છાનો રહીજા, દુનિયાને એની ખોટ નહીં સાલે
તારક મહેતા અને ચીનુ મોદીના અવસાનના પગલે ફેસબુક પર એમને અનહદ અંજલિઓ આપવામાં આવી. વર્ચ્યુઅલ વર્લ્ડમાં જે વાત શાંતિથી પતી ગઈ એ વાતે વાસ્તવિક જગતમાં મોટો ડખો ઊભો થઈ ગયો. બંને સાહિત્યકારોની શોક સભાને લગતો એક વિવાદ ઊભો થઇ ગયો. આપણે જોકે એ વિવાદમાં જરાય નથી પડવું.
ફેસબુકને કારણે એક વાતની શાંતિ થઈ ગઈ છે કે નાનામોટા દરેક કલાકાર, સાહિત્યકાર કે અન્ય ક્ષેત્રનાં અગ્રણીને અવસાન સમયે પૂરતા પ્રમાણમાં અંજલિઓ આપવામાં આવે છે. નાનામાં નાનો સાહિત્યકાર કે કલાકાર એના ભાગની શ્રદ્ધાંજલિ પામ્યા વિના મરી નથી શકતો.
આમાં કંઈ ખોટું નથી. પોતાના પ્રિય કલાકાર કે, સાહિત્યકારના મૃત્યુ પર શોક વ્યક્ત કરવો એ સારા સંસ્કારનું લક્ષણ છે. આમ છતાં હકીકત એ છે કે આ પ્રકારની અંજલિઓથી ક્યાંય કોઈને કશો ફરક પડતો નથી. ક્યારેક એવું લાગે કે અંજલિઓ આપવામાં પ્રમાણભાન નથી જળવાતું તો ક્યારેક એમ લાગે કે વાસ્તવિકતા સાથે એનો કોઈ તાલમેલ નથી.
મૃત વ્યક્તિને અંજલિ આપવા માટે જે શબ્દો વપરાય છે એ તપાસો. મોટે ભાગે એમ કહેવાતું હોય છે કે ફલાણા ભાઇના જવાથી એમના ક્ષેત્રમાં મોટો શૂન્યાવકાશ સર્જાશે. એમની મોટી ખોટ સાલશે. પ્રશ્ન એ થાય કે મોટા ભાગના કલાકારો કે સાહિત્યકારો એમની એક કે બે કૃતિઓ માટે જ પ્રસિદ્ધિ પામ્યા હોય છે. આવા વિશેષ સર્જન પછીના દાયકાઓ સુધી તેઓ સાધારણ સર્જનો જ પેદા કરતા રહે છે. તો પછી એમના મૃત્યુથી સંબંધિત ક્ષેત્રને કઈ રીતે કોઈ ફરક પડે. તારક મહેતાના ‘દુનિયાને ઉંધા ચશ્મા’ને જો તમે ક્લાસિક ગણતા હોવ તો પણ એ વાત યાદ રાખવી પડે કે એવું બીજુ કોઈ સર્જન એમણે જીવતેજીવ પણ કર્યુ નહોતું. આમ, જો તેઓ જીવતા હોત તો પણ પોતાના ક્ષેત્રમાં વિશેષ કોઈ યોગદાન આપવાનાં નહોતા. તો પછી સંબંધિત ક્ષેત્રને એમની ખોટ કઇ રીતે સાલે. હા, એમના સ્વજનો તથા પરિચિતોને દુઃખ જરૂર થાય,પરંતુ એ અલગ મુદ્દો છે.
હવે દુઃખનો મુદ્દો જોઈએ. નિખાલસતાથી કહું તો તારક મહેતા કે ચીનુ મોદીના અવસાનથી મને પોતાને એવું ખાસ દુઃખ નહોતું થયું કારણ કે એ બંનેને હું કયારેય મળ્યો નહોતો. આથી મને એમના માટે કોઈ લાગણીભાવ નહોતો. મારો કહેવાનો મતલબ એ નથી કે જેમણે આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેઓ ખોટા છે. હકીકત એ છે કે જાહેર જીવનની વ્યક્તિ, પરિચિત વ્યક્તિ અને સ્વજનના મૃત્યુ સમયે પેદા થતી લાગણીઓ સાવ અલગ પ્રકારની હોય છે. પરંતુ દર વખતે આ લાગણીઓ વ્યક્ત લગભગ એકસરખી રીતે થતી હોય છે. આના કારણે જ કનફ્યુઝન પેદા થતું હોય છે અને આખી વાત કૃત્રિમ બની જતી હોય છે.
