પ્રતિબંધ પર પ્રતિબંધ મૂકો
ગુજરાતમાં પાટીદારો દ્વારા થઈ રહેલા અનામત માટેના આંદોલન દરમિયાન સરકારને ખાસ કોઈ અગવડ ન પડે એ માટે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજ્યભરમાં ઈન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો. આ મહાન કામ એમણે ફક્ત એકવાર નથી કર્યું, જ્યારે જ્યારે હાર્દિક પટેલ વધુ પડતા સક્રીય બને ત્યારે આનંદીબહેન ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દે છે, જાણે નેટ પર પ્રતિબંધ મૂકવો એ કોઈ અમલદારને ઠપકો આપવા જેવી સરળ વાત હોય!
ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકીને આનંદીબહેન જેટલા અપ્રિય થયા છે એટલા તો એમની બિનકાર્યક્ષમતા માટે પણ નથી થયા. રાજકીય નેતા પ્રજાનું ભલું ન કરે તો એની સામે લોકોને હવે ખાસ વાંધો નથી રહ્યો, પણ વિના કારણ સળી કરે એટલે કે ઈન્ટરનેટ જેવી આવશ્યક સેવા પર પ્રતિબંધ મૂકે એ કોઈ હિસાબે ન ચાલે. પ્રતિબંધ મૂકવાની વાત જ ખોટી.
કેન્દ્રમાં અને કેટલાક રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો આવી ત્યારથી જાતજાતના પ્રતિબંધો મૂકવાનું પ્રમાણ વધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને આનંદીબહેન વચ્ચે આ બાબતે સ્પર્ધા ચાલતી હોય એમ લાગે છે. ફડણવીસે તો સરકારની ટીકા કરવા પર જ પ્રતિબંધ મૂકવાની હિલચાલ કરી અને આનંદીબહેનનું હુલામણું નામ હવે નેટબેન છે.
પ્રતિબંધની તકલીફ એ છે કે એ ક્યારેય અસરકારક નથી નીડવતા અને જે ઈરાદાથી એ લાદવામાં આવ્યા હોય છે એ ઈરાદા ક્યારેય બર નથી આવતા. સામાન્ય વ્યવહારમાં પણ તમે કોઈને કહો કે આમ કરો ને આમ ન કરો તો એને પસંદ નથી આવતું. તમે સારી ભાવનાથી કોઈને કેળું ન ખાવાની સલાહ આપશો તો એ ઘરે જઈને બે કેળાં ખાશે એ વાત નક્કી. એના મનમાં એવી ઉત્સુકતા જાગશે કે કેળામાં એવા તે કેવા પૌષ્ટિક તત્ત્વો હશે કે આ ભાઈએ મને કેળા ન ખાવાની સલાહ આપી. એ એમ પણ વિચારે કે આ ભાઈને કેળું ખાવા નહીં મળતું હોય એટલે મને એ ન ખાવાની સલાહ આપે છે. એ બીજું ગમે એ વિચારે પણ જેની ના પાડવામાં આવે એ કામ એ જરૂર કરશે. અંગ્રેજીમાં કહેવાય છે કે, ‘ફોરબિડન ફ્રુટ્સ આર સ્વીટેસ્ટ.’
નાટકો અને ફિલ્મો પર પણ અવારનવાર સેન્સરશીપ આવે છે, એમના પર પ્રતિબંધ લાદવામાં આવે છે. એનું પરીણામ હંમેશાં એ જ આવે છે કે એ પ્રતિબંધિત નાટકો કે ફિલ્મો માણવાની લોકોમાં ઉત્સુકતા વધે છે. મોટા ભાગના કિસ્સામાં એવું બને છે કે, પ્રારંભમાં પ્રતિબંધ આવે અને પછી પૂરી પબ્લિસિટી થઈ જાય ત્યારે પ્રતિબંધ ઊઠાવી લેવામાં આવે છે. આ રીતે નિર્માતાને ધૂમ કમાણી થાય છે. આથી જ ઘણા નિર્માતા નાટક કે ફિલ્મના મૂહુર્ત વખતે જ એવી પ્રાર્થના કરતા હોય છે કે એમની ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવે!
ગુજરાતમાં દારૂબંધી છે એટલે કે દારૂ પીવા પર કાયદેસરનો પ્રતિબંધ છે, છતાં રાજ્યમાં દારૂ કેટલો પીવાય છે એનો અંદાજ ગેરકાયદે જે પ્રમાણમાં દારૂ જપ્ત કરાય છે એના પરથી આવે છે. જ્યાં દારુબંધી નથી એવા રાજ્યોમાં પણ અમુક દિવસો ડ્રાય ડે જાહેર કરવામાં આવે છે. ગાંધી જયંતિ, પંદરમી ઓગસ્ટ વગેરે દિવસોએ દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ હોય છે. અહીં પણ ડ્રાય ડેના રોજ દારૂના શોખિન લોકો દારૂ શોધવા નીકળી પડે છે. કારણ ફક્ત એક જઃ પ્રતિબંધ.
માણસનું મન વાંદરા જેવું છે. જે ન કરવાનું કહેવામાં આવે એ કામ પહેલા કરે. પ્રતિબંધો તોડવાની ઈચ્છા એના માટે કુદરતી છે. કોઈ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે વર્ષમાં માંડ એકાદ ફિલ્મ જોનારા પણ એ પ્રતિબંધનો વિરોધ જોરશોરથી કરશે. હમણાં કેન્દ્ર સરકારે એન્ક્રિપ્શન નીતિ જાહેર કરી અને એમાં વ્હોટ્સ એપ તથા ઈમેઈલ વગેરેના મેસેજીસ નેવું દિવસ સુધી સાચવી રાખવાનું ફરમાન હતું. જોકે આમાં ટેકનિકલ લોચા ઘણા હતા, છતાં લોકો સરકારની નીતિની ટીકા કરવા માંડ્યા. મૂળ વાત એ છે કે સામાન્ય સંજોગોમાં લોકો વ્હોટ્સ એપ અને ઈમેઈલના મેસેજીસ દિવસો સુધી સાચવી રાખતા હોય છે. છતાં સરકારે પ્રતિબંધ લાદ્યો એટલે લોકો એવી ટીકા કરવા માંડ્યા કે આ નહીં ચાલે. આજકાલ મેમરીની કોઈ અછત નથી. GBની તો નદીઓ વહે છે, છતાં સરકારે નેવું દિવસ સુધી એ મેસેજીસ ડિલિટ કરવા પર પ્રતિબંધ મૂક્યો એટલે એનો વિરોધ થયો.
પ્રતિબંધ લાદવાની વાત જ મૂળભૂત રીતે ખોટી છે. એમાંય પુખ્ત ઉંમરના નાગરિકોને શું ન કરવું એ શીખવવાનું યોગ્ય નથી. ઈન્ટરનેટની સુવિધાને લીધે પોર્નોગ્રાફીનું દૂષણ વધે એ શક્ય છે, પરંતુ પોર્નોગ્રાફીની સાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાથી એ સમસ્યાનો ઉકેલ નથી આવવાનો. એ વિશે લોકો પોતે જ યોગ્ય સમયે પરીપક્વતા દાખવશે. પાટીદારોના આંદોલનને કારણે ગુજરાત સરકારે ઈન્ટરનેટના ઉપયોગ પર પ્રતિબંધ લાદવાની બાલિશતા દેખાડી એના પરીણામે ફક્ત આનંદીબહેને નહીં, સમગ્ર પક્ષે ભોગવવા પડશે. પાટીદારો તો પક્ષથી દૂર થયા જ થયા, પણ નેટબેનને કારણે હેરાન થયેલા લોકો પણ આ સરકારથી ખિન્ન થઈ ગયા છે.
ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ વરસોવરસ એની અસરકારકતા ઓછી થઈ રહી છે. કેટલાક લોકો કહે છે કે ગુજરાતમાં દારૂના દૂષણને નાબૂદ કરવું હોય તો દારૂબંધી ઊઠાવી લો. ક્રિકેટમાં પણ મેચ ફિક્સિંગ જેવા દૂષણને દૂર કરવા માટે એવાં જ સૂચન કરવામાં આવે છે કે ક્રિકેટ પરના જુગારને કાયદેસર બનાવો એટલે કે જુગાર પરના પ્રતિબંધને ઊઠાવી લો.
પ્રતિબંધનો વિરોધ કરવો એ માણસનું મૂળભૂત લક્ષણ છે. વાત સાચી હોય કે ખોટી, પણ જો કોઈ બળજબરીપૂર્વક કહે તો લોકોને એ નથી ગમતું. સરકાર કે અન્ય કોઈ તંત્ર પ્રતિબંધ લાદે એ તો બિલકુલ ન ચાલે. કેટલાક લોકો તો કોઈ પણ પ્રકારના પ્રતિબંધનો વિરોધ નોંધાવવા માટે જાણીતા છે અને જ્યારે પણ આવી જરૂર ઊભી થાય ત્યારે એમનો સૌથી પહેલા સંપર્ક સાધવામાં આવે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોએ આવા પ્રતિબંધોનો વિરોધ કરીને જ પોતાની કરિયર બનાવી છે.
સરકાર કે અન્ય તંત્રો દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો ક્યારેય અસરકારક નીવડતા નથી, પણ સ્વેચ્છાએ સ્વીકારેલા પ્રતિબંધોને લોકો પૂરી કાળજીથી પાળે છે. સામાજિક વહેવારના દરેક સ્તર પર કેટલાક વણલખેલા પ્રતિબંધો હોય છે અને એને લોકો ક્યારેય નથી તોડતા. જેમ કે, સોશિયલ ગેધરિંગ કે અન્ય પ્રસંગોએ કોઈ સુંદર સ્ત્રી સાથે તમારી ઓળખાણ થાય અને એને ચુંબન કરી દેવાનું મન થઈ જાય તો પણ તમે એ કરતા નથી. એવું નથી કે આવું કરવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પણ તમે સમજી વિચારીને જ એવું પગલું નથી ભરતા. એમ તો તમારી પત્ની ગમે એટલી પાતળી અને અશક્ત દેખાતી હોય, છતાં એના દ્વારા તમારા પર લાદવામાં આવેલા વણલખ્યા પ્રતિબંધોની યાદી તૈયાર કરો તો પાનાંના પાનાં ભરાઈ જાય. અને આ બધા જ પ્રતિબંધોને તમે ક્યારેય નથી તોડતા.
પ્રતિબંધ હોય તો એ આપણો પોતાનો હોય, સરકાર દ્વારા લાદવામાં આવેલો નહીં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર