બીજાનો પતંગ કાપવાની મજા
કા...ઈ...પો… છે અને લપેટ… લપેટના બે હર્યાભર્યા દિવસો પૂરા થયા. લોકોએ ખૂબ મજા માણી. પતંગ ચગાવવાની અને વિશેષ તો બીજાના પતંગ કાપીને આનંદની ચિચિયારીઓ કરવાની. ધાબા કે અગાસી પર ખાણીપીણીની મજા ચાલી રહી હોય, નાની મોટી તકરારો ચાલી રહી હોય અને અચાનક અગાસી પરના એક પતંગવીર આકાશમાં બીજા કોઈની પતંગની સાથે લડાવેલા પેચમાં ફતેહ મેળવે એટલે એ ચિલ્લાયઃ કા...ઈ...પો..છે. અગાસી પર હાજર રહેલા બધા જ શોખીનો એક સાથે ચિચિયારી કરે... કા...ઈ… પો… છે... અગાસી પર હાજર રહેલા યજમાનો અને મહેમાનોનું સમીકરણ ગમે એ હોય, પણ અગાસીવાળાએ કોઈની પતંગ કાપી એટલે જલસો આખી અગાસીને પડી જાય. આમાં વિજય સૌ કોઈનો છે એટલે બધા જ મતભેદો ભૂલીને સૌએ એક સાથે મળીને બીજાની પતંગ કાપવાનો આનંદ માણવાનો.
જેને મકર સંક્રાંતિ તહેવાર તથા એની ઉજવણી વિશે વધુ જાણકારી ન હોય એને એમ લાગે કે આ વળી શું? એક પતંગ કાપ્યો એમાં આટલો બધો શોરબકોર? ફક્ત સમજદારી અને બુદ્ધિથી વિચારતા માણસના મનમાં પણ આવો પ્રશ્ન ઉદ્ભવી શકે. હકીકતમાં આમાં નવાઈ પામવા જેવું નથી. સંક્રાંત હોય, રમત ગમત હોય કે રિયલ લાઈફ હોય, બીજાનો પતંગ કાપવાની મજા કંઈક અનોખી હોય છે. અલબત્ત, દર વખતે ફક્ત પતંગ નથી કાપવાનો હોતો અને દર વખતે રમતના નિયમો એક સરખા પણ નથી હોતા. આમ છતાં મૂળભૂત વિચાર એક જ રહે છે અને એ છે બીજાનો પતંગ કાપવાની મજા.
માણસની અંદરની આ વૃત્તિ સંતોષાય એ માટે તો રમત ગમતની શોધ થઈ છે. ક્રિકેટમાં હરીફ ટીમની દરેક વિકેટ પડે ત્યારે ટીમના સભ્યો એક સાથે નાચી કૂદીને કા...ઈ...પો.. છે તો નહીં, પણ અલગ ઉદગારો સાથે પોતાનો આનંદ વ્યક્ત કરે છે. સ્ટેડિયમમાં બેઠેલા ટીમના સપોર્ટરો પણ એવા જ આનંદ સાથે ચિચિયારી કરે છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની વન ડેમાં સેન્ચુરી ફટકારે ત્યારે ભારતમાં ટીવી પર મેચ જોઈ રહેલા લાખો ક્રિકેટચાહકો ઓસ્ટ્રેલિયનોનો પતંગ કાપ્યો હોય એવી ચિચિયારી કરે છે, પણ ત્યારે એમને ખબર નથી હોતી કે ઓસ્ટ્રેલિયનો બેટિંગમાં આવીને ઈન્ડિયન ટીમનો પતંગ કાપી નાંખવાના છે. કા...ઈ...પો... છે ચિલ્લાવાના મોકા ક્રિકેટમાં જેટલા મળે છે એટલા ફૂટબોલમાં નથી મળતા. આખી રમતમાં માંડ બેચાર ગોલ થાય છે. આથી દરેક ગોલ વખતે આખા સ્ટેડિયમમાં ઘોંઘાટનો વિસ્ફોટ થાય છે. મને તો ડાઉટ છે કે ગોલ થાય ત્યરે બંને ટીમના સપોર્ટરો બૂમો પાડતા હશે.