હું માનું છું કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની બહુ નજીકના સ્વજનનો તથા ગાઢ મિત્રો સિવાયના કોઈ પણ માણસ પર દુઃખના ડુંગર તૂટી નથી પડતા. કોઈ પરિચિત વ્યક્તિ કે જાહેર જીવનની વિખ્યાત સેલિબ્રિટીનું અવસાન થાય ત્યારે આપણને એક આંચકો જરૂર લાગે, પળભર મનમાં એક ઉદાસીનતા પણ છવાઇ જાય. પરંતુ એનાથી આપણે કંઇ શોકમાં ગરકાવ થઈને રડારડ ન કરી મૂકીએ. જાહેર જીવનની કોઈ વ્યક્તિના અવસાનનો ખરો શોક ત્યારે થાય અથવા એમની ખોટ સાલશે એવું ત્યારે કહેવાય જ્યારે એ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પૂરી રીતે સક્રિય હોય અને નવું નવું સર્જન કરી રહી હોય. એવા સમયે જો એનું અકાળે અવસાન થાય તો કહી શકાય કે એ વ્યક્તિની ખોટ સાલશે. આ સંદર્ભમાં મને સ્ટીવ જોબ્સનું નામ યાદ આવે છે. આ જિનિયસ આજે જીવિત હોત તો એણે બીજી કેવી કેવી શોધો કરી હોત એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આવી વ્યક્તિની ખોટ ખરેખર સાલે અને એમની જ ખોટ સાલશે એવું કહી શકાય.
આ તો થઈ જાહેર જીવનની વ્યક્તિ વિશેષની વાત. અંગત સંબંધોમાં પરિમાણ અલગ હોય છે. સ્વજનો, મોટેભાગે તો પરિવારજનો અને નજીકના મિત્રોનું દુઃખ એકદમ જેનયુઇન હોય છે. એમને ખરેખર મૃત વ્યક્તિની ખોટ સાલતી હોય છે અને દિવસો સુધી અથવા તો મહિનાઓ સુધી મૃત વ્યક્તિની ગેરહાજરી મહેસૂસ થતી હોય છે. કશુંક ગુમાવ્યાની વેદના એમના માટે અસહ્ય હોય છે. આ જોકે ફકત પરિવારજનો કે ગાઢ મિત્રોના આંતરિક વર્તુળને જ આ લાગું પડે છે. પાડોશીઓ, પરિચિતો, સગાવહાલા તેમજ વ્યવસાય સાથે સંકળાયેલા બહારી વર્તુળના લોકોને આવી કોઈ લાગણી થતી હોતી નથી, છતાં જો કોઈ એવા લાગણીવેડા કરે તો એ ફક્ત દેખાવ હોવાની શક્યતા વધુ હોય છે.
કયારેક તો આ બાહરી વર્તુળના લોકો જ વધુ બૂમાબૂમ કરતા હોય છે અને શોક વ્યક્ત કરવામાં સ્પર્ધા તથા દેખાદેખી પણ તેઓ જ કરતા હોય છે. અલબત્ત આ બાહરી લોકોની એક મોટી ઉપયોગીતા એ હોય છે કે મૃત્યુ પછીની વિધિઓ તથા અન્ય ઔપચારિકતાઓની જવાબદારી તેઓ ઊપાડી લેતા હોય છે. આનું મૂલ્ય ઘણું વધુ છે કારણ કે આંતરિક વર્તુળના લોકો એ જવાબદારી નિભાવવાની સ્થિતિમાં નથી હોતા, બાહરી વર્તુળના લોકોએ આ જવાબદારી નિભાવવા ઉપરાંત આંતરિક વર્તુળના લોકોને સાંત્વના આપવાની હોય છે અથવા પોતાને લાગેલા દુઃખને વ્યક્ત કરવાનું હોય છે. મોટા ભાગના લોચા અહીં જ થાય છે. એક પ્રશ્ન એ પણ છે કે એક માણસ આવા સંજોગોમાં પણ માણસને સાંત્વના કઈ રીતે આપી શકે. આવા સમયે બોલાતા મોટા ભાગના શબ્દો બોદા લાગે છે. એમાં ઔપચારિકતાની અર્થહીનતા સિવાય બીજું કંઈ ભાગ્યે જ હોય છે. જેવી ઇશ્વરની ઈચ્છા, એક દિવસ તો સૌએ ઈશ્વરના દરબારમાં હાજર થવાનું જ છે, ભગવાન સારા માણસોને વહેલા બોલાવી લે છે, તમે મક્કમ નહીં રહો તો બીજાનું શું થશે. હવે વિચારો કે આવા શબ્દોની શું કોઇ અસર થઇ શકે ખરી? સાંત્વના આપતી વખતે એવી કોઇ વાત કહેવાતી નથી, જે મૃત વ્યક્તિના સ્વજનો જાણતા ન હોય. ખરેખર તો તમે જ્યારે સાંત્વના માટેના શબ્દો ઊચ્ચારો છો ત્યારે શોકમગ્ન સ્વજને પોતાની અંગત દુનિયામાંથી બહાર આવવું પડે છે. તમારી વાત સાંભળવા કૃત્રિમ બનવું પડે છે. આમ કરવામાં એમને બહુ તકલીફ થતી હોય છે. જો તમે મૃત વ્યક્તિના સ્વજનને ખરેખર સાંત્વના આપવા માગતા હોવ તો આવા પ્રસંગોએ એકદમ ચૂપ રહેવું જોઇએ. આવા પ્રસંગે આપણો હેતુ ફકત મદદરૂપ થવાનો હોવો જોઇએ. નજીકની વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે માણસ એક ઊંડું દુઃખ અનુભવે છે અને એ સમયે એને એ વેદનાનો અહેસાસ કરવાની મોકળાશ મળવી જોઈએ. મૃત્યુનો મલાજો પાળવાની સાચામાં સાચી રીત કદાચ આ જ છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર