદી પ્રવૃત્તિમાં પરિણમે છે. મુસ્લિમ સમાજે એ સમજવાની જરૂર છે કે અમેરિકા તથા પશ્ચિમની સંસ્કૃતિને ધિક્કારીને તેઓ ત્રાસવાદીઓને સમર્થન આપી રહ્યા હોય એવી છાપ ઉપસે છે. જો સામાન્ય મુસ્લિમોએ કટ્ટર રૂઢીવાદી અને ત્રાસવાદીઓથી પોતાને અળગા રાખવા હોય તો અમેરિકા તથા પશ્ચિમ જગતને વિના કારણ ધિક્કારવાનું એમણે બંધ કરવું જોઇએ.

ઇસ્લામના નામે હિંસા આચરતા ત્રાસવાદીઓનું જોર અત્યારે વધ્યું હોય એવું લાગે છે, પરંતુ ત્રાસવાદની આ એક મર્યાદિત સમસ્યા છે. એની આડ અસરરૂપે જો સામુહિક ધિક્કાર વધુ ફેલાશે તો સમસ્યા અલગ સ્વરૂપ ધારણ કરશે, જે માનવજાતની એક કમનસીબી હશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.