આ તો થઈ રમતગમતની વાત. ખરી મજા તો રિયલ લાઈફમાં બીજાના પતંગ કાપવાની હોય છે. પણ રિયલ લાઈફમાં જરા ચિટિંગ ચાલતી હોય છે. જીવનનો વહેવાર એ રમત નથી. એમાં આપણે અમુક નૈતિક મૂલ્યો સ્વીકારી લીધા છે. એટલે કે ઉપરથી આપણે સૌ એ વાતે સહમત થયા હોઈએ છીએ કે આપણે એકબીજાના પતંગ નહીં કાપવાના. આમ છતાં બીજાના પતંગ કાપવાની મજા કોઈ છોડવા નથી માગતુ એટલે નિયમોનો ભંગ કરીને પણ આપણે એકબીજાના પતંગ કાપતાં જ રહીએ છીએ અને એનો આનંદ પણ લઈએ છીએ. અલબત્ત, બીજાનો પતંગ કાપ્યા પછી આપણે ખુલ્લેઆમ કા...ઈ...પો... છે એવું ચિલ્લાઈ નથી શકતા, પણ મનમાં તો આનંદની ચિચિયારી થાય જ છે.
બિઝનેસમાં દરેક સ્તરે દાવપેચ ખેલાતા હોય છે. કોઈ બિઝનેસમેન ટેન્ડર ભરી ભરીને થાકી જાય અને એને કોન્ટ્રેક્ટ ન મળે. કોઈ પણ સંજોગોમાં કોન્ટ્રેક્ટ મેળવવો જ છે એવું નક્કી કરીને માણસ સાવ એટલે સાવ નીચેના ક્વોટેશનનું ટેન્ડર ભરે અને એનો હરીફ છેલ્લી ઘડીએ કોઈ રમત રમીને કોન્ટ્રેક્ટ્ર પોતાના ખિસ્સામાં નાંખી દે ત્યારે એને કોન્ટ્રેક્ટ મળવાને કારણે થનારા નફાની ખુશી તો હોય છે, પણ સાથોસાથ હરીફનો પતંગ કાપ્યાનો આનંદ પણ હોય છે. એ પોતાની ખુશી ભલે ખુલ્લી રીતે જાહેર નથી કરતો, પણ મનમાં મલકાઈને ધીમેથી તો બોલે જ છે, કા...ઈ...પો.. છે.
આપણા પાડોશીઓ સાથે તો હંમેશાં પેચ લડાવવાની અને એકબીજાના પતંગ કાપવાની સ્પર્ધા ચાલતી જ હોય છે. ઉપર રહેતા નીતા બહેને નવું એ. સી. લીધું ત્યારે તમારા પત્નીને પોતાનો પતંગ કપાઈ ગયો એવું ફીલ થયું હોય તો એની બહુ ફિકર કરવાની જરૂર નથી. થોડા જ સમય પછી પત્ની તમને ન્યૂઝ આપશે. ‘સાંભળો છો? આજે સાંજે નીતા બહેનના નણંદ બજારમાં મળી ગયા હતા. મેં તો એમને ઈન્ફોર્મેશન આપી દીધી કે નીતા બહેને નવું એસી લીધું છે. હવે જોજો મજા. કા...ઈ...પો.. છે.’
જો તમે એમ માનતા હો કે આપણે જેનો પતંગ કાપીએ છીએ બધા હરીફો અને દુશ્મનો હોય છે તો એ વાત પણ ખોટી છે. દોસ્તોના પતંગ કાપનારા પણ આ જગતમાં ઓછા નથી. તમે નવી સ્પોર્ટ્સ કાર લીધા પછી બધા દોસ્તોને પાર્ટી આપવા એક સાથે લોંગ ડ્રાઈવ પર લઇ જવાનું પ્લાનિંગ કરો. કાર્યક્રમ ફિક્સ થઈ જાય અને એક પછી એક દોસ્તના ફોન આવવા માંડે. હુ નહીં આવી શકું. કાર્યક્રમ થઈ જાય ફુસ્સ અને તમારો ઊડતો પતંગ કપાઈ જાય. દોસ્તો પણ ધીમેથી ‘કાઈપો છે ’ બોલી જ લેતા હોય છે.
