સિંધુ- સાક્ષીની સિદ્ધિઃ પ્રેરણાનો સ્ત્રોત કે ઉત્તેજનાની પળ?

22 Aug, 2016
12:00 AM

નિખિલ મહેતા

PC:

સાક્ષી મલિક અને પીવી સિંધુએ રિયો ઓલિમ્પિક્સમાં ચંદ્રકો મેળવ્યા એ પછીનો યુફોરિયા આપણે માણ્યો અને હજુય માણી રહ્યા છીએ. અનેક નેતાઓ તથા મહાનુભાવો એમ કહે છે કે આ બંને ખેલાડીઓ દેશની કરોડો તરુણીઓ માટે પ્રેરણા બની છે. એટલે કે આ ખેલાડીઓની સિદ્ધિ જોઇને અન્ય છોકરીઓને જીવનમાં કંઇક સિદ્ધિ પ્રાપ્ત કરવાની પ્રેરણા મળશે. હું નમ્રપણે માનું છું કે સાક્ષી અને સિંધુની સફળતાથી દેશની છોકરીઓને એવી કોઇ પ્રેરણા નહીં મળે. ઘણાને આ વાત નહીં ગમે અને મને પણ ખબર છે કે આવું કહીને ભાગી ન જવાય એટલે ચાલો, કૂવાની અંદર થોડા ઊતરીએ.

સૌથી પહેલા તો આ સિંધુ- સાક્ષીનો હિસાબ કિતાબ મેળવીએ. આ બંને દીકરીઓએ આપણા દેશની લાજ રાખી અને એમની સિદ્ધિ જોઇને દેશની કરોડો નહીં તો લાખો છોકરીઓને પ્રેરણા મળશે એવો દાવો થાય છે. શું ખરેખર અન્ય ખેલાડીની સફળતા જોઇને કોઇને પ્રેરણા મળે ખરી? દલીલ એવી કરી શકાય કે આ કોઇ નાની સૂની સિદ્ધિ નથી, ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતમાં ચંદ્રક મેળવવાનું પરાક્રમ છે. ઓકે. તો પછી તો પછી ઓલિમ્પિક્સમાં ચંદ્રકો મેળવી ચૂકેલા આપણા ખેલાડીઓને યાદ કરો. ધ્યાનચંદથી માંડીને અભિનવ બિન્દ્રા. એમનામાંથી પ્રેરણા લઇને બીજા કેટલા ખેલાડીઓ એ સ્તર સુધી પહોંચી શક્યા? છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો વિજય કુમાર, સાઇના નેહવાલ, મેરી કોમ, યોગેશ્વર દત્ત, સુશીલ કુમાર વગેરે જેવા ખેલાડીઓ જ્યારે પણ મેડલ જીત્યા ત્યારે દેશમાં આવા જ ઉત્સાહનું વાતાવરણ જામ્યું હતું, પરંતુ પછી એમનામાંથી પ્રેરણા મેળવવાના કિસ્સા ખાસ બન્યા નથી. જો એવું બન્યું હોત તો આ વખતની ઓલિમ્પિક્સમાં ભારતના મેડલ્સની સંખ્યા કમ સે કમ ડબલ ડિજિટમાં તો હોત. પ્રકાશ પદુકોણ જેવા મહાન બેડમિંગ્ટનના ખેલાડી ઘરમાં હોવા છતાં દીકરી દીપીકાને ફિલ્મ અભિનેત્રી બનવાની પ્રેરણા ક્યાંથી મળી હશે એ ઉત્સુકતા જગાવે એવો પ્રશ્ન છે. વાંક સિંધુ- સાક્ષીનો, તેઓ યુવાનોને પ્રેરણા આપશે એવું કહેનારા નેતાઓ કે અન્ય મહાનુભાવોનો નથી. વાત ફક્ત એટલી જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવીને કોઇ ખેલાડી અન્ય લોકોને પ્રેરણા આપી શકતા નથી એ એક હકીકત છે.

જ્યારે પણ કોઇ ખેલાડી મોટી સફળતા મેળવે છે, ખાસ તો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ મળે એવી સિદ્ધિ મેળવે છે ત્યારે દેશભરમાં ઉત્તેજનાનું એક મોજું ફેલાય છે. ઇલેક્ટ્રોનિક તથા સોશિયમીડિયાને કારણે આ મોજાંની વેલોસિટી જરા વધુ ઊંચી હોય છે. આવી હાઇપમાં રાજકીય નેતાઓથી માંડીને સમાજના અન્ય અગ્રણીઓએ સિદ્ધિ મેળવનાર ખેલાડી વિશે બે શબ્દો બોલવાના હોય છે. તો શું બોલવું? આ પ્રશ્નના ઉકેલ તરીકે કદાચ એ વાક્યનો જન્મ થયો હશે કે 'દેશના કરોડો યુવાનોને આ ખેલાડીની સિદ્ધિમાંથી પ્રેરણા મળશે.' વાક્ય સારું છે એટલે પછી તો બેફામપણે એનો ઉપયોગ થવા માંડ્યો છે.

મૂળ વાત એ છે કે પ્રેરણા એ કોઇ ફેસબુકની લાઇક નથી કે એટલી સરળતાથી અને મફતમાં મળી જાય. સાચી પ્રેરણા એક એવી લાગણી છે, જે તમારા માનસપટલ પર છવાઇ જાય અને તમારી વિચારવાની ઢબ બદલી નાંખે, તમારી કામ કરવાની પદ્ધતિ બદલી નાંખે અને તમને એક ધ્યેય નક્કી કરવાનું બળ પૂરું પાડે.

વ્યક્તિને પ્રેરણા ક્યાંથી અને કઇ રીતે મળે એનું કોઇ ચોક્કસ ગણિત ઉપલબ્ધ નથી. ક્યારેક ક્યાંક દૂર દૂર બનેલી ઘટનામાંથી માણસને કોઇક પ્રેરણા મળી જાય છે. જેમ કે બ્રિટનમાં 86 વર્ષની ઉંમરે મેરેથોનમાં ભાગ લેનારી મહિલા વિશે વાંચીને ભારતમાં કોઇને જોગિંગ કરવાની પ્રેરણા મળી શકે છે. જોકે દૂર બનેલી ઘટના કરતાં નજીક બનેલી ઘટનાથી પ્રેરણા મળવાની શક્યતા વધુ હોય છે. ચાર મહિના પછી મળેલા કોઇ મેદસ્વી પરિચીત સાવ સ્લીમ દેખાય તો એનું કારણ પૂછવાનું મન થાય અને જો તેઓ એમ કહે કે ખાસ કંઇ નહીં, રોજ એક કલાક વોકિંગ કરું છું તો તમને વોકિંગ માટેની જે પ્રેરણા મળે એ વધુ મજબૂત હોય. આથી જ પી.વી. સિંધુ અને સાક્ષી મલિકની સફળતા કરતાં સ્વબળે આગળ આવેલી કઝીન, ફ્રેન્ડની મમ્મી કે ટીચરની સંઘર્ષમય જિદંગી છોકરીઓને વધુ અસરકારક પ્રેરણા આપી શકે.

સિંધુ- સાક્ષીની વાત કરીએ તો આ બંને છોકરીઓ સેલિબ્રિટી બની ગઇ છે એટલે તેઓ અન્યોને પ્રેરણા આપી શકે એ દાવાને જરા અલગ સંદર્ભમાં પણ જોઇ શકાય. પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવનાર દરેક સેલિબ્રિટિનો એક ચાહકવર્ગ છે. આ ચાહકો પોતાના આઇડલ માટે અહોભાવ ધરાવતા હોય છે. એમના માટે તેઓ થોડોઘણો ભોગ આપવા પણ તૈયાર હોય છે અને એમની નકલ કરવાની ઇચ્છા પણ ધરાવતા હોય છે. આ રીતે અનુકરણથી પ્રારંભ કરીને તેઓ કંઇક સિદ્ધ કરવાની કોશિ કરી શકે છે. આમાં પણ દૂરની સેલિબ્રિટી કરતાં નજીકની સેલિબ્રિટી વધુ અપીલિંગ હોય છે. સાક્ષી મલિકમાંથી પ્રેરણા લઇને આણંદની કોઇ છોકરી કુસ્તીબાજ બનવા માટે પ્રેરાય એવી શક્યતા ઓછી છે. જય વસાવડા, સંજય છેલ, ઉર્વિશ કોઠારી વગેરે જેવા લોકપ્રિય લેખકોમાંથી પ્રેરણા લઇને લેખક બનવા માગતા ગુજરાતી યુવાનો કંઇક સિદ્ધ કરે એવી શક્યતા હંમેશાં વધુ હોય છે.

ખરેખર તો પ્રેરણાનું જીવનમાં એક ગેમચેન્જર જેટલું મહત્ત્વ છે. આથી જ એ મેળવવા માટે લોકો સભાન રીતે પ્રયાસો કરતા હોય છે. કોઇ ધાર્મિક પ્રવચનો સાંભળે છે તો વિદ્વાનોના લેક્ચર્સ સાંભળે છે. કોઇ પુસ્તકો વાંચે છે તો કોઇ ગુગલમાં સર્ચ કરતા રહે છે. પ્રેરણાની આવી મોટી ડિમાન્ડને લીધે એનું એક મોટુ માર્કેટ વિકસ્યું છે. પશ્ચિમમાં તો સેલ્ફ હેલ્પના પ્રેરણાદાયક પુસ્તકો દાયકાઓથી છપાય છે અને વેચાય છે. હવે ગુજરાતીમાં પણ એનો વ્યાપ વધ્યો છે. સફળતા મેળવવા માટે તમને પ્રેરણાબદ્ધ રીતે તૈયાર કરતા મોટિવેશનના વર્કશોપ તથા શોર્ટ ટર્મ કોર્સ પણ યોજાતા હોય છે. જીતેન્દ્ર અઢિયા અને સ્નેહ દેસાઇ જેવા વક્તાઓ મોટિવેશનના નિષ્ણાતો છે અને એમના વક્તવ્યો બહુ જ પ્રભાવશાળી હોય છે. એ સાંભળીને કોઇનો પણ સુષુપ્ત આત્મા જાગી ઊઠે એવી એમાં તાકાત હોય છે.

એક રીતે જોઇએ તો પ્રેરણા એક વ્યક્તિગત બાબત છે. કોઇ વાત એવી નથી હોતી, જેનાથી સૌ કોઇને એકસરખી પ્રેરણા મળે. જો એવું હોત તો 'થિન્ક એન્ડ ગ્રો રિચ' વાંચીને કરોડો લોકો અબજોપતિ બની ગયા હોત. માણસને જે જોઇતું હોય એ મેળવવા માટેની ગડમથલ એના મનમાં સતત ચાલતી જ હોય છે. અનેક બાબતોમાં એ દ્વિધા અનુવતો હોય છે, અસમંજસમાં હોય છે. એની અંદરની આ ગડમથલ હટાવી દે એવી કોઇ વાત જ્યારે એની સામે આવે ત્યારે માણસને આગળ વધવા માટેની ખરી પ્રેરણા મળતી હોય છે.

મોટિવેશનના નિષ્ણાતો આ વાત બહુ સારી રીતે જાણતા હોય છે અને તેઓ માણસની આવી દ્વિધાઓ જ દૂર કરતા હોય છે, જેથી એને આગળ વધવાનું જોશ ચડે. સારા પ્રવચનો અને પુસ્તકોમાં પણ ક્યારેક આ પ્રકારના ઉકેલો મળી રહે છે, પરંતુ મુખ્ય સમસ્યા સાવ અલગ છે.

પ્રેરણાને લગતી મુખ્ય સમસ્યા એ છે કે એ હાથમાં તો આવે છે, એનો સ્પર્શ પણ થાય છે, પરંતુ એ લાંબો સમય ટકતી નથી. આસપાસમાં બનતી ઘટનાઓ જોઇને, કોઇની રેગ્સ ટુ રિચીસ કહાણી સાંભળીને, પ્રવચન સાંભળીને કોઇના સ્વાનુભવ જાણીને આપણને પ્રેરણા તો અવારનવાર મળતી હોય છે પરંતુ એ ક્ષણજીવી સાબિત થતી હોય છે. આથી જ આવી પ્રેરણા ફક્ત એક ઉત્તેજના, એક સ્ટિમ્યુલન્ટ બની રહે છે. જેવા આપણે રોજિંદી જંજાળમાં પડીએ કે તરત પ્રેરણાનું બાષ્પીભવન થઇ જાય છે. ફરી આપણે રૂટિન લાઇફમાં ખોવાઇ જઇએ છીએ.

છેવટે એટલું કહી શકાય કે પ્રેરણાને જે વ્યાપક અર્થમાં જોવામાં આવે છે એ હકીકતમાં એક સ્ટીમ્યુલન્ટ જ હોય છે. કંઇક સિદ્ધ કરવાની ઇચ્છાનો કદાચ એ સ્ટાર્ટિંગ પોઇન્ટ છે. ખરી પ્રેરણા તો એ હોય જે તમને શરૂઆતથી અંત સુધી, ધ્યેય પૂરું થાય ત્યાં સુધી ટકી રહેવાનું બળ પૂરું પાડે. સિંધુ- સાક્ષીની સિદ્ધીને મીડિયામાં જે પ્રસિદ્ધિ મળી રહી છે એ જોઇને યુવાનોનાં મનમાં ચેમ્પિયન ખેલાડી બનવાની ઇચ્છા થઇ જાય એ શક્ય છે, પરંતુ એ ક્ષણિક ઉત્તેજના છે. એને પ્રેરણા ગણવી હોય તો આપણને એની છૂટ છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.