રાજકારણ તો ક્ષેત્ર જ એકબીજાના પતંગો કાપવાનું છે. વિરોધ પક્ષ અને શાસક પક્ષના નેતાઓ તો એકબીજાના પતંગો કાપવાની પેરવી કરતા જ રહે છે, પણ એક જ પક્ષના નેતાઓ એકબીજાના પતંગ કાપવાની કોશિશ કરે ત્યારે ખરી મજા આવતી હોય છે. સુષ્મા સ્વરાજને ફસાવવા માટે અરુણ જેટલીએ લલિત મોદીને લગતી છૂપી વિગતો લીક કરી અને આખા દેશમાં સુષ્માજી સામે વિરોધનો વંટોળ જાગ્યો ત્યારે અરુણ જેટલીજી પોતાની રૂમમાં બેઠા બેઠા કા...ઈ...પો... છે… નહીં બોલ્યા હોય? ત્યાર પછી કિર્તિ આઝાદે અરુણ જેટલીની આબરુનો ધજાગરો ઊડાવ્યો ત્યારે સુષ્મા સ્વરાજે પણ પોતાના પતિ અને દીકરીની સાથે કા… ઈ… પો… છે…ની બૂમો પાડી જ હશે ને.
કાઈપો છે નો આનંદ એટલો વ્યાપક અને સનાતન છે કે પરિવારજનો પણ એમાં બચી નથી શકતા. પતિ પત્નીના સંબંધો તો એવા ગૂંચવાયેલા હોય છે કે એકબીજાના પતંગ કાપવાની પેરવી તો તેઓ કરતા જ રહે છે. ક્યારેક તો એકબીજાના પતંગ ફાડી નાંખવાની સ્થિતિ પણ આવી જાય છે. નાના ભાઈ-બહેનો મમ્મી પપ્પા સમક્ષ ચાડી ફૂંકીને એકબીજાના પતંગ કાપવાની કળા બચપણથી જ શીખી જાય છે. મોટા થયા પછી પણ નાનો ભાઈ મોટા ભાઈને લગતી ગુપ્ત માહિતિ ઘરમાં લીક કરીને પછી મોટા ભાઈના ફરતે ગાળિયો આવે ત્યારે ધીમેથી બોલી જ નાંખે છે કા...ઈ...પો… છે…
પારિવારિક સંબંધોમાં એકબીજાના પતંગ કાપવાનું અયોગ્ય અને અનૈતિક ગણાય છે એટલે એ કામ છૂપી રીતે કરવું પડે છે. અને આમાં જ ખરી મજા છે. આથી જ સાસ બહુની ટીવી સિરિયલોમાં બેફામ કાપાકાપી જોવા મળે છે અને મહિલા દર્શકો એને ભરપૂર માણે છે. એકતા કપૂરે તો આમાં માસ્ટરી મેળવી છે. એમની ટીવી સિરિયલોમાં મેઈન લીડ કરતાં હંમેશાં નેગેટિવ ભૂમિકા ભજવતા સ્ત્રી પાત્રો વધુ ગ્લેમરસ અને વધુ આકર્ષક હોય છે. મોટા ભાગની કાપાકાપીના સંવાદો અને એક્શન આવા નેગેટિવ પાત્રોના ભાગે જ આવતા હોય છે. વેમ્પ નાની વહુ જ્યારે દાવપેચ ખેલીને સાસુમા સમક્ષ મોટી વહુ સામેનો ચોરીનો આરોપ પૂરવાર કરે ત્યારે તો નાની વહુ ગરીબડું મોઢું રાખે, પરંતુ પોતાની સહેલી સાથે એકલી પડે ત્યારે આંખ સહેજ તિરછી કરીને કાતિલ અવાજમાં બોલે છે, ‘અબ ઉસે પતા ચલેગા કી કમોલિકા (કે મોના કે ડોલી) કિસ મિટ્ટી સે બની હૈ.’ એટલે કે કા...ઈ...પો... છે.
આમ પતંગ તો બધાના કપાય છે માટે એનો હરખશોક કોઈએ ન કરવો અને શક્ય હોય તો બીજાના પતંગ કાપતી વખતે બહુ ચીસાચીસ ન કરવી, કારણ કે આપણા પતંગ પર પણ કપાવાનું જોખમ હંમેશાં લટકતું હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર